ભારત-પાકિસ્તાનના ફાઈટર જેટ મુદ્દે હવે શાબ્દીક સંઘર્ષ બિનજરૂરી છે
કોઈએ એફ-16 વિમાન તોડી પાડયું હોય એવો પહેલો પ્રસંગ નોંધાયો છે
1960ના દાયકામાં બનેલું મિગ-21, 1980ના દાયકામાં બનેલા એફ-16ને તોડી પાડે તો પછી કાલ સવારે એફ-16 ખરીદશે કોણ? ડોશી મરે તેના કરતાં અમેરિકાને જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે.
૧૯૮૦ના દાયકાની વાત છે. ત્યારે રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ ચાલતો હતો. પડોશી દેશ હોવાને નાતે પાકિસ્તાનમાં એ જંગની અસર થઈ રહી હતી. અફઘાની આતંકીઓ અને રશિયા-અફઘાનિસ્તાનની સરકાર સામસામે લડી રહ્યા હતા. મુજાહિદ્દીન કહેવાતા આતંકીઓની તાકાત વધી ગઈ હતી એટલે જ તો રશિયા-અફઘાનિસ્તાનની સેના ભેગી થઈને તેમના વિરૂદ્ધ મોટે પાયે પ્રહાર કરી રહી હતી. લડાઈમાં ફાઈટર વિમાનો પણ શામેલ હતા.
જાણતા કે પછી અજાણતા ત્રણ વિમાનો (બે સુખોઈ-૨૧ અને એક એન્ટેનોવ-૨૬) પાકિસ્તાની વાયુસીમામાં દાખલ થયા. અંદર સુધી ઘૂસી આવ્યા અને પરત નહીં જાય એમ લાગ્યુ ત્યારે પાકિસ્તાને પોતાના ફાઈટર વિમાનો કામે લગાડયા. પાકિસ્તાનના ફાઈટર વિમાને ત્રણેય ઘૂસણખોર વિમાનોને તોડી પાડયા. પાકિસ્તાને જે વિમાન વાપર્યા હતા એ એફ-૧૬ હતા. એ પછી પણ એવા એક-બે પ્રસંગો આવ્યા જ્યારે પાકિસ્તાની એફ-૧૬ વિમાનોએ ઉડાન ભરી હોય અને આકાશમાં દેખાયેલા અજાણ્યા લક્ષ્યાંકને તોડી પાડયા હોય.
જગતના સૌથી આધુનિક ફાઈટર વિમાનોમાં એફ-૧૬ની ગણતરી થાય છે. હવે જોકે ગણતરી કરવી કે કેમ એ મોટો પ્રશ્ન લશ્કરી નિષ્ણાતો સમક્ષ આવી ગયો છે. કેમ કે ભારતે તાજેતરમાં જ પાકિસ્તાની સેનામાં રહેલું (અમેરિકાએ આપેલું) એફ-૧૬એસ તોડી પાડયું. ૧૯૭૪થી અમેરિકા એફ-૧૬ બનાવે છે.
આજ સુધીમાં સાડા ચાર હજારથી વધારે નંગ બન્યા છે અને જગતના ૨૫ કરતા વધુ દેશો તેનો વપરાશ કરે છે. એક પણ વખત એવુ બન્યું નથી કે કોઈએ અમેરિકાનું એફ-૧૬ તોડી પાડયું હોય. આ ઈતિહાસનો પહેલો કિસ્સો છે, જ્યારે અમેરિકાનું વિમાન તૂટયું.
ભારત પરના આતંકી હુમલા પછી ભારતે આકરી કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં રહેલા આતંકી કેમ્પોનો મિરાજ-૨૦૦૦ વિમાનો વડે સફાયો કર્યો. એ પછી બીજા દિવસે પાકિસ્તાને ભારતની સરહદે એફ-૧૬ વિમાનો મોકલ્યા.
સંભવતઃ એ પરાક્રમ પાકિસ્તાને ભારતને ડરાવવા કર્યું હતુ. કેમ કે એફ-૧૬ તો ડરવું જ પડે એવા વિમાનો છે. પરંતુ પાકિસ્તાનનું એ એફ-૧૬ પણ હવામાં કટકા થઈ ગયું અને ચો-તરફ ભંગાર વેરાઈ ગયો. ૧૯૭૪માં બનેલા એમેરિકાના અત્યાધુનિક વિમાનને છેક ૧૯૫૬માં બનેલા અને હવે તો સાવ આઉટડેટેડ ગણાતા રશિયાના મિગ-૨૧ વિમાને તોડી પાડયું હતુ.
ભારત-પાકિસ્તાન વિરૂદ્ધની એ લડાઈ ત્યાં પૂરી થઈ ગઈ હતી. પરંતુ હવે અમેરિકાના જાણીતા મેગેઝિન ફોરેન પોલિસીમાં લેખ છપાયો. એ લેખમાં લારા સેલિગમેન નામના મહિલા સંરક્ષણ પત્રકારે લખ્યું કે ભારતે પાકિસ્તાનનું એફ-૧૬ તોડી પાડયું નથી. એ વાતના સમર્થનમાં તેમણે ગણતરી રજૂ કરી. પાકિસ્તાન પાસે હાલ ૭૬ એફ-૧૬ વિમાનો છે.
લારા બહેને લેખમાં લખ્યુ છે કે તાજેતરમાં અમેરિકાના અધિકારીઓએ પાકિસ્તાનના વિમાનની ગણતરી કરી હતી. પહેલા જેટલા જ વિમાન જોવા મળ્યા હતા. માટે ભારતે તોડી પાડયું એ એફ-૧૬ નહીં બીજું કંઈક હોવુ જોઈએ. જોકે લારા બહેને સ્પષ્ટતા નથી કરી કે અમેરિકામાંથી વિમાનો કોણે ગણ્યા? વિમાન ગણવા મુદ્દે અમેરિકી સરકારનું કોઈ સત્તાવાર બયાન પણ નથી આવ્યું.
પરંતુ હવે આજે અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે વિમાન ગમે તેણે ગણ્યા હોય, અમે તો ગણ્યા નથી. તો પછી ગણતરી કોણ કરી હશે? કે પછી લારા બહેનનો અહેવાલ ખોટો છે?
ભારતે વાપર્યું એ મિગ-૨૧ જોકે મિગ-૨૧-બાઈસન હતું. એટલે કે તેને અપગ્રેડ કરવામાં આવ્યુ હતુ. ભારત ૧૯૬૧થી મિગ-૨૧ વાપરે છે. ભારતની વાયુસેનામાં આવેલું એ પહેલું સુપરસોનિક વિમાન હતુું, આધુનિક ફાઈટર હતું. મિગ-૨૧ સિરિઝના વિમાનોથી અત્યાર સુધીમાં ભારતે અકસ્માતમાં ૧૭૭ પાઈલટ ગુુમાવ્યા છે. સાથે સાથે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે પાકિસ્તાન સામેના દરેક જંગમાં આ વિમાનોએ મહત્ત્વનો રોલ ભજવ્યો છે.
હવે બેશક મિગ-૨૧ જૂના થયા છે, ભારત તેને તબક્કાવાર ૨૦૨૨માં કે પછી ૨૦૨૫માં નિવૃત્ત કરી દેવા માંગે છે. અલબત્ત, તેનું સ્થાન લેનારા બીજા વિમાનો મળી જાય તો. ભારત પાસે હાલ કુલ મળીને ૧૫૦ જેટલા મિગ-૨૧ છે. ભારતીય પાઈલટોની ત્રણ પેઢી આ વિમાનો વાપરી ચૂકી છે, એટલે કહી શકાય કે ભારતના પાઈલટોને એ વિમાન બરાબર માફક આવી ગયા છે. મિગ વિમાનો એ રશિયાની કંપની મિખોયાન ગુરુવિચની બનાવટ છે અને તેનું જ ટૂંકુ નામ મિગ છે.
એફ-૧૬ એ અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન બનાવે છે. અત્યારે દુનિયાની ઘણી વાયુસેના ફોર્થ જનરેશન કહેવાતા આધુનિક વિમાનો વાપરે છે. ઘણા દેશો ફિફ્થ જનરેશનના વધારે સક્ષમ વિમાનો તૈયાર કરે છે. એફ-૧૬નો સમાવેશ ચોથી પેઢીના વિમાનોમાં થાય છે. એફ-૧૬ તેની લડાકુ ક્ષમતા માટે જાણીતા છે. ૧૯૮૦માં જ્યારે પાકિસ્તાની વાયુસેનાએ આધુનિકીકરણ શરૂ કર્યું ત્યારે અમેરિકાએ તેને આ વિમાનો આપ્યા હતા.
હમણાં સુધી પાકિસ્તાની સેના પાસેના એ એકમાત્ર ફાઈટર વિમાનો હતા. પરંતુ યુદ્ધમાં દર વખતે આધુનિક શસ્ત્ર, જૂના શસ્ત્રને હરાવી દે એવુ બનતું નથી. વિશ્વયુદ્ધ વખતે ખખડધજ થયેલી જર્મન સબમરીને બ્રિટનના જહાજવાડામાં જઈને અતી આધુનિક ગણાતા જહાજોને ઉડાવી દીધા હતા. યુદ્ધના ઈતિહાસમાં એવા ઘણા કિસ્સા નોંધાયા છે કે આધુનિક સાધનો હોય એ સેનાને પણ હારવું પડયું હોય.
શસ્ત્ર કોણ વાપરે છે, તેેના પર પણ આધાર હોય છે. મિગ-૨૧ વાપરવામાં ભારતને ફાવટ છે, જ્યારે ગમે તેવું આધુનિક હોવા છતાં એફ-૧૬ હજુ સુધી પાકિસ્તાનને માફક આવ્યું નથી. વળી એ વિમાન પાકિસ્તાનને ભારત સામે લડવા માટે નહીં, આતંકીઓ સામે લડવા અપાયું છે. આ વિમાન મહત્તમ ૧૫ કિલોમીટર ઊંચે જ ઉડી શકે છે. જ્યારે મિગની ઉડ્ડયન ઊંચાઈ ૧૯ કિલોમીટર છે. એટલે કે મિગ-૨૧ ઉપર રહીને નીચે ઉડતાં એફ-૧૬ પર પ્રહાર કરી શકે છે.
એફ-૧૬ અને તેનું સુધારેલું વર્ઝન એફ-૧૮ બન્ને ખરીદવા માટે ભારતે પણ એક તબક્કે વિચાર કર્યો હતો. પરંતુ એ વિમાનો ભારતની જરૂરિયાતમાં ઉણા ઉતરતા હતા. વળી પાકિસ્તાન પાસે હોય એવા જ વિમાનો ખરીદવાનો અર્થ ન હતો. માટે ભારતે તેના બદલે રફાલ વિમાનો પસંદ કર્યા છે. એ વિમાનો મળે ત્યારે ખરા, પરંતુ જ્યારે શોપિંગ લિસ્ટ બન્યું ત્યારે કુલ પાંચ વિકલ્પ ભારત પાસે હતા એમાં એફ-૧૬ અને ૧૮ પણ હતા.
અમેરિકાએ છેલ્લે ભારે વિરોધ વચ્ચે ૨૦૦૮માં પાકિસ્તાનને એફ-૧૬ અપગ્રેડ કરી આપ્યા હતા. એ વખતે ભારત-અમેરિકા વચ્ચેનો લશ્કરી વેપાર ૧ અબજ ડૉલરનો હતો, હવે વધીને ૧૮ અબજ ડૉલરે પહોંચ્યો છે. ભારત દુનિયામાં સૌથી વધુ શસ્ત્રો આયાત કરે છે અને અમેરિકા સૌથી વધુ શસ્ત્રો નિકાસ કરનારો દેશ છે.
પાકિસ્તાન પહેલા દિવસથી એવો દાવો કરે છે, કે ભારતે તેનું કોઈ વિમાન તોડયું નથી. સ્વાભાવિક રીતે એ દાવો સાચો નથી. જો ભારતની વાત સાચી છે, એમ પાકિસ્તાન સ્વીકારે તો અમેરિકા સાથેની શરતનો ભંગ થયો ગણાય. અમેરિકાએ આ વિમાનો ભારત સામે નહીં વાપરવાની શરતે આપ્યા છે.
બીજી તરફ વૈશ્વિક સ્થિતિ પલટાઈ રહી છે. અમેરિકા હવે લાંબો સમય પાકિસ્તાનના જૂઠાણાઓને સાથ આપી શકે એમ નથી. અમેરિકાનો વેપાર ભારત સાથે જ વધવાનો છે અને ભારતનું વૈશ્વિક મહત્ત્વ પણ અમેરિકા સ્વીકારે છે. એ સંજોગોમાં પાકિસ્તાનની પડખે ઉભા રહેવાનું અમેરિકા જેવો સમજદાર દેશ ભુલ ન કરે.
પણ નવાઈ એ વાતની છે કે એક સમયે સંરક્ષણ ટેકનોલોજી આપવામાં ભારતને ઘસીને ના પાડી દેતું અમેરિકા હવે જો ભારત ખરીદી કરે તો એફ-૨૧ આખેઆખા ભારતમાં આવીને બનાવવા તૈયાર છે.
મિગ-૨૧ અને એફ-૧૬: સરખામણી થાય તો..
બન્ને વિમાનો ફાઈટર જેટ છે. તેમની સરખામણી માત્ર આંકડાકિય માહિતીના આધારે ન થઈ શકે. પરંતુ આંકડાઓ પરથી ઓળખવા પુરતો ખ્યાલ મળી રહે.
વિગત મિગ-૨૧ એફ-૧૬
બનાવટ રશિયન અમેરિકન
ક્યારથી કાર્યરત? ૧૯૫૬ ૧૯૭૪
લંબાઈ ૫૨ ફીટ ૪૯.૩ ફીટ
ઊંચાઈ ૧૩.૪૫ ફીટ ૧૬.૭ ફીટ
સ્પીડ ૨૨૩૦ કિલોમીટર ૨૪૦૦ કિલોમીટર
ખાલી વજન ૫૪૬૦ કિલોગ્રામ ૯,૨૦૭ કિલોગ્રામ
મહત્તમ વજન ૧૦,૧૦૦ ૧૩,૦૦૦ કિલોગ્રામ
ચાલક ૧ ૧
ઉડ્ડયન ઊંચાઈ ૧૯ કિલોમીટર ૧૫ કિલોમીટર
રેન્જ ૧૨૨૫ કિલોમીટર ૩૯૦૦ કિલોમીટર