Updated: Nov 28th, 2022
ડલાસ, તા. 28 નવેમ્બર, 2022
શ્રીનાથજીની અસીમ કૃપા અને પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી, ડલાસ, ટેક્સસ VYO દ્વારા સ્થાપિત શ્રીનાથધામ હવેલી ખાતે 13મી નવેમ્બર રવિવારના રોજ ભવ્ય અન્નકૂટ ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવની શરૂઆત રાજીવભાઈ અને ગોપાલભાઈ દ્વારા ગોવર્ધન પૂજા કરીને કરવામાં આવી. ત્યારબાદ VYO પ્રવૃત્તિઓની અને ચોરડી ગામમાં વિશ્વ મહા વૈષ્ણવ સંમેલનની માહિતી આપી હતી. શ્રીનાથજી અને શ્રીબાલકૃષ્ણલાલજીને સ્થાનિક વૈષ્ણવો દ્વારા તૈયાર કરાયેલી 150થી વધુ સામગ્રી ધરાવવામા આવી હતી.
ડલાસ એરિયાના સેંકડો ભાવુક વૈષ્ણવો આ ઉત્સવમાં જોડાયા હતા. બધા જ વૈષ્ણવો અન્નકૂટના દર્શન કરી કૃતાર્થ થયા અને અન્નકૂટના પ્રસાદનો આનંદ માણ્યો હતો. વૈષ્ણવો VYOના પદાધિકારીઓને શ્રીનાથધામ હવેલીની સ્થપાના કરવા બદલ આભારી છે. સ્નેહલભાઈ, મહેશભાઈ, પ્રફુલભાઈ, વિશાલભાઈ, નિલેશભાઈ, સેજલબેન, પિયુષભાઇ, રાજેશભાઈ, કોકિલાબેન, કરીનાબેન, ક્રિષ્નાબેન, કેષાબેન, રોમાબેન મથુરભાઈ સહિતના સર્વે ભગવદીય સ્વયંસેવકોએ આ ભવ્ય ઉજવણીની તૈયારી માટે અથાગ મહેનત કરી છે. ડલાસ હવેલી શુક્રવાર, શનિવાર અને રવિવારે લોકો માટે દર્શન અર્થે ખુલ્લી છે. 6 થી 16 વર્ષની વયના જૂથ માટે VYO શિક્ષણ વર્ગો ડિસેમ્બરથી શરૂ થશે. જ્યાં તેઓ પુષ્ટિમાર્ગ અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિની સાથે સનાતન વૈદિક ધર્મ વિશે શીખી શકશે.
નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.