અમેરિકાની FBIના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં એક ગુજરાતીનો પણ સમાવેશ, જાણો શું છે મામલો
image : Twitter
વોશિંગ્ટન, તા.3 જૂન 2023,શનિવાર
અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈ દ્વારા એક ગુજરાતી મૂળના નાગરિકને મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં મુકવામાં આવ્યો છે આમ છતા તે પકડમાંથી બહાર છે.
એફબીઆઈ દ્વારા ઘણા પ્રયત્નો પછી પણ તેની ધરપકડ કરી શકાઈ નથી અને તેના કારણે તપાસ એજન્સીએ આ પગલુ ભર્યુ છે.સાથે સાથે તેને પકડવા માટે મદદ કરનારને બે કરોડ રૂપિયાનુ ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.
મામલો એવો છે કે, મૂળ અમદાવાદના વિરામગામ વિસ્તારના રહેવાસી તેમજ અમેરિકાના મેરિલેન્ડ રાજ્યમાં રહેતા ભદ્રેશ પટેલ પર 2015માં પોતાની પત્નીની કોફી શોપમાં હત્યાનો આરોપ મુકાયો હતો. તે સમયે ભ્રદેશની ઉંમર 24 વર્ષ અને પત્નીની ઉંમર 21 વર્ષ હતી. તેણે દુકાનની પાછળના રૂમમાં પણ સંખ્યાબંધ વખત પત્નીને માર માર્યો હોવાનો આરોપ મુકાયો હતો. પોલીસનુ માનવુ હતુ કે, પત્ની પાયલ પટેલ ભારત પાછી ફરવા માંગતી હતી અને આ મુદ્દે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પલકની હત્યા થઈ તેના એક મહિના પહેલા જ તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી.
સ્થળ પરથી પોલીસને પાયલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. કોફી શોપમાંથી તે વખતે ભદ્રેશ પટેલ ફરાર થઈ ગયો હતો.
ભદ્રેશ પટેલ માનવ તસ્કરી કરતી ગેંગની મદદથી અમેરિકાની બહાર નીકળવામાં સફળ થઈ ગયો હોવાનુ મનાય છે. તે કેનેડા અથવા ઈક્વાડોર પણ ગયો હોવાની પોલીસને આંશકા છે. છેલ્લે તે ન્યૂજર્સીની એક હોટલ પાસેથી રેલવે સ્ટેશન સુધી ટેક્સીમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો.
એફબીઆઈએ હવે તેને મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં સામેલ કર્યો છે પણ તે હજી ફરાર છે અને હવે તેના પર ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે.