ઇસ્લામિક સ્ટેટનો દક્ષિણ એશિયામાં પગપેસારો રોકવો આવશ્યક
શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટના તાર ભારત સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા સુરક્ષા એજન્સીઓ સાવચેત
અમેરિકાએ ભલે ઇરાક અને સીરિયામાંથી ઇસ્લામિક સ્ટેટનો સફાયો કરી દીધો હોવાની જાહેરાત કરી હોય પરંતુ ઇસ્લામિક સ્ટેટની કટ્ટરપંથી વિચારધારા ક્યાંય વધુ ઘાતક છે જેનો ખાત્મો બોલાવવો વધારે જરૂરી છે
ઇરાક અને સીરિયામાં ઊભા થયેલા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)નો આ બંને દેશોમાં સફાયો જરૂર થઇ ગયો છે પરંતુ દુનિયાભરમાં વગોવાઇ ગયેલું આ આતંકવાદી સંગઠન દુનિયાના અન્ય ભાગોમાં અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં પોતાનું નેટવર્ક ફેલાવવામાં સફળ રહ્યું છે. તાજેતરમાં શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ દક્ષિણ એશિયાના દેશોમાં ઇસ્લામિક સ્ટેટના વધી રહેલા પ્રભાવનો દાખલો છે.
ઇસ્ટરના દિવસે શ્રીલંકામાં એક પછી એક એમ આઠ પ્રચંડ બોમ્બ વિસ્ફોટોએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. શરૂઆતમાં તો આ વિસ્ફોટોની જવાબદારી કોઇ આતંકવાદી સંગઠને લીધી નહોતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું કે સીરિયલ બ્લાસ્ટ સુસાઇડ બોમ્બરોએ કર્યાં હતાં અને વિસ્ફોટ કરનારા તમામ આત્મઘાતી હુમલાખોરો સ્થાનિક હતાં.
એટલું જ નહીં, હુમલાખોરો મધ્યમવર્ગ અને ઉચ્ચમધ્યમવર્ગીય પરિવારોમાંથી આવતા હતાં. કહેવાય છે કે એક હુમલાખોરે તો બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ પણ કર્યો હતો. જોકે જે મોટા પાયે અને સુયોજનાબદ્ધ રીતે આ વિસ્ફોટો થયા એના દ્વારા એવો સંકેત મળી રહ્યો હતો કે આ સીરિયલ બ્લાસ્ટ પાછળ કોઇ મોટા આતંકવાદી સંગઠનનો હાથ હશે. એ અંદેશો પણ સાચો ત્યારે ઠર્યો જ્યારે ઇસ્લામિક સ્ટેટે પોતે આ વિસ્ફોટોની જવાબદારી લીધી.
આટલું ઓછું હોય એમ ઇસ્લામિક સ્ટેટને ઊભું કરનાર અબુ બકર અલ બગદાદીએ લગભગ પાંચ વર્ષ પછી અચાનક વીડિયો જાહેર કરીને દુનિયાને એક ઓર આંચકો આપ્યો. બગદાદીએ આ વીડિયોમાં શ્રીલંકામાં થયેલા હુમલાને યોગ્ય ગણાવ્યો અને એવા સંકેત પણ આપ્યાં કે આવા હુમલા હજુ આગામી સમયમાં પણ થતા રહેશે. આતંકવાદી સંગઠનોના આવા વીડિયો કાયમ દુનિયાને પરેશાન કરતાં આવ્યાં છે. આ પહેલાં બગદાદીનો એક માત્ર વીડિયો હતો જે પાંચ વર્ષ પહેલાં ૨૦૧૪માં ફિલ્માવવામાં આવ્યો હતો.
આ વીડિયોએ સમયનો હતો જ્યારે બગદાદીએ ઇરાકના મોસૂલ ખાતે અલ-નૂરી મસ્જિદમાં ખિલાફત સ્થાપવાની જાહેરાત કરી હતી. એ પછી બગદાદીના અવાજવાળા ઓડિયો સંદેશ તો ઘણી વખત આવ્યાં પરંતુ તેમની સત્યતા સવાલોમાં રહી. છેલ્લા ઘણાં સમયથી અવારનવાર એવી વાતો સંભળાતી હતી કે અમેરિકા હુમલામાં બગદાદી માર્યો ગયો છે. ઇસ્લામિક સ્ટેટનો સફાયો થઇ ગયો હોય અને બગદાદી માર્યો ગયો હોય એવા સમાચારો વચ્ચે બગદાદીનો વીડિયો સામે આવે તો દુનિયા ચિંતામાં મૂકાય એ સ્વાભાવિક છે.
હજુ થોડા સમય પહેલાં જ અમેરિકાએ ઇરાક અને સીરિયામાંથી ઇસ્લામિક સ્ટેટનો ખાત્મો બોલાવ્યાની જાહેરાત કરી હતી. જોકે શ્રીલંકામાં થયેલા હુમલા અને બગદાદીના વીડિયો બાદ જાણકારોનું માનવું છે કે ઇરાક અને સીરિયામાં ખિલાફત ભલે ખતમ થઇ ગઇ હોય પરંતુ ઇસ્લામિક સ્ટેટ હજુ જીવંત છે. ઇસ્લામિક સ્ટેટ હજુ પણ સક્રિય છે એવા નિષ્કર્ષ પર પહોંચવા માટે આમ તો બગદાદીના વીડિયોની જરૂર પણ નહોતી કારણ કે શ્રીલંકામાં જે મોટા પાયે વિધ્વંસ આચરવામાં આવ્યો એ બાદ જણાઇ આવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટનો ખતરો હજુ ટળ્યો નથી.
વર્ષ ૨૦૧૪માં સીરિયા અને ઇરાકમાં ભૂમધ્ય સમુદ્ર કિનારાથી લઇને દક્ષિણમાં બગદાદ સુધી આશરે ૩૪ હજાર વર્ગમાઇલ ક્ષેત્રમાં ઇસ્લામિક સ્ટેટે કબજો જમાવ્યો હતો. તેની આવક મુખ્યત્ત્વે પેટ્રોલિયમ ઉત્પાદન અને સ્મગલિંગ, અપહરણના બદલામાં મળતી રકમ અને ચોરીની ચીજવસ્તુઓને વેચવાથી થતી હતી. જાણકારોનું કહેવું છે કે ભલે અમેરિકા એવો દાવો કરે કે ઇસ્લામિક સ્ટેટની હાર થઇ છે પરંતુ તેનું જોખમ હજુ ઊભું છે. ઇસ્લામિક સ્ટેટની વિચારધારા ઇરાક અને સીરિયાની બહાર નીકળીને બીજા દેશોમાં ફેલાઇ રહી છે.
ઇસ્લામિક સ્ટેટની વિરુદ્ધ અમેરિકા અને તેના સહયોગીઓ તેમજ રશિયા અને તેના સહયોગીઓએ પોતપોતાની રીતે લડાઇ લડી. આ લડાઇ એક ખતરનાક આતંકવાદી સંગઠન વિરુદ્ધની હતી જેમાં તેમણે ઘણે અંશે સફળતા પણ મેળવી. જોકે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઇ કરતા પણ વધારે મહત્ત્વની લડાઇ હતી ઇસ્લામિક સ્ટેટની વિચારધારા વિરુદ્ધ. કારણ કે ઇસ્લામિક સ્ટેટની શક્તિ તો અમુક ક્ષેત્ર પૂરતી મર્યાદિત છે પરંતુ તેની વિચારધારાનો વ્યાપ ક્યાંય વધારે છે. આ વિચારધારા આખી દુનિયાને ઝપટમાં લેવાનો ઇરાદો ધરાવે છે.
આ બધાં વચ્ચે એવી જાણકારી પણ બહાર આવી કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ શ્રીલંકાને આતંકવાદી હુમલા અંગે સાવચેત કર્યાં હતાં પરંતુ શ્રીલંકાની એજન્સીઓએ એ માહિતીને અવગણી. ભારતીય એજન્સીઓએ આપેલી માહિતી ઘણી આધારભૂત હતી જેના ઉપર શ્રીલંકાએ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ સીરિયલ બ્લાસ્ટ અટકાવી શકાયા હોત. દાયકાઓ સુધી ગૃહયુદ્ધ અને એલટીટીઇના આતંકવાદનો ભોગ બની ચૂકેલા શ્રીલંકાએ ભૂતકાળમાંથી કોઇ બોધપાઠ ન લીધો અને પરિણામે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં.
બીજી બાજુ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ પોતાની ગુપ્ત માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતા કેરળ અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં છાપા માર્યાં. એજન્સીએ કેરળમાં રિયાઝ અબુ બકરની ધરપકડ કરી જેના પર આઇએસ પ્રેરિક કાસરગોડ મોડયુલના કેટલાક સભ્યો સાથે જોડાયેલા હોવાના અને રાજ્યમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવવાના આરોપ છે.
રિયાઝ છેલ્લા એક વર્ષથી શ્રીલંકાના હુમલાના માસ્ટર માઇન્ડ ઝાહરાન હાશિમના વીડિયો અને ભાષણો જોતો- સાંભળતો હોવાની જાણકારી પણ મળી. આ સેલ તામિલનાડુના કેટલાંક હિન્દુ નેતાઓની હત્યા કરવાની યોજના બનાવી રહ્યું હતું. રિયાઝ ઇસ્લામિક સ્ટેટના પ્રભાવમાં આવીને સીરિયા કે અફઘાનિસ્તાન જતા રહેલાં લોકોના સંપર્કમાં પણ હતો.
એનઆઇએને ઝાહરાન હાશિમની કોલ ડિટેલ પરથી એ પણ જાણવા મળ્યું હતું કે તે લાંબા સમયથી કેરળ અને તામિલનાડુમાં સક્રિય હતો અને ત્રણેક મહિના ભારતમાં રહ્યો પણ હતો. કાસરગોડમાં અન્ય બે સંદિગ્ધોના ઘરો પર મારવામાં આવેલા છાપામાં હાશિમના વીડિયો ઉપરાંત મોબાઇલ ફોન તેમજ અન્ય ડિજિટલ ડિવાઇસની સાથે સાથે કેટલીક ડાયરીઓ અને ઝાકિર નાઇક અને સૈયદ કુતેબની ડીવીડી પણ મળ્યાં હતાં.
ઇસ્લામિક સ્ટેટનો મનપસંદ રસ્તો સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયા મારફતે તે પ્રોપેગેન્ડા વીડિયો અને ઉશ્કેરણીજનક માહિતી વહેતી કરે છે. પકડાયેલા શખ્સોની તપાસમાં બહાર આવ્યું કે તેઓ ઇસ્લામિક સ્ટેટની હિંસક કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતાં અને સોશિયલ મીડિયા પર તેને ફેલાવવામાં લાગ્યાં હતાં.
કાસરગોડ મોડયૂલના ભાગેડૂ નેતા અબ્દુલ્લા રાશિદ અબ્દુલ્લાએ કાસરગોડના ૧૬ જણાને પોતાની સાથે જોડાવા માટે પ્રેર્યા હોવાનું બહાર આવ્યું. એનઆઇએ હવે એ તપાસમાં લાગી છે કે શ્રીલંકાના વિસ્ફોટો સાથે તેમનો કોઇ સંબંધ છે કે કેમ. શ્રીલંકાના વિસ્ફોટોમાં જેનો હાથ હોવાનું બહાર આવ્યું છે એ નેશનલ તૌહિદ જમાતના ભારતના સંદિગ્ધો સાથે સંપર્ક હતો કે નહીં એની તપાસ પણ થઇ રહી છે. એનઆઇએ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ એ તપાસમાં પણ લાગી છે કે ઇસ્લામિક સ્ટેટે કેરળ, તામિલનાડુ અને અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોમાં ઘૂસણખોરી કરી છે કે કેમ?
એનઆઇએની તપાસમાં એ પણ બહાર આવ્યું કે અબ્દુલ્લા અને તેની પત્નીએ ફેબુ્રઆરી ૨૦૧૬માં શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને ઇસ્લામિક સ્ટડીના ક્લાસોમાં ભાગ લીધો હતો. જોકે તેઓ ઇસ્લામિક સ્ટેટની વિચારધારા ફેલાવતા હોવાનું જણાતા તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
ભારત આવ્યા બાદ અબ્દુલ્લાએ પોતાના ૧૬ સાથીદારોની મુસાફરીનો બંદોબસ્ત કર્યો હતો. કાસરગોડ મોડયુલ ઝડપાયા બાદ જ ભારતીય એજન્સીઓને ઇસ્લામિક સ્ટેટના અફઘાનિસ્તાન અને સીરિયા કેમ્પ માટે દક્ષિણ ભારતના યુવકોની ભરતીની યોજના વિશે જાણવા મળ્યું હતું.
હવે શ્રીલંકાના સેનાપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મહેશ સેનાનાયકેએ કહ્યું છે કે સીરિયલ બ્લાસ્ટમાં સામેલ આતંકવાદીઓએ કેરળ અને કાશ્મીરમાં તાલિમ લીધી હતી. તેમણે કહ્યું કે ગુપ્તચરોની માહિતી અનુસાર આત્મઘાતી હુમલાખોરો કાશ્મીર ઉપરાંત કેરળ અને બેંગાલુરુમાં પણ ગયા હતાં. તેમના મતે આતંકવાદીઓ બીજા આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક કરવા માંગતા હતાં. તેમણે એ વાતની પુષ્ટિ પણ કરી કે સીરિયલ બ્લાસ્ટને અંજામ આપવા માટે આતંકવાદીઓએ સ્થાનિક નહીં પરંતુ બાહ્ય તત્ત્વોની મદદ લીધી હતી.
શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો બાદ ભારતીય એજન્સીઓ વધારે સાવચેત બનીને તપાસ કરી રહી છે. શ્રીલંકા હુમલાના તાર ભારત સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યા બાદ ભારતની સુરક્ષા સામે પણ જોખમ હોવાના અણસાર છે. એનઆઇએના હાથ લાગેલા વીડિયોમાં શ્રીલંકા, તામિલનાડુ અને કેરળમાં ઇસ્લામિક શાસન સ્થાપવાની વાત કરવામાં આવી હતી. જેમાંના શ્રીલંકામાં વિસ્ફોટો થઇ ચૂક્યાં છે. જેના પગલે કેરળ અને તામિલનાડુમાં કોઇ આતંકવાદી હુમલો ન થાય એ માટે ગુપ્તચર એજન્સીઓએ કમર કસી છે.
જોકે ઇસ્લામિક સ્ટેટ જે ઝનૂનથી ઇન્ટરનેટ મારફતે પોતાનો પ્રોપેગેન્ડા ફેલાવે છે એ જોતાં ભારતે દક્ષિણ એશિયાના અન્ય દેશો સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે. જાણકારોના મતે ઇસ્લામિક સ્ટેટ ઉપરાંત અન્ય કટ્ટરપંથી જૂથો પણ ભવિષ્યમાં માથું ઉચકી શકે છે. સીરિયલ બ્લાસ્ટનો ઘા ખમ્યા બાદ શ્રીલંકાએ સુરક્ષાના અનેક પગલાં ભર્યાં છે. ભારતે પણ માહોલ બગડે એ પહેલાં સાવચેતીના પગલાં લેવાની જરૂર છે.