અમેરિકાને ભારતનો સાથ મળવો અત્યંત આવશ્યક
જાપાનના ઓસાકા ખાતે યોજાનારા જી-20 શિખર સંમેલનની બરાબર અગાઉ અમેરિકાના વિદેશ મંત્રીની ભારત મુલાકાતથી અનેક અટકળો
ઇરાન સાથે વધી રહેલા તણાવ અને ચીન સાથેના ટ્રેડવૉરને લઇને અમેરિકા માટે ભારતનો સાથ મેળવવો અત્યંત આવશ્યક છે એટલા માટે જ અમેરિકાના વિદેશ મંત્રી ભારત દોડી આવ્યા છે
મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પહેલી વખત ભારતની મુલાકાતે આવ્યાં છે. તેમની આ મુલાકાત વ્યૂહાત્મક અને વ્યાવસાયિક દૃષ્ટિકોણથી ઘણી અગત્યની માનવામાં આવી રહી છે. પોમ્પિયોની આ ભારતયાત્રા ત્રણ દિવસની છે જે ૨૭ જૂને પૂરી થવાની છે અને એ પછીના જ દિવસે જાપાનના ઓસાકા શહેર ખાતે જી-૨૦ શિખર સંમેલન યોજાવાનું છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા યોજાવાની છે.જાણકારોના મતે જી-૨૦ બેઠકની તુરંત પહેલાં જ અમેરિકાના વિદેશ મંત્રીના ભારત દોડી આવવા પાછળ અનેક કારણો રહેલાં છે. છેલ્લા થોડા સમય દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે કેટલીક એવી હિલચાલ થવા પામી છે જેના કારણે બંને દેશોના પરસ્પર સંબંધોમાં તણાવ ઊભો થયો છે.
શીત યુદ્ધના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપેલી કડવાશને પાછળ છોડીને છેલ્લા બે દાયકામાં બંને દેશો એકબીજાની ઘણાં નિકટ આવ્યાં છે. ખાસ કરીને એશિયામાં અને દુનિયામાં ચીનના વર્ચસ્વ પર લગામ કસવા માટે અમેરિકાને ભારત જેવા લોકશાહી દેશની જરૂર છે. એટલું જ નહીં, ભારતની સવા અબજ વસતીના રૂપમાં અમેરિકાને એક વિશાળ બજાર પણ દેખાય છે. તો ભારતને અમેરિકાના ટેકનિકલ જ્ઞાાન અને વ્યૂહાત્મક સંશોધન ક્ષમતા અને મોટા બજારનો ફાયદો મળ્યો છે.
જોકે છેલ્લા થોડા સમયથી બંને દેશોના વ્યાવસાયિક સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકાએ ભારત પાસેથી જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસપી)નો દરજ્જો પાછો લઇ લીધો છે. અમેરિકા ભૂતકાળમાં ભારતના આર્થિક સુધારાની ગતિ, વેપારનો માહોલ, બોદ્ધિક સંપદા અને પેટન્ટ નિયમોને લઇને સવાલ કરી ચૂક્યું છે.
હકીકતમાં તો ટ્રમ્પની આર્થિક નીતિઓના કારણે ભારત અને અમેરિકાના વ્યાવસાયિક સંબંધોમાં તણાવ વ્યાપી રહ્યો છે. ભારત વિરુદ્ધ ટ્રમ્પની ફરિયાદોનું લિસ્ટ લાંબુ છે. ક્યારેક તેઓ હાર્લે ડેવિડસન મોટરસાઇકલની આયાત પર ભારતમાં લાગતા જંગી ટેક્સના મામલે સવાલ ઉઠાવે છે તો ક્યારેક ભારતને ટેરિફ કિંગની ઉપમા આપે છે.
થોડા સમય પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની કંપનીઓ ઉપર ભારત ૧૦૦ ટકા ટેક્સ લગાવે છે અને ભારતીય કંપનીઓ અમેરિકામાં કોઇ પણ ટેક્સ વગર માલસામાન પહોંચાડે છે. હવે અમેરિકા પણ ભારતના ઉત્પાદનો ઉપર ટેક્સ લાગુ કરશે અને જો ભારતે આ ટેક્સથી બચવું હોય તો અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરવી પડશે. જોકે ભારત પણ ટ્રમ્પની ધમકીઓ સામે કડક વલણ ધારણ કરીને ઉલટું અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ વધારી ચૂક્યું છે.
અમેરિકાના વિદેશમંત્રીની ભારત મુલાકાતમાં મહત્ત્વનો મુદ્દો ભારત અને રશિયા વચ્ચે થયેલી એસ-૪૦૦ એન્ટીમિસાઇલ સિસ્ટમની ડીલને લગતો છે. એસ-૪૦૦ રશિયાની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે જે ૪૦૦ કિલોમીટરના અંતરે જ દુશ્મનના પ્લેન કે મિસાઇલને નષ્ટ કરી શકે છે. ભારતે ૪૦ હજાર કરોડના ખર્ચે રશિયા પાસેથી આ મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો છે.
અમેરિકાને પહેલેથી જ આ ડીલ સામે વાંધો છે. અમેરિકી સંસદે દુનિયાભરમાં એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પણ પસાર કર્યો છે. અમેરિકાએ ભારત ઉપર પણ પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે. અમેરિકાની નામરજી છતાં ભારત રશિયા પાસેથી આ મિસાઇલ સિસ્ટમ ખરીદવા મક્કમ છે.
હકીકતમાં અમેરિકાએ પોતાના શત્રુ રાષ્ટ્રોને પ્રતિબંધોના માધ્યમથી દંડિત કરવા માટે એક કાયદો બનાવ્યો છે જેનું નામ છે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્ઝરિઝ થૂ્ર સેન્ક્શન્સ એક્ટ (કાટસા). અમેરિકાના આ કાયદા અનુસાર રશિયા સાથે મોટો રક્ષા સંબંધી સોદો કરતા દેશ ઉપર અમેરિકી પ્રતિબંધ લગાવવાની જોગવાઇ છે. અમેરિકા આ કાયદા અંતર્ગત જ દબાણ સર્જીને ભારતને રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકાવવા માંગે છે. બીજી બાજુ ભારત વર્ષોથી રશિયન હથિયારોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતું રહ્યું છે.
એટલા માટે જ ભારત અમેરિકાએ રશિયા ઉપર લગાવેલા પ્રતિબંધોમાંથી છૂટ મેળવવાના પ્રયાસ કરે છે કારણ કે ભારતીય સેના રશિયન હથિયારો ઉપર નિર્ભર છે. ભારતને હથિયારો અને સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડતા મુખ્ય દેશોમાં રશિયા સામેલ છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે.
ગત વર્ષે અમેરિકાએ રશિયા સાથેના આ સોદા ઉપર ભારે વિરોધ નોંધાવ્યો ત્યારે ભારતે પણ કડક વલણ ધારણ કરીને સ્પષ્ટ કર્યું હતું કે એક સ્વતંત્ર અને સાર્વભૌમિક રાષ્ટ્ર હોવાના નાતે પોતાની આત્મરક્ષાનું ધ્યાન રાખવાનો અને એ માટે જરૂરી એવી સમજૂતિ કરવાનો તેને સંપૂર્ણ અધિકાર છે. જોકે માઇક પોમ્પિયો ફરી વખત ભારત અને રશિયા વચ્ચેના આ સોદોને અટકાવવા માટે દબાણ કરે એ શક્ય છે.
તાજેતરમાં ચીને કહ્યું હતું કે તે ભારત અને રશિયા સાથે મળીને અમેરિકાની વ્યાવસાયિક તાનાશાહી ખતમ કરવાની દિશામાં સંયુક્ત રણનીતિ વિકસાવી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં જ બિશ્કેક ખાતે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આ મુદ્દે બેઠક યોજાઇ હતી. હવે ચીને કહ્યું છે કે જી-૨૦ સંમેલન દરમિયાન ઓસાકા ખાતે પણ ત્રણેય દેશોના વડાઓ આ મામલે બેઠક કરીને વાતચીત આગળ વધારશે.
આ ખબરથી અમેરિકાના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે કારણ કે ચીન અને રશિયા તો શરૂઆતથી જ અમેરિકાની દરેક બાબતમાં દખલરૂપ થતા આવ્યાં છે. એવામાં અમેરિકા માટે એશિયામાં ચીન અને રશિયાના પ્રભાવને ખાળવા માટે ભારત જ મહત્ત્વનું સાથીદાર છે. જો ભારત પણ ચીન અને રશિયા સાથે મળી જાય તો અમેરિકાને વ્યાવસાયિક અને વ્યૂહાત્મક રીતે મોટો ફટકો પડે એમ છે. એટલા માટે ભારતને કોઇ પણ રીતે મનાવી લેવું હાલ અમેરિકાના એજન્ડામાં છે.
ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકા ભરોસાપાત્ર સાથીદાર નથી. અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે. અમેરિકાની નીતિ રહી છે કે તેના સાથી દેશોનો તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે. હકીકતમાં ભારત અને અમરિકા વચ્ચેના સંબંધોની આ ગુંચવણ નવી નથી.
છેક ૧૯૫૦ના દશકથી અમેરિકા ભારતને પોતાના કેમ્પમાં લેવાના પ્રયાસો કરતું આવ્યું છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું સૈન્ય સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે પોતાની સૈન્ય જરૂરિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું.
અમેરિકાએ ટ્રેડ વૉરમાં ભારતના સામાન ઉપર પણ ડયૂટી વધારી છે. તો એચવન બી વિઝા મામલે પણ તે ભારતને કોઇ રાહત નથી આપતું. ટૂંકમાં દોસ્તીની આડમાં તે ભારતનો હાથ મરોડવાના પ્રયાસો તો ચાલુ જ રાખે છે. વર્ષો પછી જ્યારે અમેરિકા અને ભારતના સંબંધોની ગાડી પાટા પર ચડી છે ત્યારે ટ્રમ્પના વલણના કારણે સંબંધો વણસવાનો ભય ઊભો થયો છે ત્યારે એ જોવું રહ્યું કે બંને દેશો પરસ્પરના સંબંધોમાં મધુરતા જાળવી રાખવા કેવા સમાધાન કરે છે.