માયાવતીનો રાજકીય અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ
ઉત્તરપ્રદેશના દેવબંદ ખાતે સપા-બસપાની પહેલી સંયુક્ત સભામાં માયાવતીના ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર
એક સમયે ભારત જ નહીં પરંતુ દુનિયાની શક્તિશાળી રાજકીય મહિલાઓમાં સ્થાન પામેલા માયાવતી છેલ્લા ઘણાં સમયથી રાજકારણમાં પોતાનું સ્થાન જાળવી રાખવા ઝઝૂમી રહ્યાં છે અને દેશના રાજકારણમાં પ્રસ્તુત રહેવા માટે લોકસભાની ચૂંટણી તેમના માટે અત્યંત મહત્ત્વની છે
ઉત્તરપ્રદેશના દેવબંદ ખાતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનની પહેલી સંયુક્ત સભામાં માયાવતીએ ભાજપ ઉપરાંત કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં છે. એ સાથે જ તેમણે કહ્યું છે કે જો કેન્દ્રમાં તેમને સત્તા મળી તો તેઓ ભાજપ કે કોંગ્રેસની જેમ ખોટા વાયદાઓ નહીં કરે પરંતુ ગરીબો અને પછાત વર્ગોની સમસ્યા દૂર કરવા નક્કર પગલાં લેશે.
માયાવતી ગમે તેટલા હુંકાર કરે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે છેલ્લા થોડા સમયથી તેઓ રાજકારણમાં પોતાનું સ્થાન ગુમાવી રહ્યાં છે. એક દાયકા પહેલા એક અમેરિકી મેગેઝીને માયાવતીનો દુનિયાના સૌથી શક્તિશાળી મહિલા રાજનેતાઓમાં સમાવેશ કર્યો હતો. એ વખતે માયાવતીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેમને પ્રતિસ્પર્ધા ગમે છે અને જીતવું પણ ગમે છે.
માયાવતીના આ એક વાક્યથી તેમની રાજનીતિ, લક્ષ્ય અને ઇરાદાઓ છતા થઇ જાય છે. માયાવતી ચાર વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. તો ચાર વખત લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યાં છે. તેમના રાજકીય કદનો અંદાજ લગાવવો હોય તો કદાચ એ વાતે લગાવી શકાય કે આજના રાષ્ટ્રીય રાજકારણમાં તેો કદાચ સૌથી અનુભવી અને સૌથી લાંબી કારકિર્દી ધરાવતા મહિલા નેતા છે.
માયાવતી વિના ગઠબંધનની રાજનીતિ અધૂરી ગણવામાં આવે છે અને અમુક વખતે તો એવું બન્યું છે પણ ખરું કે માયાવતીના સહયોગ વિના કેન્દ્ર કે રાજ્ય સરકારોની રચના પણ થઇ શકી નથી. નેવુંના દાયકાથી દેશમાં મોરચા સરકારોનો દોર શરૂ થયો ત્યારથી વડાપ્રધાનપદ માટે જે ગણ્યાંગાંઠયા નેતાઓના નામ સૌથી આગળ રહ્યાં એમાં માયાવતીનો પણ સમાવેશ થાય છે.
માયાવતીનો ભૂતકાળ જોઇએ તો રાજકારણમાં આવ્યા પહેલાં તેઓ શિક્ષિકા હતાં. એ દરમિયાન તેઓ દલિતોના મુખ્ય કર્મચારી સંગઠન બામસેક સાથે જોડાયા. એ સમયે દલિતોના મોટા નેતા કાંશીરામની નજર તેમના પર પડી અને ૧૯૮૪માં માયાવતીનો રાજકારણમાં વિધિવત્ પ્રવેશ થયો. એ જ વર્ષે ૧૪ એપ્રિલે બાબાસાહેર આંબેડકર જયંતીના દિવસે બહુજન સમાજ પાર્ટીનો પાયો નંખાયો.
કાંશીરામ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ બન્યાં અને માયાવતી બન્યા મહાસચિવ. કાંશીરામનું સ્વાસ્થ્ય કથળતા ૨૦૦૩માં માયાવતીએ પાર્ટીની કમાન પોતાના હાથમાં લીધી અને બસ ત્યારથી તેઓ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખપદે બિરાજમાન છે. ૨૦૦૬માં કાંશીરામના નિધન બાદ માયાવતી બહુજન સમાજ પાર્ટીમાં માયાવતીનું એકહથ્થુ શાસન છે.
બહુજન સમાજ પાર્ટી પર માયાવતીનો એટલો પ્રભાવ છે જેટલો પશ્ચિમ બંગાળના તૃણમુલ ઉપર મમતા બેનરજીનો છે કે જેટલો પ્રભાવ દિવંગત જયલલિતાનો અન્નાદ્રમુક પર હતો. પાર્ટીમાં તેમનું કથન અંતિમ ગણાય છે. જોકે શબ્દો માપીતોલીને બોલવામાં માયાવતીનો જોટો જડે એમ નથી. તેઓ ઇન્ટર્વ્યૂ તો ભાગ્યે જ આપે છે. પ્રેસ કોન્ફરન્સ યોજે છે પરંતુ પોતાનું વકતવ્ય અગાઉથી લખીને લાવે છે અને એ સિવાય એક પણ વધારાનો શબ્દ બોલતા નથી. તેમને ટસથી મસ કરવા અશક્ય માનવામાં આવે છે.
હવે એ જ માયાવતીએ ઉત્તરપ્રદેશના રાજકારણમાં તેમના કટ્ટર શત્રુસમાન સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. માયાવતીને સમાજવાદી પાર્ટી નિકટ લઇ જવા માટે જવાબદાર પરિબળ છે ભાજપ. માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના જોડાણથી ઉત્તરપ્રદેશના રાજકારણમાં નવો દોર શરૂ થયો છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વર્ષોજૂની દુશ્મનાવટ ભૂલીને ૨૫ વર્ષ બાદ ફરી એક વખત ગઠબંધન કર્યું છે. ફરક એટલો છે કે ૧૯૯૩માં ભાજપ રામ મંદિર આંદોલનની લહેર ઉપર સવાર હતો જ્યારે આજે મોદી લહેર પર સવાલ છે. એ વખતે મુલાયમ-કાંશીરામની જોડી બની હતી જ્યારે અત્યારે માયાવતી-અખિલેશની જોડી બની છે.
પચ્ચીસ વર્ષ પહેલાં સપા-બસપાએ સાથે મળીને ભાજપને મ્હાત આપી હતી. એ સમયે મંડલ કમિશન અને રામ મંદિર આંદોલનનો દોર હતો. મંડલ કમિશનના કારણે દેશભરના પછાતવર્ગના લોકો એક છત્ર નીચે આવી ગયાં હતાં. મંડલ આંદોલન બાદ મુલાયમસિંહ યાદવ ઓબીસીના કદાવર નેતા તરીકે ઉપસ્યા હતાં અને કાંશીરામ દલિત અને ઓબીસીના નેતા તરીકે બહાર આવ્યાં હતાં. રામ મંદિર આંદોલનના કારણે મુસ્લિમ મતદારો પણ તેમના પક્ષમાં હતાં.
૧૯૯૩માં જ્યારે સપા-બસપા વચ્ચે જોડાણ થયું ત્યારે ઉત્તરપ્રદેશમાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ રાષ્ટ્રપતિશાસન લાગુ હતું. મંદિર-મસ્જિદ વિવાદના કારણે ધૂ્રવીકરણ ચરમસીમાએ હતું જેને ધ્યાનમાં રાખીને ધૂર વિરોધી એવી સપા-બસપાએ એક સાથે આવવાનો નિર્ણય લીધો. સપા-બસપાના આ જોડાણના કારણે જ બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ પણ ભાજપ સત્તામાં પાછો આવી શક્યો નહોતો.
જોકે ૧૯૯૫માં બનેલા બહુચર્ચિત ગેસ્ટહાઉસ કાંડ બાદ માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો અને ભાજપ સાથે જોડાણ કરીને સૌપ્રથમ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતાં. માયાવતીના મનમાં ગેસ્ટહાઉસકાંડને લઇને એટલી કડવાશ વ્યાપી હતી કે આટલા વર્ષો તેઓ સમાજવાદી પાર્ટીના કટ્ટર વિરોધી રહ્યાં.
જોકે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના સપાટા સામે બહુજન સમાજ પાર્ટીને એક પણ બેઠક ન મળી અને ત્યારપછી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના વિજયરથ આગળ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો કરૂણ રકાસ થયો એ પછી રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત થઇ.
ગયા વર્ષે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથના રાજીનામાથી ખાલી પડેલી ગોરખપુર સીટ અને નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના રાજીનામાથી ખાલી પડેલી ફૂલપુર એમ બે પ્રતિષ્ઠિત બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ ત્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એક સાથે આવ્યાં અને ભાજપને પરાજયનો સ્વાદ ચખાડયો. બાદમાં કૈરાના લોકસભા બેઠકની પેટાચૂંટણી વખતે બંને પક્ષો વધારે નિકટ આવ્યાં.
સપા-બસપા સાથે આવવાનું નક્કી થયા બાદ પણ મોટો સવાલ એ હતો કે આ ગઠબંધનના નેતા કોણ બનશે? અગાઉ ૧૯૯૩માં પણ બંને પક્ષોએ જોડાણ કર્યું હતું ત્યારે પરિસ્થિતિ અલગ હતી. માયાવતી ઘણા જુનિયર નેતા હતાં અને બસપાના અધ્યક્ષ કાંશીરામ કદી મુખ્યમંત્રી બન્યા નહોતા. એ સંજોગોમાં જોડાણના નેતા તરીકે મુલાયમસિંહ યાદવની વરણી થવી સ્વાભાવિક હતી.
પરંતુ અત્યારે અખિલેશ યાદવની સરખામણીમાં માયાવતી ઘણાં સિનિયર નેતા છે એટલે તેઓ અખિલેશની આગેવાની સ્વીકારે એ શક્ય નહોતું. કૈરાના બેઠકની પેટાચૂંટણી વખતે માયાવતીએ આ બાબતનો અણસાર પણ આપી દીધો હતો. છેવટે નેતાગીરીના મામલે અખિલેશ યાદવે નમતું જોખ્યું અને માયાવતી સાથે જૂનિયર પાર્ટનર તરીકે જોડાવા અંગે પણ રાજીપો દર્શાવ્યો.
એ પછી બેઠકોની વહેંચણીના મામલે પણ માયાવતીએ તેવર દેખાડયાં. વખતોવખત તેઓ એવું કહેતાં રહ્યાં કે લોકસભા ચૂંટણીમાં તેમના પક્ષને સન્માનજનક બેઠકો નહીં મળે તો તેઓ એકલા હાથે જ ચૂંટણી લડવાનું પસંદ કરશે.
તેમનું આ દબાણ પણ કામ લાગ્યું અને હવે ઉત્તરપ્રદેશની ૮૦ બેઠકોમાંથી સમાજવાદી પાર્ટી જેટલી જ ૩૭ બેઠકો ઉપર ઉમેદવારી મેળવવામાં કામિયાબ રહ્યાં છે. માયાવતીના જુનિયર તરીકે રહેવાનું કબૂલ કરનાર અખિલેશ યાદવ માટે પણ માયાવતીની માંગોને સ્વીકારી લેવા સિવાય છૂટકો નથી. ભાજપના હાથે ભૂંડો પરાજય ખાધા બાદ અખિલેશે કોંગ્રેસના હાથનો સાથ લેવાનો પ્રયોગ પણ કરી જોયો પરંતુ એ દાવ પણ નિષ્ફળ રહ્યો.
બીજી બાજુ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે નિકટના સંબંધો હોવા છતાં ગયા વર્ષના અંતે યોજાયેલી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીમાં જોડાણનો ઇન્કાર કરીને માયાવતીએ કોંગ્રેસને મોટો આંચકો આપ્યો. એ પછી ઉત્તરપ્રદેશમાં ગઠબંધન રચતી વખતે પણ તેમણે કોંગ્રેસની બાદબાકી કરી નાખી. હજુ ગયા વર્ષ સુધી કોંગ્રેસ સાથે ભાજપવિરોધી મોરચો રચવામાં અગ્રેસર રહેલા માયાવતી કોંગ્રેસથી આટલા નારાજ કેમ છે એ સવાલ સૌને મુંઝવી રહ્યો છે.
કોંગ્રેસથી તેમની નારાજગી એ હદ સુધીની છે કે હવે તેઓ ભાજપ અને કોંગ્રેસને એક ત્રાજવે તોલી રહ્યાં છે. દેવબંદ ખાતેની જાહેર સભામાં પણ માયાવતીએ રાહુલ ગાંધીએ જાહેર કરેલી ન્યાય યોજનાની વગોવણી કરી. તેમણે ભાજપના ગત ચૂંટણીમાં દરેકના ખાતામાં ૧૫ લાખની રકમ જમા કરાવવાના દાવાની જેમજ કોંગ્રેસના અતિગરીબોને ૭૨ હજાર આપવાના વાયદાને જુમલો ગણાવ્યો.
ભલે ગત લોકસભાની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીને એક પણ બેઠક મળી નહોતી, પરંતુ માયાવતી અને તેમની બહુજન સમાજ પાર્ટીનું મહત્ત્વ વોટ કરતા ક્યાંય વધારે છે એ ભાજપ અને કોંગ્રેસ બંને જાણે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિશાળ વોટબેંક માયાવતીના હાથમાં છે. આ વોટબેંક ઉત્તરપ્રદેશમાં તો તેમની સાથે છે પરંતુ અન્ય રાજ્યોમાં તે વિખેરાયેલી જોવા મળે છે.
જોકે છેલ્લા થોડા વર્ષો દરમિયાન પછાત વર્ગો ઉપર અત્યાચાર અને મોબ લિન્ચિંગના મામલાઓના કારણે જે વાતાવરણ સર્જાઇ રહ્યું છે એમાં પછાત વર્ગો અને લઘુમતિઓ એકજૂથ થવાની શક્યતા જણાઇ રહી છે. આ શક્યતા સાકાર થાય તો આ જૂથના નેતા તરીકે માયાવતીનું નામ સૌથી ઉપર આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આક્રોશને વોટમાં પરિવર્તિત કરવાની તાકાત માયાવતીમાં છે.
જોકે ઘણાં રાજકીય પંડિતોનું માનવું છે કે જે વોટબેંકના સહારે માયાવતી આગળ આવ્યાં એ સમદાયોની તેમણે અવગણના કરી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દલિતો પર થયેલા હુમલા, લવજેહાદ કે ગૌરક્ષાના નામે થયેલા હિંસાના બનાવો અને રાફેલ જેવા મુદ્દે તેમણે ચૂપકીદી સાધી અથવા તો મોડેથી બોલ્યાં. જે રીતે વિરોધ પક્ષોના નેતાઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સતત હુમલા કરતા રહ્યાં એમાંથી માયાવતી બાકાત રહ્યાં છે.
હવે હિન્દી બેલ્ટ અને તેની બહારના પ્રદેશોમાં પછાત વર્ગોના તેઓ એક માત્ર નેતા રહ્યાં નથી. દલિતોની નવી પેઢીના નેતા તરીકે જિગ્નેશ મેવાણી અને ચંદ્રશેખર રાવણ જેવા પ્રતિનિધિઓ આગળ આવવા લાગ્યાં છે. એ સંજોગોમાં દલિત અને લઘુમતિ સમુદાયો પર પોતાની નબળી પડી રહેલી પક્કડને મજબૂત બનાવવા માટે માયાવતીએ આકરી મહેનત કરવી પડશે.