ટ્રિપલ તલાક અને મહિલા અનામત બિલ મામલે મડાગાંઠ ઉકેલાશે?
- રાષ્ટ્રપતિએ નવી લોકસભાના પ્રથમ સત્રના સંબોધનમાં મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂક્યો
- કોંગ્રેસ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને ટેકો આપે અને બદલામાં ભાજપ લોકસભામાં કોંગ્રેસના માનીતા મહિલા અનામત બિલને ટેકો આપે એવી કોઇ સમજૂતિ થાય તો મહિલા સશક્તિકરણને લગતા બંને મહત્ત્વના બિલ પસાર થઇ શકે એમ છે
લોકસભાના તમામ સભ્યોના સાંસદ તરીકેના શપથ લીધા બાદ તેમજ નવી લોકસભાના સ્પીકરની પસંદગી થયા બાદ હવે નવી સરકારનું કામકાજ વિધિવત્ રીતે પ્રારંભ થઇ ગયું છે. નવી લોકસભાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધ્યાં. રાષ્ટ્રપતિના સંબોધનમાં મોદી સરકારના આગામી પાંચ વર્ષના કામકાજની ઝલક આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર મૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર દેશની દરેક બહેન-બેટીને સમાન અધિકાર મળે એ માટે ટ્રિપલ તલાક અને હલાલા ખતમ કરવા જરૂરી છે. રાષ્ટ્રપતિની આ વાતથી એટલું તો સ્પષ્ટ છે કે મોદી સરકાર નવી લોકસભાના પહેલા સત્રમાં જ ટ્રિપલ તલાક બિલ પસાર કરાવવા માટે પ્રયાસો કરશે. આમ તો ટ્રિપલ તલાક બિલ અગાઉ લોકસભામાં પસાર થઇ ચૂક્યું છે. જોકે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતિ ન હોવાના કારણે હજુ આ બિલ રાજ્યસભામાંથી પસાર થઇ શક્યું નથી.
અગાઉ મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળના અંતિમ સત્રમાં આ બિલ પસાર કરાવવા ધારતી હતી. પરંતુ કોંગ્રેસ પહેલાં આ બિલ પર ચર્ચા માટે તૈયાર હોવાનું કહીને બાદમાં ફરી ગઇ હતી અને આ બિલ અત્યંત જટિલ હોવાનું ગણાવીને જોઇન્ટ સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો આગ્રહ કર્યો હતો. જોકે ભારે હોબાળા બાદ સરકારને આ બિલ ઉપર ચર્ચા કરાવવામાં સફળતા મળી અને બિલ લોકસભામાં તો પસાર થઇ ગયું હતું. આમ તો સરકાર ગત સપ્ટેમ્બરમાં જ ટ્રિપલ તલાક અંગે વટહુકમ બહાર પાડયો હતો અને લોકસભામાં આ બિલ અગાઉ પસાર પણ કરાવવામાં આવ્યું હતું પરંતુ વિપક્ષોના દબાણ બાદ તે ફરી વખત સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને માત્ર ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી શકે એ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. મુસ્લિમ મહિલાઓ લાંબા સમયથી ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી રહી છે. કોર્ટના આદેશ બાદ પણ ટ્રિપલ તલાકના મામલા ન અટકતા તેને બિનજામીનપાત્ર ગુનો બનાવવા માટે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા. એ પછી કેન્દ્રની મોદી સરકારે ટ્રિપલ તલાકના મામલામાં સજાની જોગવાઇની વાત કહી. ટ્રિપલ તલાકના અપરાધ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે.
ખાસ વાત એ કે ટ્રિપલ તલાકને લઇને સરકાર અને વિપક્ષ વચ્ચે લાંબા સમયથી આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા આવ્યાં છે. ભાજપનો કોંગ્રેસ ઉપર આરોપ છે કે મહિલાઓને ન્યાય અપાવતા આ બિલનું કોંગ્રેસ સમર્થન કરતી નથી. હકીકતમાં કોંગ્રેસ ટ્રિપલ તલાક બિલની કેટલીક જોગવાઇઓમાં ફેરફાર કરાવવા ઇચ્છતી હતી. વિરોધ પક્ષોની માંગને જોતાં મોદી સરકારે આ બિલમાં ત્રણ સંશોધન કર્યાં હતાં જે અંતર્ગત જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે રહેશે અને કોર્ટની પરવાનગીથી સમાધાન કરવાની જોગવાઇ પણ રહેશે. અગાઉ એવી જોગવાઇ હતી કે આ મામલે કોઇ પણ કેસ દાખલ કરાવી શકે એમ હતું. એટલું જ નહીં, પોલિસ પણ જાતે સંજ્ઞાાન લઇને મામલો નોંધાવી શકે એમ હતી. પરંતુ હવે નવા સંશોધન અનુસાર પીડિતા અથવા તેના કોઇ સંબંધી જ કેસ દાખલ કરાવી શકશે.
આ ઉપરાંત પહેલા એવી જોગવાઇ હતી કે ટ્રિપલ તલાક બિનજામીનપાત્ર અપરાધ હતો અને પોલિસ વોરંટ વિના પણ ધરપકડ કરી શકે એમ હતી પરંતુ હવે નવા સંશોધન અનુસાર મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર રહેશે. અગાઉ આવા મામલામાં સમાધાનની જોગવાઇ નહોતી જે હવે કરવામાં આવી છે. જોકે સરકારે બિલમાં વિપક્ષોની માંગ અનુસાર સુધારા કર્યા છતાં તેઓ આ બિલને પસાર દેવા માટે રાજી નથી. બીજી બાજુ સરકારની દલીલ છે કે તમામ લોકોની ચિંતાઓ દૂર કરી દેવામાં આવી છે તો વિપક્ષે આ મુદ્દે સમર્થન આપવું જોઇએ. પરંતુ કોંગ્રેસનું વલણ જોતા લાગતું નથી કે આ બિલ રાજ્યસભામાં આસાનીથી પસાર થાય.
બીજી બાજુ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જેવા સંગઠનો આને ધાર્મિક મામલાઓમાં દખલગીરી ગણાવે છે. તેમ છતાં એ હકીકત છે કે દુનિયાના અનેક દેશોમાં ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે પરંતુ ભારતમાં તે લાંબા સમયથી ચલણમાં રહ્યા છે. ખરું જોતાં તો ભારતનું બંધારણ એ ખાતરી આપે છે કે પ્રત્યેક સ્ત્રી-પુરુષના અધિકાર તમામ ક્ષેત્રોમાં એકસમાન રહેશે. હકીકતમાં ધર્મનો સંબંધ વ્યક્તિગત રીતે હોય છે. કોઇ પણ વ્યક્તિને છૂટ છે કે તે પોતાની નિષ્ઠા અને આસ્થા મુજબ કોઇ પણ ધર્મનું પાલન કરે. એનો મૂળ આશય આરાધના કરવાની પદ્ધતિ સાથે છે, સામાજિક વ્યવહારો સાથે નહીં. સમાજમાં એક મુસ્લિમ મહિલાનું પણ એ જ સ્થાન છે જે હિન્દુ મહિલાનું છે. સવાલ એ છે ધર્મ બદલાઇ જવાથી આ દરજ્જામાં અંતર કેવી રીતે આવી જાય? પરંતુ રૂઢિવાદી માનસિકતા મહિલાઓ સાથેના બેવડા ધોરણની તરફેણ કરતી આવી છે. ધાર્મિક રીતિરિવાજો કોઇ મહિલાના મૂળભૂત બંધારણીય અધિકારોને કેવી રીતે છીનવી શકે? કોઇ પણ ધર્મ કોઇ વ્યક્તિના અધિકાર ઉપર પોતાની જંજીર ન જકડી શકે.
રાષ્ટ્રપતિએ લોકસભામાં પહેલી વખત ૭૮ મહિલા સાંસદોના ચૂંટાવા બદલ ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે દેશની આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત લોકસભામાં આટલી મોટી સંખ્યામાં મહિલા પ્રતિનિધિત્ત્વ મોજૂદ છે. દેશની સંસદમાં પહેલી વખત મહિલાઓની સંખ્યા વધારે હોય પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સરખામણી કરવામાં આવે તો આ સંખ્યા જરાય પ્રભાવશાળી નથી. વૈશ્વિક સરેરાશ પ્રમાણે દર ચારમાંથી એક સાંસદ મહિલા હોય છે. એટલું જ નહીં, ભારતની આ મામલે સરેરાશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ ઓછી છે. સંસદમાં પહોંચનારી મહિલાઓની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ મતદારોની વાત કરવામાં આવે તો આ વખતે લગભગ અડધોઅડધ સંખ્યા મહિલા મતદારોની હતી. આ વખતની લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત જોવા મળ્યું કે મહિલા અને પુરુષ મતદારોની સંખ્યા લગભગ સરખી રહી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ મહિલાઓની સુરક્ષાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો.
ભારત એ દેશોમાં સામેલ છે જ્યાં સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ નહીવત્ કહી શકાય એવું છે. દેશની સંસદમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટે કોંગ્રેસ મહિલા અનામત બિલ પસાર કરાવવા ઇચ્છે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીટાણે વાયદો કર્યો હતો કે જો તેમની સરકાર બનશે તો તેઓ મહિલા અનામત બિલ પસાર કરાવશે. હકીકતમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં મહિલા અનામત બિલ સૌથી જૂનું બની રહ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી દેશભરના મહિલા સંગઠનો આ બિલ પાસ કરાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. મહિલા સંગઠનોની દલીલ છે કે જ્યાં સુધી રાજનીતિમાં મહિલાઓની સંખ્યા નહીં વધે ત્યાં સુધી મહિલાની ચિંતાઓ અસરકારક રીતે દૂર નહીં થઇ શકે. ખરેખર તો રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી એક માનવાધિકાર છે અને મહિલાની સમાન નાગરિકતા માટે પણ આ બિલ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત લોકતાંત્રિક સરકાર માટે પણ મહિલાઓની સમાન હાજરી આવશ્યક છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ ભારતમાં મહિલાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે. છેક ૧૯૯૬માં દેવેગૌડા સરકાર વખતે પહેલી વખત આ બિલ સંસદમાં રજૂ થયું હતું. એ વખતે ઘણાં પુરુષ સાંસદોએ તેનો જોરશોરથી વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ બિલ સંસદની સંયુક્ત સમિતિના હવાલે થઇ ગયું. એ પછી ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી સરકારે મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કર્યું. એ વખતે પણ તેનો સંસદમાં ભારે વિરોધ થયો. વાજપેયી સરકારે એ પછી તો ૧૯૯૯, ૨૦૦૨ અને ૨૦૦૩માં પણ આ બિલ સંસદમાં મૂક્યું. નવાઇની વાત તો એ છે કે કોંગ્રેસ, ભાજપ અને ડાબેરી પક્ષો આ બિલના સમર્થનમાં હોવા છતાં દર વખતે કોઇ ને કોઇ બહાને આ બિલ પાછું જ ઠેલાતું રહ્યું. જોકે ૨૦૧૦માં સોનિયા ગાંધીના પ્રયાસોથી આ બિલ રાજ્યસભામાં તો પસાર થઇ ગયું પરંતુ કોંગ્રેસ પાસે બહુમતિ ન હોવાથી લોકસભામાં પસાર ન થઇ શક્યું.
ખાસ વાત એ કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અગાઉ ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહિલા અનામત બિલ પાસ કરાવવાનો વાયદો કર્યો હતો અને મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જ બહુમતિ હોવાથી આ બિલ પસાર કરાવવું તેમના માટે આસાન પણ હતું પરંતુ આ મામલે સરકારે કોઇ પગલાં લીધા નહીં. ગયા વર્ષે ગયા વર્ષે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહિલા અનામત બિલને કોઇ પણ શરત વિના સમર્થન આપવાની જાહેરાત કરીને તેને લોકસભામાં પસાર કરાવવા વિનંતી કરી હતી. પરંતુ એ વખતે તત્કાલિન કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે મહિલા અનામત બિલના બદલામાં ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા સાથે જોડાયેલા બિલ ઉપર કોંગ્રેસના સહયોગની અપીલ કરી હતી.
હવે નવી લોકસભામાં ભાજપ કોંગ્રેસના માનીતા મહિલા અનામત બિલને ટેકો આપે અને બદલામાં કોંગ્રેસ ટ્રિપલ તલાક બિલને સમર્થન આપે એવી કોઇ ગોઠવણ કરીને મહિલા સશક્તિકરણને લગતા બંને બિલો પસાર થઇ જાય એવી સમજૂતિ કરે છે કે નહીં એ તો આવનારા સમયમાં ખબર પડી જશે.