For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્ટરનેશનલ કોર્ટમાં જસ્ટિસ ભંડારીની નિમણૂક ભારતનો દબદબો વધારશે

Updated: Nov 24th, 2017

બ્રિટનના જજને પસંદ કરવા P-5 દેશોએ ઘણા ધમપછાડા કર્યાં પણ લેખે ન લાગ્યાં

ઇન્ટરનેશનલ કોર્ટના જજની પસંદગીમાં બનેલો ઘટનાક્રમ દર્શાવે છે કે યૂ.એન.ના કાયમી સભ્યોની દાદાગીરીનો અંત આણવા દુનિયાના દેશો એકજૂથ થઇ રહ્યાં છે

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (ICJ)ના જજ તરીકે ભારતના દલવીર ભંડારી ભારે બહુમતિથી ચૂંટાઇ આવ્યાં છે. તેમનો સીધો મુકાબલો આ વખતે બ્રિટનના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડ સામે હતો. મુકાબલો ખરાખરીનો હતો પરંતુ ભારતની અચૂક કૂટનીતિ અને જંગી સમર્થનના કારણે ભંડારીને જીત હાંસલ થઇ. બ્રિટને પોતાના ઉમેદવારનું નામ છેલ્લી ઘડીએ પાછું ખેંચી લીધું. આંતરરાષ્ટ્રીય અદાલતના ૭૧ વર્ષના ઇતિહાસમાં કદી એવું નથી બન્યું કે સલામતી સમિતીના કોઇ કાયમી સભ્યએ જજની ચૂંટણીમાં પીછેહઠ કરવી પડી હોય. ઇન્ટરનેશનલ કોર્ટની સ્થાપના થઇ એ વખતથી બ્રિટન તેનું સભ્ય હતું પરંતુ આ વખતે ભારતની મજબૂત દાવેદારીના કારણે બ્રિટને હારનો સામનો કરવો પડયો છે.

આંતરરાષ્ટ્રીય અદાલતમાં ૧૫ જજોની જે પસંદગી કરવાની હતી તેમાંના ૧૪ જજોની પસંદગી થઇ ચૂકી હતી. ૧૫ જજ તરીકે બ્રિટન તરફથી ગ્રીનવુડ અને ભારત તરફથી જસ્ટીસ ભંડારી રેસમાં હતાં. આ રેસમાં ભારત અને બ્રિટન બંને વિજય મેળવવા આતુર હતાં કારણ કે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો સવાલ હતો. આમ તો આ મુકાબલામાં પહેલા બ્રિટનનું પલડું ભારે હતું કારણ કે તે યૂ.એન.ની સલામતિ સમિતીનું કાયમી સભ્ય છે અને બીજા કાયમી સભ્યોએ બ્રિટનની જીત માટે ખાતરી આપી હતી. ચૂંટણીનો એક પછી એક તબક્કો રોમાંચક બનવા લાગ્યો. અને ભારતને ધીમે ધીમે સમર્થન મળવા લાગ્યું. છેવટે ૧૧ રાઉન્ડ બાદ જસ્ટીસ ભંડારીએ ગ્રીનવુડ પર લીડ મેળવી લીધી.

જસ્ટીસ ભંડારીની પસંદગી થયા બાદ બ્રિટને પોતાની ખુશી જાહેર કરતા કહ્યું કે તે ભારત સાથે યૂ.એન. અને વિશ્વમંચ પર નિકટનો સહયોગ આપતું રહેશે. યૂ.એન.માં બ્રિટનના સ્થાયી પ્રતિનિધિ મેથ્યુ રેક્રોફ્ટે કહ્યું કે ન્યાયાધીશ બનવાની હોડમાં બ્રિટન જીતી ન શકવાના કારણે અમને નિરાશા જરૃર થઇ છે પરંતુ અમને એ વાતનો આનંદ છે કે અમારા નિકટના મિત્ર ભારતને વિજય મળ્યો. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ યૂનાઇટેડ નેશન્સની ન્યાયિક સંસ્થા છે. ICJની સ્થાપના યૂનાઇટેડ નેશન્સના ચાર્ટર દ્વારા જૂન ૧૯૪૫માં કરવામાં આવી અને ૧૯૪૬માં આ અદાલતે કામગીરી શરૃ કરી હતી. ICJમાં કુલ ૧૫ જજો હોય છે જેમાંના ત્રીજા ભાગના જજો દર ત્રણ વર્ષે ચૂંટવામાં આવે છે. આ જજોનો કાર્યકાળ ૯ વર્ષનો હોય છે. આ તમામ જજો યૂનાઇટેડ નેશન્સની સામાન્ય સભા અને સલામતિ સમિતી દ્વારા ચૂંટવામાં આવે છે.

આમ તો જસ્ટીસ ભંડારી અને બ્રિટનના જસ્ટીસ ગ્રીનવુડનો ICJના જજ તરીકે આમનો સામનો થવાની શક્યતા નહોતી. ગ્રીનવુડ બ્રિટનના બ્રિટનના જજ ક્રિસ્ટોફર ગ્રીનવુડ ખ્યાતનામ વકીલ હોવા ઉપરાંત લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર પણ રહી ચૂક્યાં છે. તેમની આ વખતે ચૂંટાઇને આવતા નવ વર્ષ સુધી બીજી ટર્મ મેળવવાની અપેક્ષા હતી. પરંતુ લેબેનોનના ભૂતપૂર્વ રાજદૂત ડૉ. નવાફ સલામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પોતાની દાવેદારી નોંધાવી. ડૉ. સલામની ઉમેદવારી નોંધાતાની સાથે જ પાંચ ન્યાયાધીશોની જગ્યા સામે છ ઉમેદવારો મેદાનમાં આવી ગયા.

યૂ.એન.માં ઘણો સમય કામ કરનાર ડૉ. સલામે પોતાના સંબંધોના જોરે એશિયા માટે રિઝર્વ સ્લૉટ પર અધિકારી જમાવીને આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશ બની ગયાં. એ સંજોગોમાં ભારતના જસ્ટીસ દલવીર ભંડારીએ યુરોપના જજો માટે ખાલી રહેતી જગ્યા ઉપરથી પોતાની દાવેદારી નોંધાવી. ભારતના આ પગલાથી જસ્ટીસ ભંડારીએ સીધો બ્રિટનના જજ ગ્રીનવુડને પડકાર ફેંક્યો. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશ તરીકે પસંદગી પામવા ઉમેદવારે સલામતિ સમિતી અને સામાન્ય સભામાં અલગ અલગ બહુમતિ પ્રાપ્ત કરવાની હોય છે. જો એક વખતના મતદાનથી જરૃરી બહુમતિ ન મળે તો બીજી વખત મતદાન યોજાય છે. આ રીતે કુલ ત્રણ વખત મતદાન યોજવાની જોગવાઇ છે.

જસ્ટીસ ભંડારી અને ગ્રીનવુડની લડાઇમાં ૯ નવેમ્બર અને ૧૩ નવેમ્બર એમ બે વખત મતદાન યોજાઇ ચૂક્યું હતું. બંને મતદાનના અંતે જસ્ટીસ ભંડારી સામાન્ય સભામાં બે તૃતીયાંશ બહુમતિ મેળવી ચૂક્યાં હતાં, પરંતુ સલામતિ સમિતીમાં તેમને ગ્રીનવુડના ૯ મતો સામે પાંચ મત મળ્યાં હતાં. હવે જો ત્રીજું મતદાન પણ અનિર્ણાયક રહે તો એ સ્થિતિમાં એક સંયુક્ત સંમેલન રચવામાં આવે જેમાં સામાન્ય સભાના ત્રણ અને સલામતિ સમિતીના ત્રણ સભ્યો હોય. આ સંમેલનમાંથી જે ઉમેદવારના પક્ષમાં અર્ધાથી વધારે સભ્યો હોય એ ઉમેદવાર ન્યાયાધીશ તરીકે પસંદગી પામે. જો આ સંમેલનમાં પણ કોઇ નિર્ણય ન આવે તો કોર્ટના ન્યાયાધીશો ખાલી સ્થાન ભરવા માટે સલામતિ સમિતી અને સામાન્ય સભામાં જેમને મતાધિકારનો હક છે તેમના દ્વારા ચૂંટણી કરાવે.

ગયા અઠવાડિયે બીજા મતદાનના અંતે જ બ્રિટને ગ્રીનવુડની ઉમેદવારી પાછી લેવાના સંકેતો આપી દીધાં હતાં પરંતુ સ્થાયી સમિતીના કેટલાક સભ્યોનું સમર્થન મળતા પરિસ્થિતિ થોડી બદલાઇ હતી. એ સાથે જ યૂ.એન.ના કાયમી સભ્યોની પોતાનું વર્ચસ્વ જમાવી રાખવાની ચાલ સામે આવી હતી. સ્થાયી સભ્યપદનો દુરુપયોગ કરીને બ્રિટને જોઇન્ટ કોન્ફરન્સ યોજવાની પેરવી કરી. જોકે આ અંતિમ વિકલ્પનો છેલ્લી વખત ૧૯૨૧માં ઉપયોગ થયો હતો અને લગભગ ઘણાં ખરાં દેશો આ વિકલ્પના વિરોધમાં છે. જોઇન્ટ કોન્ફરન્સમાં મતદાનના સ્થાને ખુલ્લું સમર્થન આપવાનું હોય છે. આ સંજોગોમાં કોણ સાથે છે અને કોણ વિરોધમાં છે એ ખબર પડી જાય છે.

આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશની પસંદગી કેટલી સંવેદનશીલ અને મહત્ત્વની છે એ વાતે સમજાય છે કે તેમાં સલામતિ સમિતીના સ્થાયી અને અસ્થાયી સભ્યો એકસમાન ગણાય છે. મતલબ એ કે સલામતિ સમિતીના P-5 તરીકે ઓળખાતા કાયમી સભ્યો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ચીન અને રશિયા ન્યાયાધીશની પસંદગીમાં વીટો વાપરી શકતા નથી. ભારતના ઉમેદવાર વિરુદ્ધ વીટો વાપરવામાં અસમર્થ આ દેશોએ ભારત વિરુદ્ધ લોબિંગ કરવામાં કોઇ કસર ન છોડી. પરંતુ આ કાયમી સભ્યોની દાદાગીરીથી વર્ષોથી કંટાળેલા સામાન્ય સભાના સભ્યો અર્થાત બાકીના દેશો એકજૂથ થઇ ગયાં અને બ્રિટનના લોબિંગને વશ ન થયા.

ખરેખર તો આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશના આ પસંદગીમાં બનેલા સમગ્ર ઘટનાક્રમે એ વાત ફરી એક વખત સાબિત કરી કે સલામતિ સમિતીના પાંચ કાયમી સભ્યો અને બાકીના દેશો વચ્ચે કેટલા મતભેદ છે. કાયમી સભ્યોને લગતી કોઇ બાબત આવે છે ત્યારે આ પાંચેય દેશો એકજૂથ બનીને ઊભા રહી જાય છે. તેમની આ જૂથબંધીના કારણે જ યૂ.એન.માં જે સુધારા કરવા જરૃરી છે એ થઇ શકતા નથી. આ દેશો જાણે છે કે જો ભારત, બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકા જેવા દેશો સલામતિ સમિતીના કાયમી સભ્ય બની ગયા તો તેમની મોનોપોલી તૂટી જશે અને આ દેશો વિકાસશીલ દેશોની સાથે જ ઊભા રહેશે.  

ભારત ઉપરાંત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સલામતિ સમિતીમાં કાયમી સભ્યપદ મેળવવા લાંબા સમયથી દાવેદારી કરી રહ્યાં છે. P-5 દેશો એ શરત મૂકે છે કે તેમના સિવાય બીજો કોઇ દેશ કાયમી સભ્ય બને તો પણ તેની પાસે વીટો પાવર નહીં હોય. જોકે વીટો ન મળવા છતાં સલામતિ સમિતીમાં આ દેશો ઉમેરાતા P-5નું વર્ચસ્વ ઘટી તો જવાનું જ છે. એ કારણે જ આ કાયમી સભ્યો તેમની ક્લબમાં બીજા કોઇ દેશની એન્ટ્રી કરાવવા ઇચ્છુક નથી. એ સંજોગોમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં બ્રિટનના ઉમેદવારને પાછળ પાડીને ભારતના જસ્ટીસ ભંડારીનું સ્થાન મેળવવું અતિ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ખાસ તો જસ્ટીસ ભંડારીની નિયુક્તિ બાદ ભારતની આંતરરાષ્ટ્રીય શાખમાં પ્રચંડ વધારો થયો છે. ICJ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કાનૂની વિવાદો પર ચુકાદા આપે છે. સીધી રીતે સમજીએ તો બે દેશો વચ્ચેના વિવાદ પર નિર્ણય કરે છે.

એ સાથે યૂ.એન.ની અન્ય સંસ્થાઓને કાયદાકીય સલાહ અને માર્ગદર્શન પણ પૂરા પાડે છે. આંતરરાષ્ટ્રીય અદાલત દુનિયાભરના દેશો માટે ન્યાય મેળવવાનો અંતિમ મુકામ છે, પછી તે માનવાધિકારનો મામલો હોય કે આંતરરાષ્ટ્રીય વિવાદનો મામલો. જસ્ટીસ દલવીર ભંડારીના ICJમાં જજ તરીકેની નિમણૂક થવા પાછળ યૂ.એન.માં ભારતના કાયમી પ્રતિનિધિ સઇદ અકબરુદ્દીનનો મોટો ફાળો છે.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ જસ્ટીસ ભંડારીનું લોબિંગ કરવા માટે ઘણાં પ્રયાસો કર્યા હતાં. બીજી વાત એ કે યૂ.એન.ના શાંતિ પ્રક્રિયા સહિતના વિવિધ અભિયાનોમાં ભારતનો નોંધપાત્ર ફાળો હોય છે. એટલા માટે ઘણાં ખરાં દેશો અને ખાસ તો વિકાસશીલ દેશો એવું ઇચ્છે છે કે યૂ.એન.માં ભારતની અસરકારક હાજરી હોય. આજે ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે અને વૈશ્વિક ફલક પર ભારતની તસવીર સતત ઉજળી બની રહી છે. એમાં જસ્ટીસ ભંડારીની આંતરરાષ્ટ્રીય અદાલતમાં જજ તરીકે પસંદગી થતા ભારતની યશ કલગીમાં વધું એક મોરપિચ્છ ઉમેરાયું છે.

Gujarat