Get The App

નીતીશકુમારની ચાલથી બિહારમાં ભાજપની કફોડી સ્થિતિ

- બિહારમાં એનઆરસી લાગુ ન કરવાના પ્રસ્તાવ બાદ જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા ઉપર પણ નીતીશકુમારની મહોર

Updated: Feb 28th, 2020

GS TEAM

Google News
Google News
નીતીશકુમારની ચાલથી બિહારમાં ભાજપની કફોડી સ્થિતિ 1 - image


નાગરિકતા કાયદો, એનઆરસી અને એનપીઆર ભાજપના એજેન્ડામાં છે અને બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એનડીએ શાસિત રાજ્ય બિહારમાં ભાજપ જેડીયૂના સમર્થનમાં છે જે જોતાં બિહાર એનડીએના નેતૃત્ત્વ હેઠળની સરકાર હોય એવું પહેલું રાજ્ય બની ગયું છે જેણે એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો છે

બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને બધાં રાજકીય પક્ષો પોતાની સોગઠી બિછાવવામાં લાગી ગયાં છે. ખાસ કરીને બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર પોતાના રાજકીય સમીકરણ બેસાડવામાં સૌથી વધારે વ્યસ્ત જણાઇ રહ્યાં છે. નીતીશ કુમારે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લીધાં છે. અગાઉ બિહાર વિધાનસભામાં રાજ્યમાં એનઆરસી લાગુ નહીં કરાવવા અંગે તેમજ એનપીઆરને વર્ષ ૨૦૧૦ના સ્વરૂપમાં જ કરાવવાના પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરાવ્યાં હતાં. હવે તેમણે બિહારમાં જાતિગત આધારિત વસતી ગણતરી કરાવવા માટે પણ મંજૂરી આપી દીધી છે.

હજુ થોડા સમય પહેલાં જ વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને નીતીશકુમાર વચ્ચે નિવેદનબાજી જોવા મળી હતી અને છેવટે નીતીશકુમારે પ્રશાંત કિશોરની જેડીયૂમાંથી હકાલપટ્ટી કરી હતી. જોકે પાર્ટીમાંથી નિષ્કાસિત થયા પહેલાં પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય અને એનપીઆર પણ જૂની જોગવાઇઓ સાથે જ લાગુ થશે. પ્રશાંત કિશોરની વાત સાચી ઠરી છે. નીતીશકુમાર પોતાનો દાવ ચાલ્યાં છે અને બિહારમાં એનઆરસી લાગુ નહીં કરાવવા અને એનપીઆરમાં સંશોધનનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કર્યો છે.  પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થયો મતલબ કે તેને જેડીયૂ ઉપરાંત ભાજપ, લોક જનશક્તિ પાર્ટી, કોંગ્રેસ, આરજેડી અને બીજા વિપક્ષી દળોનું પણ સમર્થન મળ્યું. જે નાગરિકતા કાયદો, એનઆરસી અને એનપીઆરને લઇને દેશભરમાં હોબાળો મચ્યો છે અને હુલ્લડ જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે એવામાં બિહારમાં ભાજપે આ પ્રસ્તાવને કેવી રીતે સમર્થન આપી દીધું એ સવાલ રાજકીય પંડિતોને મુંઝવી રહ્યો છે. બિહારમાં ભાજપ જેડીયૂના સમર્થનમાં છે જે જોતાં બિહાર એનડીએના નેતૃત્ત્વ હેઠળની સરકાર હોય એવું પહેલું રાજ્ય બની ગયું છે જેણે એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો છે. 

નીતીશકુમારના આ માસ્ટર સ્ટ્રોકનો તેમને બિહારની ચૂંટણીમાં કેટલો ફાયદો થશે એ તો સમય આવ્યે ખબર પડશે પરંતુ હાલ તો નીતીશકુમારની ચાલથી ભાજપ અને આરજેડી બંને ચકિત થઇ ગયાં છે. આરજેડીની પરેશાની એ વાતે છે કે તે આગામી ચૂંટણીમાં આ ત્રણ એજન્ડાના આશરે જ ઝંપલાવવાની વ્યૂહરચના ઘડી રહ્યો હતો. એ સંજોગોમાં નીતીશકુમારે ત્રણેય પ્રસ્તાવોને અમલમાં મૂકીને પોતાની વોટબેંક આરજેડી પાસે જતી અટકાવી લીધી છે અને એ સાથે જ એવો સંદેશ પણ આપ્યો છે કે બિહારના રાજકારણમાં તેઓ જ સર્વેસર્વા છે. આ પ્રસ્તાવના પરિણામે જ નીતીશકુમારના કટ્ટર વિરોધી જીતનરામ માંઝીના સૂર પણ બદલાયા છે.

નીતીશકુમાર સાંપ્રદાયિક સૌહાર્દ માટે જાણીતા છે. અગાઉ બિહારમાં તેમના બાર વર્ષના શાસનમાં ક્યાંય કોઇ મોટું કોમી રમખાણ થયું નથી. બિહારમાં સાંપ્રદાયિક વિષ ન ફેલાય એ માટે તેઓ એક સમયે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બિહારમાં આવવા માટે મનાઇ ફરમાવી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી વખતે ભાજપે નરેન્દ્ર મોદીને જ્યારે વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેમની સાંપ્રદાયિક છબીના કારણે જ નીતીશકુમારે ૨૦૧૩માં એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો. નીતીશ કુમાર લગભગ છેલ્લા દસ વર્ષથી પોતાના રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરતા રહ્યાં છે. ત્રણ વર્ષ પહેલાં જેડીયૂએ આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા ત્યારે એવું જણાતું હતું કે નીતીશ કુમારે બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવાની માંગ સાથે એમ કર્યું હશે પરંતુ એવું કશું થયું નહીં. એ પછી લગભગ બે વર્ષ સુધી જેડીયૂ આ મામલે ચૂપકીદી સેવી અને ગયા વર્ષે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ પરિણામો જાહેર થવાના ટાણે જ બિહારના વિશેષ દરજ્જાની માંગ ઉછાળીને ભાજપને વિમાસણમાં મૂક્યો. હજુ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં નીતીશ કુમાર બિહારને વિશેષ દરજ્જો આપવાનો મુદ્દો ઉછાળીને ભાજપ માટે સમસ્યા ખડી કરી શકે છે.  અગાઉ બિહારમાં બેઠકોની ફાળવણીના મામલે પણ નીતીશ કુમારે ભાજપનું નાક દબાવ્યું હતું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે મોદી લહેરમાં જેડીયૂને બે, કોંગ્રેસને બે અને આરજેડીને ચાર એમ કુલ આઠ બેઠકો ઉપર સીમિત કરી દીધાં હતાં. બિહાર ભાજપના ઘણાં નેતાઓ જેડીયૂની હેસિયત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોના આધારે જ નક્કી કરવા માંગતા હતાં. પરંતુ જેડીયૂએ બિહારમાં મોટા ભાઇ તરીકે રહેવાની જક પકડતા રાજ્યની ૪૦ લોકસભા બેઠકોમાંથી ૨૫ બેઠકોની માગણી કરી હતી. છેવટે ભાજપે જેડીયૂની જિદ આગળ નમતુ જોખવું પડયું અને બિહારમાં ભાજપ અને જેડીયૂ ૧૭-૧૭ બેઠકો પર ચૂંટણી લડશે એવું નક્કી થયું. મહત્ત્વની બાબત એ હતી કે ભાજપે જેડીયૂ સાથે કઇ હદે સમાધાન કર્યું એનો ખ્યાલ એ વાતે આવે કે તેણે ગઇ ચૂંટણીમાં જીતેલી બેઠકો પણ જેડીયૂને આપવી પડી હતી. 

એક સમય હતો જ્યારે નીતીશ કુમાર વડાપ્રધાન બનવાના સપના સેવતાં હતાં. એટલા માટે જ તેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થયું ત્યારે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. વર્ષ ૨૦૧૫માં બિહારની વિધાનસભા ચૂંટણી પણ જેડીયૂ ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવની આરજેડી સાથે હાથ મિલાવીને લડી. આરજેડી અને કોંગ્રેસ સાથેના જોડાણ બાદ બિહારમાં નીતીશ કુમારની સરકાર પણ બની પરંતુ બાદમાં નીતીશ કુમારે ફરી પાટલી બદલી અને એનડીએમાં જોડાઇ ગયા.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ એવો સમય પણ આવ્યો જ્યારે નીતીશ કુમાર ભાજપ અને મોદી વિરોધી જૂથના ટોેચના નેતાઓમાં ગણાતા હતાં. ઘણાં લોકો તો તેમને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પણ જોતા હતાં. સાફસૂથરી છબી હોવાના કારણે તેઓ વડાપ્રધાન મોદી સામે બરોબરીની ટક્કર આપી શકે એમ લાગતું પણ હતું. પરંતુ તેમણે ભાજપ સાથે જોડાણ કર્યા બાદ ચિત્ર સાવ બદલાઇ ગયું અને હવે તો વડાપ્રધાન મોદીની છબી સામે નીતીશ કુમારની છબી સાવ વામણી બની ચૂકી છે. જાણે હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાના નહીં પરંતુ સ્થાનિક કક્ષાના કોઇ નેતા હોય એવું લાગી રહ્યું છે. 

એક સમયે વડાપ્રધાન બનવાની ઇચ્છા ધરાવનાર નીતીશ કુમાર માટે હવે બિહારના મુખ્યમંત્રી તરીકેની ગાદી સંભાળવી પણ મુશ્કેલ બની રહેવાની છે. બિહારમાં જેડીયૂના સહયોગી તરીકે ભાજપે ભલે નીતીશ કુમારને લોકસભાની ચૂંટણી વખતે મોટા ભાઇ તરીકે સ્વીકારી લીધાં હોય પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં એવું બને એ શક્ય નથી. છેલ્લા થોડા સમયથી બિહારમાં પણ ભાજપ આક્રમક પ્રચાર કરી રહ્યો છે. એવામાં ભાજપની ગણતરી હવે બિહારમાં પણ મુખ્યમંત્રીપદ મેળવવાની છે. નીતીશકુમાર પણ આ વાત સુપેરે જાણે છે અને એટલા માટે જ તેઓ અત્યારથી પોતાની ગાદી બચાવવામાં લાગી ગયાં છે. 

નીતીશકુમાર બિહારના રાજકારણના અઠંગ ખેલાડી મનાય છે અને તેમના દરેક નિર્ણય રાજકીય નફાનુકસાનના આધારે જ લેતા હોય છે. કેન્દ્રીય રાજકારણમાં ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ તેમને ઝાઝું મહત્ત્વ ન આપે પરંતુ બિહારમાં તેમનું એકચક્રી શાસન છે અને ભાજપ પણ બિહારમાં તેમને છંછેડતું નથી. નાગરિકતા કાયદાનો વિરોધ કરવા માટે પ્રશાંત કિશોર નીતીશકુમાર પર દબાણ કરી રહ્યાં હતાં પરંતુ નીતીશકુમારે એ મુદ્દે ધાર્મિક ધ્રૂવીકરણનું જોખમ ન લીધું. 

આમ પણ નાગરિકતા કાયદાના કારણે બિહારના મુસ્લિમ મતદારો આરજેડી અને કોંગ્રેસ તરફ વળી ગયા છે ત્યારે તેઓ આ મુદ્દે વિરોધી સ્ટેન્ડ લઇને પોતાના મત ભાજપ તરફ વળે એવું જોખમ લેવા નહોતા માંગતા. એનપીઆર મુદ્દે પણ તેમણે જૂની પ્રશ્નોત્તરી પર સર્વે કરવાની માંગ કરી જે દર્શાવે છે કે તેઓ દરેક પગલું ગણતરીપૂર્વક લઇ રહ્યાં છે. 

નીતીશકુમારની ચાલ બાદ બિહારમાં ભાજપની સ્થિતિ હાસ્યાસ્પદ બની ગઇ છે. એનઆરસીના વિરોધમાં રહેલી ૭ પાર્ટીઓની દેશના ૧૧ રાજ્યોમાં સરકાર છે. દેશની ૫૨ ટકા વસતી આ રાજ્યોમાં વસે છે. અનેક રાજ્ય નાગરિકતા કાયદામાં થયેલા સંશોધન અને એનઆરસીના વિરોધમાં પ્રસ્તાવ પસાર કરી ચૂક્યાં છે. 

એવામાં નાગરિકતા કાયદા અને એનઆરસીના મુદ્દે ભાજપ પર જેડીયૂ જેવા સાથી પક્ષો પણ ભાજપનું નાક દબાવવા લાગ્યાં છે. વર્ષેના અંતે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને નીતીશ કુમાર શતરંજ બિછાવવામાં પડયાં છે ત્યારે અત્યારે ભલે તેઓ ભાજપ સાથે હોવાના દાવા કરે પરંતુ આગામી સમયમાં ફરી વખત કદાચ તેમની અંતરાત્માનો અવાજ સાંભળવાની વર્ષોપુરાણી પીપૂડી વાગે તો નવાઇ નહીં.

Tags :