કોણ કરશે રાજધાની પર કબજો: હવે જામશે દિલ્હીનું દંગલ
ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરતા જ રાજકારણમાં ગરમાવો
દિલ્હીમાં ભાજપ પાસે કેજરીવાલનો સામનો કરે એવા કોઇ નેતા નથી જેના પરિણામે દિલ્હીની ચૂંટણી પણ વડાપ્રધાન મોદીના ચહેરા સાથે તેમજ નાગરિકતા કાયદા, એનઆરસી અને એનપીઆર જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ લડવામાં આવશે
દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે જાહેર કરેલા શેડયુલ અનુસાર દિલ્હીમાં આઠમી ફેબુ્રઆરીએ મતદાન થશે અને ૧૧ ફેબુ્રઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે. ચૂંટણી પંચની જાહેરાત સાથે જ દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. રાજધાનીમાં આ વખતે પણ ત્રિપાંખિયો મુકાબલો થવાનો છે જેમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને મ્હાત આપવા ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે અતિ મહત્ત્વની છે. વર્ષ ૨૦૧૩માં આમ આદમીના પ્રવેશ બાદ રાજકારણનું મેદાન બદલાઇ ચૂક્યું છે. આ પહેલાં દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દ્વીપાંખિયો જંગ ખેલાતો હતો. હવે એ જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં દિલ્હી સર કર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કેટલું જોર બતાવે છે. ગયા વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની સાતેય બેઠકો પર વિજય મેળવ્યો હતો. જાણકારોના મતે જો લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જોડાણ કર્યું હોત તો ભાજપ તમામ બેઠકો મેળવી ન શકી હોત.
વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મોદીલહેરમાં ભાજપે સત્તા હાંસલ કરી ત્યારે પણ આમ આદમી પાર્ટીએ ૩૩.૧ ટકા મત હાંસલ કર્યાં હતાં જ્યારે કોંગ્રેસે ૧૫.૧ ટકા મત મેળવ્યા હતાં. બંનેના સંયુક્ત મતોની ટકાવારી ભાજપના મતોની ટકાવારી કરતા બે ટકા વધારે હતી. કદની દૃષ્ટિએ જોતાં તો દિલ્હી સાવ નાનું ક્ષેત્ર છે પરંતુ દેશની રાજધાની હોવાના કારણે તેની ચૂંટણીઓનું મહત્ત્વ ઘણું વધારે છે.
કોંગ્રેસ પણ દિલ્હીમાં પોતાની સ્થિતિ સુધારવાની આશામાં છે. આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવી એના પહેલા ત્રણ ટર્મ સુધી કોંગ્રેસે દિલ્હી પર રાજ કર્યું હતું. જોકે હાલ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે જ નહીં, દિલ્હીમાં પણ નેતૃત્ત્વની સમસ્યાથી પીડાઇ રહી છે. કોંગ્રેસમાં વિખવાદ અને જૂથબાજી ચાલી રહ્યાં છે જે તેને વિધાનસભાની ચૂંટણીમાં પણ નડે એવી શક્યતા છે.
બીજી બાજુ ભાજપ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચહેરા સાથે ચૂંટણીમાં ઝંપલાવે એ નક્કી છે. તાજેતરમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મળેલી હાર બાદ પણ ભાજપને રાષ્ટ્રવાદ પર વધારે ભરોસો હોય એવું જણાઇ રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે ભાજપ દિલ્હીના સ્થાનિક મુદ્દાઓને કોરાણે મૂકીને રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ ચૂંટણીમાં ઝંપલાવવાનો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ભાજપે બે મોટા કાર્યક્રમોનું આયોજન કરી ચૂક્યો છે.
જેમાં દિલ્હીની અનધિકૃત કોલોનીઓને અધિકૃત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભાર રેલીનું આયોજન કરવામાં આવ્યું. તો દિલ્હી ભાજપના ૩૫ હજાર બૂથ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સભા યોજી. દિલ્હીમાં આયોજિત વડાપ્રધાનની સભામાં રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ જ કેન્દ્રમાં રહ્યાં હતાં. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને અર્બન નક્સલ જેવા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન વડાપ્રધાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલા કરવાનું ટાળ્યું હતું.
જોકે વડાપ્રધાનના ભાષણમાં દિલ્હીવાસીઓની સમસ્યાઓ અંગે સાંભળવા ન મળ્યું. એ જ રીતે અમિત શાહના ભાષણમાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓની જ ચર્ચા જોવા મળી. તેમણે પણ દિલ્હીના લોકોના લગતા મુદ્દાઓનો ઉલ્લેખ ન કર્યો. જોકે નાગરિકતા કાયદાને લઇને તેમણે મુખ્યમંત્રી કેજરીવાલ તેમજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંગા ગાંધી પર પ્રહાર જરૂર કર્યાં. હાલ તો ભાજપને બંને ટોચના નેતાઓના ભાષણ પરથી લાગે છે કે ભાજપ દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની તર્જ પર રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ ચૂંટણી લડવા માંગે છે.
આ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી દરમિયાન ભાજપે સ્થાનિક મુદ્દાઓ અવગણીને એનઆરસી, નાગરિકતા કાયદો, કાશ્મીર અને અનુચ્છેદ ૩૭૦ દૂર કરવા તેમજ અયોધ્યામાં રામ મંદિર મુદ્દે જ મત માગ્યા હતાં. પરિણામ એ આવ્યું કે મહારાષ્ટ્રમાં સહયોગી શિવસેના સાથે મતભેદ થતા રાજ્યમાંથી સત્તા ગઇ. એ જ રીતે ઝારખંડમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધન સામે ભાજપની હાર થઇ. તો હરિયાણામાં બાંધછોડ કરીને ભાજપે સત્તા જાળવી રાખી.
હાલ દિલ્હીસહિત દેશભરમાં નાગરિકતા કાયદા અને પ્રસ્તાવિત નેશનલ સિટિઝન રજિસ્ટરને લઇને પ્રદર્શનો ચાલી રહ્યાં છે. જોકે દિલ્હીમાં આ આંદોલનોની ગરમી કંઇક વધારે જ છે. તાજેતરમાં જ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં દિલ્હી પોલીસની કથિત ક્રૂરતા બાદ દેશની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માહોલ ગરમાયેલો છે. એમાંયે જેએનયૂમાં બુકાનીધારી ટોળાએ આચરેલી હિંસા બાદ દિલ્હીનો માહોલ ઓર બગડયો છે. દિલ્હીના વિદ્યાર્થીઓએ જે આક્રમક વલણ ધારણ કર્યું છે એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન કરે એવી પૂરેપૂરી શક્યતા છે.
એક તરફ દેશની અર્થવ્યવસ્થાનું ચિત્ર નાજૂક છે તો બીજી તરફ આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ બહાલ કરવાની જવાબદારી પણ છે. એવામાં આમ આદમી પાર્ટી અને કેન્દ્ર્ની મોદી સરકાર રાજધાનીના પ્રદૂષણને લઇને એકબીજા પર આરોપ પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યાં છે. કેજરીવાલ પોતાની ગાદી બચાવવાની મથામણમાં લાગી ગયા છે.
તો ભાજપ દિલ્હીને સર કરવા માટે બેતાબ છે. દિલ્હીની ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૭ બેઠકો મેળવીને અભૂતપૂર્વ જીત હાંસલ કરી હતી. જોકે એ પછી આમ આદમી પાર્ટી પાછળ જઇ રહી છે. પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. કેજરીવાલ પર સત્તાવાદી હોવાના આરોપ મૂકાતા રહ્યાં છે.
રાજકારણના તમામ ખેલાડીઓ સોશિયલ મીડિયાનો જોરદાર ઉપયોગ કરી રહ્યાં છે. એ સાથે જ જાહેરસભાઓ દ્વારા લોકોને લોભાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. તમામ પાર્ટીઓ પોતાના એજન્ડાને કોરાણે મૂકીને બીજા રાજકીય પક્ષો પર આરોપો લગાવવામાં રત છે. જાહેરાતોના માધ્યમ દ્વારા પણ લોકોને લલચાવવાનું કામ થઇ રહ્યું છે. ડોર ડૂ ડોર અભિયાનો ચાલી રહ્યાં છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની કમાન વડાપ્રધાન મોદીએ પોતાના હાથમાં સંભાળી છે કારણ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને ટક્કર આપી શકે તેવો ચહેરો ભાજપ પાસે નથી.
છેલ્લા પાંચ વર્ષથી ભાજપે કેજરીવાલને નિશાન બનાવવામાં કોઇ કસર નથી છોડી પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પાંચ વર્ષ પછી પણ ભાજપ પાસે કેજરીવાલ સામે ઉતારી શકાય એવા મુખ્યમંત્રીપદના ઉમેદવાર નથી. આમ તો દિલ્હી ભાજપની કમાન મનોજ તિવારી પાસે છે પરંતુ લાગે છે કે ભાજપને તેમના નેતૃત્ત્વમાં શ્રદ્ધા નથી. એટલા માટે જ ભાજપ સાંસદ પ્રવેશ વર્માને આગળ કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે.
પાંચ વર્ષ પહેલા પણ ભાજપે નાછૂટકે કિરણ બેદીને કેજરીવાલ સામે ઊભા કરવા પડયાં હતાં પરંતુ એનો પણ કોઇ અર્થ સર્યો નહોતો. એ સંજોગોમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ ભાજપે વડાપ્રધાન મોદીના નામે લડયા સિવાય છૂટકો નથી. કેજરીવાલ સામે કોઇ ઉમેદવારને ઉતારવા કરતા એ સલામત માર્ગ છે. આમ પણ છેલ્લી ઘણી ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે ભાજપ મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના બદલે વડાપ્રધાન મોદીના ચહેરા સાથે જ ચૂંટણી લડી હોય.
દિલ્હીમાં પણ એવું જ થવાની વકી છે. ભાજપ દિલ્હીમાં પણ તેની ડબલ એન્જિનવાળી થિયરી અજમાવવા ધારે છે જેમાં કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર હોય. પરંતુ ભાજપની આ ડબલ એન્જિનવાળી ફોર્મ્યૂલા રાજ્યોમાં કારગર નીવડી નથી એનો દાખલારૂપે છેલ્લા ઘણાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. ભાજપમાં દિલ્હીને એક જ સ્વરૂપે સફળતા મળી શકે છે અને એ છે કે જો દિલ્હીના લોકો સત્તામાં બદલાવ ઇચ્છતા હોય.
આમ પણ કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હીની કેજરીવાલ સરકાર વચ્ચે કાયમ તલવારો તણાયેલી જ રહે છે. આ વખતની દિલ્હીની ચૂંટણીમાં સ્કૂલો, હોસ્પિટલો, વીજળી, પાણી, ડેન્ગ્યૂ, પ્રદૂષણ તેમજ અન્ય સ્થાનિક મુદ્દાઓ પ્રભાવમાં રહેવાની શક્યતા છે. એ સાથે જ નાગરિકતા કાયદો, એનઆરસી અને એનપીઆર જેવા મુદ્દાઓ પણ છવાયેલા રહેશે.
દિલ્હીની અનધિકૃત કોલોનીઓનો મુદ્દો પણ ચર્ચામાં રહેશે અને ભાજપ તેમજ આમ આદમી પાર્ટી એ મુદ્દે યશ લેવાના પ્રયાસમાં રહેશે. ભાજપને વેપારી અને ઉચ્ચ વર્ગનું સમર્થન છે તો ગરીબ અને મધ્યમ વર્ગ આમ આદમી પાર્ટીથી ખુશ છે. એટલું તો સ્પષ્ટ છે કે આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની પક્કડ મજબૂત છે.