શહેરીકરણની આંધળી દોટને કોરોનાવાઈરસની બ્રેક
- રોજગારીની શોધમાં યુવા પેઢી શહેરો તરફ દોટ મુકી રહી છે
- સંયુક્ત રાષ્ટ્રસંઘે દુનિયાને આપેલા સંદેશામાં કહ્યું કે કોરોનાવાઈરસ દ્વારા કુદરત આપણને સંકેત આપી રહી છે કે, 'હવે સમજો તો સારી વાત છે'
- જે લોકોને ગ્રામ્યજીવન પછાત લાગતું હતું એ બધા હવે ફરીથી ગામડામાં રહેવા જવા તૈયાર થયા છે, દુનિયાભરને શહેરીકરણનો અતિરેક નડી રહ્યો છે
ઉત્તરાખંડના ઢોળાવ પર અનેક જગ્યાએ પાંચ-પંદર મકાનના બનેલા ગામો પથરાયેલા છે. પ્રવાસીઓ ત્યાંથી પસાર થાય અને કંઈ ખરીદી કરવા ઉભા રહે તો કદાચ ખબર પડે કે મકાન છે, પણ કોઈ રહેતું નથી.
કેમ કે મોટા ભાગની વસતી કામની તલાશમાં શહેરી વિસ્તારમાં અને મુખ્ય રસ્તાથી નજીક આવી પહોંચી છે. ગામડાંમાં કોઈને રહેવું નથી. આખા ભારતમાં અને ઘણે અંશે દુનિયાના અન્ય દેશોમાં શહેર તરફ થતી દોટ એ મોટી સમસ્યા બની ચૂકી છે. પણ ભારતમાં ઉત્તરાખંડ એ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
કેમ કે એ પહાડી રાજ્યમાં ૧૭૫૦ ગામ સરકારી ચોપડે નોંધાયેલા ઘોસ્ટ વિલેજ એટલે કે ખાલી થયેલા ગામ છે. મકાનો ઉભા છે, કોઈ રહેતું નથી. વર્ષે એકાદ વાર કોઈ આવતું-જતું રહે એ અલગ વાત છે.
શહેરમાં જઈને વેઈટરની નોકરી મળે તો પણ કરવી છે, પરંતુ ગામમાં બાપ-દાદાના વખતથી થતી આવતી ખેતી, પશુ-પાલન નથી કરવાં. કારણ? શહેરી નોકરી ભવ્ય અને ગ્રામ્ય કામગીરી ઓછી મહત્ત્વની એવી એક સમજણ આખા દેશની માફક અહીં પણ છે. બીજી તરફ ખેતી કર્યા પછી ખેત-પેદાશો વેચવાની સમસ્યા પણ છે.
ગામો એટલા બધા ખાલી છે કે ઉત્તરાખંડ સરકાર અત્યારે તેનો ઉપયોગ ક્વૉરન્ટાઈન હોમ તરીકે કરી રહી છે. જે લોકો બહારથી ઉત્તરાખંડમાં આવે તેમને ક્વૉરન્ટાઈન કરવા માટે કોઈ કામચલાઉ બાંધકામ ઉભું કરવાની જરૂર નથી. બાંધકામો વર્ષોથી ઉભા જ છે, તેનો વપરાશ કરવાની જરૂર છે.
રોજગારીની શોધમાં યુવા પેઢી શહેરો તરફ દોટ મુકી રહી છે. એટલે દુનિયાભરના શહેરો સતત વિસ્તરી રહ્યાં છે. સૌ કોઈને શહેરોમાં જ જવું છે, કેમ કે ગામડાંમાં પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં સરકારો નિષ્ફળ રહી છે. ઉત્તરાખંડ જેવી જ હાલત ઈટાલીની છે. અહીં પણ ગામો ખાલી પડયા છે. પણ કોરોનાના કોપ પછી હજારો ઈટાલીયનો બિસ્તરાં-પોટલાં બાંધીને ગામડાં તરફ જવા લાગ્યા છે અનેે જે નથી જઈ શક્યા એ હવે આયોજન કરી રહ્યાં છે.
શહેરમાં જઈને નોકરી મળી જ જશે એવી માન્યતા ગામડામાં રહેતા યુવાનોમાં દૃઢ બની રહી છે. ઘણે અંશે માન્યતા સાચી છે, પરંતુ ગામડાંથી શહેરમાં થતું માઈગ્રેશન મૂળભૂત રીતે સમસ્યાનો ઉકેલ નથી. ભારત જો ગામડાનો દેશ કહેવાતો હોય અને કહેવાતો રહે એવું ઈચ્છતા હોઈએ તો ગામડામાં લોકો રહેવા જોઈએ. પરંતુ એવુ નથી થતું. ભારતમાં આજની તારીખે ૬૫ કરોડની વસ્તી ગામડામાં નોંધાયેલી છે. એટલે કે તેમના સત્તાવાર સરનામા પર ગ્રામ્ય વિસ્તાર લખાયેલો છે, પણ એનો અર્થ એ નથી કે ગામડામાં નોંધાયેલા ગામડામાં જ રહે છે. કેેમ કે કામની શોધમાં શહેરમાં રહેતા કામચલાઉ ધોરણે વસ્યા હોય એવી સંખ્યા મોટી છે.
જે દરે ગામડામાંથી શહેરમાં આવવાનો દર વધી રહ્યો છે, એ જોતાં આગામી વર્ષોમાં ભારતમાં ગામડાં કરતા શહેરોની વસ્તી વધી જશે. અલબત્ત, આ વર્તમાન આંકડા પરથી કરાયેલી ધારણા છે. કોરોનાએ ધારણા ખોટી પાડવાની તક આખી દુનિયાને પુરી પાડી છે. કોરોનાવાઈરસથી નુકસાન તો થઈ જ રહ્યું છે, પરંતુ કોરોનાએ શહેરીકરણના ખોટા ખ્યાલને તોડી પાડવાનું મહત્ત્વનું કામ કર્યું છે.
ગુજરાતના શહેરોની તપાસ કરીએ તો જણાઈ આવે છે કે શહેરોમાં ત્યાંના મૂળ રહેવાસીઓની વસ્તી મર્યાદિત થઈ ગઈ છે. અમદાવાદમાં આખા ગુજરાતના લોકો આવીને રહે છે. સુરત તો શહેર જ બહારથી કામે આવેલા લોકોનું બનેલું છે. એટલે જ પ્લેગ હોય કે અત્યારે કોરોના હોય સુરત સૌથી પહેલું ખાલી થવા લાગે છે. સુરતમાંથી જનારા લોકો સીધા જ પોતાના ગામ તરફ દોટ મુકી રહ્યા છે.
તો પછી સવાલ એ થાય કે અત્યાર સુધી જે મનાતું કે શહેરમાં રહેવું એ જાહોજલાલી છે એ સાચું કે ગામડામાં ઓછી સુવિધા વચ્ચે રહેવું એ સુખ છે? ખેર, સુખની વ્યાખ્યા તો દરેકની પોતપોતાની હોવાની. કેમ કે લોકો ગામમાંથી નજીક આવેલા જિલ્લા મથકે રહેવા આવે અને સમય જતાં જિલ્લા મથક પણ નાનું પડે એટલે મોટા શહેર, મેગા સિટી, મેટ્રો તરફ દોટ મુકે. ત્યાં કેટલાક વર્ષો રહ્યા પછી વળી એવી ઈચ્છા વ્યક્ત કરે કે ખેતરના છેડે એક ફાર્મ હાઉસ બનાવીને રહેવું છે. કેમ? કેમ કે ત્યાં રહેવામાં કદાચ સંતોષ મળે છે અથવા તો મળવાનો છે એવી આશા છે.
પરંતુ હવે વિશ્વભરમાં ગ્રામ્ય જીવન અને પ્રાકૃત્તિક જીવનશૈલી તરફ પાછા ફરવાનો સમય આવી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વાઈરસનો ફેલાવો ઓછો છે, તેના કેટલાક દેખીતા કારણો છે. એક તો ત્યાં શહેર જેવી ભીડભાડ વાળી વસ્તી નથી.
શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કે રીક્ષા-ટેક્સીમાં આવન-જાવન કરવી પડે. ગ્રામ્ય વિસ્તારમાં તો કેટલાક અંતર સુધી ચાલીને જઈ શકાય. એટલે ભીડ થવાનો પ્રશ્ન આપોઆપ ટળી જાય. વળી ચાલવાના આરોગ્યને અન્ય લાભ તો થાય જ.
કોરોનાએ શહેરમાં કેટલીક ચીજોની અછત સર્જી જેમાં એક અછત શાકભાજી-ફળોની હતી. ભલે સરકારે પુરવઠો સતત મળતો રહે એવી વ્યવસ્થાઓ કરી છતાં, પણ શાકભાજી-ફળ સર્વત્ર પહોંચી શક્યા નથી.
બીજી ઘણી ચીજો પણ નથી પહોંચી શકી અને અનાજ-કરિયાણાની દુકાનો ખાલી થવા લાગી. ગ્રામ્ય વિસ્તાર પુરતી વાત કરીએ તો ત્યાં શાકભાજી કે ખેત પેદાશની અછત સર્જાવાનો ખાસ પ્રશ્ન આવતો નથી. ભારતના ગામડાંમાં રહેેતા ખેડૂતો પોતાના ખપ પુરતી અને ગામને પણ અછતનો સામનો ન કરવો પડે એટલી જમીની-પેદાશ તો બારેમાસ કરતા જ હોય છે.
શહેરી લાઈફ સ્ટાઈલે અનેક નવા રોગોને આમંત્રણ આપ્યું છે અથવા તો રોગોની તીવ્રતામાં વધારો કર્યો છે. વર્ષોથી આરોગ્ય નિષ્ણાતો એ વાતે ચેતવણી આપ્યા કરે છે. શહેરમાં સુવિધાઓ વધતી જાય એમ લોકોની ટેવો બદલાતી જાય. પરિણામે ઘણા શહેરી પરિવારો એવા છે, જે અડધો કિલોમીટર પણ ચાલીને જવાનું પસંદ કરતા નથી. ગામડામાં ભલે બધા ચાલતાં રહેતાં ન હોય, પણ ખેતીની અને અન્ય કામગીરી જ ેટલી હોય કે ચરબીના થર જામવાનો પ્રશ્ન ખાસ ઉપસ્થિત થતો નથી.
શહેરી રહેવાસીઓને જીમમાં જઈને કેલેરી બાળવી પડે છે, ગામવાસીઓ તો કામ કરીને સાંજે ઘરે પરત આવે ત્યાં જ બિનજરૂરી ચરબીનો ખાત્મો થઈ ચૂક્યો હોય છે.
વિશ્વભરમાં પર્યાવરણ જાળવણી એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. તેનો નિકાલ પણ ગામડા તરફ પાછા જઈને લાવી શકાય એમ છે. શહેરમાં વિવિધ પ્રોજેક્ટ માટે સતત વૃક્ષો કાપવાના થાય છે, જંગલો નષ્ટ કરવા પડે છે. ગામડામાં ખાસ એવા પ્રસંગો આવતા નથી. એટલે ગામડાનું પર્યાવરણ, શ્વાસમાં લેવા જેવી શુદ્ધ હવા વગેરે જળવાઈ રહે છે. અલબત્ત, જે ગામો શહેરને સાવ અડીને આવેલા હોય ત્યાં આવા લાભ મળતાં નથી અને એવા ગામો ખરા અર્થમાં ગામ ગણાતા પણ નથી.
છેલ્લા દસ-પંદર વર્ષથી યુવા પેઢીમાંથી કેટલાક વિરલાઓ ભણ્યા-ગણ્યા પછી શહેરમાં સારી નોકરી મળતી હોવા છતાં ગામડાંમાં જ રહીને ખેતી કે ખેતી સંલગ્ન કામગીરી કરી રહ્યા છે. અત્યારે કોરોના યોદ્ધાાઓની બોલબાલા છે. પરંતુ ગામડામાં રહીને ગ્રામ સુધારણા માટે કરતા યુવાનો પણ ગ્રામ યોદ્ધાો જ છે. શહેરી જીવન ધોરણ સ્વાભાવિક રીતે મોંઘુ હોવાનું. ગામડામાં મોંઘવારી એટલી બધી નડતી નથી.
કોરોના વિશે સંદેશો આપતા સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ આખા જગતને કહ્યું છે કે આ વાઈરસ માત્ર રોગચાળો નથી, કુદરત તરફથી આપણને મળી રહેલો સંદેશો છે, કે હવે સુધરી જાવ તો સારી વાત છે. પર્યાવરણનું નિકંદન અટકાવો, જે પર્યાવરણ છે એ જાળવો.
કોરોનાએ સરકાર, પ્રજા અને સૌ પક્ષકારોને વિચારવાની તક આપી છે.
ટૂંકા ગાળાનો ઝગમગાટ દેખાડતા શહેરો પસંદ કરવા છે, કે પછી આજીવન શાંતિથી જીવવા દેતાં, માનસિક શાંતી આપતા, પ્રકૃત્તિની નજીક રહેવાની તક પુરી પાડતા અને સમસ્યાનો સાથે મળીને સામનો કરી શકતાં ગામડાં પર પસંદગી ઉતારવી?