વારાણસીમાં વડાપ્રધાનના શક્તિ પ્રદર્શન બાદ NDA જોશમાં
વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદી સામે મજબૂત ઉમેદવાર ન ઉતારીને વિપક્ષે એક જોતાં પીછેહઠ કરી છે
વારાણસીમાં વડાપ્રધાનના ભવ્ય રોડ શો અને તેમને વધાવવા ઉમટેલી વિશાળ જનમેદની તેમજ એનડીએના કદાવર નેતાઓની હાજરી જોતાં ભાજપનો ફરી વખત મોદી સરકાર રચવાનો ઉત્સાહ બેવડાઇ ગયો છે
લાંબા વિલંબ બાદ વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઉમેદવારોને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો પરંતુ હવે એ સવાલ થઇ રહ્યો છે કે વિપક્ષ ખરેખર નરેન્દ્ર મોદીને પડકાર આપવા માંગે છે ખરો? પહેલાં તો વારાણસીની બેઠક પર સમાજવાદી પાર્ટીએ ઉતાવળમાં શાલિની યાદવનું નામ જાહેર કરી નાખ્યું જે બાદ એ સ્પષ્ટ બન્યું કે વારાણસીમાંથી વિપક્ષ કોઇ સંયુક્ત ઉમેદવાર નહીં ઊભો રાખે. એ પછી કોંગ્રેસે પણ અજય રાયને મેદાનમાં ઉતારીને એ સ્પષ્ટ કરી દીધું કે પ્રિયંકા ગાંધી હાલ તો વારાણસીમાંથી વડાપ્રધાન મોદીને ટક્કર નહીં આપે.
હકીકતમાં સમાજવાદી પાર્ટીએ જે શાલિની યાદવને ગઠબંધનના ઉમેદવાર બનાવ્યાં એ બે દિવસ પહેલા સુધી તો કોંગ્રેસમાં હતાં, એટલું જ નહીં, તેઓ પ્રિયંકા ગાંધી સાથે સતત કોંગ્રેસનો પ્રચાર પણ કરી રહ્યાં હતાં. શાલિની યાદવ ગયા વર્ષે વારાણસીના મેયરની ચૂંટણી પણ લડયાં હતાં જેમાં તેમને લગભગ એકાદ લાખ વોટ મળ્યાં હતાં પરંતુ ભાજપના ઉમેદવાર સામે તેમની હાર થઇ હતી. શાલિની યાદવ કોંગ્રેસની ટિકિટ પરથી વારાણસીની ચૂંટણી લડવાની આશા સેવતા હતાં પરંતુ પ્રિયંકા ગાંધીની ત્યાંથી ચૂંટણી લડવાની ચર્ચા ગરમાવા લાગી ત્યારે તેઓ કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયાં.
તો કોંગ્રેસે જે અજય રાયને વડાપ્રધાન મોદી સામે મેદાનમાં ઉતાર્યાં છે એ ગત લોકસભા ચૂંટણીમાં પણ મોદીને ટક્કર આપી ચૂક્યાં છે. આમ તો અજય રાય વારાણસીમાંથી અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે પરંતુ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતાં, એટલું જ નહીં ડિપોઝિટ પણ ગુમાવી હતી.
એ વખતે નરેન્દ્ર મોદીની સ્પર્ધા હતી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સાથે જેમને મોદીએ આશરે ત્રણ લાખ સિત્તેર હજાર મતોથી હરાવ્યાં હતાં. એ ચૂંટણીમાં અજય રાયને માત્ર ૭૫ હજાર મત મળ્યાં હતાં. એ જ હાલ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના થયા હતાં.
ભાજપે પોતાની પહેલી યાદીમાં જ વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદીનું નામ જાહેર કરી દીધું હતું અને ત્યારથી એ ચર્ચા થઇ રહી હતી કે વિપક્ષ વારાણસી બેઠક પરથી સંયુક્ત ઉમેદવાર ઊભો રાખી શકે છે. ભીમ આર્મીના ચંદ્રશેખરથી લઇને પ્રિયંકા ગાંધીનું નામ જોરશોરથી ચાલ્યું પરંતુ છેવટે તમામ અટકળો પર ટાઢું પાણી ફરી વળ્યું. હવે સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસના ઉમેદવારને જોવામાં આવે તો એટલું કહી શકાય કે કદાચ તેમને ગત લોકસભાની ચૂંટણી કરતા થોડાક મત વધારે મળી શકે છે, બાકી નરેન્દ્ર મોદીને કોઇ પડકાર આપી શકે એમ નથી.
જાણકારોના મતે વારાણસીમાં મોદીનો જે જાદુ ૨૦૧૪માં જણાયો હતો એ ૨૦૧૯માં પણ જળવાઇ રહ્યો છે. અમુક વર્ગમાં નારાજગી છે અને ભાજપ વિરુદ્ધ ઉદાસિતના પણ વધી છે પરંતુ એ એટલી પણ નથી કે મોદીને ચૂંટણીમાં હરાવી શકાય. જોકે એટલું કહી શકાય કે જો પ્રિયંકા ગાંધી જેવા કોઇ મોટા કદના નેતા વારાણસીમાંથી ચૂંટણી લડયાં હોત અને અન્ય વિપક્ષી દળોએ આવા ઉમેદવારનું સમર્થન કર્યું હોત તો રસાકસી જામી હોત.
જો પ્રિયંકા ગાંધી વારાણસીમાંથી ચૂંટણી લડયાં હોત અને સપા-બસપાએ તેમને ટેકો આપ્યો હોત તો વારાણસી બેઠકના સમીકરણો જોતા વડાપ્રધાન મોદી માટે સમસ્યા સર્જાઇ શકી હોત. કારણ કે પ્રિયંકા ગાંધીના કારણે યુવાન મતદારો કોંગ્રેસ તરફ આકર્ષિત થયા હોત એટલું જ નહીં, ભાજપની પરંપરાગત મનાતી વોટ બેંકમાં પણ ગાબડું પડયું હોત.
ખુદ પ્રિયંકા ગાંધીની ઇચ્છા વારાણસીમાંથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની હતી અને આ ઇચ્છા તેઓ અવારનવાર મીડિયા સમક્ષ પ્રદર્શિત પણ કરી ચૂક્યાં હતાં. જોકે તેમની ગણતરી હતી કે સપા-બસપા પણ તેમને ટેકો જાહેર કરે પરંતુ શાલિની યાદવ મેદાનમાં આવતા એ શક્ય ન રહ્યું. અખિલેશ યાદવે પોતાના ઉમેદવારને પાછા ન ખેંચવાની મક્કમતા દર્શાવી એ પણ પ્રિયંકા ગાંધીની ઉમેદવારીને નડી ગયું.
પ્રિયંકા ગાંધીની એક બ્રાન્ડ વેલ્યૂ છે અને એ બ્રાન્ડ વેલ્યૂને ગમે તેમ ગુમાવી ન દેવાય એ તેઓ પોતે અને કોંગ્રેસ સારી પેઠે જાણે છે. પ્રિયંકા ગાંધીની હાજરીમાત્ર કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ ભરી દે છે. તેમને પ્રિયંકા ગાંધીમાં તેમના દાદી ઇન્દિરા ગાંધીની છબી દેખાય છે અને પ્રિયંકા પાસેથી તેમની અપેક્ષા પણ એવી જ હોય એ સ્વાભાવિક છે. એનો જેટલો મોટો ફાયદો છે એટલું જ મોટું નુકસાન પણ છે.
જો તેઓ વડાપ્રધાન મોદી સામે ચૂંટણી હારી જાય તો પક્ષને મોટો ફટકો પડે. જોકે પ્રિયંકા ગાંધીના વારાણસીમાંથી ચૂંટણી લડવાને લઇને કોંગ્રેસમાં જ મતભેદ હતાં. કેટલાંક લોકોનું માનવું હતું કે જો પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યાં તો સપા-બસપા મહાગઠબંધન પર પોતાનો ઉમેદવાર પાછો ખેચવાનું દબાણ ઊભું થશે તેમજ બીજાં કેટલાંક નાના પક્ષો પણ પોતાના ઉમેદવાર પાછા લઇને લડાઇ મોદી વિરુદ્ધ પ્રિયંકાની રહે એવા પ્રયાસ કરશે.
તો અન્ય કેટલાંકનું માનવું હતું કે જો પ્રિયંકા ગાંધી વારાણસીમાંથી ચૂંટણી લડે તો માત્ર ત્યાં પૂરતી જ નહીં, પરંતુ મોદી વિરુદ્ધ પ્રિયંકાની લડાઇની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે પણ શરૂ થઇ શકે છે. જો એવું બન્યું હોત તો લોકો નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી નહીં પરંતુ પ્રિયંકા ગાંધીને પ્રતિસ્પર્ધી માનવા લાગ્યાં હોત. એ સંજોગોમાં કોંગ્રેસની અંદર જ ભ્રમની સ્થિતિ પેદા થઇ ગઇ હોત અને રાહુલ ગાંધીના નેતૃત્ત્વ પર સવાલો ઉઠવા લાગ્યાં હોત.
વડાપ્રધાન મોદીને ચૂંટણીમાં હરાવવા આસાન નથી એવામાં ઘણાં જાણકારોનું માનવું છે કે પ્રિયંકા ગાંધી પોતાની ચૂંટણીકીય રાજનીતિની શરૂઆત હારથી ન કરવા માંગે એ સમજી શકાય એવી વાત છે. કોંગ્રેસના ભાવિ નેતાની શરૂઆત હારથી થાય એ પણ પાર્ટી ન ઇચ્છતી હોય એ સ્વાભાવિક છે. જાણકારોના મતે પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાયબરેલી જેવી કોઇ સુરક્ષિત બેઠક પરથી કરે એ પાર્ટીના હિતમાં છે.
એવું પણ જાણવા મળે છે કે કોંગ્રેસે વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધીનું નામ ખાનગી યોજના અંતર્ગત ચલાવ્યું હતું. આ માટે બે અઠવાડિયા જેટલો સમય સર્વે પણ કરવામાં આવ્યો અને વારાણસી બેઠકના સમીકરણોનો અભ્યાસ કરવામાં આવ્યો. સર્વેના પરિણામમાં કોંગ્રેસને ખ્યાલ આવ્યો કે પ્રિયંકા ગાંધી વારાણસીમાંથી વડાપ્રધાન મોદીને હરાવી શકે એમ નથી.
બીજું કારણ એ પણ છે કે ભારતના રાજકારણમાં કદાવર નેતાઓ વિરુદ્ધ મોટા ઉમેદવારને ઊભા રાખવાની પરંપરા નથી. મોટા ભાગની પાર્ટીઓ વિરોધી પાર્ટીના મોટા નેતાઓ વિરુદ્ધ મજબૂત ઉમેદવાર નથી ઉતારતી. રાહુલ ગાંધીનું પણ માનવું છે કે લોકશાહીની તંદુરસ્તી જાળવી રાખવા માટે મોટા નેતાઓને સંસદમાં પહોંચતા ન રોકવા જોઇએ. ભૂતકાળમાં પણ કોંગ્રેસ અટલ બિહારી વાજપેયી કે શ્યામાપ્રસાદ મુખરજી જેવા કદાવર નેતાઓ વિરુદ્ધ મજબૂત ઉમેદવાર નહોતી ઉતારતી. વારાણસીમાં પણ કોંગ્રેસે એ જ પરંપરાનું અનુસરણ કર્યું છે.
બીજી બાજુ વડાપ્રધાન મોદીએ વારાણસીમાં ઉમેદવારીપત્ર ભર્યાના એક દિવસ પહેલાં ભવ્ય રોડ શો યોજ્યો જેમાં એનડીએની એકતાના પણ દર્શન થયાં. વડાપ્રધાન મોદીએ ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે પણ બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર, પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, તામિલનાડુના નાયબ મુખ્યમંત્રી અને એઆઇએડીએમકેના સંયોજક ઓ. પન્નીરસેલ્વમ, લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન તેમજ અપના દલના અધ્યક્ષ અનુપ્રિયા પટેલ હાજર રહ્યાં. આ તમામ કદાવર નેતાઓ વડાપ્રધાન મોદીના રોડ શોમાં પણ હાજર રહ્યાં હતાં.
થોડા સમય પહેલાં સુધી એનડીએમાં મતભેદો હોવાની વાતો સંભળાતી હતી પરંતુ ચૂંટણી ટાણે એનડીએના તમામ સહયોગી પક્ષો મજબૂત રીતે એકબીજાની પડખે ઊભા રહ્યાં હોવાનું વારંવાર જણાઇ રહ્યું છે. ગઠબંધનની એકતાના પ્રદર્શન માટે ખાસ ઉપાયો પણ પ્રયોજવામાં આવે છે. જેમાં એનડીએના મોટા નેતાઓની એક સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઉમેદવારોના નામની જાહેરાત કરવી, મોટા નેતાઓના ઉમેદવારીપત્ર ભરતી વખતે હાજરી આપીને એકબીજાનું સમર્થન કરવું જેવા માર્ગો અપનાવાય છે.
વડાપ્રધાન મોદીના વારાણસીના રોડ શોમાં ભવ્ય પ્રતિસાદ મળ્યા બાદ ભાજપમાં જબરજસ્ત ઉત્સાહ છે. વડાપ્રધાનના રોડ શોની અસર માત્ર વારાણસી પૂરતી જ ન રહેતા સમગ્ર પૂર્વી ઉત્તરપ્રદેશમાં પડવાની છે. આ એ જ પ્રદેશ છે જેનો પ્રભાર કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવ્યો છે.
આ પ્રદેશમાં ૨૯ બેઠકો આવે છે જેમાંની ૨૭ બેઠકો પર હાલ ભાજપનો કબજો છે જેમાંની એક બેઠક વારાણસી પણ છે. વારાણસીમાં વડાપ્રધાનના રોડ શોમાં ઉમટેલી જનમેદનીની તસવીરોની અસર આસપાસના મતક્ષેત્રોમાં પડશે એ સ્વાભાવિક છે.
હવે વારાણસી બેઠક પરથી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ બન્યા બાદ જે ચિત્ર ઉપસ્યું છે એ જોતાં જણાય છે કે વડાપ્રધાન મોદી માટે ખુલ્લું મેદાન છે. વારાણસીમાં ઉમેદવારીની યાદી તો લાંબી છે પણ વડાપ્રધાન મોદીને ટક્કર આપી શકે એવું કોઇ નથી. ખરેખર તો વડાપ્રધાન વિરુદ્ધ કોઇ મજબૂત ઉમેદવાર ન ઉતારીને વિપક્ષે એક જોતાં તો તેમની સમક્ષ શરણાગતિ જ સ્વીકારી લીધી છે.