વડાપ્રધાન મોદીના કરિશ્મા સામે સપા-બસપા ગઠબંધનનો કરુણ રકાસ
- માયાવતીની ડૂબતી નૈયા તારવા જતાં અખિલેશ યાદવ પણ ડૂબી ગયા
- વર્ષોથી એકબીજા વિરુદ્ધ લડી રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે આવ્યા ત્યારે એવું જણાતું હતું કે આ ગઠબંધન ભાજપને ભારે પડશે પરંતુ ભાજપે તો ઉલટું સગવડિયા જોડાણને જ બહારનો માર્ગ બતાવી દીધો
એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવા માટે હાથ મિલાવ્યાં ત્યારે એવા કયાસ લગાવવામાં આવતા હતાં કે આ ગઠબંધન ઉત્તરપ્રદેશમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડશે. પરંતુ નુકસાન પહોંચાડવાની વાત તો દૂર સપા-બસપા ભેગા મળીને ભાજપને ટક્કર પણ ન આપી શક્યાં.
લોકસભાની ચૂંટણી માટે અખિલેશ યાદવ અને માયાવતીએ જોડાણ કર્યું ત્યારે ભલભલા રાજકીય પંડિતો પણ અચંબો પામી ગયા હતાં કારણ કે વર્ષોથી એકબીજા સામે તલવાર ઉગામી રહેલા શત્રુઓ સાથે આવ્યાં હતાં. માયાવતી અને અખિલેશને સાથે લાવવા માટે કારણભૂત બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સમાન શત્રુ હોવાના નાતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવ્યા ત્યારે એવું લાગતું હતું કે બંને પક્ષોનું સોશિયલ એન્જિનિયરિંગ ભાજપને મોટો ફટકો પહોંચાડશે. પરંતુ થયું સાવ ઉલટું. પ્રચંડ મોદી લહેરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જ અસ્તિત્ત્વ ટકાવવાના ફાંફાં પડી ગયાં.
લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી. ગત લોકસભાની ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીને પાંચ બેઠકો જ મળી હતી પરંતુ એ વખતે તે એકલે હાથે ચૂંટણી લડી હતી. જ્યારે આ વખતે સમાજવાદી પાર્ટીનું જોડાણ બહુજન સમાજ પાર્ટી ઉપરાંત અજિત સિંહના રાષ્ટ્રીય લોકદળ સાથે હતું. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના પરિવારના પાંચ સભ્યોએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ માત્ર અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ જીત મેળવવામાં સફળ રહ્યાં. અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ, રામગોપાલ યાદવના પત્ની અક્ષય યાદવ અને મુલાયમસિંહ યાદવના ભત્રીજા ધર્મેન્દ્ર યાદવ ચૂંટણી હારી ગયાં.
મૈનપુરીમાંથી મુલાયમસિંહ યાદવ જીત્યા તો ખરાં પરંતુ તેમને મળેલા મતોની સરસાઇ ચોથા ભાગની રહી ગઇ. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને મળેલા મતોની ટકાવારી પણ ગત લોકસભાની ૨૨.૩૫ ટકાથી ઘટીને ૧૭.૯૬ ટકાએ પહોંચી ગઇ. બીજી બાજુ આ જોડાણના કારણે માયાવતીની ડૂબી રહેલી રાજકીય કારકિર્દીને તણખલું મળી ગયું છે. ગત લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ન મેળવી શકનાર બહુજન સમાજ પાર્ટીને આ ચૂંટણીમાં દસ બેઠકો મળી છે.
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું સોશિયલ એન્જનિયરિંગ કેમ નિષ્ફળ નીવડયું એ સવાલ રાજકીય પંડિતોને પણ મુંઝવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની ઓળખ મુખ્યત્ત્વે પછાત જાતિઓના પ્રતિનિધિત્ત્વ કરતી પાર્ટીના રૂપમાં છે. તો બહુજન સમાજ પાર્ટીની ઓળખ દલિતોની પાર્ટી તરીકે છે. બંને પક્ષોમાં આ અન્ય સમુદાયના લોકો પણ છે પરંતુ બંને પક્ષોની પરંપરાગત વોટબેંક તો પછાત તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે. અન્ય સમુદાયોના મત અને નિષ્ઠા સમય અને પરિસ્થિતિ અનુસાર બદલાતા રહે છે.
હકીકતમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એ અપેક્ષામાં સાથે આવ્યા હતાં કે તેમને પછાત સમુદાયો ઉપરાંત દલિતોના મત મળી જશે અને લટકામાં લઘુમતિ એટલે કે મુસ્લિમોના મત પણ મળી જશે અને જો આ તમામ સમુદાયોના મત એક થઇ જાય તો સમગ્ર રાજ્યમાં રાજકીય સમીકરણ એ હદે બદલાઇ જશે કે ભાજપ ક્યાંય મુકાબલામાં જ નહીં રહે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અને ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આંકડા પણ આ જ વાત કહેતા હતાં. ગયા વર્ષે ગોરખપુર, ફૂલપુર અને કૈરાના લોકસભાની બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ આ સપા-બસપાનું સમીકરણ બરાબર બેસી ગયું હતું. પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જાતિઓનું આ સમીકરણ બેઠકોમાં રૂપાંતરિત ન થઇ શક્યું.
ઉત્તરપ્રદેશમાં દલિત અને પછાત જાતિઓની ભાગીદારી લગભગ ૬૦ ટકા છે. જોકે આ તમામ સમુદાયો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પ્રત્યે નિષ્ઠા રાખતા હોય એવું નથી. પરંતુ યાદવ સમુદાય સમાજવાદી પાર્ટીની મૂળભૂત વોટબેંક છે. તો દલિતોમાં જાટવ સમુદાય બહુજન સમાજ પાર્ટીની કોર વોટબેંક છે. તો પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જાટ સમુદાયનું પ્રતિનિધિત્ત્વ કરતો રાષ્ટ્રીય લોકદળ પણ ગઠબંધનમાં સામેલ હતું. એ સાથે જો મુસ્લિમોની વસતીની ટકાવારી પણ જોડી દેવામાં આવે તો લગભગ પચાસ ટકા જેટલું થાય.
આટલી મોટી ટકાવારી સાથે ગઠબંધનના નેતાઓને ઉત્તરપ્રદેશની ૮૦માંથી ઓછામાં ઓછી ૬૦ બેઠકો જીતવાની અપેક્ષા હતી પરંતુ પરિણામ આવ્યા ત્યારે ગઠબંધનને માત્ર ૧૫ બેઠકો જ મળી. એમાંયે ૧૦ બેઠકો તો માયાવતીની બહુજન સમાજ પાર્ટીને મળી. ભાજપને ૬૨ બેઠકો અને સહયોગી અપના દલને બે બેઠકો મળી. રાયબરેલીની એક માત્ર બેઠક કોંગ્રેસના હાથમાં સોનિયા ગાંધીના વિજયથી આવી. બંને પાર્ટીઓએ એકબીજાની વોટબેંક પરસ્પર ટ્રાન્સફર કરવાની ગણતરી રાખી હતી પરંતુ વોટ ટ્રાન્સફર થયા નહીં.
માયાવતી વિશે તો એવું કહેવાતું હતું કે તેઓ ધારે ત્યાં તેમની વોટબેંક ટ્રાન્સફર કરી શકે છે પરંતુ આ ચૂંટણીમાં એવું ન થઇ શક્યું.બીજી બાજુ સમાજવાદી પાર્ટીના મત પણ બહુજન સમાજ પાર્ટીને ટ્રાન્સફર ન થયા. જ્યાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નહોતાં ત્યાં યાદવોના મત ભાજપની તરફેણમાં ગયાં. તો જાટવોના મત પણ ગઠબંધનને ન મળ્યાં. જોકે મુસ્લિમોના મત એકતરફી ગઠબંધનને ગયા હોવાનું જણાઇ રહ્યું છે. ગયા વર્ષે પેટાચૂંટણીમાં મળેલી સફળતા બાદ અખિલેશ યાદવ અને માયાવતીએ રાજકીય જોડાણ ચાલુ રાખવાનું નક્કી કર્યું અને ગઠબંધનની રચના કરી. બંને પાર્ટીઓની સંયુક્ત સભાઓ યોજાઇ અને મતદારોને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે છેલ્લા પચ્ચીસ વર્ષની રાજકીય અને વ્યક્તિગત દુશ્મની ખતમ થઇ ગઇ છે. પરંતુ મતદારો સુધી તેમનો સંદેશ પહોંચી શક્યો નહીં અથવા તો મતદારોએ તેમના જોડાણને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો.
ગઠબંધનનું મોટું નુકસાન તો સમાજવાદી પાર્ટીને થયું. સમાજવાદી પાર્ટીને નડી ગયો તેમનો પારિવારિક ઝઘડો. મુલાયમસિંહના ભાઇ અને અખિલેશના કાકા શિવપાલસિંહ યાદવ અલગ પક્ષ રચીને ચૂંટણી લડયાં. ફિરોઝાબાદ બેઠક પરથી તેઓ ભત્રીજા અક્ષય યાદવ સામે લડયાં અને સરવાળે બંને ચૂંટણી હાર્યાં. સમાજવાદી પાર્ટીને મોટું નુકસાન તો બેઠકોની વહેંચણીના કારણે થયું. પહેલાં તો માયાવતીએ હાથ ઉપર રાખીને અખિલેશ યાદવ સાથે જોડાણ કર્યું અને બેઠકોની ફાળવણીમાં પણ પોતાની મનમાની ચલાવી.
બેઠકોની ફાળવણી અંગે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવે નારાજગી પ્રગટ કરતાં કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની ફોર્મ્યૂલા તેમની સમજમાં આવી નથી. એ સાથે જ તેમણે એ વાતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે અખિલેશ યાદવ આટલી ઓછી બેઠકો માટે રાજી જ કેવી રીતે થયાં? હકીકતમાં મુલાયમસિંહે એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ રીતે તો સમાજવાદી પાર્ટી જ ખતમ થઇ જશે. હવે પરિણામો જોતાં મુલાયમસિંહનો ડર અકારણ નહોતો એ વાત સાફ થઇ છે. ખરેખર તો સમાજવાદી પાર્ટીની સ્થાપના બાદ પહેલી વખત પાર્ટી આટલી ઓછી બેઠકો પરથી ચૂંટણી લડી.
બહજુન સમાજ પાર્ટીને વધારે બેઠકો તો મળી જ ઉપરાંત સમાજવાદી પાર્ટીની સરખામણીમાં આસાન બેઠકો પણ મળી. વારાણસી, ગોરખપુર, કાનપુર, ફૈઝાબાદ, અલાહાબાદ, પીલીભીત, બરેલી, ઝાંસી અને લખનઉ જેવી ભાજપના ગઢસમાન બેઠકો સમાજવાદી પાર્ટીના ફાળે આવી. એટલું જ નહીં, ઉત્તરપ્રદેશની ૧૭ અનામત બેઠકોમાંથી ૧૦ બેઠકો બહુજન સમાજ પાર્ટીના ભાગમાં ગઇ. શહેરી બેઠકો પર ભાજપનો પ્રભાવ વધારે ેનચ અને સમાજવાદી પાર્ટીના ફાળે શહેરી બેઠકો આવી જ્યારે બહુજન સમાજ પાર્ટીના ભાગે ગ્રામ્ય બેઠકો ગઇ. બેઠકોની વહેંચણીમાં માયાવતીના પ્રભાવનો ફાયદો છેવટે તો તેમની પાર્ટીને મળ્યો અને ગત લોકસભાની શૂન્ય બેઠકથી વધીને આંકડો દસે પહોૅચી ગયો.
બીજી બાજુ પરિણામ બાદ મતોના જે આંકડા આવ્યા એનાથી એ સાબિત થયું કે ભાજપને માત્ર તેના પરંપરાગત મતદારોએ જ નહીં, પરંતુ પછાત સમુદાયના મતો પણ મોટી સંખ્યામાં મળ્યાં. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં નેતાઓ તો એક થયા પરંતુ બંને પાર્ટીઓના કાર્યકરો અને પરંપરાગત મતદારો એક ન થઇ શક્યાં. એવો સવાલ પણ થયો કે જે કોંગ્રેસને માયાવતી અને અખિલેશ યાદવે ગઠબંધનમાંથી અલગ રાખી એ કોંગ્રેસને જો ગઠબંધનમાં સમાવી હોત તો ફાયદો થાત કે નહીં? જોકે આંકડા જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ સાથે આવી હોત તો પણ ખાસ ફેર ન પડયો હોત. સમાજવાદી પાર્ટીને ૧૭ ટકા, બહુજન સમાજ પાર્ટીને ૧૯ ટકા અને કોંગ્રેસને માત્ર ૭ ટકા મત મળ્યાં જેમનો સરવાળો કરવામાં આવે તો પણ ભાજપને મળેલા આશરે ૪૯ ટકા મતો કરતા ઘણાં ઓછા થાય છે.
હવે સવાલ એ છે કે વર્ષો બાદ એક થયેલા શત્રુઓ એક રહે છે કે ફરી પાછા પરસ્પરના વિરોધની રાજનીતિ પર પાછા ફરે છે? માયાવતીએ તો કહ્યું છે કે તેમનું ગઠબંધન આગામી સમયમાં પણ ચાલુ રહેશે. પરંતુ અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો કરુણ રકાસ થયા બાદ મોઢું સીવી લીધું છે. પરિણામ આવ્યા બાદ અખિલેશ યાદવ બસપા સુપ્રીમોને મળવા પણ ગયા નથી જેના કારણે એવું જણાઇ રહ્યું છે કે અંદરખાને કશુંક રંધાઇ રહ્યું છે. જોડાણ થયા પછીના દિવસોમાં અવારનવાર માયાવતીને મળવા દોડી જનાર અખિલેશ યાદવ પરિણામ બાદ માયાવતીને મળ્યાં નથી એ વાત જ ઘણું કહી જાય છે. આમ પણ રાજકારણમાં સંબંધો સગવડિયા હોય છે એ જોતાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું જોડાણનો પણ અંત આવે તો નવાઇ નહીં.