For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્કૂલ લેવલે રનના ઢગ કરનારા કેમ ખોવાઈ જાય છે ?

Updated: Jan 15th, 2023

ભારતમાં સ્કૂલ લેવલે તોફાની બેટિંગ કરનારા પછી બહુ ચાલ્યા નથી. સચિન તેંડુલકર જેવા અપવાદોને બાદ કરતાં મોટા ભાગના તેજીલા તોખાર જેવા છોકરા સ્કૂલ લેવલ ને બહુ બહુ તો ફસ્ટ ક્લાસ ક્રિકેટથી આગળ વધી શકતા નથી. વિનોદ કાંબલી અને પૃથ્વી શો જેવા ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમ્યા પણ તેમની કારકિર્દી બહુ લાંબી ના ચાલી. 

મહારાષ્ટ્રના નાગપુરના યશ ચાવડે નામના ૧૩ વર્ષના છોકરાએ હમણાં જબરદસ્ત  કમાલ કરી બતાવી. મુંબઈ ઈન્ડિયન્સ જુનિયર ઈન્ટર-સ્કૂલ ક્રિકેટ કપમાં સરસ્વતી વિદ્યાલય વતી રમતાં યશે ૧૭૮ બોલમાં ૫૦૮ રનની મહાતોફાની ઈનિંગ રમી નાંખી. નાગપુરના ઝુલેલાલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના ગ્રાઉન્ડનો એક ખૂણો એવો નહીં હોય કે જ્યાં યશ ચાવડેએ બાઉન્ડ્રીી ના ફટકારી હોય. ૮૧ ચોગ્ગા અને ૧૮ સિક્સર સાથે ૫૦૮ રન ઝીંકીને ચાવડે નોટઆઉટ હતો. 

યશ ચાવડે ભારતમાં લિમિટેડ ઓવર્સની મેચમાં ૫૦૦ કરતાં વધારે રનનો સ્કોર કરનારો પહેલો ખેલાડી છે તેથી તેણે ભારતીય રેકોર્ડ તોડયો છે એ કહેવાની જરૂર નથી પણ આખી દુનિયામાં લિમિટેડ ઓવર્સની મેચમાં ૫૦૦ કરતાં વધારે રન કરનારો પણ બીજો જ ખેલાડી છે. 

વૈશ્વિક સ્તરે લિમિટેડ ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ શ્રીલંકાના ચિરાથ સેલ્લેપેરૂમાના નામે છે. ચિરાથે પાંચ મહિના પહેલાં એટલે કે ૨૦૨૨ના ઓગસ્ટમાં અંડર ૧૫ ઈન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટમાં રમતાં ૫૫૩ રન ફટકારેલા. ચિરાથે દુનિયામાં લિમિટેડ ઓવરના ફોર્મેટમાં ૫૦૦થી વધારે રનનું પરાક્રમ કરનારો પહેલો ખેલાડી હતો ને યશ ચાવડે બીજા ખેલાડી બન્યો છે. યશ ચાવડેએ તિલક વાકોડે સાથે ૪૦ ઓવરમાં ૭૧૪ રનની વિશાળ ભાગીદારી કરીને બીજો એક રેકોર્ડ પણ બનાવી દીધો. 

ચાવડેની તોફાની બેટિંગની અત્યારે ચર્ચા છે ને ઘણા અતિ ઉત્સાહી લોકો ચાવડેને કારણે ભારતીય ક્રિકેટનું ભાવિ ઉજ્જવળ હોવાની વાતો કરવા માંડયા છે. સચિન તેંડુલકર અને વિનોદ કામ્બલીએ શારદાશ્રમ વિદ્યામંદિર વતી હેરિશ શીલ્ડમાં રમતાં ૧૯૮૬માં ૬૬૪ રનની ભાગીદારી કરી ત્યારે સૌનું ધ્યાન તેમના તરફ ખેંચાયેલું. સચિન અને કામ્બલી બંને બહુ નાની ઉંમરે ભારતીય ટીમમાં આવી ગયા તેથી સ્કૂલ લેવલે જોરદાર બેટિંગ કરનારા ટીમ ઈન્ડિયામાં રમશે જ એવી અપેક્ષા બંધાઈ ગઈ. 

ચાવડે આ અપેક્ષા પૂરી કરીને ભારતીય ક્રિકેટનું ભાવિ ઉજ્જવળ બનાવે તો સારું છે પણ અત્યાર સુધીનો રેકોર્ડ કહે છે કે, સ્કૂલ લેવલે તોફાની બેટિંગ કરનારા પછી બહુ ચાલ્યા નથી. સચિન તેંડુલકર જેવા અપવાદોને બાદ કરતાં મોટા ભાગના તેજીલા તોખાર જેવા છોકરા સ્કૂલ લેવલ ને બહુ બહુ તો ફસ્ટ ક્લાસ ક્રિકેટથી આગળ વધી શકતા નથી. વિનોદ કાંબલી અને પૃથ્વી શો જેવા સ્કૂલ લેવલે ચમકારો બતાવનારા ભારતીય ક્રિકેટ ટીમમાંથી પણ રમ્યા પણ તેમની કારકિર્દી બહુ લાંબી ના ચાલી. 

ચાવડેની બેટિંગ લાજવાબ છે તેની ના નહીં પણ ચાવડેની જેમ બીજા ઘણા છોકરા સ્કૂલ લેવલે રનના ઢગ ખડકી ચૂક્યા છે. સાત વર્ષ પહેલાં જ કલ્યાણના પ્રણવ ધનાવડેએ એક ઈનિંગમાં ૧૦૦૯ રન ખડકીને હાહાકાર મચાવી દીધેલો. પ્રણવે તો આઈસીસી દ્વારા સત્તાવાર રીતે માન્યતાનપ્રાપ્ત મેચમાં ઈનિંગમાં સૌથી વધારે રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરેલો. ધનાવડેનો આ વર્લ્ડ રેકોર્ડ ભવિષ્યમાં તૂટે એવી શક્યતા બહુ ઓછી છે. એ વખતે ધનાવડેને પણ ભારતીય ક્રિકેટનું ભાવિ ગણાવાતા હતો પણ છેલ્લાં સાત વર્ષમાં ધનાવડે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ એન્ટ્રી કરી શક્યો નથી. ધનાવડે અત્યારે ૨૨ વર્ષનો છે એ જોતાં તેના માટે તકો પણ ઘટતી જાય છે. 

સરફરાઝ ખાનનું નામ પણ સ્કૂલ લેવલે ધમાલ મચાવનારા ક્રિકેટરોમાં લેવું પડે. મુંબઈના સરફરાઝે ૨૦૦૯માં હેરિસ શીલ્ડમાં ૪૨૧ બોલમાં ૪૩૯ રન ફટકાર્યા ત્યારે બીજા સચિનનો ઉદય થયો એવી વાતો થતી હતી. માત્ર ૧૨ વર્ષના સરફરાઝે પોતાની સ્કૂલ રિઝવી સ્પ્રિંંગફિલ્ડ તરફથી રમતાં ૫૬ ચોગ્ગા ને ૧૨ સિક્સર ફટકારીને સચિન તેંડુલકરનો ૪૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. 

સરફરાઝને એ પછી અંડર ૧૯ ટીમમા જગા મળી. માત્ર ૧૫ વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકા સામે ૬૬ બોલમાં ૧૦૧ રનની તોફાની મેચ વિનિંગ બેટિંગ કરીને સરફરાઝ છવાઈ ગયો. તેમાં પણ તેનો સારો દેખાવ હતો. ૨૦૧૫માં રોય ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાંથી સરફરાઝ આઈપીએલમાં પણ રમ્યો પણ ફટાફટી ક્રિકેટમાં એવો અટવાયો કે ભારતીય ટીમમાં જગા ના બનાવી શક્યો. સરફરાઝ અત્યારે રણજી ટ્રોફીમાં જોરદાર રમીને રનના ઢગલા ખડકે છે છતાં ભારતીય ટીમમાં તક મળે એવી શક્યતા રહી નથી. 

યશ ચાવડે પહેલાં લિમિટેડ ઓવર્સના ફોર્ર્મેટમાં ૫૦૦ રનની નજીક એસ. સંકૃત શ્રીરામ પહોચેલો. ઉટીની જેએસએસ ઈન્ટરનેશનલ સ્કૂલના શ્રીરામે અંડર ૧૬ સ્પર્ધામાં હેબ્રોન સ્કૂલ સામે અણનમ ૪૮૬ રન ફટકારીને ભારતમાં લિમિટેડ ઓવર્સના ફોર્મેટમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરેલો. મુંબઈની અંજુમન-એ-ઈસ્લામ સ્કૂલના શિશિર તિવારી અને સૂફિયાન શેખે પાંચમી વિકેટ માટે ૫૩૧ રનની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે. તિવારીએ ૩૧૮ જ્યારે શેખે ૨૦૨ રન કરેલા. એ જ રીતે હૈદરાબાદના મનોજ કુમાર અને મોહમ્મદ શાહબાઝે ૭૨૧ રનની ભાગીદારીનો રેકોર્ડ બનાવેલો છે. બંનેએ અંડર ૧૩ સ્પર્ધામાં ૪૦ ઓવરની મેચમાં આ ભાગીદારી કરેલી. 

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવા બીજા ઘણા છોકરા એવા છે કે જેમણે સ્કૂલ લેવલે જબરદસ્ત બેટિંગ કરી હોય પણ પછી ક્યાંય ખોવાઈ ગયા હોય. જેમનો ઉલ્લેખ કર્યો એ છોકરાઓમાંથી સચિન, કામ્બલી કે સરફરાઝ જેવા અપવાદોને બાદ કરતાં મોટા ભાગના છોકરાઓનાં નામ પણ લોકોને યાદ નથી રહેતાં. આ છોકરા પરાક્રમ કરી બતાવે ત્યારે મીડિયા નોંધ લે એટલે લોકોને યાદ રહે ને પછી ભૂલાઈ જાય. 

આ સ્થિતી દયનિય કહેવાય ને એક રીતે વેસ્ટ ઓફ ટેલેન્ટ છે. તેનું કારણ એ છે કે, ભારતમાં ક્રિકેટમાં ભલે નાણાંની રેલમછેલ હોય પણ નવી ઉભરતી ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટેનું કોઈ માળખું જ નથી. ૧૨-૧૩ વર્ષના છોકરા જુનિયર લેવલે જોરદાર બેટિંગ કે બોલિંગ કરતા હોય ત્યારે જે તેમની ટેલેન્ટને પારખીને તેમને યોગ્ય ટ્રેઈનિંગ આપવી જોઈએ. તેમની બેટિંગને ઈન્ટરનેશનલ લેવલની બનાવવા માટે તેમને સતત ટીપવા જોઈએ પણ એવી કોઈ  વ્યવસ્થા જ નથી. 

ક્રિકેટ બોર્ડ બેંગલુરુમાં ક્રિકેટ એકેડમી ચલાવે છે પણ તેમાં ૧૦-૧૨ વર્ષના છોકરાઓને નહીં પણ ફસ્ટ ક્લાસ રમનારા ક્રિકેટરોને ટ્રેઈનિંગ અપાય છે. તેના બદલે આખા દેશમાંથી સો જેટલા છોકરાઓને પસંદ કરાય તો ભારતને નવી ટેલેન્ટ મળે. વરસો પહેલાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિસ લીલીએ પેસ એકેડમી બનાવી તેમાંથી ભારતને જવગલ શ્રીનાથ, વેંકટેશ પ્રસાદ, સલિલ અંકોલા, અબે કુરૂવિલા સહિતના સારા પેસ બોલર મળેલા. એ જ મોડલ અપનાવીને સ્કૂલના છોકરાઓને પણ તૈયાર કરાવી શકાય. યશ ચાવડેએ તેનામાં ટેલેન્ટ છે એ બતાવી દીધું છે. તેની ટેલેન્ટને દેશ માટે વાપરવા યોગ્ય બનાવવી જોઈએ. 

પાંચ ભારતીયે ઇનિંગમાં ૫૦૦ પ્લસ રનનું પરાક્રમ કર્યું

ભારતમાં સત્તાવાર રીતે માન્યતાપ્રાપ્ત મેચમાં એક ઈનિંગમાં ૫૦૦ કે વધારે રન કરવાનું પરાક્રમ માત્ર પાંચ ખેલાડી કરી શક્યા છે. આ પૈકી પ્રણવ ઘનાવડે તો ૧૦૦૯ રન કરી ગયેલો. ધનાવડેના નામે એક ઈનિંગમાં સૌથી વધુ રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. ધનાવડે ઉપરાંત પ્રિયાંશુ મોલિયા, પૃથ્વી શો અને દાદી હવેવાલા ઈનિંગમાં ૫૦૦થી વધારે રનનું પરાક્રમ કરનારા બીજા ખેલાડીઓ છે. આ પૈકી દાદી હવેવાલા સિવાયના ક્રિકેટરે જુનિયર લેવલની મેચમાં આ રન ખડક્યા છે.  

મહારાષ્ટ્રના કલ્યાણના પ્રણવ ધનાવડેએ કે.સી. ગાંધી સ્કૂલ વતી રમતાં ૪ જાન્યુઆરીથી ૬ જાન્યુઆરી દરમિયાન ૩૨૭ બોલમાં અણનમ ૧૦૦૯ રન કરેલા. સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત મેચમાં ઈનિંગમાં ૧૦૦૦ રન કરનારો ધનાવડે વિશ્વનો પહેલો ખેલાડી હતો. આ પહેલાં ઈંગ્લેન્ડવના સ્કૂલબોય એ.ઈ.જે.કોલિન્સે ૧૯૯૯માં અણનમ ૬૨૮ રન ફટકારેલા. ધનાવડેએ કોલિન્સનો ૧૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. 

પ્રિયાંશુ મોલિયાએ બરોડા ક્રિકેટ એસોસિએશનની અંડર ટુર્નામેન્ટમાં ૨૦૧૮માં ૩૧૯ બોલમાં અણનમ ૫૫૬ રન ફટકારેલા. દાદાભોય હવેવાલાએ ૧૯૩૩માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા શીલ્ડમાં ૫૧૫ રન ફટકારેલા. હવેવાલા ફસ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા પણ ભારતીય ટીમમાં કદી ના રમી શક્યા. પૃથ્વી શોએ ૨૦૧૩માં હેરિસ શીલ્ડમાં ૫૪૬ રન ફટકારેલા. 

યશ ચાવડે હજુ ૧૩ વર્ષનો છે જ્યારે વડોદરાનો પ્રિયાંશુ મોલિયા ૧૭ વર્ષનો છે તેથી બંને માટે ભારત વતી રમવાની તક છે. ધનાવડે ૨૨ વર્ષનો છે પણ પછી કોઈ ચમકારો બતાવી શક્યો નથી.  પૃથ્વીને ભારતીય ટીમમાં તક મળી પણ એ પોતાનું સ્થાન પણ જમાવી શક્યો નથી.

Gujarat