ચૂંટણી ટાણે રાફેલ મામલે મોદી સરકાર બૅકફૂટ પર
- કોંગ્રેસે રફાલ સોદાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી રચવાની માંગ કરી
- લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિપક્ષો ગેલમાં
- રાફેલ મામલે ફરી વખત સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપ માટે મુસીબત ખડી થઇ છે તો પુલવામા હુમલા અને બાલાકોટ સ્ટ્રાઇક બાદ મોદી સરકારના રાષ્ટ્રવાદના મુદ્દા સામે ઝાંખા પડી રહેલા વિપક્ષમાં ખુશીની લહેર દોડી ગઇ છે
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં જ રાફેલ કેસ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સત્તાધારી ભાજપને બેકફૂટ પર લાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે સરકારના તમામ વાંધાવચકા ફગાવી દઇને રાફેલ મામલામાં ફરી વખત સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટને રાજકારણ કે કોઇ પાર્ટી સાથે કોઇ નિસ્બત નથી હોતી પરંતુ પહેલા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં જ જ્યારે રાફેલ અંગે ચુકાદો આવવાનો હતો ત્યારે નક્કી જ હતું કે ચુકાદો ગમે તે આવે એના રાજકીય પડઘા પડવા નક્કી હતાં અને ચુકાદો આવ્યા બાદ એવું જ થયું.
સુપ્રીમ કોર્ટે રાફેલ સાથે જોડાયેલા દસ્તાવેજો પર કેન્દ્ર સરકારના વિશેષાધિકારના દાવાને ફગાવી દીધો છે અને રાફેલ મામલે ફરી વખત સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર યાચિકા સાથે આપવામાં આવેલા ત્રણ દસ્તાવેજોને પુરાવા તરીકે રજૂ કરવાની મંજૂરી આપી છે. આ એ જ દસ્તાવેજો છે જે થોડા સમય પહેલા એક અખબારે પ્રકાશિત કર્યા હતાં. એ વખતે મોદી સરકાર તરફથી કોર્ટમાં હાજર થયેલા એટર્ની જનરલે કહ્યું હતું કે દસ્તાવેજોની ચોરી થઇ હતી. જોકે બાદમાં ભારે હોબાળો મચ્યા બાદ તેમણે ફેરવી તોળ્યું હતું કે દસ્તાવેજોની ચોરી નહોતી થઇ પરંતુ તેમની ફોટોકોપી છાપવામાં આવી હતી.
અગાઉ રાફેલ મામલે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓને લઇને કોર્ટમાં દાખલ થયેલી અરજી સંબંધે ગત ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સરકારને ક્લીન ચીટ આપી હતી અને કહ્યું હતું કે રાફેલ ડીલની પ્રક્રિયા પર શંકા કરવાનું કોઇ કારણ નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવતા જ ભાજપે તેને વટાવવામાં ક્ષણભર પણ વાર ન લગાડી. કેન્દ્ર સરકારના મંત્રીઓથી લઇને ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી તરફ ચોમેરથી હુમલો શરૂ કરી દીધો. સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ રફાલ મુદ્દાને લઇને સરકારને ઘેરી રહ્યો હતો ત્યાં પણ ચિત્ર બદલાઇ ગયું. ભાજપના સાંસદોએ કોંગ્રેસ ઉપર વળતો હુમલો કર્યો અને રાહુલ ગાંધીની માફીની માંગ સાથે ગૃહનું કામકાજ ખોરવી નાખ્યું. રાજ્યસભામાં અરુણ જેટલીએ કહ્યું કે તેઓ રફાલ મામલે તમામ પ્રકારની ચર્ચા માટે તૈયાર છે. બીજી બાજુ કોંગ્રેસે પણ અણસાર આપી દીધો કે સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં તે આ મામલે પાછીપાની કરવા તૈયાર નથી. કોંગ્રેસે રફાલ સોદાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી રચવાની માંગ કરી.
મોદી સરકાર રાફેલ મામલે જેપીસી રચવાનો ઇન્કાર કરતી રહી. ખરેખર તો લોકસભાની ચૂંટણી પહેલાના અંતિમ પૂર્ણ સત્રમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે રફાલ મામલે સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. એમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બ્રેક વાગી, જોકે ચુકાદા બાદ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓએ સાફ કરી દીધું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તેઓ પીછેહઠ નહીં કરે. પાર્ટી ત્યાં સુધી ચૂપ નહીં બેસે જ્યાં સુધી જેપીસીની રચના ન થઇ જાય. કોંગ્રેસે રાફેલ મામલો જનતાની અદાલતમાં લઇ જવાની વાત ઉચ્ચારી. એ સાથે જ ભાજપ પર એવો આક્ષેપ પણ મૂક્યો કે જો જેપીસીની રચના થઇ તો એમાં પણ ભાજપની બહુમતિ હશે તો પછી જેપીસી રચવાથી ડર શા માટે?
કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના તમામ હુમલાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ મોદી સરકાર માટે સંજીવનીનું કામ કર્યું અને ત્રણ રાજ્યોમાં મળેલી હાર બાદ જાહેરમાં દેખાવાના બંધ થઇ ગયેલા ભાજપના નેતાઓ ફરી પાછા મેદાનમાં આવી ગયાં અને કોંગ્રેસ ઉપર જોરદાર હુમલા કરવા લાગ્યા. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટનને લઇને મોદી સરકાર માટે વિમાસણ ઊભી થઇ અને સરકારે કોર્ટને ચુકાદાના શબ્દો બદલવા વિનંતી કરી. એ પછી કેગના રિપોર્ટમાં રાફેલ ડીલને ક્લીન ચીટ આપવામાં આવી. દરમિયાન ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના જ કદાવર નેતા રહી ચૂકેલા યશવંત સિંહા, અરુણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુનર્વિચાર યાચિકા દાખલ કરી. સુપ્રીમ કોર્ટનો નવો ચુકાદો આ રિવ્યૂ પીટીશન ઉપર જ આવ્યો છે.
હકીકતમાં છેલ્લા બે દાયકાથી ફાઇટર વિમાનોની ખોટ અનુભવી રહેલી ભારતીય વાયુસેના માટે અને દેશ માટે રાફેલ સોદો ભારે અડચણરૂપ નીવડયો છે. યાદ રહે કે રાફેલ વિમાનોની ગુણવત્તા કે ભારતીય વાયુસેનાનાં તેમની જરૂરિયાતને લઇને કોઇ સવાલ નથી. ૨૦૦૭માં તત્કાલિન યૂપીએ સરકારે ૧૨૬ મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તત્કાલિન રક્ષા મંત્રી એ.કે. એન્ટનીએ વાયુસેનાના પ્રસ્તાવને લીલી ઝંડી આપતા ફાઇટર વિમાનો ખરીદવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. એ વખતે અમેરિકાની લોકહીડ કંપનીના એફ-૧૬, યૂરોફાઇટર ટાયફૂન, રશિયાના મિગ-૩૫, સ્વીડનના ગ્રિપેન, અમેરિકાની બોઇંગ કંપનીના એફ/એ-૧૮એસને મ્હાત આપીને ફ્રાન્સની દસૉલ કંપનીનું રાફેલ વિમાન ચડિયાતુ સાબિત થયું હતું.
મૂળ પ્રસ્તાવમાં ૧૮ વિમાનો ફ્રાન્સમાં બનાવવાના હતાં જ્યારે બાકીના ૧૦૮ વિમાનો ટેકનોલોજી ટ્રાન્સફર કરાર મુજબ ભારતમાં હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ સાથે મળીને તૈયાર કરવાના હતાં. યૂપીએ સરકાર અને દસોલ્ટ વચ્ચે વિમાનોની કિંમત અને ટેકનોલોજી ટ્રાન્સફરને લઇને લાંબી વાટાઘાટો થઇ હતી. અંતિમ વાટાઘાટ તો છેક ૨૦૧૪ની શરૂઆત સુધી ચાલતી રહી પરંતુ સોદાને અંતિમ રૂપ આપી શકાયું નહીં. આ દરમિયાન પ્રતિ રફાલ વિમાનની કિંમત અંગે અધિકૃત રીતે જાહેરાત કરવામાં નહોતી આવી પરંતુ યૂપીએ સરકારે સંકેત આપ્યો હતો કે આ સોદો ૧૦.૨ અબજ અમેરિકી ડોલરનો હશે. કોંગ્રેસે દરેક વિમાનની કિંમત એવિયોનિક્સ અને હથિયારો સહિત ૫૨૬ કરોડ રૂપિયા પ્રતિ એક રફાલ વિમાન જણાવી હતી.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ સરકાર બદલાઇ અને મોદી સરકાર સત્તામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ફ્રાન્સ યાત્રા વખતે ૧૦ એપ્રિલ ૨૦૧૫ના દિવસે જાહેરાત કરી કે સરકારી સ્તરે થયેલી સમજૂતિ અંતર્ગત ભારત સરકાર ૩૬ રફાલ વિમાન ખરીદશે. વડાપ્રધાનની જાહેરાત બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાને સુરક્ષા મામલાની મંત્રીમંડળ સમિતિની મંજૂરી વિના આ સોદાને અંતિમ સ્વરૂપ કેવી રીતે આપી દીધું? વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ વચ્ચેની વાતચીત બાદ ૧૦ એપ્રિલ ૨૦૧૫ના દિવસે એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ ૩૬ રફાલ જેટની આપૂર્તિ માટે સરકારી સમજૂતિ કરવા માટે સંમત થયા છે. ઉપરાંત રફાલ ડીલમાં ઓફસેટ પાર્ટનર તરીકે હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડને કોરાણે મૂકીને નવીસવી મેદાનમાં આવેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરવાને લઇને પણ કોંગ્રેસે હોબાળો મચાવ્યો.
સરકારે ૨૦૦૮ની ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી સમજૂતિની એક જોગવાઇનો હવાલો આપીને સમગ્ર સોદાની વિગતો આપવાનો ઇન્કાર કર્યો. લગભગ અઢી વર્ષ પહેલાં રક્ષા રાજ્યમંત્રીએ સંસદમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે એક રફાલ વિમાનની કિંમત લગભગ ૬૭૦ કરોડ રૂપિયા છે. જોકે એ વખતે વિમાન સાથે સંબંધિત ઉપકરણો, શસ્ત્રો અને સર્વિસની કિંમત અંગે ખુલાસો કરવામાં આવ્યો નહોતો. બાદમાં સરકારે વિમાનની કિંમત અંગે કશું જણાવવાનો ઇન્કાર કરી દીધો. એ સાથે જ સરકારે દાવો કર્યો કે તેમણે કરેલા ૩૬ રફાલ વિમાનોની કિંમત અને અગાઉની સરકારે કરેલા ૧૨૬ વિમાનો ખરીદવાના મૂળ પ્રસ્તાવ વચ્ચે સીધી સરખામણી કરી શકાય નહીં. દરમિયાન રફાલ ડીલના વિરોધમાં સરકાર વિરુદ્ધ યશવંત સિંહા અને અરુણ શૌરી પણ ઉતરી આવ્યાં. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આક્ષેપ કર્યો કે ઓફસેટ કરાર અંતર્ગત અનિલ અંબાણીની કંપનીને ૨૧,૦૦૦ કરોડ કમિશનપેટે મળ્યાં છે.
આ તમામ વિવાદમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના ઇન્ટરવ્યૂએ જેમાં તેમણે કહ્યું કે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ ખુદ ભારત સરકારે સૂચવ્યું હતું. દસૉલ્ટે તરત આ મામલે સ્પષ્ટતા કરી કે રિલાયન્સને પાર્ટનર તરીકે પસંદ કરવામાં ભારત સરકારની કોઇ ભૂમિકા નથી. બાદમાં રફાલના સીઇઓ એરિક ટ્રેપિયરે પણ એક મુલાકાતમાં કહ્યું કે ઓફસેટ પાર્ટનર તરીકે રિલાયન્સ ડિફેન્સની પસંદગી કંપનીએ પોતે જ કરી છે અને ભારત સરકારે એ માટે કોઇ દબાણ કર્યું નથી.
દસૉલ્ટ કંપની રફાલ મામલે સતત ભારત સરકારનો બચાવ કદાચ એટલા માટે પણ કરી રહી હોય કે આ સમગ્ર સોદામાં સૌથી મોટો ફાયદો તેને જ થયો છે. કહેવાય છે કે ખસ્તાહાલ બની ગયેલી દસૉલ્ટ માટે ભારત સાથે રફાલ વિમાનોનો સોદો અત્યંત આવશ્યક હતો. હવે જ્યારે રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે ફરી વખત સરકાર અને વિરોધ પક્ષો આમનેસામને આવી ગયા છે. હજુ તો સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં ફરી વખત સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે ત્યાં તો વિપક્ષોએ જાણે કે રાફેલ મામલે મોદી સરકાર દોષિત હોય એમ હુમલા કરવાનું શરૂ કરી દીધું છે અને ભાજપ બચાવની મુદ્રામાં આવી ગયો છે.
હકીકતમાં પુલવામા હુમલા અને બાલાકોટ સ્ટ્રાઇક બાદ મોદી સરકારના રાષ્ટ્રવાદના મુદ્દા સામે ઝાંખા પડી રહેલા વિરોધ પક્ષોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ખુશીની લહેર દોડી ગઇ છે. લોકસભાની ચૂંટણીના ટાણે જ આવેલા આ ચુકાદાને ભાજપે મેનેજ કરવો અઘરો પડશે. રાફેલ મામલે સુનાવણી હાથ ધરાય અને ચુકાદો આવે એ તો હજુ ભવિષ્યની વાત છે પરંતુ હાલ તો ભાજપ માટે મુસીબત છે અને વિપક્ષી પાર્ટીઓ માટે ઉજવણીનો માહોલ છે.