ભારત અમેરિકા સબસે અચ્છે દોસ્ત : મિડ-ટર્મ ચૂંટણી માટે ટ્રમ્પનું સૂત્ર
ભારતીય મૂળના મતદારોને આકર્ષવા નવો કીમિયો
અમેરિકન સંસદમાં રિપબ્લિકન પાર્ટીને બહુમતી અપાવીને ૨૦૨૪માં ફરી ચૂંટણી લડવાનો ટ્રમ્પનો સંકેત
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી અમેરિકન સંસદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય મૂળના મતદારો માટે નવું સૂત્ર આપ્યું છેઃ ભારત ઓર અમેરિકા સબસે અચ્છે દોસ્ત. ૩૦ સેકન્ડનો વીડિયો રીલિઝ થયો.
રિપબ્લિકન પાર્ટીએ એક વીડિયો રીલિઝ કર્યો છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક સૂત્ર આપી રહ્યા છે ઃ ભારત ઓર અમેરિકા સબસે અચ્છે દોસ્ત. આ વીડિયોથી ટ્રમ્પે ભારતીય મૂળના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. નવેમ્બરમાં અમેરિકામાં મિડટર્મ ચૂંટણી થશે. એ ચૂંટણીમાં અમેરિકન સંસદમાં રિપબ્લિકન પાર્ટીને બહુમતી અપાવવાનું ટ્રમ્પનું લક્ષ્યાંક છે. આ ચૂંટણી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે સેમિફાઈનલ જેવી હોય છે. એમાં વિજય મેળવીને ટ્રમ્પની ગણતરી ફરીથી ૨૦૨૪માં પ્રમુખપદની ચૂંટણી લડવાની છે. ભારતીય મતદારોને પોતાની તરફ આકર્ષવા રિપબ્લિકન પાર્ટીએ પ્રયાસો શરૃ કરી દીધા છે. રિપબ્લિકન હિન્દુ કોલિશન નામની રિપબ્લિકન પાર્ટીના સમુહે ટ્રમ્પનો વીડિયો રીલિઝ કર્યો છે. એ વીડિયોમાં ટ્રમ્પ હિન્દીમાં વાક્યો બોલવાની પ્રેક્ટિસ કરતા હોય એવું જણાઈ રહ્યું છે.