Get The App

ઓસ્ટ્રેલિયામાં 23 વર્ષીય ભારતીય પર વંશીય હુમલો, અપશબ્દો બોલી ઢોરમાર માર્યો, એકની ધરપકડ

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયામાં 23 વર્ષીય ભારતીય પર વંશીય હુમલો, અપશબ્દો બોલી ઢોરમાર માર્યો, એકની ધરપકડ 1 - image


Indian Student Brutally Assaulted In Australia: આર્યલેન્ડના ડબલીન બાદ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં પણ એક ભારતીય વંશીય હુમલાનો ભોગ બન્યો હોવાના અહેવાલો મળ્યા છે. એડીલેડના રસ્તા પર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ચરણપ્રીત સિંહ લોહી-લુહાણ-બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેના પર વંશીય ટોળાએ કાર પાર્કિંગના નજીવા ઝઘડામાં હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ચરણપ્રીત સિંહે જણાવ્યું હતું કે, કિન્ટોર એવેન્યુ નજીક 19 જુલાઈના રોજ રાત્રે કાર પાર્કિંગ મુદ્દે નજીવી તકરાર થઈ હતી. જેમાં વંશીય ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. તેને મુક્કા પર મુક્કા મારી અપશબ્દો કહ્યા હતાં. બાદમાં તેને ઢોરમાર મારી અધમુઓ મૂકી જતાં રહ્યા હતાં. ચરણપ્રીતે બચાવમાં તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ એકસાથે હુમલો કરતાં તે બેભાન થયો હતો. તેને બ્રેઈન ટ્રોમા, મોઢા પર અનેક ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ આયર્લેન્ડમાં ભારતીય યુવક પર વંશીય હુમલો: કપડાં ઉતારી બ્લેડ મારી, મંત્રી અને પોલીસે જુઓ શું કહ્યું

ઓસ્ટ્રેલિયા પોલીસે કરી ધરપકડ

સાઉથ ઓસ્ટ્રેલિયા પોલીસે 20 જુલાઈના રોજ રવિવારે આ હુમલામાં સંડોવાયેલા 20 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. જો કે, અન્ય હુમલાખોર ફરાર થવામાં સફળ રહ્યા હતાં. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આ હુમલા બાદ ઓસ્ટ્રેલિયા અને ખાસ કરીને એડિલેડમાં વસતા ભારતીય સમુદાયોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઈમિગ્રન્ટ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે.

હોસ્પિટલમાંથી ચરણપ્રીતે આપ્યું નિવેદન

ચરણપ્રીતે હોસ્પિટલમાંથી પોલીસને આ હુમલા અંગે નિવેદન આપ્યું હતું.  ઓનલાઈન વીડિયો રજૂ કરતાં અનેક યુઝર્સ તેના સમર્થનમાં આવ્યા છે. તેણે વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, 'આ પ્રકારની ઘટના તમારી સાથે બને છે, ત્યારે તમને તમારા ઘરની ખૂબ જ યાદ આવે છે. પરત જતાં રહેવાની ઈચ્છા થાય છે. તમે તમારા શરીરમાં ગમે-તે બદલાવી શકો છો. પરંતુ રંગ નહીં.' આટલું કહેતાં તે રડી પડે છે.

સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર પીટરે આ ઘટનાને વખોડી હતી. નિંદા કરતાં જણાવ્યું હતું કે, આ તદ્દન અસ્વીકાર્ય છે. આ પ્રકારનો વંશીય હુમલો કરનારા વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળના સીસીટીવી ફુટેજના માધ્યમથી હુમલાખોરોની ઓળખ થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયામાં 23 વર્ષીય ભારતીય પર વંશીય હુમલો, અપશબ્દો બોલી ઢોરમાર માર્યો, એકની ધરપકડ 2 - image

Tags :