Get The App

વર્ક વિઝા પર લટકતી તલવાર! ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાશે, છોડવું પડશે USA

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
વર્ક વિઝા પર લટકતી તલવાર! ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાશે, છોડવું પડશે USA 1 - image


USA May Cancel OPT Program: અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ દ્વારા નવું બિલ રજૂ કરાતાં ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં ખાસ કરીને સાયન્સ, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) કોર્સમાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વર્ક વિઝા કેન્સલ થવાનું જોખમ વધ્યું છે. 

યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ રદ કરવાની માગ કરતું બિલ રજૂ કર્યું છે. આ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ કામનો અનુભવ મેળવવા માટે ત્રણ વર્ષ સુધીનો વર્ક વિઝા મળે છે. પરંતુ તેને દૂર કરવાની માગ સાથે લાખો ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન રોળાઈ શકે છે. 

ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાશે

મીડિયા રિપોર્ટ અનુસાર, શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન અમેરિકામાં અભ્યાસ અર્થે સૌથી વધુ પ્રવેશ મેળવનારાઓમાં ભારતીયો ટોપ પર હતા. અંદાજે 3,31,602  ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા. જે અગાઉના વર્ષની તુલનાએ 23 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જેમાંથી 97,556 વિદ્યાર્થીઓએ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. અમેરિકામાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે જો OPT માર્ગ બંધ કરાશે, તો તેમનું અમેરિકામાં ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન રોળાશે.

આ પણ વાંચોઃ સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો, 13 એપ્રિલ બાદ આ વિઝા મળશે નહીં

આ પ્રસ્તાવ માસ ડિપોર્ટેશનનો એક ભાગ

ટ્રમ્પ સરકારનો આ પ્રસ્તાવ માસ ડિપોર્ટેશનનો એક ભાગ છે. ટ્રમ્પ સરકાર સતત એન્ટી ઇમિગ્રન્ટ પોલિસી મુદ્દે કામ કરી રહી છે. તે મોટાપાયે ડિપોર્ટેશન અને વિઝા નિયમોને વધુ કડક બનાવવાના પ્રયાસ સાથે અમેરિકા ફર્સ્ટ નીતિને વેગ આપવા માગે છે. જેથી સ્ટુડન્ટ્સ માટે એફ-1 અને એમ-1 વિઝાધારકો પર સંકટના વાદળો વધ્યા છે. હજારો ભારતીયો આ ઉનાળાના વેકેશનનો ટ્રાવેલિંગ પ્લાન રદ કર્યો છે. તેઓમાં સતત ભય છે કે, તેમને ફરી અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ગૂગલ, એમેઝોને પણ વિદેશી કર્મચારીઓને કર્યાં એલર્ટ 

ટ્રમ્પની આકરી વિઝા પોલિસીના કારણે વિશ્વની દિગ્ગજ ટેક્. કંપનીઓ ગુગલ એમેઝોને પણ પોતાના વિદેશી સ્ટાફને એલર્ટ કરી અમેરિકા ન છોડવા સલાહ આપી છે. એચ-1બી વિઝા પ્રત્યે પણ ટ્રમ્પનું આકરૂ વલણ હોવાથી તે પુનઃપ્રવેશ તેમજ નવા પ્રવેશ પર પ્રતિબંધ લાદી શકે તેવી ભીતિ સર્જાઈ છે. વધુમાં OPT હેઠળ વધુને વધુ લોકો ઝડપથી નોકરી માટે અપ્લાય કરી રહ્યા છે. OPT હેઠળ વર્ક વિઝા ધરાવતા લોકો પોતાનું સ્ટેટ્સ H-1B વિઝામાં તબદીલ કરવા અરજી કરી રહ્યા છે. કોર્નેલ, કોલમ્બિયા અને યેલ જેવી જાણીતી યુનિવર્સિટીઓએ પણ તેમના વિદેશી વિદ્યાર્થીઓને ઘરે ન જવા સલાહ આપી છે.

શું છે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ?

ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ અમેરિકામાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન બાદ એક વર્ષ માટે નોકરી શોધવાનો સમય આપે છે. STEM ગ્રેજ્યુએટ્સને ત્રણ વર્ષ સુધીનો સમય મળે છે. જેમાં તેઓ કામની શોધ કરી કામ કરવાની મંજૂરી મેળવે છે. જો તેને રદ કરવાનો પ્રસ્તાવ મંજૂર થયો તો વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તાત્કાલિક ધોરણે અમેરિકા છોડી ઘરે પરત ફરવું પડશે. તેમજ એચ-1બી વિઝા માટે અરજી પ્રક્રિયા પણ ઝડપી બનાવી શકે છે. અમેરિકામાં વધુ રોકાણ માટે વિદ્યાર્થીઓએ નવા કોર્સમાં એડમિશન લેવું પડશે. 

વર્ક વિઝા પર લટકતી તલવાર! ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાશે, છોડવું પડશે USA 2 - image

Tags :