પ્રાદેશિક પક્ષોની સોદાબાજી લોકશાહી માટે ખતરાસમાન
- ચૂંટણી નજીક આવતા એનડીએ અને મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને ગડમથલ
- ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં દરેક પ્રદેશ અને જાતિને પ્રતિનિધિત્ત્વ મળે એ જરૂરી છે પરંતુ જ્યારે રાજકીય જોડાણો માત્ર સ્વાર્થ અને લાગ સાધવારૂપે થતાં હોય ત્યારે એ લોકશાહી માટે સારા ન ગણાય
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોની ગતિવિધિમાં ગરમાવો વ્યાપી રહ્યો છે. હાલ ભાજપની આગેવાની હેઠળના એનડીએ તેમજ ભાજપવિરોધી દળોના મહાગઠબંધન જુદી જુદી બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં લાગ્યાં છે. બંને મોરચાને પ્રાદેશિક પક્ષો સાથે તાલમેલ બેસાડવામાં અને બેઠકોની ફાળવણી કરવામાં ભારે લમણાઝીક કરવી પડી રહી છે.
ભારતને આઝાદી મળી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ આઇડિયા ઓફ ઇન્ડિયાનો ખ્યાલ રજૂ કર્યો હતો. તો ભાજપ સંઘની સ્થાપનાથી અખંડ ભારતની કલ્પના રજૂ કરતો આવ્યો છે. પરંતુ વિટંબણા એ છે કે અખંડ ભારતનો આ ખ્યાલ માત્ર ભાષણો પૂરતો સીમિત રહે છે. ચૂંટણી આવતા જ દેશના લોકો પોતાના પ્રદેશ અને સાંસ્કૃતિક ઓળખને મુખ્ય બનાવી દે છે. એટલા માટે આપણી ચૂંટણી જાતિઓ, સંપ્રદાયો, ભાષાઓ, બોલીઓ અને વિસ્તારો પૂરતી સમેટાઇ જાય છે. સત્તરમી લોકસભાની ચૂંટણી અગાઉ રાજકીય પક્ષોની હિલચાલ જોતાં ખ્યાલ આવે છે કે આ વખતની ચૂંટણી આવા પરિબળો પર જ ટકી રહી છે.
પુલવામા હુમલો અને ત્યારબાદ બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ દેશભરમાં ફરી મોદીજુવાળ ઊભો થયો છે જેના કારણે લાંબા સમયથી ભાજપને આંખ દેખાડી રહેલાં એનડીએના સહયોગી પક્ષો ઝાઝી માથાકૂટ કર્યા વિના ભાજપ સાથે જોડાણ કરવા લાગ્યાં છે. ગત લોકસભાની ચૂંટણીમાં જવલંત વિજય મેળવીને સત્તામાં આવ્યા બાદ ભાજપે તેના સાથી પક્ષોને અવગણવાનું શરૂ કર્યું હતું. એનડીએના સહયોગી પક્ષો લાંબા સમયથી ભાજપના વલણને લઇને કાગારોળ મચાવતા હતાં પરંતુ ભાજપે તેમને કોઠું આપ્યું નહોતું, પરંતુ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે ફરી પાછા સાથી પક્ષોને મનાવવાનું શરૂ કરી દીધું અને બેઠકોની ફાળવણીના મામલે પણ ભાજપે ઉદાર વલણ અખત્યાર કર્યું. થોડા સમય પહેલાં બિહારમાં બેઠકોની ફાળવણીના મામલે ભાજપે જેડીયૂ સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.
બિહારમાં ભાજપ અને જેડીયૂ ૧૭-૧૭ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી ૬ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. મહત્ત્વની બાબત એ છે કે ભાજપે જેડીયૂ સાથે કઇ હદે સમાધાન કર્યું એનો ખ્યાલ એ વાતે આવે છે કે તેણે ગઇ ચૂંટણીમાં જીતેલી બેઠકો પણ જેડીયૂને આપી દીધી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બિહારમાં ૩૦ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતાં જેમાં બાવીસ બેઠકો પર તેને વિજય મળ્યો હતો. એલજેપીને ૬ તો ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને ત્રણ બેઠકો પર વિજય મળ્યો હતો. બીજી બાજુ જેડીયૂએ ભાજપ સાથે છેડો ફાડીને તમામ ૪૦ બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેના હાથમાં માત્ર બે જ બેઠકો આવી હતી. એ જોતાં ભાજપે જેડીયૂ માટે ૧૩ બેઠકોનો ત્યાગ કર્યો છે જેમાંની પાંચ બેઠકો પર તો તેના સાંસદો પણ છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહા ભાજપ ઉપર અવગણનાનો આરોપ મૂકીને એનડીએ છોડીને વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ થઇ ગયા. હજુ તો ઉપેન્દ્ર કુશવાહાના આઘાતમાંથી બહાર આવે એ પહેલાં તો એનડીએમાં મહત્ત્વના સહયોગી એવી રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ભાજપ સાથે સોદાબાજી ચાલુ કરી દીધી. ભાજપે પણ પાસવાન સામે નમતું જોખવાની ફરજ પડી અને બિહારની ૬ લોકસભા બેઠકો લોક જનશક્તિ પાર્ટીને ફાળવવાનું નક્કી થયું. લટકામાં રામવિલાસ પાસવાન માટે આસામથી રાજ્યસભાની બેઠક આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું.
એવું જ નરમ વલણ ભાજપે મહારાષ્ટ્રમાં ધારણ કર્યું અને શિવસેના સાથે સમજૂતિ કરવામાં ભાજપે સંપૂર્ણ સમાધાનકારી માર્ગ અપનાવ્યો. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતિ મુજબ મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ભાજપ ૨૫ અને શિવસેના ૨૩ બેઠકો પરથી ચૂંટણી લડવાનું નક્કી થયું. ગત લોકસભાની ચૂંટણીમાં શિવસેનાને ૨૨ બેઠકો ફાળવવામાં આવી હતી જે જોતાં આ વખતે એક બેઠક વધારે ફાળવીને તેને ખુશ કરવાના પ્રયાસ થયા. એ સાથે જ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ બંને પક્ષોએ સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સરખેસરખા ઉમેદવારો ઊભા રાખવાનું ઠરાવવામાં આવ્યું. એ જ તર્જ પર ભાજપે તામિલનાડુમાં એઆઇએડીએમકે સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને માત્ર પાંચ બેઠકો મેળવીને સંતોષ માન્યો.
એ જ રીતે ઉત્તરપ્રદેશમાં ભાજપે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓમપ્રકાશ રાજભર સામે નમતું જોખવું પડયું. ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં સામેલ હોવા છતાં ઓમપ્રકાશ રાજભર વખતોવખત ભાજપથી તેમની નારાજગી વ્યક્ત કરતાં રહ્યાં હતાં તેમ છતાં ભાજપે તેમની સાથે જોડાણ કર્યું. હવે રાષ્ટ્રીય રાજકારણની વાત તો જવા દો, પ્રાદેશિક રાજકારણમાં પણ ઓમપ્રકાશ રાજભરનું ખાસ ઉપજતું નથી. તેઓ માત્ર એક સમુદાયના નેતા છે અને પૂર્વી ઉત્તરપ્રદેશના અમુક વિસ્તાર પૂરતું એમનું વર્ચસ્વ છે. તેમ છતાં તેઓ વારંવાર ભાજપથી નારાજ હોવાનું ચિત્ર ઊભું કરીને ચૂંટણીની બરાબર પહેલાં પોતાના દળના તમામ લોકોને સરકારી હોદ્દા અને સુવિધાઓ અપાવવામાં સફળ નીવડયાં. એવું જ કંઇક અપના દળના અનુપ્રિયા પટેલનું પણ થયું. ઉત્તરપ્રદેશના જ અમુક વિસ્તારને બાદ કરતાં કોઇ તેમનું નામ પણ નહીં જાણતા હોય તેમ છતાં પાંચ વર્ષ સુધી મોદી સરકારમાં સત્તાસુખ ભોગવ્યું. અને ચૂંટણી નજીક આવતા ભાજપને આંખ દેખાડવાની શરૂ કરી દીધી અને પરિણામે રાજ્યમાં પોતાની બે બેઠકો જાળવી રાખવામાં સફળ રહ્યાં.
બીજી બાજુ ભાજપની મુખ્ય પ્રતિદ્વંદ્વી એવી કોંગ્રેસનો તો જોડાણ કરવામાં ભાજપ કરતા અનેકગણી વધારે માથાકૂટ કરવાની થઇ છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુને બાદ કરતાં અન્ય રાજ્યોમાં જોડાણ અને બેઠકોની ફાળવણીના મામલે કોંગ્રેસે ઘણાં સમાધાન કરવા પડયાં છે. દેશના રાજકારણમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવતા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે એકલે હાથે ઝંપલાવવાનો વારો આવ્યો છે. ગયા વર્ષના અંતે ત્રણ રાજ્યોમાં મળેલી જીત બાદ કોંગ્રેસને આશા હતી કે હિન્દી બેલ્ટમાં તે માયાવતી અને અખિલેશ યાદવ સાથે પોતાની શરતો પર જોડાણ કરી શકશે. પરંતુ માયાવતી અને અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને અંધારામાં રાખીને જોડાણ કરી દીધું.
છેવટે કોંગ્રેસે ઉત્તરપ્રદેશના રાજકારણમાં પ્રિયંકા ગાંધીને ઉતાર્યાં અને પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સામે પણ ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી કર્યું. જોકે કોંગ્રેસે સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટીના મોટા નેતાઓ સામે ઉમેદવાર ન ઊભા રાખવાની જાહેરાત કરી ત્યારે માયાવતીએ તીખા શબ્દોમાં સ્પષ્ટતા કરી કે સપા-બસપા જોડાણ સાથે કોંગ્રેસને કોઇ લેવાદેવા નથી એટલા માટે તેઓ આ જોડાણમાં હોવાનો ભ્રમ પેદા ન કરે. એવું જ કંઇક બિહારમાં પણ બન્યું.
લાંબા સમયથી કોંગ્રેસના સહયોગી રહેલાં રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે પણ બેઠકોની ફાળવણીના મામલે કોંગ્રેસને આંખો દેખાડવાનું ચાલું કર્યું. બિહારમાં કોંગ્રેસ ૧૧ બેઠકો પર ચૂંટણી લડવા માગતી હતી પરંતુ તેજસ્વી યાદવ કોંગ્રેસને માત્ર ૮ બેઠકો આપવા જ રાજી હતાં. એટલું જ નહીં, તેઓ એવી બેઠકો કોંગ્રેસને ફાળવવા માગતા હતાં જ્યાં એનડીએનું વર્ચસ્વ હતું. હુંસાતુંસી એટલી વધી ગઇ કે જોડાણ ભંગ થવાનો અંદેશો જણાવા લાગ્યો. છેવટે કોંગ્રેસે ૯ બેઠકો સાથે સંતોષ માનવો પડયો.
પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસે એકલે હાથે ચૂંટણી લડવાના સંજોગો ઊભા થયાં છે. આમ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલના વડા મમતા બેનરજીના સોનિયા ગાંધી સાથેના સંબંધો સારા રહ્યાં છે અને લોકસભાની ચૂંટણીમાં ભાજપવિરોધી મહાગઠબંધનમાં તેઓ કોંગ્રેસના મહત્ત્વના સહયોગી પૂરવાર થશે એવું જણાતું હતું પરંતુ રાજ્યમાં તૃણમુલે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું નથી. આમ પણ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ માટે પરસ્પર ધૂર વિરોધી એવા તૃણમુલ અને ડાબેરીઓને સાથે લાવવા અશક્યવત હતાં. તો પશ્ચિમ બંગાળનું કોંગ્રેસ એકમ રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસ સાથે ભાગીદારી કરવા રાજી નહોતું. છેવટે કોંગ્રેસ મમતા બેનરજીને પડતા મૂકીને ડાબેરીઓ સાથે જોડાણ કરવાની દિશામાં આગળ વધી પરંતુ એમાં પણ તેને સફળતા ન મળી અને બેઠકોની ફાળવણીના મુદ્દે કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સમજૂતિ ન સધાઇ શકી.
એકંદરે ભાજપે અને કોંગ્રેસે પ્રાદેશિક પક્ષો સામે નમતું જોખવું પડે છે ત્યારે સવાલ થાય કે શા માટે ચૂંટણી આવતા રાષ્ટ્રીય પક્ષો મજબૂર બની જાય છે? કારણ એ છે કે પ્રાદેશિક પક્ષો અને તેમને ઊભા કરનાર નેતાઓએ પ્રદેશ અને જાતીગત આકાંક્ષાઓને એટલી ચગાવી દીધી છે કે રાષ્ટ્રીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તેમની સાથે કોઇ પણ ભોગે સમાધાન કરવા વિવશ બની જાય છે.
ખરેખર તો ભાજપ અને કોંગ્રેસે મજબૂત પ્રાદેશિક નેતૃત્ત્વ ઊભું કરવાની જરૂર છે. પરંતુ હકીકત એ છે કે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડે છે તો કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારની છત્રછાયા હેઠળ આગળ વધી રહી છે.
મજબૂત પ્રાદેશિક નેતૃત્ત્વ ન હોવાના કારણે કોંગ્રેસ અને ભાજપે પ્રાદેશિક પક્ષોની માગણીઓ અને બ્લેકમેઇલિંગના ભોગ બનવું પડે છે. એક સમયે કોંગ્રેસ અને ભાજપ બંને પાસે મજબૂત પ્રાદેશિક નેતાઓ હતાં પરંતુ સમય જતાં વ્યક્તિપૂજા વધતી ગઇ અને પ્રાદેશિક નેતાઓ અદૃશ્ય થતાં ગયાં. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્ત્વ મળે એ જરૂરી છે પરંતુ જ્યારે રાજકીય જોડાણો માત્ર સ્વાર્થ અને લાગ સાધવારૂપે થતાં હોય ત્યારે એ લોકશાહી માટે સારા ન ગણાય.