Get The App

ઇન્ટરનેટને સુપર ફાસ્ટ બનાવવા આવી રહ્યું છે 5G નેટવર્ક

અમેરિકા અને ચીનને પછાડીને 5G નેટવર્ક લૉન્ચ કરવામાં દક્ષિણ કોરિયાએ બાજી મારી

Updated: Apr 6th, 2019

GS TEAM

Google News
Google News
ઇન્ટરનેટને સુપર ફાસ્ટ બનાવવા આવી રહ્યું છે 5G નેટવર્ક 1 - image



5G ટેકનોલોજીમાં હાલ 4Gમાં મળતી સ્પીડ કરતા ૨૦ ગણી ઝડપે ઇન્ટરનેટ દોડશે જેના કારણે અઢી કલાકની હાઇ ક્વોલિટી ફિલ્મ માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ થઇ જશે, તો લાઇવ ગેમની માણવાની મજા પણ બમણી થઇ જશે

2G, 3G અને 4G બાદ ઇન્ટરનેટની દુનિયા હવે 5Gની સુપરફાસ્ટ ઝડપે દોડવા થનગની રહી છે. 5G નેટવર્ક લૉન્ચ કરવાની રેસમાં દક્ષિણ કોરિયાએ અમેરિકા અને ચીનને પછાડીને બાજી મારી લીધી છે. આમ તો દક્ષિણ કોરિયાએ પાંચમી એપ્રિલે દેશભરમાં 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેણે બે દિવસ પહેલાં જ એટલે કે ત્રીજી એપ્રિલે જ આ  સેવા આરંભી દીધી.

દક્ષિણ કોરિયામાં મોબાઇલ સેવા આપતી ત્રણ કંપનીઓએ 5G નેટવર્કનો આરંભ કર્યો તો અમેરિકા પણ આ રેસમાં પાછળ નથી. અમેરિકાના શિકાગો સહિતના બે શહેરોના કેટલાક વિસ્તારોમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે. 

5G નેટવર્ક આવ્યા બાદ ઇન્ટરનેટની સ્પીડ 4G નેટવર્ક કરતા ૨૦ ગણી વધી જશે. અત્યારે ચાલી રહેલા 4G નેટવર્કની મહત્તમ સ્પીચ ૪૫ મેગાબાઇટ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ) રેકોર્ડ થઇ છે જ્યારે 5G નેટવર્કમાં આ સ્પીડ ૧ ગીગાબાઇટ પ્રતિ સેકન્જ (જીબીપીએસ) જેટલી થઇ જશે. ૧ ગીગા બાઇટમાં ૧૦૨૪ મેગા બાઇટ હોય એ હિસાબે અઢી કલાકની હાઇ ક્વોલિટી ફિલ્મ માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ થઇ જશે. જાણકારો માની રહ્યાં છે કે 5G નેટવર્ક આવ્યા બાદ દુનિયા અભૂતપૂર્વ ઝડપથી દોડવા લાગશે.

5G ટેકનિકને લાગુ કરવા માટે દુનિયાભરના અગ્રણી દેશોમાં ઘણાં સમયથી હોડ મચી છે. ચીન અને અમેરિકા અત્યાર સુધી આ રેસમાં મેદાન મારી જશે એવું જણાતું હતું પરંતુ દક્ષિણ કોરિયાએ હાલ આ બંને દેશોને પાછળ મૂકી દીધા છે. એક રીતે જોતા તો દક્ષિણ કોરિયાએ 5G નેટવર્ક અપવાનીને પોતાની અર્થવ્યવસ્થાને સુપર ફાસ્ટ રેસ ટ્રેક પર મૂકી દીધી છે.

જે રીતે 3G નેટવર્ક આવ્યા બાદ મોબાઇલ અને ઇન્ટરનેટે તેજી પકડી, 4G આવ્યા બાદ મોબાઇલ એપ્સના માધ્યમ દ્વારા બજારમાં જોરદાર પ્રતિસ્પર્ધા જામી અને ફેસબુકથી માંડીને ઘડિયાળના ટકોરે મનગમતી રેસ્ટોરન્ટમાંથી મનગમતો ફૂડ હાજર કરી દેતી સેવાઓ અમલમાં આવી તેમ 5G નેટવર્ક આવ્યા બાદ દુનિયા હરણફાળ ભરશે.

ટેકનોલોજીની ભાષામાં 5Gનો અર્થ છે ફિફ્થ જનરેશન નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ જોડાણની પાંચમી પેઢી જે ૨૦૧૦માં આવેલા 4G નેટવર્કના નવેક વર્ષ બાદ મેદાનમાં આવ્યું છે. 5G નેટવર્કના બે સૌથી મોટા ફાયદા છે ડાઉનલોડ સ્પીડ અને ડેટા ટ્રાન્સફર. 5Gમાં આગળ જતા ડાઉનલોડની સ્પીડ ૧૦ ગીગા બાઇટ પ્રતિ સેકન્ડ પણ થશે.

 મતલબ કે પાંચ જીબીની ડીવીડી માત્ર અડધી સેકન્ડમાં ડાઉનલોડ થઇ જશે. એટલું જ નહીં ૪ણ વીડિયો ક્વોલિટી પણ આંખના પલકારામાં ડાઉનલોડ થઇ જશે. ૪ણ એક હાઇ રિઝોલ્યુશન ડિજિટલ ફોર્મેટ છે જેનો વપરાશ કમર્શિયલ ડિજિટલ સિનેમામાં થાય છે. 5G નેટવર્કમાં વાઇફાઇની સ્પીડ પણ ગજબની મળશે.

શરૂઆતમાં તો 5G નેટવર્ક ઉચ્ચ ગુણવત્તાના જીવંત પ્રસારણને સક્ષમ બનાવશે જેના કારણે ઇન્ટરનેટ પર લાઇવ સ્પોર્ટ્સ જોવાની મજા પડી જશે. તો ક્લાઉડ ગેમિંગમાં રસ ધરાવતા લોકો માટે પણ 5Gનો અનુભવ અદ્ભૂત સાબિત થશે. આ ઉપરાંત મેપિંગ અને શોપિંગ એપ્સમાં પણ ગજબનો સુધારો જોવા મળશે. દૂરથી થતી સર્જરી તેમજ હોલોગ્રાફિક વીડિયો કૉલ્સની સેવાને પણ 5G નેટવર્ક બહેતર બનાવશે. 

શરૂઆતમાં કદાચ વપરાશકર્તાઓને વધારે ફાયદો ન મળે કારણ કે હજુ સુધી 5G સાથે કામ પાર પાડી શકે એવા સ્માર્ટફોન વધારે ઉપલબ્ધ નથી. ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં યોજાયેલા વિન્ટર ઓલિમ્પિક્સ જોવા પહોંચેલા દર્શકોએ 5Gનો ઉપયોગ કરવાના પ્રયાસ કર્યા હતાં.

લોકોએ રિયલ ટાઇમ વીડિયો લેવાના પ્રયાસ કર્યા હતાં પરંતુ 4G ફોન વડે 5G સ્પીડ હાંસલ કરવી શક્ય બની નહોતી અને બફરિંગ જેવી સમસ્યાઓ ઉદ્ભવી હતી. એક સમસ્યા એ પણ છે કે આજે પણ દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં 3G કે 4G જેવી ટેકનિક પણ પહોંચી નથી. તો કેટલાક દેશો એવા છે જ્યાં 4Gના આ જમાનામાં આજે પણ 3G નેટવર્કનો મજબૂત સ્તંભ છે. તો કેટલાક વિકાસશીલ દેશો આજે પણ 2Gના સહારે નભી રહ્યાં છે. 

ટેલિકોમ કંપનીઓ ઉપરાંત બીજા અનેક વ્યવસાયોમાં 5G ટેકનિક અનેક રીતે મદદરૂપ સાબિત થશે. ટેકનોલોજીની દુનિયામાં હાલ સેલ્ફ ડ્રાઇવ કાર એટલે કે ડ્રાઇવર વિના જાતે ચાલે એવી કારથી લઇને રોબોટ અને ડ્રોનના વિકાસ પર કામ ચાલી રહ્યું છે. 5G નેટવર્ક આવ્યા બાદ આ ક્ષેત્રોમાં ભારે તેજી વ્યાપશે.

5G નેટવર્કની મદદ વડે સેલ્ફ ડ્રાઇવ કાર રિયલ ટાઇમ ટ્રાફિકનો ડેટા મેળવી શકશે અને ભીડભાડભરી સડકો પર જાતે જ ઝડપથી માર્ગ કાઢી શકશે. આજે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ઓટોનોમસ મશીન એટલે કે માનવીની મદદ વિના જાતે જ કામ પાર પાડી દેતા મશીનોનો વપરાશ વધ્યો છે એમાં પણ 5G નેટવર્ક આવ્યા બાદ વધારે સારા પરિણામો પ્રાપ્ત થશે.

એક અંદાજ મુજબ 5G નેટવર્ક આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૫૬૫ અબજ ડોલરની વૃદ્ધિ થશે. આટલો જંગી લાભ ખાટવા માટે અનેક દેશોમાં પરસ્પર પ્રતિસ્પર્ધા વધી રહી છે. ચીન અને અમેરિકા વચ્ચે 5G ટેકનિકને લઇને ચાલી રહેલી રેસે કડવાશ ધારણ કરી લીધી છે.

 અમેરિકાએ પોતાના ટેલિકોમ ઓપરેટરોને ખાસ સૂચના આપી છે કે તેઓ 5G સેવાઓ માટે હુઆવે જેવી ચીની કંપનીઓની મદદ ન લે. આ માટે સુરક્ષાના કારણો આગળ ધરવામાં આવ્યા છે. જો ચીની કંપનીઓના સ્માર્ટફોન વપરાય તો તેમની પહોંચ અમેરિકાના 5G નેટવર્ક સાથે જોડાયેલા તમામ ક્ષેત્રો સુધી બની જાય જે અમેરિકાની આંતરિક સુરક્ષા માટે ખતરાસમાન છે. 

હૂવાએ કંપનીને લઇને ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા વણસ્યા છે. હકીકતમાં હુઆવે કંપનીના ફોનનો ઉપયોગ ચીન જાસૂસી ઉપકરણ તરીકે કરી શકે છે. અમેરિકાના પગલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોએ પણ હુઆવેના સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકી દીધો છે. હકીકતમાં 5G નેટવર્કમાં સુરક્ષાને લઇને જે સવાલ થઇ રહ્યાં છે એ ગેરવાજબી પણ નથી.

સૈદ્ધાંતિક રીતે સંચાર માધ્યમો માટે મહત્ત્વપૂર્ણ ટેકનિક પર નિયંત્રણ હોવાનો અર્થ છે કે ઓપરેટર જાસૂસી કે સંચાર માધ્યમોનું સંચાલન અવરોધી શકે છે. સીધી વાત છે કે જીવંત ટ્રાફિક સહિતની સેવાઓ જ્યારે 5G નેટવર્ક સાથે સંકળાયેલી હોય ત્યારે બીજો દેશ એ ટેકનિકનો ઘણો દુુરુપયોગ પણ કરી શકે છે. એમાંયે 5G નેટવર્ક આવ્યા બાદ તો તમામ ઘરેલુ ચીજવસ્તુઓ પણ ઇન્ટરનેટ સાથે જોડાઇ જશે ત્યારે સુરક્ષાની સમસ્યા ઓર વકરી શકે છે. 

જોકે 5G નેટવર્કની રેસમાં ચીન અમેરિકા કરતા ખાસું આગળ છે. જે ચીની કંપની પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે એ હુવાએ પાસે જ 5Gની ૧૫૨૯ જેટલી પેટન્ટ છે. જો આમાં ઓપ્પો અને ઝેડટીઇ જેવી કંપનીઓ પણ સામેલ કરવામાં આવે તો 5Gના ક્ષેત્રમાં ૩૪૦૦ જેટલી પેટન્ટ ચીન પાસે છે.

તો દક્ષિણ કોરિયા પાસે ૨૦૫૧ પેટન્ટ છે અને અમેરિકન કંપનીઓ પાસે ૧૩૬૮ પેટન્ટ છે. હાલ દક્ષિણ કોરિયાના ત્રણેય મોબાઇલ ઓપરેટરોએ 5G સેવા આપવાની શરૂઆત કરી છે. 5G નેટવર્ક દ્વારા એક ચોરસ કિલોમીટરના વ્યાપમાં દસ લાખ મોબાઇલ કનેક્ટ થઇ શકે છે. એક અંદાજ પ્રમાણે દક્ષિણ કોરિયાના ૩૦ લાખ લોકો આ વર્ષના અંત સુધીમાં 5G નેટવર્ક સાથે જોડાશે.

અમેરિકામાં કેટલાક સ્થળોએ 5G વાઇફાઇ હોટસ્પોટ આપવામાં આવી રહ્યાં છે. તો કતાર દેશના પાટનગર દોહામાં પણ એક મોબાઇલ કંપનીએ 5G નેટવર્કની શરૂઆત કરી છે પરંતુ મજાની વાત એ છે કે એ દેશમાં ૫જી ફોન જ ઉપલબ્ધ નથી. આ વર્ષના અંત સુધીમાં અમેરિકાના ૩૦ જેટલા શહેરોમાં 5G નેટવર્ક ચાલુ થઇ જશે.

તો જાપાન પણ ટૂંક સમયમાં 5G નેટવર્ક લોન્ચ કરવાનું છે. ભારતમાં હાલ 4G નેટવર્કનો વપરાશ થાય છે અને સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો 4G નેટવર્કના ભરોસે છે. જોકે ભારતીય ટેલિકોમ ઓપરેટરો પણ દેશમાં 5G સેવા શરૂ કરવા થનગની રહ્યાં છે અને આ વર્ષના અંત સુધીમાં 5G નેટવર્કનું ટેસ્ટિંગ થઇ શકે છે.

જોકે 5G સ્માર્ટફોનની કિંમત હાલ ઘણી વધારે હોવાના કારણે સામાન્ય જનતાની પહોંચથી તો હાલ દૂર જ રહેશે. એટલું તો નક્કી છે કે 3G અને 4G નેટવર્ક આવ્યા બાદ લોકોના જીવનમાં જે ક્રાંતિ આવી છે એ જોતાં 5G નેટવર્ક આવ્યા બાદ અર્થવ્યવસ્થાની સાથે સાથે લોકોના જીવનધોરણમાં પણ સુધારો આવશે. 

Tags :