JNUમાં બનેલી હિંસક ઘટના લોકશાહી માટે ચિંતાજનક
જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસા મામલે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પોલીસની ઢીલી કામગીરી
વિચારોનું વૈવિધ્ય જ લોકશાહીને જીવંત રાખે છે અને એમાં હિંસા સંપૂર્ણ વર્જિત હોય છે
દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં થયેલી હિંસાના પડઘા દેશભરમાં પડી રહ્યાં છે અને અનેક સ્થળોએ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનો યોજી રહ્યાં છે. જેએનયૂના કેમ્પસમાં લગભગ એક કલાક સુધી હથિયારો સાથે કાળો કેર વર્તાવનારા તત્ત્વોને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. પરંતુ મોઢે બુકાની બાંધીને વિદ્યાર્થીઓ પર કરેલા જીવલેણ હુમલામાં ઇજા પામનાર જેએનયુના વિદ્યાર્થી સંઘની પ્રમુખ આઇશી ઘોષ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આઇશી ઘોષ વિરુદ્ધ એફઆઇઆર રવિવારની ઘટનાના સંદર્ભમાં નહીં પરંતુ એ પહેલા જેએનયુ પ્રશાસન તરફથી થયેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે.
જેએનયૂ કેમ્પસમાં રવિવારે થયેલા હિંસાના તાંડવને બે વિદ્યાર્થી જૂથો વચ્ચેની અથડામણ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ હકીકત ઓર જ છે. આમ તો યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અને હિંસક અથડામણોના સમાચાર અવારનવાર આવતા રહે છે પરંતુ છેલ્લા એક મહિનામાં જે બનાવો બન્યા છે એ અલગ જ પ્રકારના છે. અગાઉ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં અને એ પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને હવે જેએનયૂમાં હિંસાના જે બનાવો બન્યા છે એ દર્શાવે છે કે હિંસા ફેલાવનારા મોટા ભાગના તત્ત્વો યુનિવર્સિટીની બહારના છે. આ તમામ ઘટનાઓમાં મુખ્ય ભૂમિકા સરકારી તંત્ર અને સરકારના સમર્થિત તત્ત્વોની જણાવાઇ રહી છે.
તાજેતરમાં મોદી સરકારે લીધેલા નાગરિકતા કાયદા અને નેશનલ સિટિઝન રજિસ્ટર તેમજ એનઆરસીને લઇને થઇ રહેલા વિરોધને દબાવવાના પ્રયાસ તરીકે પણ જાણકારો આ બનાવોને નિહાળી રહ્યાં છે. પોલીસ પ્રાથમિક તપાસમાં જેએનયૂની ઘટનાને બે જૂથો વચ્ચેની અથડામણ તરીકે દર્શાવી રહી છે અને એ અંગેની સાચી માહિતી તો સંપૂર્ણ અને તટસ્થ તપાસ બાદ જ બહાર આવી શકશે. પરંતુ એ હકીકત છે કે દેશની રાજધાનીની જ એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં મોઢે બુકાની બાંધેલા લોકોએ ઘૂસીને ઉત્પાત મચાવ્યો.
કેટલાય લોકો હાથમાં લાકડી અને પાઇપો લઇને યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી આવ્યા અને કલાકો સુધી તાંડવ મચાવીને સુરક્ષિત રીતે નીકળી ગયા. જેએનયૂ પ્રશાસન કે દિલ્હી પોલીસ પણ કશું કરી શકી નહીં એ સવાલ પણ ચિંતાજનક છે. ખાસ કરીને પોલીસની ભૂમિકા પર ફરી વખત સવાલ ઊઠી રહ્યાં છે. અગાઉ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર આ જ દિલ્હી પોલીસે લાઠીઓ ચલાવવામાં પાછું વાળીને જોયું નહોતું. એ વખતે દિલ્હી પોલીસનો એ વાતે વિરોધ થયો હતો કે તે યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવી.
તો જેએનયૂ કેમ્પસમાં થયેલી હિંસા વખતે દિલ્હી પોલીસે સાવ જુદું જ વલણ ધારણ કર્યું. કેમ્પસની અંદર બુકાનીધારી તત્ત્વો વિદ્યાર્થીઓ પર હિંસક હુમલા કરી રહ્યાં હતાં ત્યારે પોલીસ કેમ્પસની અંદર જ ન ગઇ અને મૂક બનીને તમાશો જોતી રહી. પોલીસ કેમ્પસની અંદર ન ગઇ તો કંઇ નહીં પરંતુ કેમ્પસની બહાર નાકાબંધી કરીને કેમ્પસમાં હિંસા કરીને બહાર નીકળેલા લોકોને ઝડપી તો શકી હોત. પરંતુ દિલ્હી પોલીસે એમ પણ ન કર્યું અને હિંસા કરનારા તત્ત્વો આરામથી કેમ્પસની બહાર નીકળીને રસ્તે પડયાં. શરૂઆતમાં પોલીસનું કહેવું હતું કે હિંસા ફેલાવનારા કેટલાંક લોકોની ઓળખ થઇ ગઇ છે પરંતુ હજુ સુધી એમાંના કોઇની ધરપકડ પણ થઇ નથી.
હકીકતમાં જેએનયૂમાં જે બન્યું એ એ દર્શાવવા માટે પૂરતું છે કે કેવા તત્ત્વોનું પ્રભુત્ત્વ વધી રહ્યું છે અને પોલીસ પણ મૂક દર્શક બનીને અરાજક તત્ત્વોને છૂટ આપી રહી છે. આવી હિંસક ઘટનાને રોકવા ન તો જેએનયૂના સુરક્ષા કર્મચારીઓ કે ન તો પોલીસે કોઇ પગલા લીધાં. સવાલ એ છે કે પોલીસની મર્યાદા છે કે પછી તે કોઇક દબાણમાં કે પછી પૂર્વગ્રહના આધારે કામ કરી રહી છે? કેમ્પસની અંદર ઇજા પામેલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની મદદ માટે આવેલી એમ્બ્યુલન્સની પણ તોડફોડ કરવામાં આવી. વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડી આવેલા લોકો સાથે પણ મારપીટ કરવામાં આવી.
અગાઉ જામિયા અને અલીગઢ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પગલાં લેવામાં જરાય પાછીપાની ન કરનારી પોલીસ જેએનયૂમાં વિદ્યાર્થીઓ પર હિંસક હુમલો કરીને શાંતિથી ચાલ્યા જનારા તત્ત્વો સામે કોઇ પગલા લઇ શકી નથી. હવે દિલ્હી પોલીસે સમગ્ર મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી દીધી છે પરંતુ આ મામલામાં પોલીસની ભૂમિકાની તપાસ કોણ કરશે એ નક્કી નથી.
યાદ રહે કે દિલ્હીની સુરક્ષાની જવાબદારી કેજરીવાલ સરકારની નહીં પરંતુ કેન્દ્રની મોદી સરકારની છે અને દેશમાં જ નહીં, વિદેશમાં પણ અત્યંત પ્રતિષ્ઠિત એવી શૈક્ષણિક સંસ્થામાં કેટલાક બુકાનીધારી લોકો મારપીટ કરીને સલામત નીકળી જઇ શકે તો આવું કોઇ બીજી જગ્યાએ પણ બની શકે. જો આવું જ રહ્યું તો કોઇ સંસ્થા, કાર્યાલય કે બીજું કોઇ પણ જાહેર સ્થળ સલામત નહીં રહી શકે.
જેએનયૂ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર થયેલા જીવલેણ હુમલાની તસવીરો અને વીડિયો વિચલિત કરી દે એવા છે. એવું લાગે છે કે જાણે બધું સુનિયોજિત રીતે કરવામાં આવ્યું. જેએનયૂ વિદ્યાર્થી સંઘ તો સીધો આરોપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા લોકો અને તેમની સાથે આવેલા અસામાજિક તત્ત્વો પર મૂકી રહ્યું છે. તો સામે પક્ષે એબીવીપી આ ઘટના માટે ડાબેરીઓને જવાબદાર ઠરાવી રહી છે. આ બંને આરોપ પ્રત્યારોપ વચ્ચે પોલીસે અજ્ઞાાત લોકો સામે કેસ નોંધ્યો છે.
જેએનયૂના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણાં સમયથી ફીવધારાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યાં છે. બેશક એ વિરોધમાં તેમણે મર્યાદા ઓળંગી હોય તો તેમની સામે પગલાં લેવા જોઇએ. પરંતુ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી છાત્રાલયોના ફી વધારાનો વિરોધ કરી રહ્યાં છે તો એના મૂળમાં આ યુનિવર્સિટીમાં દેશના ખૂણે ખૂણેથી ભણવા આવતા ગરીબ વિદ્યાર્થીઓનું હિત જ રહેલું છે. હકીકતમાં જેએનયૂનું સ્થાપના જ ભારતના નાના શહેરો અને ગામડાઓમાંથી આવતી પ્રતિભાઓને નિખારવા માટે થઇ છે.
એક તરફ ઉચ્ચ શિક્ષણ માટે તોતિંગ ફી વસૂલતી સંસ્થાઓ છે તો બીજી તરફ ગણીગાંઠી સંસ્થાઓ છે જે ગરીબ છતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આશાના કિરણસમાન છે. જોકે દુર્ભાગ્ય એ છે કે ગરીબો અને જરૂરતમંદોને શિક્ષણ પૂરું પાડવા જેવી બાબત કદી ચૂંટણીનો મુદ્દો બનતી નથી. જ્યારે એ જ શિક્ષણ રાષ્ટ્રનો કાયાકલ્પ કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે.
એ ન ભૂલવું જોઇએ કે ઇન્દિરાયુગમાં જયપ્રકાશ નારાયણનું આંદોલન ગુજરાતના વિદ્યાર્થી આંદોલન દ્વારા જ મોટું સ્વરૂપ પામ્યું હતું અને એ વિદ્યાર્થી આંદોલન પણ નાગરિકોની રોજિંદી સમસ્યાઓ માટે જ શરૂ થયું હતું. એવી દૃષ્ટિ પણ વિકસાવવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ જો નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યાં હોય તો તેઓ રાષ્ટ્રનો વિરોધ નથી કરી રહ્યાં પરંતુ ચિત્રના બીજા પાસાને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
જેએનયૂ આમ તો અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઇ ચૂકી છે. ત્રણ વર્ષ પહેલાં જેએનયૂ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કનૈયા કુમાર અને બીજા બે જણા વિરુદ્ધ દેશદ્રોહના આરોપ નોંધાયા હતાં. એ સમયથી જેએનયૂને દેશવિરોધી તરીકે ચિતરવાના પ્રયાસ થઇ રહ્યાં છે. એ ખરી વાત કે જેએનયૂમાં હાલ ડાબેરી વિચારધારાની બોલબાલા છે પરંતુ આ જ યુનિવર્સિટીમાં સમાજવાદી તેમજ દક્ષિણપંથી વિચારધારાના ખમતીધર નેતાઓ પણ પાક્યા છે. ડાબેરી વિચારધારાનો મતલબ દેશદ્રોહ ન હોઇ શકે એ જ રીતે રાષ્ટ્રવાદી વિચારધારાનો મતલબ સાંપ્રદાયિક ન હોઇ શકે.
વિચારોનું વૈવિધ્ય જ લોકશાહીને જીવંત રાખે છે અને એમાં હિંસા સંપૂર્ણ વર્જિત હોય છે. કોઇ પણ વિચારધારાને હિંસાથી દબાવી ન શકાય, કોઇ વિચારધારાને ખતમ કરવા માટે સામે પણ મજબૂત વિચારધારા હોવી જોઇએ. આજે દેશના વિદ્યાર્થીઓ યુવાશક્તિના રૂપમાં વિરોધ કરી રહ્યાં હોય તો એ તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ ગણાય. કોઇ પણ રાષ્ટ્રનું નિર્માણ યુવાશક્તિની સ્ફૂર્તિ અને ભાગીદારીથી નક્કી થાય છે. યુવાનોની આ સ્ફૂર્તિ અને ભાગીદારીને રાષ્ટ્રના નવનિર્માણમાં કામે લગાડી શકાય. શૈક્ષણિક સંસ્થાઓ વિચારોની પ્રયોગશાળા ગણાય છે. આવી પ્રયોગશાળાઓમાં જ તૈયાર થઇને નૂતન નાગરિકો બહાર નીકળે છે.