FOLLOW US

સાનિયા-શોએબની ફિલ્મી લવ સ્ટોરીનો આયશાના કારણે ધ એન્ડ

Updated: Nov 11th, 2022

- સાનિયા અને શોએબ પોતાના સંબંધો વિશે મૌન છે, પાકિસ્તાની એક્ટ્રેસ અને સિંગર આયેશા ઉંમર સાથેના શોએબના સંબંધોએ લગ્નભંગાણ પાડયું

- શોએબ મલિક અને આયશા ઉમરની લવ સ્ટોરી ગયા વરસે શરૂ થઈ હોવાનું કહેવાય છે. એકાદ વરસ પહેલાં શોએબ-આયશાએ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવેલું. આ ફોટોશૂટમાં શોએબ સ્વિમિંગ પુલમાં હોય ને આયશા તેની નજીક ઉભી હોય એવો ફોટો વાયરલ થયેલો. સાનિયા એ વખતે પોતાના દીકરાના ઉછેરમાં વ્યસ્ત હતી તેનો લાભ લઈને આયશા શોએબની નજીક આવી ગઈ.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું લગ્નજીવન ખરાબે ચડયું હોવાની વાતો લાંબા સમયથી ચાલ્યા કરતી હતી. હવે બંને વચ્ચે તલાક પાકા હોવાના સમાચાર છે. સાનિયા અને શોએબના એક નજીકના મિત્રે જ આ વાતને સમર્થન આપતાં સાનિયા-શોએબની ફેરી ટેલ લવ સ્ટોરી એટલે કે પરીઓની પ્રેમકથાનો અંત આવી જશે એવું લાગે છે. પાકિસ્તાનના મીડિયામાં આવેલા રીપોર્ટ્સ પ્રમાણે બંનેનું લગ્નજીવન કહેવા ખાતર ટક્યું છે, બાકી લાંબા સમયથી બંને અલગ અલગ ઘરોમાં જ રહે છે. 

સાનિયા અને શોએબ પોતાના સંબંધો વિશે મૌન છે પણ તેમની વચ્ચેના અણબનાવનું કારણ શોએબનું પાકિસ્તાની એક્ટ્રેસ અને સિંગર આયેશા ઉમર સાથેના શોએબના સંબંધો હોવાનું કહેવાય છે. આયેશા ઉમર પાકિસ્તાનની બહુ જાણીતી ટીવી સીરિયલ એક્ટ્રેસ છે. 

આયશા ટીવી સીરિયલોમાંથી ફિલ્મોમાં આવીને ફિલ્મોમાં પણ સફળ થઈ છે. આયશાએ ગાયેલાં ઘણાં ગીતો પણ પાકિસ્તાનમાં ધૂમ મચાવી ચૂક્યાં છે.

એકદમ હોટ અને ગ્લેમરસ આયશા પબ્લિસિટી મેળવીને ચર્ચામાં કઈ રીતે રહેવું તેમાં પાવરધી છે. હમણાં ઈમરાન ખાન પર હુમલો થયો ત્યારે બીજી એક્ટ્રેસ ચૂપ હતી પણ આયેશા ઉંમરે ઈમરાનને ટેકો આપેલો. આ પહેલાં આયશાએ લોકપ્રિય ટીવી શો બોલ નાઈટ્સ વિથ અહેસાન ખાનમાં ધડાકો કરેલો કે, પોતે અંગત જીંદગીમાં અને કેરીયરમાં પણ જાતિય શોષણનો શિકાર થઈ ચૂકી છે. આયશાએ દાવો કરેલો કે, પોતે કોઈ દિવસ આ વિશે જાહેરમાં બોલશે.

શોએબ મલિક અને આયશાની લવ સ્ટોરી ગયા વરસે શરૂ થઈ હોવાનું કહેવાય છે. એકાદ વરસ પહેલાં શોએબ અને આયશાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવેલું. આ ફોટોશૂટમાં શોએબ સ્વિમિંગ પુલમા હોય ને આયશા તેની નજીક ઉભી હોય એવો ફોટો બહુ વાયરલ થયેલો. સાનિયા એ વખતે પોતાના દીકરાના ઉછેરમાં વ્યસ્ત હતી તેનો લાભ લઈને આયશા શોએબની નજીક આવી ગઈ. ધીરે ધીરે શોએબના દિલોદિમાગ પર તેણે કબજો કરી લીધો તેના કારણે બે મહિના પહેલાં શોએબ ઘર છોડીને ડતો રહ્યો ને સાનિયા એકલી થઈ ગઈ.

સાનિયા અને શોએબની લવ સ્ટોરીનો અંત શું હશે એ ખબર નથી પણ સાનિયા અને શોએબની લવ સ્ટોરી ફિલ્મી સ્ટાઈલની હતી. સાનિયા અને શોએબ મલિકની લવસ્ટોરીએ બંને દેશોમાં હલચલ મચાવી દીધી હતી. 

શોએબ પાકિસ્તાની ક્રિકેટનો સ્ટાર હતો ને સાનિયા ભારતીય ટેનિસ સ્ટાર હતી. અત્યારે તો ભારતમાં ઘણી છોકરીઓએ ટેનિસમાં નામ કાઢયાં છે પણ એ વખતે છોકરીઓ ટેનિસમાં નહોતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી હોય એવી તો સાનિયા એક માત્ર ભારતીય છોકરી હતી. સાનિયા ગ્લેમરસ પણ હતી તેથી ભારતમાં યુવા દિલની ધડકન હતી પણ સાનિયાનું દિલ પાકિસ્તાની શોએબ પર આવી ગયેલું.

સાનિયા અને શોએબની પહેલી મુલાકાત ૨૦૦૪માં ભારતમાં થઈ હતી. એ વખતે બંને એકબીજા તરફ આકર્ષાયાં હતાં પણ પહેલી મુલાકાતમાં જ કશું કહી ના શક્યાં. એ પછી બંને સંપર્કમાં હતાં પણ મુલાકાત થઈ નહોતી. પાંચ વર્ષ પછી ૨૦૦૯માં સાનિયા ટેનિસ રમવા ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં ગઈ હતી ત્યારે શોએબ પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે હોબાર્ટમાં જ હતો. હોબાર્ટમાં બંને એકબીજાને મળ્યાં અને લવ સ્ટોરી શરૂ થઈ.

શરૂઆત ફ્રેન્ડશિપથી થઈ ને પછી મુલાકાતોનો સિલસિલો શરૂ થયો ને બંને પ્રેમમાં પડયાં. સાનિયા પોતાની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થતી હતી તેથી શોએબ તરફ ઢળેલી. સાનિયાએ પોતાની આત્મકથા 'એસ અગેઈન્સ્ટ ઓડ્સ'માં એકરાર કર્યો છે કે,  પ્રોફેશનલ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી ત્યારે શોએબ તેના જીવનમાં આવ્યો. શોએબે તેને સપોર્ટ આપ્યો તેથી એ તેની તરફ ઢળી. 

પૂરા પાંચ મહિના સુધી એકબીજાને મળતાં રહ્યાં ને જાણતાં રહ્યાં પછી બંનેએ નિકાહ પઢવાનું નક્કી કર્યું. બંનેનાં મા-બાપને વાંધો નહોતો તેથી ૧૨ એપ્રિલ ૨૦૧૦ના રોજ બંનેનાં નિકાહ થયાં. લગ્નની તમામ વિધિ ભારતમાં જ થઈ હતી. આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં નિકાહ પઢયા પછી સાનિયા પાકિસ્તાન ગઈ.  લાહોરમાં બંનેનું  રિસેપ્શનનું યોજાયું ત્યારે પાકિસ્તાનની તમામ સેલિબ્રિટી તેમાં હાજર હતી. પાકિસ્તાનમાં આવાં ભવ્ય રીસેપ્શન ભાગ્યે જ થયાં હશે. લગ્ન સમયે સાનિયાની દેશભક્તિ સામે પણ સવાલો ઊભા કરાયા હતા. એક પાકિસ્તાનીને પરણેલી સાનિયા કઈ રીતે ભારત તરફ વફાદારી રાખી શકશે એવી વાતો પણ ઘણાં સંકુચિત માનસિકતા ધરાવતાં લોકોએ કરેલી પણ સાનિયા તેનાથી વિચલિત થયા વિના ભારત માટે રમતી રહી, દેશને ગૌરવ અપાવતી રહી. સાનિયા અને શોએબ બંનેએ એ પછી સ્પોર્ટ્સમાં પોતાની કારકિર્દી ચાલુ રાખી પણ બંને વચ્ચે કદી ખટરાગ થયો નહીં. લગ્નનાં ૧૦ વર્ષ પછી તેમના પુત્ર ઇઝાનનો જન્મ થયો અને સાનિયા બહુ ખુશ હતી ત્યાં જ શોએબની લફરાબાજીની વાતો બહાર આવવા માંડી તેમાં ખટરાગ થયાનું મનાય છે.

સાનિયા અને શોએબ અલગ થશે કે નહીં એ સમય કહેશે પણ સાનિયાએ પોતાના લગ્નજીવનને ટકાવવા ભારે ભોગ આપ્યો છે. ભારતમાં મુક્ત વાતાવરણમાં ઉછરેલી સાનિયાએ શોએબને ખાતર બંધિયાર જીંદગીને અપનાવી છે. શોએબના કારણે તેની દેશભક્તિ સામે ઉઠેલા સવાલોનો પણ તેણે સામનો કર્યો છે. એ પછી પણ શોએબ બેવફાઈ કરે તો તેમાં સાનિયાનો વાંક નથી. 

સાનિયા ભારતીય છે ને ભારતીય રહેશે. શોએબ તલાક આપશે તો એ ભારત આવીને રહી જ શકશે, નવી જીંદગી શરૂ કરી જ શકશે. 

સાનિયાની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં હતાશાનો સૂર

સાનિયા છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર તેના જીવનમાં ઝંઝાવાત આવ્યો હોવાનો સંકેત આપતી પોસ્ટ મૂક્યા કરે છે. થોડા દિવસો પહેલાં સાનિયાએ લખેલું કે, ભગ્ન હૃદય ક્યાં જાય છે ? અલ્લાહની તલાશમાં.

સાનિયાએ એ પછી પોતાના પુત્ર ઇઝાન સાથેનો ફોટો મૂકીને લખ્યું હતું કે, આ એ ક્ષણો છે કે જે મને સૌથી મુશ્કેલ દિવસો પસાર કરવાની તાકાત આપે છે.

સાનિયાએ એ પહેલાં લખેલું કે, અલ્લાહને ખબર છે કે તમારો આત્મા થાકી ગયો છે. અલ્લાહને ખબર છે કે, જે કંઈ થઈ રહ્યું છે એ સ્વિકારવું તમારા માટે મુશ્કેલ છે. અલ્લાહને ખબર છે કે, તમે તેને સવાલો કરી રહ્યાં છો ને સતત પ્રાર્થનાઓ કરી રહ્યાં છો. અલ્લાહને ખબર છે કે, તમે મૂંઝાયેલાં છો અને તમને શાંતિની જરૂર છે પણ અલ્લાહને ખબર છે કે, તમારા માટે શું શ્રેષ્ઠ છે. અલ્લાહ પર ભરોસો રાખો, એ તમને હંમેશાં એ દિશામાં લઈ જશે. સાનિયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જિમ સ્ટોર્મનું ક્વોટ પણ મૂકેલું. તેમાં પણ તેણે પોતાને પોતાની ચોક્કસ જગા જોઈએ એવો સંકેત આપ્યો છે.

સાનિયાની સોશિયલ મીડિયાની આ બધી પોસ્ટ્સના કારણે સાનિયા અને શોએબનું લગ્નજીવન ખરાબે ચડયું હોવાનો સંકેત બહુ પહેલાં જ મળી ચૂક્યો હતો.

મોહસિન-રીનાના નિકાહ તૂટયા, ઝહીર-રીતાના ટક્યા

ભારત અને પાકિસ્તાનની સેલિબ્રિટીઝ વચ્ચે રોમાંસના ઘણા કિસ્સા છે પણ આ રોમાંસ લગ્નમાં પરિણમ્યો હોય એવા આંગળીના વેઢે ગણાય એટલા કિસ્સા છે. આ પૈકી લગ્નજીવન ટક્યું હોય એવો એકમાત્ર કિસ્સો ઝહીર અબ્બાસ અને રીતા લુથરાનો છે. શોએબ મલિકની જેમ વરસો પહેલાં પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાને ભારતીય એક્ટ્રેસ રીના રોય સાથે લગ્ન કરેલાં. રીનાનું મૂળ નામ સાયરા અલી હતું. રીના અને મોહસિન ૧૯૮૩માં પરણી ગયાં પછી મોહસિન ક્રિકેટની કારકિર્દીને તિલાંજલી આપીને ભારત જ આવી ગયેલો. મોહસિને બોલીવુડમાં કરીયર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથી સહિતની કેટલીક ફિલ્મો ચાલી હતી પણ મોહસિન બહુ મોટો સ્ટાર ના બની શકતાં રીના સાથે પાકિસ્તાન જતો રહેલો. પાકિસ્તાનમાં બંને વચ્ચે ખટરાગ થતાં છેવટે તલાક થઈ ગયેલા. બંનેને સનમ નામે દીકરી હતી કે જે મોહસિનને સોંપાયેલી પણ મોહસિને ફરી લગ્ન કરતાં હવે દીકરી રીના સાથે રહે છે. બોલીવુડ સર્જક ઈમ્તિયાઝ અલીએ પાકિસ્તાની એક્ટ્રેસ ઈમાન અલી સાથે નિકાહ પઢેલા એવી વાતો ચાલેલી પણ બંનેમાંથી કોઈએ આ વાતને સમર્થન નહોતું આપ્યું.

પાકિસ્તાનના મહાનતમ બેટ્સમેનમાં એક ઝહીર અબ્બાસે ૧૯૮૮માં ભારતીય મોડલ રીતા લુથરા સાથે લગ્ન કર્યાં હતાં. ઝહીરનાં નજમા બુખારી સાથેના પહેલા લગ્નમા તલાક થયા પછી ઈંગ્લેન્ડમાં રીતા સાથે પરિચય કરેલો. રીતા ઈસ્લામ અંગિકાર કરીને સમીના બની ગઈ અને બંને હજુ સાથે જ છે.

Gujarat
English
Magazines