બિટકોઇનઃ આભાસી ચલણની બોલબાલા કેમ વધી ગઇ?
બિટકોઇનની કિંમત કૂદકે ને ભૂસકે વધી રહી છે
બિટકોઇન પર દુનિયાની કોઇ સરકાર કે બેંકનો હક ન હોવાથી તેની લેવડદેવડ સંપૂર્ણપણે ગુપ્ત રહે છે એટલું જ નહીં તેનું વાસ્તવિક અસ્તિત્ત્વ જ ન હોવાના કારણે તેના પર કોઇ જાતનો ટેક્સ પણ લાગતો નથી
આજકાલ બિટકોઇન નામની વર્ચ્યુઅલ કરન્સી એટલે કે આભાસી ચલણના સમાચારો ખાસ ચમકી રહ્યાં છે. બિટકોઇનની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં હજાર ટકા કરતા પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. લોકોએ બિટકોઇન નામ સાંભળ્યું છે પરંતુ હકીકતે તે શું છે તેના વિશે લોકોમાં ખાસ જાણકારી નથી. બિટકોઇન એક વર્ચ્યુઅલ કરન્સી એટલે કે આભાસી ચલણ છે. તેને ક્રિપ્ટો કરન્સીના નામે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ કે જેમ રૃપિયા કે ડોલરની નોટ અને સિક્કા હોય એવુ બિટકોઇનમાં નથી. રૃપિયાની કિંમતનો આધાર આપણી અર્થવ્યવસ્થા પર છે અને ડોલરની કિંમતનો આધાર અમેરિકાની અર્થવ્યવસ્થા પર. બિટકોઇનનો આવો કોઇ આધાર નથી. મતલબ કે દુનિયાની કોઇ સરકાર કે બેંક આ ચલણનું નિયમન કરતી નથી. બિટકોઇનની કિંમતમાં વધઘટ થાય છે તેની સટ્ટાબાજીના આધારે.
બિટકોઇનનો ઇતિહાસ બહુ જૂનો નથી. ૧૮ ઓગસ્ટ, ૨૦૦૮ના રોજ બિટકોઇનના નામે ડોમેઇન રજિસ્ટર થયું. જાન્યુઆરી ૨૦૦૯માં સાતોશી નાકામોટો નામના કોઇ અજ્ઞાાત વ્યક્તિએ બિટકોઇન સોફ્ટવેર ઓપન સોર્સ તરીકે ઇન્ટરનેટ પર મૂક્યો. નાકામોટોની ઓળખ તો અજાણી જ રહી પરંતુ તે જાપાનનો કોઇ સોફ્ટવેર નિષ્ણાંત હોવાનું મનાય છે. બિટકોઇન એક જટિલ કમ્પ્યુટર પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે જેને બિટકોઇન માઇનિંગ કહેવામાં આવે છે.
આ કામગીરી કરવા માટે અત્યાધુનિક અને શક્તિશાળી કમ્પ્યુટરની આવશ્યકતા રહે છે. ઉપરાંત માઇનિંગ સોફ્ટવેર પણ જરૃરી છે. બિટકોઇન કોઇ એક કમ્પ્યુટરથી તૈયાર થઇ શકતો નથી પરંતુ દુનિયાભરમાં મોજૂદ કમ્પ્યુટર નેટવર્ક દ્વારા તે તૈયાર કરવામાં આવે છે. રોજના સરેરાશ ૩૬૦૦ બિટકોઇન તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી દુનિયાભરમાં એક કરોડ પાંસઠ લાખ બિટકોઇન જારી થઇ ચૂક્યાં છે. બિટકોઇન બનાવવા માટે બે કરોડ દસ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મતલબ કે આ સંખ્યાએ પહોંચ્યા પછી નવા બિટકોઇન નહીં બનાવી શકાય.
બિટકોઇન કોઇ બેંકે જારી કર્યો નથી અને તે કોઇ દેશનું અધિકૃત ચલણ ન હોવાથી તેના પર સરકારી નિયંત્રણ નથી જેના કારણે બિટકોઇન પર કોઇ ટેક્સ લાગતો નથી. બિટકોઇન સંપૂર્ણ ગુપ્ત કરન્સી છે અને તે સરકારથી છુપાવીને રાખી શકાય છે. એટલું જ નહીં તેને દુનિયામાં ગમે ત્યાં ખરીદી કે વેચી શકાય છે. ખરું જોતા આ કરન્સી માત્ર કોડ સ્વરૃપે હોવાથી તેને ન તો જપ્ત કરી શકાય છે કે ન તો નષ્ટ કરી શકાય છે. બિટકોઇન ખરીદવા માટે યૂઝરે એક એડ્રેસ રજિસ્ટર કરાવવો પડે છે. આ એડ્રેસ ૨૭-૩૪ અક્ષરો કે અંકોના કોડમાં હોય છે અને એક વર્ચ્યુઅલ એડ્રેસ તરીકે કામ કરે છે. આ એડ્રેસ બિટકોઇન વોલેટમાં સ્ટોર કરવામાં આવે છે. આ આભાસી એડ્રેસ ઉપર જ બિટકોઇનનું ખરીદ-વેચાણ થાય છે. આવા આભાસી એટલે કે વર્ચ્યુઅલ એડ્રેસ રજિસ્ટર ન હોવાથી બિટકોઇન ધરાવતા લોકોની ઓળખ ગુપ્ત રહે છે.
બીજું એ કે બિટકોઇનની સંખ્યા અને સપ્લાય મર્યાદિત છે જેના કારણે તેની કિંમતોમાં ભારે ઉછાળ જોવા મળે છે. આ જ વર્ષે બિટકોઇનની કિંમતમાં ૧૪૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. એક માહિતી પ્રમાણે આશરે ૧૫ હજાર ભારતીયોએ પણ બિટકોઇનમાં રોકાણ કર્યું છે. મજાની વાત એ છે કે જેમ જેમ બિટકોઇનમાં ઉછાળાની ખબરો ફેલાય છે તેમ તેમ તેની કિંમતો વધુ ને વધુ ઊંચે જઇ રહી છે. હવે જે ચલણની કિંમતમાં ચઢાવ-ઉતાર માત્ર તેના અંગેની ખબરો ફેલાવાથી થતો હોય તેમાં રોકાણ કરવું કેટલું જોખમી ગણાય?
રોકાણ સામે વળતરના હિસાબે જોતા બિટકોઇને છેલ્લા થોડા મહિનામાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક અંદાજ પ્રમાણે હાલ આશરે દોઢ કરોડ બિટકોઇન ચલણમાં છે. બિટકોઇન એક્સચેન્જ કરતી મેટગોક્સ નામની કંપનીના જણાવ્યા અનુસાર બજારમાં બિટકોઇનની કિંમત એક હજાર ડોલરને પાર કરી ગઇ છે. હજુ આ વર્ષે જાન્યુઆરીમાં જ બિટકોઇનની કિંમત ૨૦ ડોલર હતી. એ નવેમ્બરે બિટકોઇનની કિંમત ૪.૫૫ લાખ રૃપિયા હતી અને ડિસેબરની શરૃઆતમાં એક બિટકોઇનની કિંમત ૯ લાખ રૃપિયાને વટાવી ગઇ. બિટકોઇનની કિંમતમાં ઉછાળો આવવાનું કારણ એ છે કે ગયા મહિને અમેરિકી સેનેટની એક સમિતીએ વર્ચ્યુઅલ કરન્સી દ્વારા થતી લેવડદેવડને કાયદેસર ગણાવી. એક અંદાજ પ્રમાણે આવતા ત્રણ વર્ષમાં એક બિટકોઇનની કિંમત દસ લાખ ડોલરે પહોંચી જશે.
બિટકોઇનના તેજીથી વધી રહેલા ભાવના કારણે તે હેકરોના નિશાન ઉપર પણ આવી ગયું છે. ગયા બુધવારે જ હેકરોએ ૪૭૦૦થી વધારે બિટકોઇનની ચોરી કરી. મતલબ કે તેમણે આશરે ૮ કરોડ ડોલર અને રૃપિયામાં કહીએ તો ૫૦૦ કરોડ રૃપિયાની ઉચાપત કરી. હેકરોના આ કારનામાથી બિટકોઇનનું સંચાલન કરતી નાઇસહેશ નામની કંપની પણ આઘાતમાં છે. કારણ કે તેમનો દાવો હતો કે આ વર્ચ્યુઅલ કરન્સીમાં ધાડ પાડવી અશક્ય છે. થોડા સમય પહેલા રેન્સમવેર વાઇરસનો હુમલો થયો ત્યારે પણ હેકરોએ તેમાંથી બચવા માટે ખંડણી તરીકે બિટકોઇનના ચલણની જ માંગણી કરી હતી.
આભાસી ચલણના વધી રહેલા ઉપયોગનું મુખ્ય કારણ એ છે કે તેના દ્વારા થતી લેવડદેવડ અંગે તપાસ કરવી મુશ્કેલ છે. બિટકોઇનનું સમર્થન કરતા લોકોની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાના ટ્રાન્સફર માટે તે ખૂબ સચોટ અને ઝડપી ઉપાય છે. જોકે આવા આભાસી ચલણનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે તેના દ્વારા ડ્ગ્સ અને હથિયારો જેવા ગેરકાયદેસર ધંધાઓ ફૂલશે ફાલશે. થોડા વખત પહેલા જ અમેરિકામાં ડ્રગ્સ વેચતી એક કંપની બંધ કરી દેવામાં આવી હતી. આ કંપની તેના માલનું વેચાણ બિટકોઇન મારફત કરતી હતી. અમેરિકાની નાણાકીય સંસ્થાઓ અને એફબીઆઇ જેવી એજન્સીએ પણ બિટકોઇન દ્વારા ગેરકાનૂની કામો વધવાની ચેતવણી ઉચ્ચારી છે.
ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઇનાના ડેપ્યૂટી ગવર્નર પાન ગોંગશેંગે ચેતવણી આપતા કહ્યું છે કે એક દિવસ એવો આવશે કે બિટકોઇનનો મૃતદેહ નદીમાં તરી રહ્યો હશે અને બધાં તેને કિનારે ઊભા રહીને જોતા હશે. રિઝર્વ બેંકે પણ બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આવા આભાસી ચલણ સાથે આર્થિક, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સિક્યોરિટી સંબંધી જોખમ જોડાયેલું છે. રિઝર્વ બેંકે આવી ચેતવણી ત્રીજી વખત આપી છે.
એશિયાના બીજા દેશો પણ બિટકોઇનને લઇને રેડ સિગ્નલ આપી રહ્યાં છે. બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયાની સેન્ટ્રલ બેંકે બિટકોઇનથી થતી લેવડદેવડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીન પણ સપ્ડેમ્બરમાં બિટકોઇન એક્સચેન્જ બંધ કરી ચૂક્યું છે. જર્મની અને ફ્રાન્સે પણ લોકોને ચેતવણી આપી છે કે આભાસી નાણું જોખમ ભરેલી અંધકારમય દુનિયા છે. યુરોપમાં તો બિટકોઇનનું ચલણ એટલું વધી રહ્યું છે કે ત્યાંની બેંકોને હવે એ ચિંતા થવા લાગી છે કે બિટકોઇનના કારણે લોકોનો પરંપરાગત બેંકિંગ પરથી વિશ્વાસ ન ઊઠી જાય.
બિટકોઇનના વધી રહેલા ચલણ સામે ચેતવણી છતાં તેના સમર્થકોની સંખ્યા વધી રહી છે. કેટલાક લોકો તો બિટકોઇનને ડિજિટલ ગોલ્ડ પણ કહે છે. અત્યાર સુધી જે દેશો પાસે પેટ્રોલિયમ અને ડોલર જેવી મુદ્રાના ભંડાર હોય એ જ શ્રીમંત દેશો મનાતા રહ્યાં છે પરંતુ કેટલાક જાણકારોના મતે ક્રિપ્ટો કરન્સી ધરાવતા દેશો શ્રીમંત ગણાશે. રશિયા તો આવી ક્રિપ્ટો કરન્સીમાં ભારે રસ લઇ રહ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના આર્થિક સલાહકાર અને બિઝનેસમેન દિમિત્રી મરિનિચેવનું કહેવું છે કે આગામી સમયમાં પરંપરાગત ચલણ ગાયબ થઇ જશે. રશિયાની સેન્ટ્રલ બેંક તો પોતે જ આવું આભાસી રાષ્ટ્રીય ચલણ અમલમાં લાવવાનું વિચારી રહી છે.
આભાસી ચલણની દુનિયામાં બિટકોઇન એકલું જ નથી. ઇથેરિયમ અને નવી રચાયેલી આઇઓટીઓ નામની વર્ચ્યુઅલ કરન્સી પણ મેદાનમાં છે. એમાંય આઇઓટીએની કિંમત ગયા એક મહિનામાં જ આશરે એક હજાર ટકા જેટલી વધી ચૂકી છે. ગત ૭ નવેમ્બરે એક આઇઓટીએની કિંમત ૦.૩૮ ડોલર હતી જે આ ૭ ડિસેમ્બરે ૯૮૦ ટકા વધીને ૪.૧૪ ડોલર થઇ ગઇ. ખાસ વાત એ છે કે આઇઓટીએ સાથે માઇક્રોસોફ્ટે ભાગીદારી કરી છે. માઇક્રોસોફ્ટની ગણતરી આ ચલણને બિટકોઇન કરતા પણ આગળ લઇ જવાની છે. હાલ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ૧૮.૪૬ લાખ કરોડ રૃપિયા સાથે બિટકોઇન સૌથી ટોચે રહેલી ક્રિપ્ટો કરન્સી છે.
એ પછી ૨.૮૦ લાખ કરોડ રૃપિયા સાથે ઇથેરિયમ બીજા સ્થાને અને ૧.૬૬ લાખ કરોડ રૃપિયા સાથે બિટકોઇન કેશ ત્રીજા સ્થાને છે. આઇઓટીએ ૦.૦૭૧ લાખ કરોડ રૃપિયા સાથે ચોથા સ્થાને છે. હાલના દર પ્રમાણે એક આઇઓટીએની કિંમત આશરે ૨૫૮ રૃપિયા જેટલી થાય છે. હાલ તો બિટકોઇન ઇન્ટરનેટની દુનિયા સિવાય ચલણમાં નથી. પરંતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધતા અને ઇ-કૉમર્સની ક્ષિતિજો વિસ્તરતા આવા આભાસી ચલણનો વપરાશ વધવાની શક્યતાઓ નિષ્ણાંતો જોઇ રહ્યાં છે. ઘણાં લોકો વર્ચ્યુઅલ કરન્સીની વધી રહેલી કિંમતો જોતા તેમાં રોકાણ કરવા પણ લલચાય એ સ્વાભાવિક છે.
પરંતુ તેમાં રોકાણ કરવું જોખમભર્યું તો છે જ. જો કોઇ કરન્સીની કિંમત એક હજાર ટકા જેટલી વધી શકતી હોય તો શક્ય છે કે ગમે ત્યારે તળિયે પણ બેસી જાય. અત્યારે તો લોકોને બિટકોઇનમાં સોનાની ખાણ દેખાઇ રહી છે પરંતુ એવું પણ બને કે વખત જતાં આ આભાસી ચલણ ઇન્ટરનેટની આભાસી દુનિયામાંથી પણ અદૃશ્ય બની જાય.