ફાની વાવાઝોડુંઃ કુદરતી આફત સામે માનવી લાચાર
પ્રચંડ વેગથી ફૂંકાતા પવન ઉપરાંત સાંબેલાધાર વરસાદના કારણે ઓડિશાના હાલહવાલ
છેલ્લા થોડા વર્ષોમાં આધુનિક ટેકનોલોજી અને હવામાનની દેખરેખ રાખતા સેટેલાઇટોની મદદથી વાવાઝોડા જેવી કુદરતી આફતોની આગોતરી જાણકારી મેળવવામાં ખાસી સફળતા મળી છે પરંતુ આવી વિકરાળ સ્વરૂપની આફત આવે ત્યારે કેટલું નુકસાન પહોંચશે એનો અંદાજ લગાવી શકાતો નથી
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ફાની વાવાઝોડું પ્રચંડ વેગથી ઓડિશા પર ત્રાટક્યું છે અને ભારે ખાનાખરાબી સર્જી છે. જોકે આધુનિક ટેકનોલોજી અને સંચાર માધ્યમોના કારણે વાવાઝોડા જેવી કુદરતી આફતોનું પૂર્વાનુમાન કરવું સરળ બન્યું છે. જેના કારણે લોકોને સાવચેત કરવામાં તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખાસી મદદ મળે છે.
ફાની વાવાઝોડા સામે ટક્કર લેવામાં એટલા માટે જ સારી એવી તૈયારી કરી લેવામાં આવી છે. દેશના હવામાન ખાતાએ છેલ્લા થોડા વર્ષોમાં હવામાનની પૂર્વ આગાહી કરવામાં ખાસી સફળતા મેળવી છે. ખાસ કરીને સ્પેસ ટેકનોલોજી અંતર્ગત ભારતે હવામાનની દેખરેખ રાખતા ઉપગ્રહો આકાશમાં ચડાવ્યાં છે એના કારણે પણ હવામાનની દેખરેખ રાખવામાં ખાસી મદદ મળી રહી છે.
હવામાન ખાતું ચેતવણી જાહેર કરે એ પછી એ માહિતી લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી બની જાય છે. એ માટે જે તે રાજ્યના પ્રશાસને તૈયાર રહેવું પડે અને સુરક્ષા માટેનો બંદોબસ્ત ગોઠવવો પડે. દર વખતે કુદરતી આફત ત્રાટકે અને જાનમાલનું મોટા પાયે નુકસાન થાય એ પછી એ પ્રદેશના નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે કે પછી હેલિકોપ્ટરમાં બેસીને વિહંગાવલોકન કરે અને પછી વળતરની જાહેરાત કરી દે એ યોગ્ય નથી.
પ્રશાસનની ઉદાસીનતા અને લાપરવાહીના પરિણામે જ દર વર્ષે વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવા કુદરતી પ્રકોપ ત્રાટકે છે ત્યારે ભયંકર વિનાશ સર્જાય છે. આવી કુદરતી આફતોમાં જાનમાલનું નુકસાન થાય કે ખેતીના પાકને અસર થાય એની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ પડે છે.
ફાની વાવાઝોડાની ચપેટમાં ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ ઉપરાંત ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો પણ આવવાની સંભાવના છે. એવામાં આ તમામ રાજ્યોમાં આગોતરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
ફાની વાવાઝોડાની સૌથી વધારે અસર થઇ શકે એવા ક્ષેત્રોમાં તો આચારસંહિતામાં પણ છૂટ આપવામાં આવી છે. લોકોના જાનમાલનું રક્ષણ કરવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ આવી વિકરાળ સ્વરૂપની આફત આવે ત્યારે તેનાથી સંપત્તિ અને કુદરતી સંસાધનોને કેટલું નુકસાન પહોંચશે એનો અંદાજ લગાવી શકાતો નથી.
ભારતના દરિયાકાંઠાના રાજ્યો માટે સમુદ્રી વાવાઝોડાની નવાઇ નથી. ખાસ કરીને દેશના પૂર્વીય તટ પર અવારનવાર વિનાશક વાવાઝોડા આવતા રહે છે. સાયક્લોન નામે ઓળખાતા વાવાઝોડા ભારતની પૂર્વે અરબ સાગર અને પશ્ચિમે બંગાળની ખાડીમાં સર્જાતા હોય છે પરંતુ પશ્ચિમી તટ કરતા પૂર્વ કાંઠે એટલે કે બંગાળની ખાડીમાં આવા વાવાઝોડા ઉદ્ભવવાનું પ્રમાણ ચાર ગણું વધારે હોય છે.
આનું મુખ્ય કારણ એ કે બંગાળની ખાડી કરતા અરબ સાગરના પાણીનું તાપમાન થોડું નીચું હોય છે જેના કારણે આ વિસ્તારમાં આવા વાવાઝોડા ખાસ પેદા થતા નથી કે સઘન થતા નથી. બીજું એ કે પૂર્વીય તટે બંગાળની ખાડી કે આંદામાન સમુદ્ર નજીક ઉદ્ભવતા વાવાઝોડા ઉપરાંત પેસિફિક મહાસાગર તરફથી પણ ક્યારેક વાવાઝોડા આવે છે.
ટાયફૂન તરીકે ઓળખાતા આ વાવાઝોડા ધરતીને અડે ત્યારે તેમની ઘણી ખરી શક્તિ ગુમાવી દે છે. ફાની વાવાઝોડા વિશે પણ એવી આશા સેવાઇ રહી હતી કે તે નબળુ પડીને દરિયામાં જ સમાઇ જાય પરંતુ એવું ન બન્યું.
હાલ ઘણાં રાજ્યોમાં પાક લણવાની મોસમ છે. ઘણાં ખેડૂતોએ પાક લણીને તેમના ઢગ ખેતરોમાં જમાવ્યાં છે. ઘણાં ખેતરોમાં પાક લણવાનો બાકી પણ છે. એવામાં વરસાદ સાથે વાવાઝોડું આવવાથી પાકને ભારે નુકસાન પહોંચશે. છેલ્લા થોડા વર્ષોથી તો જાણે ક્રમ જ બની ગયો છે કે ખેડૂતો પાક લણી લે એ પછી અથવા તો પાક લણવાની તૈયારી હોય ત્યારે જ હવામાનનો મૂડ ફરે છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે. સેંકડો ટન અનાજ પાણીના કારણે સડી જાય છે. વાવાઝોડાઓના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં મકાનો, વૃક્ષો, ખેતરો, રહેણાંક વિસ્તારો ખેદાનમેદાન બની જાય છે. દરિયા ઉપર નભતા લોકો માટે તો મોટી મુસીબત સર્જાય છે.
સમુદ્રમાંથી ઉઠતા તોફાનને દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. ઉત્તર અમેરિકાના કિનારે આવતા તોફાનોને હરિકેન, પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ટાયફૂન અને ભારતમાં સાયક્લોન કહેવામાં આવે છે. નામ ભલે જુદા જુદા હોય પરંતુ આ વાવાઝોડા સર્જાવાની પ્રક્રિયા લગભગ સરખી હોય છે.
સમુદ્રનું પાણી ૨૬ ડિગ્રી સેલ્સિયશે પહોંચે ત્યારે ઉષ્ણકટિબંધીય વાવાઝોડું એટલે કે ટ્રોપિકલ સ્ટ્રોમ સર્જાય છે. પાણી ગરમ થતા તેનું બાષ્પીભવન થાય છે અને વરાળ બન્યા કરે છે. વરાળ બનેલા પાણીની ઘનતા વધારે હોય છે અને હવા ગરમ થવા લાગે છે. આ ગરમ હવા ઉપર તરફ જવા લાગે છે જેનું સ્થાન લેવા પાસેની ઠંડી હવા આવતી રહે છે. આ ઠંડી હવા પણ ગરમ થઇને ઉપર જવા લાગે છે.
પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરતી હોવાના કારણે સંઘનિત થયેલી આ હવા પણ ગોળ ઘુમરાવા લાગે છે અને મોટા વંટોળનું સ્વરૂપ લે છે. જેના કારણે વાવાઝોડાના કેન્દ્રમાં આશરે પચાસેક કિલોમીટર મોટી આંખ સર્જાય છે. ખાસ વાત એ કે આ આંખની અંદરનો વિસ્તારમાં વાદળરહિત હોય છે અને ત્યાં હવા પણ ખાસ હોતી નથી. હવાની દિશા સાથે આ વિશાળકાય વંટોળ આગળ વધે છે.
જ્યારે આ વાવાઝોડું જમીન સાથે ટકરાય છે ત્યારે તેની ઉર્જા તો ઓછી થઇ જાય છે પરંતુ વાવાઝોડાની ગતિ અને ભારે વરસાદ અને દરિયો તોફાની થતા ભારે વિનાશ વેરાય છે. પૂર્વ ગોળાર્ધમાં મોસમ વિજ્ઞાાનીઓ ઉષ્ણકટિંબધીય વાવાઝોડાને તીવ્રતા અનુસાર એકથી પાંચ નંબર આપે છે. જેટલો આંક વધારે તેટલી વાવાઝોડાની તીવ્રતા વધારે. આ આંકડાના કારણે ખ્યાલ આવે છે કે વાવાઝોડામાં હવાનો વેગ કેટલો હશે અને કેટલો ભારે વરસાદ પડશે.
ભારે વિનાશ વેરતા વાવાઝોડાની ખબરો હાલના દિવસોમાં વધી રહી છે. જોકે વાવાઝોડાની સંખ્યા વધી રહી હોવાના મુદ્દે વૈજ્ઞાાનિકોમાં મતમતાંતર છે. જોકે એ વાતે તમામ સંમત છે કે છેલ્લા થોડા વર્ષોથી વાવાઝોડાની વિનાશક તાકાત જરૂર વધી છે.
છેલ્લા થોડા વર્ષોમાં થયેલા સંશોધનોના આધારે અમેરિકી વૈજ્ઞાાનિકો એ તારણ પર પહોંચ્યા છે કે છેલ્લા ૩૦ વર્ષથી એટલાન્ટિક મહાસાગરમાં આવતા વાવાઝોડાઓમાં હવાની ગતિ વધી છે. એ જ રીતે પેસિફિક મહાસાગરમાં ઉદ્ભવતા વાવાઝોડાઓ પણ વધારે વિનાશકારી બન્યા છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આવનારા વર્ષોમાં વાવાઝોડા વધારે ને વધારે વિનાશક બનતા જશે, કારણ કે ક્લાયમેટ ચેન્જના કારણે સમુદ્રો વધારે ગરમ થઇ રહ્યાં છે.
હવામાનશાસ્ત્રીઓના મતે છેલ્લા થોડા વખતથી આવતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની તીવ્રતા ત્રણથી પાંચ અંક હોય છે. ફાની વાવાઝોડાને ભારતીય હવામાન ખાતાએ વિનાશકતાના માપદંડ પર ત્રીજો ક્રમાંક આપ્યો છે. આ કેટેગરી મુજબ તેનો સમાવેશ અતિ ગંભીર ચક્રવાતમાં થાય છે. ૧૬૫થી ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા વાવાઝોડાને અત્યંત ભયાનક ચક્રવાતનો ચોથો ક્રમ આપવામાં આવે છે.
૨૨૦ કિલોમીટરથી વધારે ઝડપે ફૂંકાતા વાવાઝોડાને સુપર સાયક્લોન ગણવામાં આવે છે. આવું સુપર સાયક્લોન ઓડિશાના કાંઠે ઓક્ટોબર ૧૯૯૯માં ત્રાટક્યું હતું. આ વાવાઝોડામાં પવનનો વેગ ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકે પહોંચ્યો હતો. ૨૦૧૩માં ત્રાટકેલું ફૈલિન વાવાઝોડું પણ સુપર સાયક્લોન ગણાવાની હદે પહોંચી ગયું હતું. ફૈલિનમાં હવાની ગતિ ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકે આંબી ગઇ હતી.
હવામાન વિજ્ઞાાનીઓના મતે જેમ જેમ સમુદ્રો ગરમ થતા જશે તેમ તેમ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને વાવાઝોડા વિનાશક હોવાની શક્યતા પણ વધતી રહેશે. પીગળી રહેલી હિમનદીઓ, ગરમ થતા ઉનાળા, ધરતીકંપો, સમુદ્રી તોફાનો, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાદળ ફાટવા જેવી ઘટનાઓ પ્રકૃત્તિના અંધાધૂંધ દોહનના પરિણામ છે. કુદરતી સંપત્તિના બેફામ વપરાશથી પૃથ્વીના વાતાવરણ પર દબાણ વધી રહ્યું છે અને એ જ કારણ છે કે વિશ્વમાં વિનાશક વાવાઝોડાઓની સંખ્યા સતત વધી રહી છે.
વાવાઝોડા, વરસાદ આંધીતોફાન જેવી કુદરતી આફતો આવતી રોકવી તો શક્ય નથી. આવી કુદરતી આફતની વિનાશકતા વધારે હોય કે ઓછી પરંતુ જરૂરી એ છે કે તેના વિશે અગાઉથી ચેતવણી જાહેર કરવામાં આવે અને બચાવ અને રાહતકાર્યોની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો આવી તૈયારીઓ અગાઉથી કરી રાખવામાં આવે તો લોકોની તકલીફો ઓછી થાય અને લાખો કરોડોના જાનમાલનું નુકસાન પણ અટકે.
આર્થિક પ્રગતિની દોટમાં કોઇ પણ દેશ પોતાની ઔદ્યોગિક કામગીરીને નિયંત્રિત કરવા માટે ઇચ્છુક નથી. મોટા મોટા કારખાના સ્થાપવા અને નદીઓ, પહાડો, જંગલો જેવા કુદરતી સંસાધનોની ફિકર કર્યા વિના સડકો, વસાહતો અને બજારો ઊભા કરવાની જાણે હોડ મચી છે. એવામાં કુદરતી આફતોથી થતા નુકસાનથી બચવાના કામચલાઉ ઉપાયો તો કરી લેવામાં આવે છે પરંતુ કુદરતી આફતો આવતી અટકાવવા માટેના ઉપાયો પ્રયોજવામાં આવતા નથી.
હકીકતમાં ચોમાસા પૂર્વેના મહિનાઓમાં ભારતના હવામાનની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ હોય છે. ખાસ કરીને એપ્રિલના અંત ભાગથી લઇને મે મહિનામાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડાં, ધૂળ-રેતીની આંધી, વીજળી ત્રાટકવી જેવા કુદરતી પ્રકોપ જોવા મળી શકે છે. આ કુદરતી આફતો સામાન્યથી લઇને જીવલેણ પ્રકારની હોઇ શકે છે. સામાન્ય રીતે ભારતમાં ચાર કે પાંચ વાવાઝોડા અને આંધીના ગાળા આવતા હોય છે. જોકે પર્યાવરણ પોતે કોઇ નિયમો પાળવા બંધાયેલું નથી અને ફાની વાવાઝોડું એનું ઉદાહરણ છે.