અમેરિકા-ઇરાન વચ્ચે વધી રહેલી તંગદિલી ભારત માટે ચિંતાજનક
જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા ઇરાને ઇરાકમાં અમેરિકાના લશ્કરી ઠેકાણા પર મિસાઇલો દાગી
ઇરાને અમેરિકાના લશ્કરી ઠેકાણાઓ પર કરેલા હુમલા બાદ મિડલઇસ્ટમાં યુદ્ધ જામે એવી આશંકા ઊભી થઇ છે અને એ પરિસ્થિતિ પહેલેથી ગર્તામાં જઇ રહેલી ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફટકો મારે એવી શક્યતા છે
ઇરાનના ટોચના લશ્કરી અધિકારી જનરલ કાસિમ સુલેમાની અમેરિકાના હુમલામાં માર્યા ગયાના પાંચ દિવસ બાદ ઇરાને અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. ઇરાકમાં અમેરિકન સૈનિકોની હાજરી ધરાવતા બે લશ્કરી મથકો પર ઇરાને એક ડઝનથીયે વધારે બેલાસ્ટિક મિસાઇલો દાગી.
ઇરાકમાં હાલ અમેરિકાના લગભગ પાંચ હજાર સૈનિકો તૈનાત છે જે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડતમાં આંતરરાષ્ટ્રીય સૈન્ય સમુદાયનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે. ઇરાને કહ્યું કે આ હુમલો સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. ઇરાકના રિવોલ્યુશનરી ગાર્ડના દાવા પ્રમાણે અમેરિકન સૈનિકો હાજર હતાં એ પશ્ચિમ ઇરાકના એન અલ-અસદ હવાઇમથકને સંપૂર્ણ તબાહ કરી નાખવામાં આવ્યું છે. ઇરાને એવો દાવો પણ કર્યો છે કે તેના હુમલામાં ઓછામાં ઓછા ૮૦ અમેરિકનો માર્યા ગયા છે અને હેલિકોપ્ટર તેમજ લશ્કરી સરંજામને પણ મોટું નુકસાન થયું છે.
જોકે અમેરિકાએ ઇરાનના આ દાવાને ફગાવતા કહ્યું છે કે તેમના એક પણ સૈનિકે જીવ ગુમાવ્યો નથી. પેન્ટાગોને કહ્યું છે કે તેમને ઇરાનના મિસાઇલ હુમલાની આગોતરી જાણ થઇ ગઇ હતી અને ઇરાકના લશ્કરી મથકો ખાતેના તેમના સૈનિકો સહીસલામત રીતે બંકરોમાં પહોંચી ગયા હતાં. આ હુમલા સાથે જ ઇરાને કહ્યું છે કે અમે યુદ્ધ નથી ઇચ્છતા પરંતુ કોઇ અમારા પર હુમલો કરશે તો અમે રક્ષા જરૂર કરીશું. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના હુમલા અંગે ધમકીભરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે અને તેઓ યોગ્ય સમયે જવાબ આપશે.
અમેરિકાની કાર્યવાહી અને ઇરાનના વળતા હુમલા બાદ મિડલઇસ્ટમાં પરિસ્થિતિ અત્યંત તંગદીલીભરી બની ગઇ છે. હવે જો મામલો આગળ વધ્યો તો એની અસર દુનિયાના બીજા દેશોને થવી પણ નક્કી છે. ઇરાને ધમકી આપી છે કે જો તેના પર વધારે હુમલા કરવામાં આવ્યા તો તે જવાબમાં અમેરિકાના સાથીરાષ્ટ્રો ઉપર પણ હુમલા કરશે.
મતલબ કે ઇરાને હવે સાઉદી અરેબિયા, ઇઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત પર હુમલા કરવાની ધમકી આપી છે. આમ પણ શિયા બહુમતિ ધરાવતા ઇરાનના સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથેના સંબંધો પહેલેથી વણસેલા છે અને ઇઝરાયેલ સાથે તો તેને વર્ષોપુરાણી દુશ્મની છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવની ભારત ઉપર પણ અસરો જણાય એવી શક્યતા છે. હાલ તો ભારતના વિદેશ ખાતાએ ભારતીયોને ઇરાકથી દૂર રહેવાની સલાહ આપી છે. એ સાથે જ ઇરાન અને ઇરાક ક્ષેત્રમાં થઇને જતા હવાઇમાર્ગોથી દૂર રહેવાની સૂચના જારી કરી દીધી છે.
જોકે ભારતના ઇરાન અને અમેરિકા સાથેના નિકટના સંબંધો જોતાં ભારત માટે ધર્મસંકટ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. અમેરિકાના હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બીજી બાજુ ઇરાને કહ્યું હતું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવે એ આવકાર્ય છે.
જોકે છેલ્લા થોડા વર્ષોથી ભારતની વિદેશ નીતિ અને અમેરિકા સાથેના ઘનિષ્ઠ બનેલા સંબંધોને જોતા ભારત અમેરિકાની પડખે રહે એવી શક્યતા વધારે છે. બીજી બાજુ અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ વધે એ સ્થિતિમાં ભારતમાં ઘરેલુ મોરચે બીજી અનેક સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે.
એક તો દેશની અર્થવ્યવસ્થા પહેલેથી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને આગામી દિવસોમાં બજેટ પણ રજૂ થવાનું છે. એવી અપેક્ષા હતી કે બજેટમાં ટેક્સ અને પોલિસીમાં બદલાવ કરીને અર્થવ્યવસ્થાને ફરી વખત પાટા પર લાવવાના પ્રયાસ થશે પરંતુ અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવે અનિશ્ચિતતા વધારી દીધી છે.
પેટ્રોલિયમની ખપતના મામલે ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે અને પોતાની જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ ઓઇલ ભારતે આયાત કરવું પડે છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ભારતે ૨૦૭.૩ મિલિયન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું તો વર્ષ ૨૦૧૯ના એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતે રોજિંદા ૪૫ લાખ બેરલના ધોરણે ક્રૂડ ઓઇલ આયાત કર્યું છે. છેલ્લા થોડા વર્ષોથી સ્થાનિક રીતે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના પરિણામે ભારતની આયાત પરની નિર્ભરતા ઉત્તરોત્તર વધતી ચાલી છે.
એક સમયે ભારત ઇરાનના પેટ્રોલિયમનું ત્રીજા નંબરનું સૌથી મોટું ગ્રાહક હતું પરંતુ અમેરિકાના દબાણને વશ થઇને ભારતે ઇરાનમાંથી પેટ્રોલિયમની આયાત બંધ કરી દીધી છે. બદલામાં ભારતે અમેરિકા સાથે પેટ્રોલિયમની આયાત માટે સમજૂતિ કરી તો છે પરંતુ મિડલઇસ્ટની સરખામણીમાં ભારતને એ સોદો મોંઘો પડે છે.
ભારત હજુ ઇરાક, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈત જેવા દેશોમાંથી પેટ્રોલિયમ આયાત કરે છે. પરંતુ ઇરાન-અમેરિકા વચ્ચેની તંગદીલીના પરિણામે પેટ્રોલિયમની આયાતનો સમુદ્રી માર્ગ અવરોધાય એવી શક્યતા છે જેનું નુકસાન ભારતને થઇ શકે છે.
વળી ખાડી દેશોમાં વ્યાપેલા તણાવના કારણે પેટ્રોલિયમના આંતરરાષ્ટ્રીય ભાવો ઉંચકાય એવી શક્યતા પણ છે જે ભારતની અર્થવ્યવસ્થાને ઓર ખાડે લઇ જશે. દેશ પહેલેથી જ મોંઘવારી અને બેરોજગારી જેવી મહાસમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એમાં વધારો થવો નક્કી છે. એક અંદાજ મુજબ પેટ્રોલિયમના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ૧૦ ડોલર પ્રતિ બેરલનો ભાવવધારો થાય તો પણ ભારતના ઇમ્પોર્ટ બિલમાં ૧૫૦ કરોડ ડોલરનો વધારો થાય એમ છે. આ ભાવવધારાની સીધી અસર ભારતીય બજારો પર થાય અને રિટેલ મોંઘવારી અડધો ટકો વધી જાય.
આમ પણ ઇરાન અમેરિકા વચ્ચેના તણાવના કારણે બ્રેન્ટ ક્રૂડ પર અસર થઇ છે અને એના ભાવ આશરે ૩.૫૫ ટકા વધીને ૬૮.૬૦ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયા છે. પેટ્રોલિયમના ભાવ વધતા ભારતની નાણાકીય ખાધ વધશે. જેના પરિણામે મોંધવારી વધશે અને એની અસર મોનિટરી પોલિસી પર થશે. જાણકારોના મતે ઇરાન-અમેરિકા તણાવના પગલે ભારતમાં મોંઘવારી ઓર વધશે.
પેટ્રોલિયમની જેમ જ ગેસની આપૂર્તિ માટે પણ ભારત ઘણા ખરા અંશે આયાત પર નિર્ભર છે અને આશરે ૪૦ ટકા ગેસની જરૂરિયાત આયાત મારફતે સંતોષાય છે. ગેસનું ઉત્પાદન પણ ઘરેલુ સ્તરે ઘટયું છે જેના કારણે ગેસની જરૂરિયાત પૂરી કરવા માટે ભારત માટે આયાત મજબૂરી બની ગઇ છે. આમ તો ગેસની આપૂર્તિ માટે પણ ભારતે અમેરિકા સાથે સમજૂતિ કરી છે પરંતુ ફરી વખત મિડલઇસ્ટની સરખામણીમાં એ માટે મોટું બિલ ફાડવું પડે છે.
ભારત માટે ચિંતાની વાત પેટ્રોલ અને ડીઝલમાં થતા ભાવવધારાની છે. અમેરિકા-ઇરાન વચ્ચેના તણાવની અસરો પેટ્રોલ-ડીઝલની કિંમતો પર દેખાવા લાગી છે. ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલ માટે ડાયનેમિક પ્રાઇસ વ્યવસ્થા અમલમાં છે મતલબ કે તેમના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થતી વધઘટની સીધી અસર સ્થાનિક ભાવો પર થાય છે.
ઇરાન-અમેરિકા વચ્ચેના વણસેલા સંબંધોને લઇને છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ ઓઇલ કંપનીઓના શેરો ગગડવા લાગ્યા છે.
હકીકતમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવની સીધી અસરો શેરબજાર પર જોવા મળી રહી છે. ઇરાન-અમેરિકા વચ્ચેના તણાવની ખબરો વચ્ચે ગયા સોમવારે સેન્સેક્સમાં આશરે ૮૦૦ પોઇન્ટનો કડાકો બોલ્યો અને શેરબજારમાંથી એક ઝાટકે ૩ લાખ કરોડ રૂપિયા નીકળી ગયા. જોકે બીજા દિવસે થોડો સુધારો જોવા મળ્યો પરંતુ ઇરાનના વળતા હુમલા બાદ શેરબજારમાં ફરી વખત કડાકો બોલવાની શક્યતા ઊભી થઇ છે.
ભારત ઇરાનમાં ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે. ચાબહાર પ્રોજેક્ટ દ્વારા ભારત મિડલઇસ્ટ, અફઘાનિસ્તાન અને યુરોપમાં પોતાનો વેપાર વધારવા ધારે છે. હકીકતમાં ચીન પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ વિકસાવી રહ્યું છે એના તોડરૂપે જ ભારતે ઇરાનમાં ચાબહાર પ્રોજેક્ટમાં રસ લીધો છે. હાલ તો અમેરિકાએ ઇરાન પર લાદેલા પ્રતિબંધોમાંથી ચાબહાર પ્રોજેક્ટને બાકાત રાખ્યો છે પરંતુ ઇરાન સાથે તનાતની વધતા જો તે પ્રતિબંધો વધારે આકરા કરશે તો ભારતની આ મહત્ત્વાકાંક્ષી યોજના પર અસર પડવાની વકી છે.
ઇરાનની વ્યૂહાત્મક સ્થિતિ એવી છે કે રશિયા પણ આ ક્ષેત્રમાં રસ લઇ રહ્યું છે. જો ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો એમાં રશિયા પણ ઝંપલાવે એવી શક્યતા છે. એ સંજોગોમાં દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે પહોંચી જવાની શક્યતા રહેલી છે. અમેરિકા વધારે આકરા પગલા લેશે તો ભારતના કારોબારી ઉપરાંત વ્યૂહાત્મક હિતો પણ જોખમાશે.