Get The App

નીતીશકુમારની બિહારનું મુખ્યમંત્રીપદ બચાવવાની કવાયત

એક સમયે વડાપ્રધાન બનવાના સપના સેવનાર નીતીશ કુમાર માટે હવે બિહારની ગાદી સાચવવાનો પ્રાણપ્રશ્ન

Updated: Jun 6th, 2019

GS TEAM

Google News
Google News
નીતીશકુમારની બિહારનું મુખ્યમંત્રીપદ બચાવવાની કવાયત 1 - image



મોદી કેબિનેટમાં પ્રતિકાત્મક મંત્રીપદ ન સ્વીકારીને અને ભવિષ્યમાં પણ સરકારમાં ભાગીદાર ન થવાનો દાવો કરીને જેડીયૂએ આવતા વર્ષે આવી રહેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપથી અલગ રાહ પર ચાલવાના અણસાર આપી દીધાં છે

લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતિથી વિજય મળ્યા બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર તો રચાઇ ગઇ છે પરંતુ એનડીએમાં ભાજપમાં મહત્ત્વના સહયોગી એવી જેડીયૂ નારાજ હોવાના અહેવાલ છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમારની નારાજગી એ વાતે શરૂ થઇ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં જેડીયૂને માત્ર એક મંત્રીપદ ઓફર થયું. નીતીશ કુમારનું કહેવું હતું કે તેઓ માત્ર એક મંત્રી સાથે કેબિનેટમાં પ્રતિકાત્મક હાજરી નથી ઇચ્છતાં. એ સાથે જ જેડીયૂએ એવી જાહેરાત પણ કરી દીધી કે આગામી સમયમાં પણ કે મોદી કેબિનેટમાં નહીં જોડાય. 

જેડીયૂને બે કેબિનેટ અને એક રાજ્યમંત્રી એમ ત્રણ મંત્રીપદની અપેક્ષા હતી પરંતુ ભાજપે જેડીયૂને માત્ર એક કેબિનેટ મંત્રીપદ ઓફર કર્યું જે તેમને ગમ્યું નથી. મોદી કેબિનેટમાં મંત્રીપદ ફગાવતી વખતે નીતીશ કુમારે એવો દાવો કર્યો હતો કે તેમને મંત્રીપદની કોઇ જરૂર નથી અને તેઓ એનડીએમાં જોડાયેલા રહશે. જોકે મોદી કેબિનેટના શપથગ્રહણના તુરંત બાદ નીતીશ કુમારે બિહારમાં પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અને આઠ નવા મંત્રી બનાવ્યાં.

ખાસ વાત એ રહી કે નીતીશ કુમારના કેબિનેટ વિસ્તરણમાં ભાજપના ક્વોટામાંથી એક પણ મંત્રી ન બનાવવામાં આવ્યાં. રામવિલાસ પાસવાનની એલજેપીના ક્વોટામાંથી પણ કોઇને મંત્રીપદ ન મળ્યું. બાદમાં બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ સ્પષ્ટતા કરી કે ભાજપને એક મંત્રીપદ ઓફર થયું હતું જે અંગે તેઓ ભવિષ્યમાં વિચાર કરશે. 

ભાજપે નીતીશ કુમારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ જેડીયૂ નારાજ હોવાની વાતને ટાળવાના પ્રયાસ કર્યાં પરંતુ જાણકારોના મતે એનડીએના બે મહત્ત્વના સહયોગીઓના સંબંધોમાં તિરાડ જરૂર આવી ગઇ છે. નીતીશ કુમારે મોદી સરકારના શપથગ્રહણ બાદ કહ્યું કે બિહારમાં એનડીએને મળેલી જીત જનતાની જીત છે અને જો કોઇ એને વ્યક્તિગત જીત બતાવી રહ્યું હોય તો એ ભ્રમમાં છે. સ્પષ્ટ છે કે નીતીશ કુમારનો ઇશારો કોની તરફ હતો. સામાન્ય રીતે કેબિનેટના વિસ્તરણ પહેલાં નીતીશ કુમાર ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરતા હતાં પરંતુ આ વખતે ભાજપના નેતાઓને મંત્રીમંડળ વિસ્તરણની માત્ર જાણ કરી દેવામાં આવી. 

હકીકતમાં કેન્દ્રની મોદી સરકારમાં જેડીયૂને માત્ર એક મંત્રીપદ ઓફર કરતી વખતે અમિત શાહનું કહેવું હતું કે કેબિનેટમાં સહયોગી દળોને વધારે જગ્યા આપવી શક્ય નથી. જોકે નીતીશ કુમારની દલીલ એવી હતી કે સહયોગી દળોને તેમણે જે બેઠકો જીતી છે એ હિસાબ પ્રમાણે પ્રતિનિધિત્ત્વ મળવું જોઇએ. તેમનો ઇશારો રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી તરફ હતો. બિહારમાં એલજેપીને માત્ર છ બેઠકો મળી છે જ્યારે તે પણ જેડીયૂ જેટલી જ એટલે કે ૧૭ બેઠકો પર ચૂંટણી લડી હતી.

જ્યારે જેડીયૂએ ૧૭ બેઠકોમાંથી ૧૬ બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. ખરેખર તો નીતીશ કુમાર મોદી કેબિનેટમાં જે ત્રણ મંત્રી બનાવવા ઇચ્છતા હતાં એ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જ તેમની જાતિગત સમીકરણ સાધવાની નેમ હતી. નીતીશ કુમારે એક કુર્મી, એક કુશવાહા અને એક ભૂમિહાર નેતાને મોદી સરકારમાં સ્થાન અપાવવા ઇચ્છતા હતાં.

બિહારની કોઇ પણ ચૂંટણીમાં જાતિગત સમીકરણ સાધવા અત્યંત જરૂરી બની જતાં હોય છે. કારણ એ કે બિહારમાં પચાસ ટકા કરતા વધારે વોટ પછાત અને અતિ પછાત જાતિના છે. ભાજપે હાલ બિહારના ક્વોટમાંથી જે પાંચ મંત્રી બનાવ્યાં છે એમાંના ચાર મંત્રી સવર્ણ અને એક પછાત સમુદાયમાંથી આવે છે. 

મોદી કેબિનેટમાં જાતિગત સમીકરણ સાધવામાં જે ખોટ પડી એ નીતીશ કુમારે પોતાની કેબિનેટમાં વિસ્તરણ કરીને ભરવાનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ જેડીયૂના પોતાના જોરે બેઠકો જીત્યાના દાવા બાદ ભાજપમાં પણ અંદરખાને નારાજગી પ્રવર્તી રહી છે. ભાજપના અનેક નેતાઓનું માનવું છે કે નીતીશ કુમારે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નામે મત માંગ્યાં અને હવે એને એનડીએનો વિજય બતાવી રહ્યાં છે. ભાજપના નેતાઓની દલીલ છે કે જેડીયૂ કરતા વધારે બેઠક મેળવનારી શિવસેનાને પણ મોદી કેબિનેટમાં માત્ર એક મંત્રીપદ મળ્યું છે. 

બિહાર ભાજપના જ કેટલાંક નેતાઓનું માનવું છે કે પંદર વર્ષ સત્તામાં રહ્યાં બાદ રાજ્યમાં નીતીશ કુમાર પ્રત્યે લોકોની નારાજગી વધી છે. તો ભાજપ સાથે અતિ પછાત, યાદવ અને કુશવાહા મતદારો પણ જોડાયા છે. ઘણાં નેતાઓનું માનવું છે કે જો બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં નીતીશ કુમાર ભાજપથી અલગ થશે તો તેનું નુકસાન જેડીયૂને જ થશે.

બીજી બાજુ જેડીયૂ નેતાઓનું માનવું છે કે બિહારની ૪૦માંથી ૩૯ બેઠકો પર વિજય મેળવવામાં નીતીશ કુમારની અતિ પછાત અને મહિલા વોટબેંકની મોટી ભૂમિકા રહી હતી પરંતુ ભાજપ વિજયને મોદી ફેક્ટર જણાવી રહી છે. જેડીયૂની ફરિયાદ છે કે ચૂંટણી પહેલાં સહયોગીઓને બરાબરીના ભાગીદાર જણાવનાર ભાજપ હવે સત્તામાં બરાબરીની ભાગીદારી આપવા તૈયાર નથી. 

આમ તો ભાજપથી અલગ સૂર તાણવાના અણસાર તો નીતીશ કુમારે લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાં જ બિહાર માટે વિશેષ દરજ્જાની માંગ કરીને આપી દીધાં હતાં. જેડીયૂના નેતા કે.સી. ત્યાગીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારના મતદારોને અપીલ કરી હતી કે તેઓ જેડીયૂને ઓછામાં ઓછી ૧૫ બેઠકો જીતાડે જેથી કરીને તેઓ સંસદમાં બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવાની માંગ જોરશોરથી ઉઠાવી શકે. હકીકતમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર લગભગ છેલ્લા દસ વર્ષથી પોતાના રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરતા રહ્યાં છે. 

બે વર્ષ પહેલાં જેડીયૂએ આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા ત્યારે એવું જણાતું હતું કે નીતીશ કુમારે બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવાની માંગ સાથે એમ કર્યું હશે પરંતુ એવું કશું થયું નહીં. એ પછી લગભગ બે વર્ષ સુધી જેડીયૂ આ મામલે ચૂપકીદી સેવી અને હવે અંતિમ તબક્કાના મતદાન બાદ પરિણામો જાહેર થવાના ટાણે જ બિહારના વિશેષ દરજ્જાની માંગ ઉછાળીને ભાજપને વિમાસણમાં મૂક્યો. હજુ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં નીતીશ કુમાર બિહારને વિશેષ દરજ્જો આપવાનો મુદ્દો ઉછાળીને ભાજપ માટે સમસ્યા ખડી કરી શકે છે. 

અગાઉ બિહારમાં બેઠકોની ફાળવણીના મામલે પણ નીતીશ કુમારે ભાજપનું નાક દબાવ્યું હતું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે મોદી લહેરમાં જેડીયૂને બે, કોંગ્રેસને બે અને આરજેડીને ચાર એમ કુલ આઠ બેઠકો ઉપર સીમિત કરી દીધાં હતાં. બિહાર ભાજપના ઘણાં નેતાઓ જેડીયૂની હેસિયત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોના આધારે જ નક્કી કરવા માંગતા હતાં.

પરંતુ જેડીયૂએ બિહારમાં મોટા ભાઇ તરીકે રહેવાની જક પકડતા રાજ્યની ૪૦ લોકસભા બેઠકોમાંથી ૨૫ બેઠકોની માગણી કરી હતી. છેવટે ભાજપે જેડીયૂની જિદ આગળ નમતુ જોખવું પડયું અને બિહારમાં ભાજપ અને જેડીયૂ ૧૭-૧૭ બેઠકો પર ચૂંટણી લડશે એવું નક્કી થયું. મહત્ત્વની બાબત એ હતી કે ભાજપે જેડીયૂ સાથે કઇ હદે સમાધાન કર્યું એનો ખ્યાલ એ વાતે આવે કે તેણે ગઇ ચૂંટણીમાં જીતેલી બેઠકો પણ જેડીયૂને આપી દીધી. 

એક સમય હતો જ્યારે નીતીશ કુમાર વડાપ્રધાન બનવાના સપના સેવતાં હતાં. એટલા માટે જ તેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થયું ત્યારે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. વર્ષ ૨૦૧૫માં બિહારની વિધાનસભા ચૂંટણી પણ જેડીયૂ ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવની આરજેડી સાથે હાથ મિલાવીને લડી. આરજેડી અને કોંગ્રેસ સાથેના જોડાણ બાદ બિહારમાં નીતીશ કુમારની સરકાર પણ બની પરંતુ બાદમાં નીતીશ કુમારે ફરી પાટલી બદલી અને એનડીએમાં જોડાઇ ગયા.

એક સમયે વડાપ્રધાન બનવાની ઇચ્છા ધરાવનાર નીતીશ કુમાર માટે હવે બિહારના મુખ્યમંત્રી તરીકેની ગાદી સંભાળવી પણ મુશ્કેલ બની રહેવાની છે. બિહારમાં જેડીયૂના સહયોગી તરીકે ભાજપે ભલે નીતીશ કુમારને લોકસભાની ચૂંટણી વખતે મોટા ભાઇ તરીકે સ્વીકારી લીધાં હોય પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં એવું બને એ શક્ય નથી.

છેલ્લા થોડા સમયથી બિહારમાં પણ ભાજપ આક્રમક પ્રચાર કરી રહ્યો છે. એવામાં ભાજપની ગણતરી હવે બિહારમાં પણ મુખ્યમંત્રીપદ મેળવવાની છે. નીતીશ કુમાર પણ આ વાત સુપેરે જાણે છે અને એટલા માટે જ તેઓ અત્યારથી પોતાની ગાદી બચાવવામાં લાગી ગયાં છે. 

નીતીશ કુમાર ભાજપથી નારાજ હોવાનું જાણીને આરજેડીએ પણ તેમની સમક્ષ દાણા વેરવાના પ્રયાસ કર્યાં છે. આરજેડીએ ફરી વખત નીતીશ કુમારને મહાગઠબંધનમાં સામેલ થવાની ઓફર પણ કરી છે. એ ખરું કે લાલુપ્રસાદ યાદવ સાથે કામ પાર પાડવામાં નીતીશ કુમારને ભારે તકલીફ પડી હતી અને એટલા માટે જ તેઓ મને-કમને ફરી વખત એનડીએ તરફ ગયાં હતાં પરંતુ બિહારની સત્તા બચાવી રાખવા માટે તેઓ આરજેડી સાથે ફરી વખત જોડાણ પણ કરી શકે છે. આમ પણ રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતાં. 

હવે આવતા વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને નીતીશ કુમાર શતરંજ બિછાવવામાં પડયાં છે ત્યારે અત્યારે ભલે તેઓ ભાજપ સાથે હોવાના દાવા કરે પરંતુ આગામી સમયમાં ફરી વખત કદાચ તેમની અંતરાત્માનો અવાજ સાંભળવાની વર્ષોપુરાણી પીપૂડી વાગે તો નવાઇ નહીં.

Tags :