પાકપ્રેરિત આતંકવાદને છાવરવા બદલ ચીન પણ ભારતનું ગુનેગાર
- મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચીને ચોથી વખત અટકાવ્યો
- એક તરફ ચીન ભારત સાથે દોસ્તીનો રાગ આલાપે છે તો બીજી તરફ ભારતના દુશ્મન દેશ સાથે જઇને ઊભું રહે છે અને હવે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર થતો અટકાવીને ભારતમાં નિર્દોષોનું લોહી વહેવડાવવાના અપરાધમાં ચીન પણ ભાગીદાર બની ગયું છે
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીને ફરી વખત ટાંગ અડાવી છે. મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરનારા પ્રસ્તાવ પર વીટો વાપરતા ચીને કહ્યું કે તેને આ મુદ્દાને સમજવા માટે સમયની જરૂર છે. જોકે આ પહેલાં અમેરિકાએ ચીનને ચેતવણી આપી હતી કે તેના વલણના કારણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે ખતરો પૂરવાર થઇ શકે છે. પરંતુ અડિયલ ટટ્ટુ જેવા ચીને કોઇની વાત કાને ન ધરી અને ફરી વખત પોતાના જિગરી દોસ્ત પાકિસ્તાનની વ્હારે આવ્યું.
પુલવામા હુમલા બાદ ભારતે એક પછી એક આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. પહેલા તો પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઇ લીધો તો બીજી બાજુ કાશ્મીરના પાકિસ્તાનતરફી અને આતંકવાદીઓને શરણ આપી રહેલાં અલગતાવાદી નેતાઓને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લીધી. એ સાથે જ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને વિખૂટું પાડવા માટે કૂટનૈતિક પ્રયાસો શરૂ કરી દીધાં. અનેક દેશોના રાજદ્વારીઓ સાથેની જુદી જુદી મુલાકાતો અને જી-૨૦ દેશોના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ ભારતને આતંકવાદ ફેલાવતા તત્ત્વોની સામે કાર્યવાહી કરવાનું સમર્થન પણ મળી ગયું. વૈશ્વિક જનમતને પોતાની તરફેણમાં કરીને ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી દીધી અને ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં આવેલા બાલાકોટ ખાતેના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પનો સફાયો બોલાવી દીધો. ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતને દોષિત ઠરાવવા માટે ઘણાં ધમપછાડા કર્યાં પરંતુ દુનિયાના દેશોએ તેને કોઇ ભાવ ન આપ્યો.
પાકિસ્તાનને હજુ વધારે સબક શીખવાડવા માટે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી ઠરાવવા માટે ભારત પ્રયાસરત હતું. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા અંગેનો પ્રસ્તાવ ૨૭ ફેબુ્રઆરીના દિવસે ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ રજૂ કર્યો. પ્રસ્તાવ રજૂ કર્યાના દસ કામના દિવસમાં જો કોઇ કાયમી સભ્ય વાંધો ન ઉઠાવે તો પ્રસ્તાવ પાસ થઇ જાય છે. ૧૩ માર્ચે આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવવાનો સમયગાળો પૂરો થઇ રહ્યો હતો પરંતુ ફરી એક વખત ચીન પાકિસ્તાનની મદદે આવ્યું અને છેલ્લી ઘડીએ આ પ્રસ્તાવ પર વીટો વાપરી દીધો જેના કારણે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ રદ્ થઇ ગયો. હવે આ પ્રસ્તાવ ઓછામાં ઓછા છ મહિના માટે અટકી ગયો છે. એ પછી પણ વધારે ત્રણ મહિના માટે ચીન તેને અટકાવી શકે છે. ત્યારબાદ ફરીથી પ્રસ્તાવ રજૂ કરી શકાશે.
મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવા માટે ભારત UNSCમાં ચાર વખત પ્રયાસ કરી ચૂક્યું છે. આ પહેલાં પણ ૨૦૦૯, ૨૦૧૬ અને ૨૦૧૭માં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચીન અટકાવી ચૂક્યું છે. જો આ વખતે પ્રસ્તાવ પાસ થઇ જાત તો મસૂદ અઝહર ગ્લોબલ આતંકવાદી જાહેર થઇ ગયો હોત અને એ સાથે જ તેની તમામ સંપત્તિ જપ્ત કરવાની સાથે સાથે મુસાફરી કરવા ઉપર પણ પ્રતિબંધ લાગી ગયો હોત. તાજ્જુબની વાત એ છે કે મસૂદ અઝહરે ઊભા કરેલું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વર્ષ ૨૦૦૧થી જ યૂ.એન.ની આતંકવાદી યાદીમાં સામેલ છે. પરંતુ મસૂદ અઝહરને છાવરવા ચીન એવી દલીલ કરે છે કે તેનો જૈશ-એ-મોહમ્મદ સાથે કોઇ સંબંધ જ નથી.
મસૂદની કુંડળી જોઇએ તો તેનો પાકિસ્તાનના બહાવલપુરના એક શ્રીમંત પરિવારમાં જન્મ થયો અને કરાચીની જામિયા ઉલૂમ-એ-ઇસ્લામી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યાં બાદ એ જ યુનિવર્સિટીમાં અધ્યાપક બની ગયો. બાદમાં કટ્ટરપંથના માર્ગે ચડયા બાદ તે અલ કાયદા અને તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં આવ્યો. આ દરમિયાન તેણે આતંકવાદથી પીડિત કેટલાંય આફ્રિકન દેશોની મુલાકાત લીધી. એમાંયે સોમાલિયા તો તે ઘણી વખત ગયો. એ પછી મસૂદ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ શરૂ કર્યો અને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે જેહાદીઓને તૈયાર કરવા લાગ્યો. હાલ પણ પાકિસ્તાનના બહાવલપુરસહિત અનેક સ્થળોએ તેના ટ્રેનિંગ કેમ્પ ચાલે છે.
મસૂદ અઝહર ૧૯૯૪માં શ્રીનગર આવ્યો એ વખતે પોલીસે તેને આતંકવાદી ગતિવિધિમાં સામેલ હોવા બદલ ઝડપી લીધો અને જેલભેગો કરી દીધો અઝહરને જેલમાંથી છોડાવવા માટે અનેક પ્રયાસો થયા. ૧૯૯૫માં છ વિદેશી પર્યટકોનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેમને છોડવાના બદલામાં મસૂદ અઝહરની મુક્તિની માંગ ભારત સરકાર સમશ્ર કરવામાં આવી. જોકે તત્કાલિન સરકાર આ માંગ સમક્ષ ન ઝૂકી અને આતંકવાદીઓએ પાંચ પર્યટકોને મારી નાખ્યા જ્યારે એક પર્યટક જીવ બચાવીને નાસી છૂટવામાં સફળ રહ્યો. એ પછી ૧૯૯૯માં ઇન્ડિયન એરલાઇન્સની નેપાળની રાજધાની કાઠમંડૂથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ હાઇજેક કરવામાં આવી.
આ વિમાનમાં ૧૫૫ મુસાફરો સવાર હતાં જેમના બદલામાં મસૂદ અઝહરની મુક્તિની માંગ કરવામાં આવી જેને તત્કાલિન વાજપેયી સરકારે સ્વીકારી લીધી અને મસૂદ અઝહરને છોડી મૂક્યો. મુક્ત થયા બાદ મસૂદ અઝહરની ભારતવિરોધી આતંકવાદી પ્રવૃત્તિમાં વેગ આવ્યો અને મુંબઇ હુમલાથી લઇને ઉરી, પઠાણકોટ તેમજ તાજેતરના પુલવામા હુમલામાં મસૂદ અઝહરનું નામ મુખ્ય કાવતરાખોર તરીકે આવતું રહ્યું છે.
હવે ફરી વખત મસૂદ અઝહરને છાવરીને પાકિસ્તાનને મદદ કરનારા ચીનના વલણના કારણે આખી દુનિયા પરેશાન છે. ચીનના આ પગલાંના કારણે ભારતમાં પણ ભારે રોષ વ્યાપી રહ્યો છે. અગાઉ ખંધા ચીને પુલવામા હુમલાની ટીકા તો કરી હતી પરંતુ પાકિસ્તાનનું નામ નહોતું લીધું અને હવે મસૂદ અઝહર પરના પ્રસ્તાવ માટે વીટો વાપરીને તે ઉઘાડેચોક પાકિસ્તાનની પડખે આવી ગયું છે. જોકે આ પહેલી વખત નથી કે ચીને ભારત વિરુદ્ધ સક્રિય આતંકવાદી સંગઠનોને શરણ આપી હોય. બહુ સમય પહેલાં ચીન મિઝો અન નગા ઉગ્રવાદીઓને પણ ટ્રેનિંગ આપી ચૂક્યું છે. પૂર્વોત્તરના અનેક ઉગ્રવાદી આકાઓને તેણે સંરક્ષણ આપતું આવ્યું છે જેમાંના કેટલાંક ચીનના સરહદી વિસ્તારો અને મ્યાંમારમાં છુપાયેલા છે.
બીજી બાજુ અમેરિકા પાસેથી આતંકવાદ વિરુદ્ધની લડતમાં કથિત સહયોગના નામે આર્થિક મદદ લઇને પાકિસ્તાને પોતાની અવદશા સુધારવાના બદલે આતંકની જ ખેતી કરી છે. એ જ કારણ છે કે આજે ખસ્તાહાલ બની ચૂકેલું પાકિસ્તાન હાથમાં કટોરો લઇને દુનિયાભરના દેશો પાસે આર્થિક સહાય માંગી રહ્યું છે. હવે જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક સહાય અટકાવી દીધી છે ત્યારે ચીનના રૂપમાં પાકિસ્તાનને નવો સહયોગી મળી ગયો છે. ચીન પણ એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે.
મસૂદ અઝહરને છાવરવા માટે ચીન પાસે એક કરતા વધારે કારણો છે. સૌથી પહેલું તો એ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી કડવાશ છે એ આખી દુનિયા જાણે છે. બધાં જોઇ રહ્યાં છે કે પાકિસ્તાન તરફથી છાશવારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી અને આતંકવાદી હુમલા થતા રહે છે. એવામાં ભારત અને પાકિસ્તાન જાની દુશ્મન બની ગયાં છે. ચીનને આ વાત પોતાના પક્ષમાં જતી જણાય છે કારણ કે ભારતને તે દરેક મોરચે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. દોઢ-બે વર્ષ પહેલાં દોકલામ વિવાદ વખતે ભારતે જે મક્કમતાથી ચીનનો સામનો કર્યો હતો એનાથી ચીન સમજી ગયું છે કે ભારત તેની દાદાગીરીથી ગભરાય એમ નથી. એ સંજોગોમાં ભારતને નુકસાન કરતા કે પીડા આપતા દરેક કારનામામાં તે પાકિસ્તાનને સાથ આપે છે. મસૂદના મામલે પાકિસ્તાનનો પક્ષ તાણવાનું એક મોટું કારણ છે ચીનનો મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ.
ભારત આ પ્રોજેક્ટનો કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થતો હોવાથી સખત વિરોધ કરે છે. તો આ પ્રોજેક્ટ માટે ચીનને પાકિસ્તાની જમીન અને બંદરોની તાતી જરૂર છે. આ પ્રોજેક્ટ માટે ચીને પાકિસ્તાનમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. ચીન મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવા એટલા માટે રાજી નથી થતું કે તેને ડર છે કે જો મસૂદને બ્લેક લિસ્ટ કરવામાં તેણે સંમતિ દર્શાવી તો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ તેના અતિમહત્વાકાંક્ષી સીપેક પ્રોજેક્ટને નિશાન બનાવી શકે છે. ખાસ કરીને આ કોરિડોર જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં આતંકવાદી સંગઠનોનું સારું એવું વર્ચસ્વ છે. એવામાં જો ચીન આતંકવાદ વિરુદ્ધની લડતમાં દુનિયાનો સાથ આપે તો તેનું કરોડો ડોલરનું રોકાણ જોખમમાં આવી પડે એમ છે.
છેલ્લા થોડા વર્ષોથી ભારત સાથેનો વેપાર ભારે તેજીથી વધ્યા છતાં ચીનનું આતંકવાદને સંરક્ષણ આપતું વલણ આશ્ચર્ય પમાડે છે. ભારતમાં ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની માંગ પહેલાં પણ ઉઠતી રહી છે પરંતુ હજુ સુધી એ ચીન સાથે ભારતનો વેપાર ચાલુ છે જે ભારતીય સૈનિકો અને નાગરિકોનું લોહી વહેવડાવનારા આતંકવાદીઓ, તેમના આકાઓ અને તેમને પોષી રહેલાં પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે.
એક તરફ તે ભારત સાથે દોસ્તીનો રાગ આલાપે છે તો બીજી તરફ ભારતના દુશ્મન દેશ સાથે જઇને ઊભું રહે છે. ભારતે ચીની ડ્રેગનની દરેક ચાલથી સાવધ રહેવું પડશે. ભારતમાં નિર્દોષોનું લોહી વહેવડાવવાનો આરોપ ચીન ઉપર પણ આવે છે કારણ કે તે પાકિસ્તાનના દરેક અપરાધનું ભાગીદાર બની ગયું છે.