Get The App

ભારતની નજર હવે ચંદ્રયાન-3 અને ગગનયાન તરફ

- ઇસરોએ ચંદ્ર માટેના નવા મિશન અને સમાનવ અવકાશયાત્રા યોજવા માટે કમર કસી

Updated: Jan 5th, 2020

GS TEAM

Google News
Google News
ભારતની નજર હવે ચંદ્રયાન-3 અને ગગનયાન તરફ 1 - image


ગયા વર્ષે ચંદ્રની દક્ષિણ ધૂ્રવ પર વિક્રમ લેન્ડરના લેન્ડીંગમાં મળેલી નિષ્ફળતા બાદ ઇસરોએ ચંદ્રયાન-૩ મિશનની તૈયારી શરૂ કરી દીધી છે અને આ મિશનમાં પણ ચંદ્રયાન-૨ની લેન્ડર અને રોવર મોકલવાની યોજના છે

ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ ભારતના ચંદ્ર પર મોકલવામાં આવનારા નવા મિશન ચંદ્રયાન-૩ની જાહેરાત કરી છે. ઇસરોના આ મિશનને સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઇ છે અને બધું સમુસૂતરું પાર પડયું તો આ મિશન ૨૦૨૧માં રવાના કરવામાં આવશે. એ સાથે જ ઇસરોએ સમાનવ ગગનયાન મિશનની તૈયારી પણ શરૂ કરી દીધી છે અને ઇસરોની ગણતરી વર્ષ ૨૦૨૨માં ભારતના ત્રણ અવકાશયાત્રીઓને ઓછામાં ઓછા સાત દિવસ માટે અવકાશમાં મોકલવાની છે. 

ગયા વર્ષે ઇસરોએ બહુઅપેક્ષિત ચંદ્રયાન-૨ને રવાના કર્યું હતું. આ વખતે ચંદ્રયાન-૨ની સાથે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન ઓર્બિટર પણ મોકલવામાં આવ્યા હતાં. લેન્ડર વિક્રમે ચંદ્રના વણખેડાયેલા દક્ષિણ ધૂ્રવ પર લેન્ડીંગ કરવાનું હતું પરંતુ બદનસીબે વિક્રમનું સફળતાપૂર્વક લેન્ડીંગ ન થઇ શક્યું. ધાર્યા મુજબ વિક્રમનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું હોત તો ત્રણ કલાક બાદ તેમાંથી પ્રજ્ઞાાન રોવર બહાર નીકળીને ચંદ્રની ધરતી ખૂંદવા નીકળી પડત.

ચંદ્ર વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે તેમાં ૩-ડી તસવીરો લેતો ટેરેન મેપિંગ કેમેરા ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત એક્સરે સ્પેક્ટ્રોમીટર, સોલર એક્સ-રે મોનિટર, ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર અને હાઇ રિઝોલ્યુશન કેમેરા પણ મૂકવામાં આવ્યાં હતાં. જોકે ચંદ્રયાન-૨નું ઓર્બિટર તો સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવાયું અને આગામી સાત વર્ષ સુધી તે ચંદ્રને લગતો ઉપયોગી ડેટા મોકલતું રહેશે. 

ઇસરોની જાહેરાત મુજબ ચંદ્રયાન-૩માં પણ ચંદ્રયાન-૨ની જેમ જ લેન્ડર અને રોવર રહેશે. ચંદ્રયાન-૩ના લેન્ડરને એ જ સ્થળે ઉતારવાની યોજના છે જ્યાં વિક્રમ લેન્ડરનું ઉતરાણ થઇ શક્યું નહોતું. મતલબ કે એક નાનકડી અસફળતા ઇસરોની ઊંચી ઉડાનને અટકાવી શકે એમ નથી. આમ પણ ભારતીય વૈજ્ઞાાનિકોએ ભૂતકાળમાં પણ અનેક કઠિન પરિસ્થિતિઓમાં પણ ઉલ્લેખનીય સિદ્ધિઓ મેળવી છે. એવામાં ઇસરોનું આગામી મિશન પણ સફળ નીવડે એના માટે વૈજ્ઞાાનિકો પૂરતી તકેદારી રાખશે એમાં શંકાને સ્થાન નથી. 

અવકાશ તરફ માનવીની દોટ પહેલેથી રોમાંચક રહી છે. ૧૯૫૭માં સોવિયેત સંઘે માત્ર ૫૯ સેમીના પહેલાવહેલા સેટેલાઇટ સ્પુટનિક-૧ને અવકાશમાં તરતો મૂકીને દુનિયાભરમાં સનસનાટી ફેલાવી દીધી હતી. અંતરિક્ષમાં જઇને આ સેટેલાઇટે પૃથ્વી પર સિગ્નલો મોકલવાની શરૂઆત કરી ત્યારે દુનિયાભરમાં રોમાંચ વ્યાપી ગયો હતો.

આ રોમાંચ ભારતમાં પણ અનુભવાયો અને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિખ્યાત વિજ્ઞાાની હોમી જહાંગીર ભાભા સાથે મંત્રણા કરીને ૧૯૬૧માં ભારતીય અંતરિક્ષ વિભાગની સ્થાપના કરી. ૧૯૬૯માં અમેરિકાએ જ્યારે સૌપ્રથમ સમાનવ અવકાશયાન ચંદ્ર ઉપર મોકલ્યંવ અને નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલું ડગ માંડયું એ જ વર્ષે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અર્થાત ઇસરોની સ્થાપના થઇ. 

આશરે ૪૫ વર્ષ પહેલા ઇસરોનિર્મિત પહેલા ઉપગ્રહ આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવાની સાથે ભારતની અવકાશ ગાથા શરૂ થઇ હતી. ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે લોન્ચ થયેલા આર્યભટ્ટ સાથે અંતરિક્ષને જોવા અને જાણવાની ભારતની જિજ્ઞાાસાનો પ્રારંભ થયો. આજે વિશ્વના અનેક દેશોને સસ્તી લોન્ચિંગ સેવા પૂરી પાડતા ઇસરો પાસે એ વખતે ઉપગ્રહને અવકાશમાં મોકલી શકે એવું શક્તિશાળી રોકેટ નહોતું. જેના પરિણામે આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂકવા મિત્ર રાષ્ટ્ર રશિયાની મદદ લેવામાં આવી હતી. ભારત અને સોવિયેત સંઘ વચ્ચે ૧૯૭૨માં થયેલા એક કરાર મુજબ આર્યભટ્ટને કાપુસ્તિન યાર ખાતેથી કોસ્મોવ-૩એચ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો.

સાવ ટાંચા સાધનો સાથે શરૂ થયેલું ઇસરો આજે દુનિયાની ટોપ ફાઇવ સ્પેસ એજન્સીઓમાં સ્થાન ધરાવે છે. અમેરિકા અને રશિયા પછીની સૌથી આશાસ્પદ અવકાશી સંસ્થા તરીકે ઇસરોની ગણતરી થાય છે. એકવીસમી સદીમાં દુનિયાની બાકીની સ્પેસ એજન્સીઓની સરખામણીમાં ઇસરોએ સૌથી મોટી હરણફાળ ભરી છે.

૨૦૧૮ના વર્ષની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરતા ઇસરોએ જાન્યુઆરીમાં એક સાથે ૩૧ ઉપગ્રહો લોન્ચ કર્યાં હતાં. બે વર્ષ પહેલાં એક સાથે ૧૦૪ સેટેલાઇટ એક સાથે અવકાશમાં લોન્ચ કરતાની સાથે ઇસરો દુનિયાની સૌથી ભરોસાપાત્ર સેટેલાઇટ લોન્ચર સંસ્થા બની. એ અગાઉ ૨૦૦૮માં ઇસરોએ ચંદ્રયાન-૧ ચંદ્રની મુલાકાતે મોકલ્યું હતું. ચંદ્રયાન-૧ દ્વારા જ દુનિયાને જાણ થઇ કે ચંદ્રની સપાટી નીચે પાણી રહેલું છે. 

એ પછી ૨૦૧૪માં રાતા ગ્રહની ભાળ મેળવવા રવાના કરવામાં આવેલા મંગળયાન-૧ મિશનની સફળતાએ તો દુનિયાભરના દેશોની ભારત પ્રત્યેની દૃષ્ટિ જ બદલી નાખી. ખાસ વાત એ હતી કે ઇસરોએ મંગળ યાનને છ મહિનાના મિશન પર મોકલ્યું હતું પરંતુ આજે પાંચ વર્ષ પછી પણ તે સારી અવસ્થામાં છે અને વૈજ્ઞાાનિકોને લગાતાર મંગળ ગ્રહની તસવીરો અને ડેટા મોકલતું રહે છે. ઇસરોના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર મંગળ યાન હજુ પણ આવતા એક વર્ષ સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે.

બીજી નોંધવા જેવી બાબત એ હતી કે ઇસરોને પહેલા જ પ્રયાસે છેક મંગળ સુધી અવકાશયોન મોકલવામાં સફળતા મળી હતી. અમેરિકાએ તેનું પહેલું અંતરિક્ષયાન મંગળ સુધી પહોંચાડયુ એ પહેલા તેના ૬ મિશન નિષ્ફળ નીવડયા હતાં. તો રશિયા અને યુરોપી સંઘને પણ અનેક પ્રયાસો બાદ મંગળ સુધી પહોંચવામાં કામિયાબી મળી હતી. ઇસરોની સિધ્ધિ સમજવી હોય તો એટલું ધ્યાનમાં રાખીએ કે માર્સ ઓર્બિટર મિશન પહેલાં દુનિયાભરના દેશોએ મળીને કુલ ૫૧ મિશન મોકલ્યા હતાં જેમાંથી માત્ર ૨૧ને જ સફળતા મળી હતી. 

મંગળ યાને મંગળ ગ્રહની સપાટી, ખીણો, પર્વતો, વાદળા, વાતાવરણમાં થતા તોફાનોની અદ્ભૂત તસવીરો મોકલી છે. આ ઉપરાંત યાન મંગળ પર મિથેન તેમજ અન્ય વાયુઓનું પ્રમાણ અને રેડિએશનને લગતા આંકડા પણ મોકલે છે. હાલ મંગળયાને મોકલેલા ડેટાનું વિશ્લેષણ થઇ રહ્યું છે.

આ પાંચ વર્ષ દરમિયાન માર્સ ઓર્બિટર મિશને સોંપાયેલી કામગીરી ઉપરાંત વધારાની કામગીરી પણ કરી છે જેમાં મંગળની ધરતી પર મોજૂદ સલ્ફેટ અને લોખંડ જેવી ધાતુઓની ઓળખ, મંગળ ગ્રહની કદી ન જોયેલી તસવીરો ઉપરાંત સાઇડિંગ સ્પ્રીંગ નામના મંગળની પાસેથી પસાર થયેલા ધૂમકેતુની તસવીરોનો પણ સમાવેશ થાય છે. 

સમાનવ અંતરીક્ષ મિશન જોકે સાવ અલગ જ પ્રકારનું હોય છે. સામાન્ય સેટેલાઇટ મિશન સંપૂર્ણ રીતે રોબોટિક હોય છે જ્યારે સમાનવ અંતરીક્ષ મિશનમાં ઘણું ખરું સંચાલન અવકાશયાત્રીએ પોતે કરવાનું રહે છે. એસ્ટ્રોનોટને અવશામાં મોકલવાની સાથે સાથે તેને સહીસલામત પાછો લાવવાની ટેકનિક પણ મજબૂત હોવી આવશ્યક છે.

ભવિષ્યમાં અવકાશયાત્રીને સ્પેસમાં મોકલવાના કાર્યક્રમ માટે ઇસરોએ સરકાર પાસેથી ગયા વર્ષે ૧૫ હજાર કરોડ રૂપિયાના બજેટની માંગ કરી છે. સૌપ્રથમ સમાનવ અવકાશયાત્રામાં માનવીને પૃથ્વીથી ઓછા અંતરની કક્ષા એટલે કે અર્થ ઓરબિટ સુધી મોકલવામાં આવશે જેથી કરીને તેને સફળતાપૂર્વક પાછો લાવી શકાય. 

સમાનવ અવકાશયાત્રાનો ઇતિહાસ જોઇએ તો સોવિયેત સંઘે વોસ્ટોક-૧ મિશન દ્વારા ૧૨ એપ્રિલ ૧૯૬૧ના દિવસે યૂરી ગાગરિન નામના અવકાશયાત્રીને સૌપ્રથમ અવકાશમાં મોકલ્યા. 

શીત યુદ્ધના એ જમાનામાં સોવિયેત સંઘને ટક્કર આપવા માટે અમેરિકાએ પણ સમાનવ અવકાશ મિશન આદર્યું અને એ જ વર્ષે મર્ક્યૂરી મિશન લોન્ચ કર્યું. એ જ વર્ષે પાંચમી મેના દિવસે ફ્રીડમ-૭ અવકાશયાન દ્વારા એલન શેફર્ડે ફ્લોરિડા ખાતેથી અવકાશગમન કર્યું અને અવકાશમાં પહોંચવાવાળા પહેલા અમેરિકન બન્યાં. અવકાશ ક્ષેત્રે મહાસત્તા બનવાની દોટમાં ચીને બહુ પાછળથી ઝંપલાવ્યું અને છેક ૨૦૦૩માં સમાનવ અવકાશ યાત્રા લોન્ચ કરી અને ૧૫ ઓક્ટોબરના દિવસે યાંગ લીવી અવકાશમાં પહોંચનારા પ્રથમ ચીની નાગરિક બન્યાં.

ઇન્ડિયન એરફોર્સના ભૂતપૂર્વ પાઇલોટ રાકેશ શર્માએ બીજી એપ્રિલ ૧૯૮૪ના દિવસે રશિયાના સોયૂઝ ટી-૧૧ યાન દ્વારા અવકાશ તરફ ઉડાન ભરી અને અવકાશમાં પહોંચનારા પહેલા અને અત્યાર સુધીના એક માત્ર ભારતીય નાગરિક બન્યાં.   આમ સમાનવ અવકાશયાત્રા સફળતાપૂર્વક યોજનારા અમેરિકા, રશિયા અને ચીન એમ માત્ર ત્રણ દેશો જ છે. જો ભારત અવકાશમાં માનવીને મોકલવામાં સફળ નીવડયું તો આ પરાક્રમ કરનાર ચોથો દેશ બની જશે. આજે અવકાશનો લાભ ઉઠાવવા માટે ભારતે સમાનવ અવકાશ મિશનની દોડમાં સામેલ થવું જ પડશે.

Tags :