બૉડી બનાવવાની લહાય સેલિબ્રિટીને મોત નજીક ખેંચી જાય છે
Updated: Nov 13th, 2022
- ટીવી એક્ટર સિધ્ધાંતનું જીમમાં અચાનક મૃત્યુ, સ્ટાર્સના જીમમાં મોત, કસરતનો અતિરેક ભારે પડી શકે છે
- છેલ્લા સવા-દોઢ વર્ષમાં દેશમાં એકદમ ફિટ કહેવાય એવી સાતેક સેલિબ્રિટી સિધ્ધાંતની જેમ જિમમાં વર્કઆઉટ કરતાં કરતાં કે વર્કઆઉટ પછી તરત જ અચાનક પડી જઈને મોતને ભેટી છે. ઘણા કિસ્સામાં સારવાર મળી પણ એ કારગત ના નિવડી. ઘણા કિસ્સામાં તો સારવાર મળે એ પહેલાં જ પ્રાણપંખેરુ ઉડી ગયેલું. તેમની ફિટનેસ જોઈને કોઈ એવી કલ્પના પણ ના કરી શકે કે, આ માણસ ગુજરી જશે
દેશના યુવાનોમાં ફિલ્મી એક્ટર્સ અને બીજી સેલિબ્રિટીઝને જોઈને બોડી બિલ્ડિંગનો ક્રેેઝ વધી રહ્યો છે. યુવાનોમાં સલમાન ખાન કે બીજા એક્ટર્સની જેમ સિક્સ પેક એબ્સ ને ડોલે શોલે બનાવવા માટે જીમમાં એક્સરસાઈઝ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જ જાણીતા ટીવી એક્ટર સિધ્ધાંત સૂર્યવંશીનું જીમમાં એક્સરસાઈઝ કરતી વખતે અચાનક મોત થયું.
સિધ્ધાંત ૧૧ નવેમ્બરે સવારે જિમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે અચાનક ચક્કર આવતાં પડી ગયા ને બેભાન થઈ ગયા. તેમના ટ્રેનર્સ તથા બીજાં લોકોએ મોં પર પાણી છાંટીને ને બીજી રીતે તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્નો ના ફળતાં એમ્બ્યુલન્સમાં કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવાયા. ડૉક્ટરોએ એક કલાક સુધી સારવાર કરીને હૃદયને ફરી ધબકતું કરવા પ્રયત્ન કર્યો પણ કશું કામ ના લાગ્યું ને સિધ્ધાંતસિંહ સૂર્યવંશી કાયમ માટે આપણ વચ્ચેથી વિદાય થઈ ગયા.
'કુસુમ' સીરિયલથી ટીવી એક્ટર તરીકે કારકિર્દી શરૂ કરનારા સિધ્ધાંતસિંહ સૂર્યવશી ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો હતા. 'કસૌટી જિંદગી કી', 'કૃષ્ણા અર્જુન', 'ક્યા દિલ મેં હૈ' 'ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી' 'જિદ્દી દિલ' વગેરે સીરિયલોમા કામ કરનારા સિધ્ધાંતસિંહ સૂર્યવશીની ગણના ટીવી ઈન્ડસ્ટ્રીના મેચોમેનમાં થતી હતી. એકદમ ફિટ સિધ્ધાંતસિંહ સૂર્યવંશી પોતાની ફિટનેસ માટે જાણીતા હતા. સિધ્ધાંતની ઉંમર ૪૬ વર્ષ હતી પણ જોરદાર ફિટનેસ અને ચરબી વિનાની બોડીના કારણે એ પાંત્રીસેકની આસપાસના જ લાગતા હતા.
સિધ્ધાંતની ફિટનેસના કારણે તેમના મોતથી સૌને આંચકો લાગી ગયો છે પણ સાથે સાથે એ ચર્ચા પણ છેડાઈ ગઈ છે કે, બોડી બિલ્ડિંગના ચક્કરમાં વધારે પડતી એક્સરસાઈઝ કરવી કેટલી યોગ્ય છે ? આ ચર્ચા છેડાવાનું કારણ એ છે કે, છેલ્લા સવા-દોઢ વર્ષમાં દેશમાં એકદમ ફિટ કહેવાય એવી સાતેક સેલિબ્રિટી આ રીતે મોતને ભેટી છે. આ પૈકી ઘણા તો સિધ્ધાંતની જેમ જિમમાં વર્કઆઉટ કરતાં કરતાં જ કે વર્કઆઉટ પછી તરત જ અચાનક પડી ગયા ને મોતને ભેટયા છે. ઘણા કિસ્સામાં સારવાર મળી પણ એ કારગત ના નિવડી. ઘણા કિસ્સામાં તો સારવાર મળે એ પહેલાં જ પ્રાણપંખેરુ ઉડી ગયેલું. આ સેલિબ્રિટીઝના અચાનક નિધનથી સૌને આંચકો લાગેલો કેમ કે તેમની ફિટનેસ જોઈને કોઈ એવી કલ્પના પણ ના કરી શકે કે, આ માણસ ગુજરી જશે.
આ વરસના ઓગસ્ટમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આ રીતે જ દિલ્હીમાં જીમમાં ટ્રેડ મિલ પર ચાલતાં ચાલતાં ગબડી પડેલા ને બેભાન થઈ ગયેલા. રાજુ શ્રીવાસ્તવને તરત નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (છૈંૈંસ્જી)માં લઈ જવાયા તેથી બચી તો ગયા પણ હાલત સારી નહોતી. રાજુને ૧૦ ઓગસ્ટથી વેન્ટિલેટર પર રખાયેલા પણ છતાં જીવ ના બચ્યો. ૪૨ દિવસના જંગ પછી ૨૧ સપ્ટેમ્બરે રાજુએ કાયમી વિદાય લીધી. એકદમ સૂકલકડી રાજુને હાર્ટ એટેક આવી શકે એવી જ કોઈને કલ્પના નહોતી.
રાજુ બેભાન થયાતેના મહિના પહેલાં એટલે કે જુલાઈમાં 'ભાભી જી ઘર પર હૈ'માં મલખાન બનતા દીપેશ ભાણ ક્રિકેટ રમતાં રમતાં પડી ગયા હતા. હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. દીપેશ જિમમાંથી વર્કઆઉટ કરીને નીચે આવ્યા પછી ફ્લેટની નીચે ક્રિકેટ રમતા હતા ને કાર્ડિયાક એરેસ્ટે તેમનો ભોગ લઈ લીધો.
એ પહેલાં મેચોમેન ગણાતા સિદ્ધાર્થ શુક્લાનું પણ આ રીતે જ મોત થયેલું. બિગ બોસમા વિજેતા બનેલા સિધ્ધાર્થની ફિટનેસની ફિલ્મ સ્ટાર્સને ઈર્ષા આવતી. રોજ એક્સરસાઈઝ કરતા શુકલા એક્સરસાઈઝ કરીને બેઠા હતા ને હાર્ટ એટેક આવી ગયેલો. શુકલા પણ ૪૧ વર્ષના જ હતા ને આ ઉંમર મરવાની ના કહેવાય.
આ જ રીતે સિંગર કેકે, કન્નડ ફિલ્મોના સુપર સ્ટાર પુનિત રાજકુમાર, ફિલ્મ સર્જક રાજ કૌશલ, અભિનેતા અમિત મિસ્ત્રી વગેરે છેલ્લા એક-દોઢ વર્ષના ગાળામાં આ રીતે જ વર્કઆઉટ કર્યાના થોડાક કલાકોના ગાળામાં જ બેભાન થઈને પડયા ને મોતને ભેટયા.
આ બધા જ પચાસ વર્ષથી ઓછી ઉંમરના હતા ને ફિટનેસ ફ્રીક તરીકે જાણીતા હતા. નિયમિત રીતે કસરત કરવી અને શરીર પર ચરબી ના ચડે એ માટે કલાકો લગી જિમમાં પરસેવો પાડવો એ તેમની લાઈફસ્ટાઈલ હતી, રોજિંદી આદત હતી. ફિટ રહેવા માટે જોરદાર મહેનત કરવા છતાં આ લોકો મોતને ના રોકી શક્યા.
આ સેલિબ્રિટીઝના મોત દેશના યુવાનો માટે લાલ બત્તી સમાન છે. ફિટ રહેવું એ સારી વાત છે.
શરીર તંદુરસ્ત હોય તો જ તમે જીવનનો સાચો આનંદ માણી શકો એ સનાતન સત્ય છે પણ ફિટનેસની ઘેલછા જીવ લઈ લે એ સારી વાત નથી. માણસના શરીરને લગતો એક સનાતન સિધ્ધાંત છે કે, કોઈ પણ ચીજ કે પ્રવૃત્તિનો અતિરેક સારો નહીં. એ તમારા શરીરને ખતમ કરી નાંખે. કસરતની બાબતમાં પણ આ વાત સાવ સાચી છે. વધારે પડતી કસરતથી વધારે ફિટ રહેવાય એવા ભ્રમમાં રહેવું પણ ભારે પડી શકે ને જીંદગીથી હાથ ધોવા પડી શકે. આ લોકો તો સેલિબ્રિટી હતા તેથી તેમના મોતની મીડિયામાં નોંધ લેવાઈ, લોકોને ખબર પડી પણ કેટલાય યુવાનો એવા હશે કે જેમને આ રીતે જ બોડી બિલ્ડિંગની ઘેલછા હશે. મસલ્સ બનાવવા કે ચરબી ઓગાળવા કલાકો લગી જીમમાં વર્કઆઉટ કર્યા કરતા હશે ને મોતને ભેટતા હશે. તેમના પોતાના પરિવાર સિવાય કોઈ તેમના અકાળે થયેલા મોતની નોંધ પણ નહીં લેતું હોય.
યુવાનોએ બીજી પણ એક વાત સમજવી જરૂરી છે. ફિલ્મ સ્ટાર્સ, ટીવી સ્ટાર્સ કે બીજી સેલિબ્રિટીઝે ફિટ રહેવું જરૂરી હોય છે કેમ કે તેમની સ્ટાર ઈમેજ તેના પર બને છે. એ માટે એ લોકો ટ્રેઈનર્સ રાખતા હોય છે ને ડોક્ટર્સની સલાહ પણ લેતા હોય છે.તેના આધારે પોતાનો ડાયેટ એટલે કે ખોરાક નક્કી કરતા હોય છે. એ ખોરાક પણ પોષણયુક્ત હોય એ જરૂરી છે. આ બધી કાળજી છતાં સંખ્યાબંધ સ્ટાર્સને એક્સરસાઈઝ કરતાં હાર્ટ એટેક આવી જાય તેનો મતલબ એ થાય કે, તેમણે નક્કી કરેલી મર્યાદા ઓળંગી છે. પોતાના શરીરને વધારે પડતું કષ્ટ આપ્યું છે ને તેના કારણે શરીરે સાથ છોડી દીધો. ઘણા કેસમાં સ્ટેરોઆડ કે પ્રોટીન શેક વગેરે વધારે પ્રમાણમા લેવાથી પણ શરીરને અસર થાય છે.
યુવાનો ફિટ રહેવા પ્રયત્ન કરે એ સારું કહેવાય પણ તેના માટે સ્વાભાવિક મહેનત કરવી જરૂરી છે. એક્સરસાઈઝ સહિતના અસ્વાભાવિક પ્રયત્નો ઘાતક નિવડી શકે.
ભારતમાં હાર્ટ એટેકના કેસોમાં ૫૦ ટકા યુવાનો
ભારતીયોમાં છેલ્લાં કેટલાંક વરસોથી હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ યુવાનો વધારે પ્રમાણમાં હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ભારતમાં દર વર્ષે ૩૦ લાખ લોકો હદયને લગતી બિમારીઓથી મરે છે. તેમાંથી પચાસ ટકા લોકો ૫૦ વર્ષથી ઓછી વયના હોય છે. દેશમાં હાર્ટ એટેકના કુલ કેસોમાં ૫૦ ટકા કેસ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોના હોય છે જ્યારે ૨૫ ટકા કેસ ૪૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોના હોય છે.
મેડિકલ રીસર્ચના આંકડા છે. ૨૦૦૦થી ૨૦૧૬ વચ્ચે થયેલા આ અભ્યાસનું તારણ એ છે કે, હવે પહેલાંની જેમ પચાસ વર્ષથી વધારે ઉંમરે જ હાર્ટ એટેક આવે એવું નથી તેથી બધાંએ ચેતવું. ભારતમાં દર વર્ષે ૪૦ વર્ષથી ઓછી ઉંમરનાં લોકોના હાર્ટ એટેકના દરમાં ૨ ટકાનો વધારો થયો છે તેથી પણ ચેતવું.
ડોક્ટરની સલાહ વિના વર્કઆઉટ ના થાય
યુવાનો બોડી બનાવવા એક્સરસાઈઝ કરે ત્યારે તેમણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
સૌથી પહેલી વાત એ કે, મેડિકલ એક્સપર્ટની સલાહ વિના કોઈ પણ કસરત કરાય જ નહીં. દરેકના શરીરનો બાંધો અલગ હોય છે, દરેકના શરીરની મહેનત કરવાની તાકાત અલગ હોય છે તેથી અડસટ્ટે કોઈની દેખાદેખી વર્કઆઉટના રવાડે ના ચડાય. સલમાન કે રીતીક રોશન જેવી બોડી ના બને તો ચાલે પણ તેના ચક્કરમાં જીવ જાય એ ના ચાલે.
મેડિકલ નિષ્ણાતના મતે, જે લોકો તમાકુ ખાતા હોય કે સિગારેટ-બીડી પીતા હોય તેમને હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે હોય છે.
તમાકુનો ઉપયોગ હાર્ટની બીમારી થવા માટેનું સૌથી મોટા જોખમી પરિબળ મનાય છે તેથી તમાકુનું સેવન કરનારે તો ડોક્ટરને પૂછયા વિના વર્કઆઉટ કરાય જ નહીં.