Get The App

અલીગઢમાં માસૂમ બાળકીની નિર્દય હત્યાથી દેશ સ્તબ્ધ

માત્ર દસ હજાર રૂપિયાની લેવડદેવડના મામલે આરોપીઓએ અઢી વર્ષની કૂમળી બાળકીને પીંખી નાખી

Updated: Jun 8th, 2019

GS TEAM

Google News
Google News
અલીગઢમાં માસૂમ બાળકીની નિર્દય હત્યાથી દેશ સ્તબ્ધ 1 - image



કંપારી છોડાવી દે એવી આ ઘટનામાં વ્યક્તિગત દુશ્મનાવટને લઇને આ નિર્દોષ બાળકી સાથે જે હેવાનિયત આચરવામાં આવી એ માનવતાને શરમાવે એવી છે અને આ ઘટના સવાલ પણ ઊભો કરે છે કે આધુનિક હોવાનો ડોળ કરતા આપણે બર્બરતા તરફ પાછા ફરી રહ્યાં છીએ?

ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની જે નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી એના કારણે આખા દેશમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સામાન્ય લોકોથી લઇને નેતાઓ અને સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. 

કંપારી છુટાવી દે એવી આ ઘટનામાં માસૂમ બાળકી સાથે જે હેવાનિયત આચરવામાં આવી એ માનવતાને શર્મસાર કરે એવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પૈસાની લેવડદેવડના મામલામાં થયેલી આ હત્યા વ્યક્તિગત દુશ્મનીનું પરિણામ છે. હત્યાના આરોપમાં ઝાહિદ અને અસલમ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બાળકીના પિતાએ આરોપીઓ પાસેથી ૪૦ હજાર રૂપિયા ઉધાર લીધાં હતાં. જેમાંના ૩૦ હજાર પરત કરી દીધાં હતાં પરંતુ બાકી રહેલા ૧૦ હજાર રૂપિયાને લઇને તેમની વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ દરમિયાન થયેલી બોલચાલને દાઢમાં રાખીને બંને આરોપીઓએ બદલો લેવાની મંશા સાથે બાળકીની હત્યા કરી નાખી. 

પોલીસ રિપોર્ટ અનુસાર ગત ૩૧ મેના દિવસે ઘરની બહાર રમી રહેલી અઢી વર્ષની બાળકી અચાનક ગાયબ થઇ ગઇ. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસ શરૂ કરી. ઘટનાના ત્રણ દિવસ બાદ કચરાના ઢગલામાં બાળકીનો મૃતદેહ મળ્યો જેને કૂતરા પીંખી રહ્યાં હતાં.

મૃત્યુ પામતા પહેલાં આ બાળકીએ જે સહન કર્યું હશે એની કલ્પના કરતા જ ધૂ્રજારી છૂટી જાય છે. બાળકીના માથાથી લઇને પગ સુધી ફ્રેક્ચર થયા હતાં. બાળકીની નાજૂક પાંસળીઓ તૂટી ગઇ હતી. આંખોના સોફ્ટ ટિશ્યૂ પણ ડેમેજ થઇ ગયા હતાં. આ તમામ બાબતો દર્શાવે છે કે બાળકીને બેરહેમ રીતે માર મારવામાં આવ્યો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે બાળકીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. પ્રારંભિક રિપોર્ટમાં બાળકી પર બળાત્કાર ન થયો હોવાનું બહાર આવ્યું છે. જોકે મૃતદેહ એટલો ક્ષતવિક્ષત થઇ ગયો હતો કે બળાત્કારનો પતો લગાવવો આસાન નહોતો એટલા માટે રિપોર્ટ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. આરોપીઓ ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની પોલીસ તૈયારી કરી રહી છે. આરોપીઓ કોઇ પણ પ્રકારની દયાને લાયક નથી. 

હકીકતમાં જે પ્રકારનો અપરાધ થયો છે એ જોતાં લોકો પ્રચંડ વિરોધ નહીં કરે તો કદાચ આવા અપરાધો અટકવાનું નામ નહીં લે. ગયા વર્ષે કઠુઆમાં પણ એક માસૂમ બાળકીને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવી હતી. એ બાળકી સાથે તો ગેંગરેપ પણ થયો હતો. લોકો આ બંને મામલાને જોડી પણ રહ્યાં છે. ખાસ તો એટલા માટે કે મૃતક બાળકી અને આરોપીઓના ધર્મ જુદાં જુદાં હોવાના કારણે સમગ્ર ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસ થઇ રહ્યાં છે. અલીગઢ પોલીસ સાંપ્રદાયિક તણાવને ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે. 

ભારતમાં સોશિયલ મીડિયા પર અલીગઢનો બનાવ ટ્રેન્ડ કરી રહ્યો છે. ફિલ્મજગતના લોકોથી લઇને રાજકીય નેતાઓએ આ બનાવને વખોડી કાઢ્યો છે અને દોષિતોને આકરામાં આકરી સજા આપવાની માંગ કરી છે. ખરેખર તો આવી કોઇ ઘટના સામે આવે ત્યારે લોકો સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફોરવર્ડ કરીને કે રોષ વ્યક્ત કરીને પોતાની ફરજ પૂરી થયાનું સમજી લે છે. આજે એવું જોવા મળે છે કે મોટી મોટી ઘટનાઓની લોકો પ્રતિક્રિયા આપતા નથી. બાળપણથી જ પરિવારમાં શીખવવામાં આવે છે કે પોતાના કામથી મતલબ રાખવો અને બીજાના કામમાં માથું મારવું નહીં. આ વ્યક્તિગત ડરના કારણે સામાજિક જવાબદારી સીમિત થઇ ગઇ છે. 

લોકોને બિનજરૂરી મુદ્દાઓમાં એવા ઉલઝાવી દેવામાં આવ્યાં છે કે તેમનું વાસ્તવિક પરિસ્થિતિ તરફથી ધ્યાન જ હટી ગયું છે. એમાં પણ મોબાઇલ કંપનીઓ દ્વારા મળતા અઢળક ડેટાના કારણે લોકો પોતાના સ્માર્ટ ફોનમાંથી માથું જ ઊંચું કરતા નથી. મોટી મોટી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરવા આપણી આદત બની ગઇ છે. હવે તો બળાત્કાર પણ વ્યવસ્થિત આયોજનપૂર્વક થવા લાગ્યાં છે. બળાત્કારીઓની હિંમત એટલી વધી ગઇ છે કે તેઓ પોતાના દુષ્કૃત્યનો વીડિયો બનાવીને ફેલાવવા પણ લાગ્યાં છે. જો આ પ્રકારની ઘટનાઓ ઉપર સમાજ ચૂપ રહેશે તો આવા લોકોની હિંમત વધ્યા જ કરશે. 

દુનિયાની કુલ બાળવસ્તીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની વસતી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. મતલબ કે દેશમાં લગભગ ૪૪ કરોડ  સગીર વયની વસતી છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ એટલે કે લગભગ ૪૦ ટકા બાળકો આશ્રય વિનાના અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે.

ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત દેશના અઢીસોથી વધારે જિલ્લાઓમાં ચાઇલ્ડલાઇન સર્વિસ ચલાવવામાં આવે છે. બાળકોના ઉત્પીડત અને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો દાવો આ સર્વિસના માધ્યમ દ્વારા કરવામાં આવતો હોવાના દાવા થાય છે પરંતુ માસૂમ બાળકોની ચીસો આ ચાઇલ્ડલાઇન્સ સુધી પહોંચતી હોય એવું લાગતું નથી.

બેટી બચાવો, બેટી ભણાવોનો નારો તો જાણે એક ક્રૂર મજાક બની રહ્યો હોય એવું જણાઇ રહ્યું છે.  ભારતમાં રોજિંદા ૨૯૦ બાળકો જુદાં જુદાં અપરાધોના શિકાર બને છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તો આવા મામલાઓમાં ચાર ગણો વધારો થયો છે. સામાજિક સંગઠનોએ આ પ્રકારની પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા આ સમસ્યા પર અંકુશ લગાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે. આવી સંસ્થાઓનો દાવો છે કે હજારો મામલા એવા છે જે પોલીસ સુધી પહોંચતા જ નથી. વાસ્તવિક પરિસ્થિતિ ક્યાંય વધારે ગંભીર છે.

બાળકો માટે કામ કરતી ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ નામની સંસ્થાએ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓના આધારે જણાવ્યું છે કે ભારતમાં બાળકો વિરુદ્ધ થતા અપરાધોમાં ભારે વધારો થઇ રહ્યો છે. ૨૦૦૬થી ૨૦૧૬ સુધી બાળકો વિરુદ્ધના અપરાધોમાં ૫૦૦ ટકાથીયે વધારે વૃદ્ધિ જોવા મળી છે. ૨૦૦૬માં બાળકો વિરુદ્ધ અપરાધના ૧૮,૯૭૬ મામલા નોંધાયા હતાં તો ૨૦૧૬માં આ સંખ્યા વધીને ૧,૦૬, ૯૫૮ થઇ હઇ હતી. આમાંના પચાસ ટકાથીયે વધારે મામલા ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં સામે આવ્યાં હતાં. સૌથી વધારે મામલા અપહરણ અને બળાત્કારના છે.

સામાજિક સંગઠનોના જણાવ્યા અનુસાર બાળકો પ્રત્યે થતા અત્યાચારના અનેક કારણો છે એટલા માટે તેમના પર અંકુશ લગાવવા માટે બહુઆયામી ઉપાયો પ્રયોજવાની જરૂર છે. ખાસ કરીને સમાજમાં બાળકો પ્રત્યેના અપરાધો અંગે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. ગરીબી, બેરોજગારી, આર્થિક અને લૈંગિક અસમાનતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આવી સમસ્યાઓ પર કાબૂ મેળવી શકાય છે. બેશક સરકાર આ તમામ મોરચે કામ કરી રહી છે પરંતુ લોકોએ પણ આગળ આવીને બાળકો પર થતા અત્યાચારોના મામલે અવાજ ઉઠાવવાની જરૂર છે.

માત્ર કાયદા કે દિશાનિર્દેશો બનાવીને બાળકો સાથે થતાં અપરાધો પર કાબુ નહીં મેળવી શકાય. આવા અપરાધોના મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને કડક કાયદા લાગુ કરવાના રહેશે. ખાસ કરીને બાળઅપરાધો પર લગામ કસવા માટે સરકારી એજન્સીઓ અને બિનસરકારી સંગઠનો વચ્ચે તાલમેલ બેસાડીને કામગીરી કરવાની જરૂર છે. 

બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. લોકોએ પણ એક સમાજ તરીકે જાગવાની જરૂર છે. અસામાજિક તત્ત્વોના ભયને કોરાણે મૂકીને આવા મામલાઓમાં અવાજ ઉઠાવવાની જરૂર છે.

એક સમાજ તરીકે આપણે એ જોવાની જરૂર છે કે આપણે કેટલા અસંવેદનશીલ અને અશક્ત બની રહ્યાં છીએ. એક લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે કેટલા કાયર બની રહ્યાં છીએ અને ભીડ બનીને લોકોના જીવ લઇ લેતા લોકોને મૂક દર્શક બનીને જોતા રહીએ છીએ. જો આવી ઘડીમાં આપણે આપણી જવાબદારી અને ભાગીદારી માટે એક નહીં બનીએ તો માત્ર એક સમાજ તરીકે જ નહીં પરંતુ એક દેશ તરીકે પણ નિષ્ફળ જઇશું.

અલીગઢમાં નિર્દોષ બાળકી સાથે જે બન્યું એ ધર્મનો મુદ્દો જરાય નથી અને એ મામલાને સાંપ્રદાયિક રંગ આપવાની કોઇ જરૂર પણ નથી. પરંતુ માત્ર વિરોધ પ્રદર્શન કરીને બેસી રહેવાથી કામ નહીં ચાલે. અગાઉ નિર્ભયા મામલા વખતે પણ આખા દેશમાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો હતો પરંતુ એ પછી પણ આવા મામલામાં ઘટાડો નથી થયો.

ઉલટું અપરાધીઓ અને અસામાજિક તત્ત્વોની હિંમત વધારે ઊઘડી છે. જ્યાં સુધી લોકો નહીં સમજે કે મામલો માત્ર એક અઢી વર્ષની માસૂમ બાળકીની હત્યાનો નથી પરંતુ ક્યાંય વધારે મોટો છે. દરેક વખતે આવા અપરાધો કોઇને કોઇ પરિવારની ખુશીઓ છીનવી લે છે એ નહીં સમજાય ત્યાં સુધી આવા મામલાઓ દેશને સ્તબ્ધ કરતાં રહેશે.

Tags :