વિરલ આચાર્યના રાજીનામા બાદ રિઝર્વ બેંકની શાખ અને સ્વાયત્તતા સામે ફરી પ્રશ્નાર્થ
રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરપદેથી રાજીનામુ આપીને વિરલ આચાર્યએ મોદી સરકારને વિમાસણમાં મૂકી દીધી
અગાઉ ઉર્જિત પટેલ, અરવિંદ પનગઢિયા અને અરવિંદ સુબ્રમણ્યન જેવા પ્રખર અર્થશાસ્ત્રીઓ પણ પોતાનો કાર્યકાળ પૂરો થયા પહેલાં રાજીનામા આપી ચૂક્યાં છે જેનાથી એવી આશંકા જન્મી છે કે ક્યાંક ઉચ્ચ પ્રતિભાઓ સ્વાયત્ત સંસ્થાઓમાં આવવાનું ટાળવા ન લાગે
વિરલ આચાર્યના રાજીનામાના કારણે સરકાર અને રિઝર્વ બેંક વચ્ચેના વિવાદને ફરી વખત સપાટી પર લાવી દીધો છે. જોકે તેમના રાજીનામાના કારણે આર્થિક વિશ્લેષકોને ખાસ નવાઇ નથી લાગી કારણ કે રિઝર્વ બેંકના મેનેજમેન્ટમાં વિરલ આચાર્ય જ એવા અર્થશાસ્ત્રી બાકી રહ્યાં હતાં જે અગાઉની અને હાલની મોદી સરકારના નાણાકીય ખાતાને ખટકતાં હતાં. રિઝર્વ બેંકના કાબેલ અર્થશાસ્ત્રીઓ પ્રત્યેના મોદી સરકારના આ અણગમાની શરૂઆત ગયા વર્ષે થઇ હતી ત્યારે થઇ હતી જ્યારે રિઝર્વ બેંકે એનપીએના મામલે બેંકોને સાણસામાં લેવાનું શરૂ કર્યું હતું.
કરોડો રૂપિયાના એનપીએ મામલે રિઝર્વ બેંકે સરકારી બેંકોને ચેતવણી આપતા કહ્યું કે જૂની ભૂલોનો પુનરાવર્તન ન થવું જોઇએ. એ માટે રિઝર્વ બેંકે બેંકોને આદેશ આપ્યો કે મોટા કરજદારોની તરફથી લોન કે હપ્તા ચૂકવવામાં વિલંબ થાય તો એ માટે તુરંત પ્લાન તૈયાર કરે. જો આ પ્લાન ૧૮૦ દિવસમાં ન તૈયાર થાય તો મામલો ઇન્સોલ્વન્સીમાં મોકલી દે.
રિઝર્વ બેંકના આ આદેશથી ગભરાયેલી બેંકો સરકાર પાસે દોડી ગઇ. સરકારે પણ આ મામલે રિઝર્વ બેંકને નરમ વલણ ધારણ કરવા કહ્યું પરંતુ રિઝર્વ બેંક ટસની મસ ન થઇ. છેવટે બેંકો કોર્ટમાં ગઇ પરંતુ કોર્ટમાં પણ રિઝર્વ બેંકે કહ્યું કે સરકાર સર્ક્યુલર બદલવા માંગે તો આરબીઆઇ એક્ટ અંતર્ગત તેને આદેશ આપે. પરિણામ એ આવ્યું કે સરકારે પીછેહઠ કરવાની ફરજ પડી.
ખરેખર તો છેલ્લા થોડા વર્ષોમાં બેંકોએ નિયમોની ઐસીતૈસી કરીને જે અંધાધૂંધ રીતે લોનો ફાળવી હતી તેના કારણે જ એનપીએની સમસ્યા ઊભી થઇ હતી અને એટલા માટે જ રિઝર્વ બેંકે કડક વલણ અખત્યાર કર્યું હતું. રિઝર્વ બેંકના કડક વલણના કારણે બેંકો તો પરેશાન થઇ, સાથે સાથે સરકાર પણ ટેન્શનમાં આવી ગઇ. રિઝર્વ બેંકએ ૧૧ બેંકોને વૉચ હેઠળ મૂકી દીધી. મતલબ કે આ બેંકોએ કોઇ મોટી લોન આપતા પહેલા રેગ્યુલેટરની મંજૂરી લેવી પડે.
આ મામલે પણ સરકાર મજબૂર બનીને કંઇ કરી ન શકી. બીજું એ કે સરકારની ઇચ્છા હતી કે રિઝર્વ બેંક મોંઘવારીના દરમાં ઘટાડાને અનુલક્ષીને વ્યાજ દરો ઓછા રાખે કે જેથી ઔદ્યોગિક વિકાસને વધારી શકાય. પરંતુ રિઝર્વ બેંકની મોનિટરિંગ કમિટીએ ગયા વર્ષે ત્રણ વખત વ્યાજના દર વધાર્યાં. સરકારની એવી પણ ઇચ્છા હતી કે તેને મળતું ડિવિડન્ડ વધારવામાં આવે પરંતુ રિઝર્વ બેંક એ માટે પણ રાજી ન થઇ.
અધુરામાં પૂરું સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વિવાદનો એક નવો મુદ્દો ત્યારે ઊભો થયો જ્યારે સરકારે રિઝર્વ બેંક ઉપર નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને લોન આપવામાં ઢીલ દાખવવા માટે દબાણ કર્યું. બેંકોની ડૂબી રહેલી લોનોના કારણે રિઝર્વ બેંકે વ્યાવસાયિક બેંકોને આ ઉદ્યોગોને લોન આપવાના મામલામાં સખત નિયમો લાગુ કરી દીધાં હતાં. રિઝર્વ બેંકના આ પગલાંની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર થઇ રહી હતી.
એટલા માટે સરકારને લાગ્યું કે તેણે આમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે અને તેણે કલમ-૭ અંતર્ગત શક્તિનો ઉપયોગ કરવાની વાત કરી. સામાન્ય રીતે સરકાર રિઝર્વ બેંકના કામકાજમાં દખલ કરતી નથી. આજ દિન એવો કોેઇ પ્રસંગ આવ્યો નથી કે જેમાં સરકારે રિઝર્વ બેંકને આદેશ આપીને કોઇ નિર્ણય માનવા માટે બાધ્ય કરી હોય. જોકે કલમ સાત અંતર્ગત સરકારને અધિકાર છે કે તે સામાન્ય જનતાના હિત અને દેશની અર્થવ્યવસ્થાની જરૂરિયાત અનુસાર રિઝર્વ બેંકને નિર્દેશ આપી શકે છે.
એ વખતે પણ આ જ વિરલ આચાર્યએ તમામ સંકોચ ત્યાગીને સ્પષ્ટપણે સરકારને ચેતવણી આપી હતી કે રિઝર્વ બેંકના કામકાજમાં દખલ કરવાની કે તેની સ્વાયત્તતાને છંછેડવાના પ્રયાસ થયા તો તેના પરિણામ ભારે નુકસાનકારી રહેશે. હકીકતમાં રિઝર્વ બેંકના કામકાજ અને સ્વાયત્તતામાં સરકારની દખલ કરવા પાછળનું મુખ્ય કારણ તો તેના ઉપર શિકંજો કસવાનું જ હતું કે જેથી કરીને રિઝર્વ બેંક સરકારની ઇચ્છા મુજબના નિર્ણયો કરે. રિઝર્વ બેંકના કડક વલણ અને વધી રહેલા વ્યાજના દરોના કારણે આર્થિક વિકાસને અસર થઇ રહી હતી. એ વખતે લોકસભાની ચૂંટણી માથે હતી અને દેશની અર્થવ્યવસ્થાને લઇને સરકારને લોકો વચ્ચે જવામાં પરેશાની થતી હતી.
આ ઉપરાંત સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વિવાદનો એક બીજો મોટો મુદ્દો રિઝર્વ બેંકના અનામત રાશિ અંગેનો હતો. સરકાર રિઝર્વ બેંક પાસેથી આ જમા મૂડીની માંગ કરી રહી હતી કે જેથી કરીને અટકી રહેલી પરિયોજનાઓ પૂરી થઇ શકે. બીજી બાજુ રિઝર્વ બેંક સમક્ષ આ નાણા છૂટા કરવા એ મોટા જોખમ સમાન ગણાય.
હકીકતમાં બેંક રિઝર્વ કટોકટીના સમયે માર્ગ કાઢવામાં કામ લાગતી હોય છે. જોકે સરકારનું એવું માનવું હતું કે રિઝર્વ બેંકની અનામત મૂડી વૈશ્વિક માપદંડો કરતા વધારે છે. એવામાં રિઝર્વ બેંકે પોતાના સરપ્લસમાંથી ઓછામાં ઓછા સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા સરકારને આપવા જોઇએ જેથી કરીને સુસ્ત અર્થવ્યવસ્થામાં તેજી લાવી શકાય.
સરકારના રિઝર્વ બેંકના કામકાજમાં માથું મારવાના વલણને લઇને એક સમયે તત્કાલિન ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામુ આપી દે એવી વાતો પણ થતી હતી. જોકે શાંત સ્વભાવના મનાતા ઉર્જિત પટેલે એ વિવાદ વખતે મોઢું સીવી લીધું હતું. પરંતુ એ વખતે વિરલ આચાર્યએ કહ્યું હતું કે જે સરકારો પોતાની કેન્દ્રીય બેંકોની સ્વાયત્તતાનું સન્માન નથી જાળવતી તેમણે વહેલામોડા આર્થિક બજારોના ગુસ્સાનો સામનો કરવો પડે છે.
તેમણે આર્જેન્ટીનાનો દાખલો આપીને કહ્યું હતું કે કેન્દ્રીય બેંકના કામકાજમાં દખલગીરીની અર્થવ્યવસ્થા પર ઘાતક અસરો થઇ શકે છે. વિરલ આચાર્યએ સમગ્ર પરિસ્થિતિને ક્રિકેટની ભાષામાં સમજાવતા કહ્યું હતું કે રિઝર્વ બેંક ટેસ્ટ મેચ રમી રહી છે જ્યારે સરકાર ટ્વેન્ટી-ટ્વેન્ટી રમે છે.
જોકે તમામ વિવાદો વચ્ચે એવી પરિસ્થિતિ પણ આવી કે જ્યારે લાગ્યું કે સરકાર અને રિઝર્વ બેંક વચ્ચેનો વિવાદ ઉકેલાઇ ગયો છે. પરંતુ અચાનક ઉર્જિત પટેલે રિઝર્વ બેંકના ગવર્નરપદેથી રાજીનામુ આપીને અર્થજગતમાં ભૂકંપ લાવી દીધો.
હકીકતમાં ૧૯૯૦ બાદ ઉર્જિત પટેલ એક માત્ર એવા ગવર્નર હતાં જેમણે પોતાનો કાર્યકાળ પૂરો થયા અગાઉ જ રાજીનામુ આપી દીધું હોય. રિઝર્વ બેંકના અગાઉના ગવર્નર રઘુરામ રાજન સાથે પણ મોદી સરકારને મતભેદો હોવાનું બહાર આવ્યું હતું. તત્કાલિન મોદી સરકારે પ્રત્યક્ષ રીતે તો રઘુરામ રાજનના કામકાજ સામે કદી આંગળી નહોતી ચીંધી પરંતુ તેમના કામકાજની કદી ખુલ્લા મને પ્રશંસા પણ નહોતી કરી.
ઉર્જિત પટેલના રાજીનામા બાદ એવી ચર્ચા પણ ચાલી હતી કે વિરલ આચાર્યએ પણ ડેપ્યુટી ગવર્નરપદેથી રાજીનામુ આપી દીધું છે. જોકે એ વાત અફવા સાબિત થઇ હતી પરંતુ એ અફવાએ એટલું તો સાબિત કરી દીધું હતું કે ઉર્જિત પટેલ બાદ વિરલ આચાર્ય અને સરકારના સંબંધો પણ તણાવપૂર્ણ રહેવાના હતાં.
ઉર્જિત પટેલના રાજીનામા બાદ રિટાયર્ડ આઇએએસ શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના ગવર્નર બન્યાં. મોદી સરકારના નિકટના હોવાના નાતે તેમના શરૂઆતના વલણથી જ સ્પષ્ટ બન્યું કે તેઓ રઘુરામ રાજન અને ઉર્જિત પટેલની જેમ કડક વલણ અપનાવવા નહોતાં.
શક્તિકાંત દાસના ગવર્નર બનતાની સાથે જ સાર્વજનિક બેંકોને લોન આપવા પર આપેલી રોક દૂર કરવામાં આવી. એનપીએ અંગેના કડક નિયમોમાં પણ ઢીલ આપી દેવામાં આવી. રિઝર્વ બેંકના કેપિટલ ફ્રેમવર્ક અંગે પણ એક સમિતી નીમી દેવામાં આવી. આ સમિતીનો રિપોર્ટ પણ આવવાનો છે જેમાં એ નક્કી થઇ જશે કે રિઝર્વ બેંકની જમા રાશિમાંથી સરકારને કેટલી રકમ મળવાની છે.
રિઝર્વ બેંકની આ બધી ગતિવિધિઓ પ્રત્યે વિરલ આચાર્યની નારાજગી હતી કારણ કે તેઓ પણ રઘુરામ રાજન અને ઉર્જિત પટેલની જેમ જ એવા અર્થશાસ્ત્રીઓની જમાતમાંથી આવે છે જેમના માટે ટૂંકા ગાળાના લાભ કરતા અર્થવ્યવસ્થાના લાંબા ગાળાના હિતો મહત્ત્વ ધરાવતા હોય.
વળી વિરલ આચાર્યને રિઝર્વ બેંકના નવા ગવર્નર સાથે સૌથી મોટો મતભેદ તો વ્યાજદરોમાં સતત થઇ રહેલા ઘટાડાને લઇને હતો. શક્તિકાંત દાસના ગવર્નર બન્યા બાદ રિઝર્વ બેંક સતત ત્રણ વખત વ્યાજદરોમાં ઘટાડો કરી ચૂકી છે અને હાલ એ છેલ્લા નવ વર્ષના ન્યૂનત્તમ સ્તરે છે. આ અંગે રિઝર્વ બેંકના ગવર્નરનો તર્ક એવો છે કે મોંઘવારી નિયંત્રણમાં છે અને આર્થિક વૃદ્ધિ માટે વ્યાજના દરો ઘટાડવા જરૂરી છે.
બીજી બાજુ વિરલ આચાર્યનું માનવું એમ હતું કે મોંઘવારીને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોતા ઓછામાં ઓછી બે વખત તો વ્યાજના દરો યથાવત્ રાખવાની જરૂર હતી. જાણકારોના મતે વિરલ આચાર્ય એ મતના છે કે મૌદ્રિક નીતિ આર્થિક વૃદ્ધિના આધારે નહીં પરંતુ મોંઘવારીના આધારે નક્કી કરવી જોઇએ.
વર્તમાન ગવર્નર સાથે મતભેદો ઉપરાંત મોદી સરકાર બીજી વખત સત્તામાં આવતા વિરલ આચાર્યને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો કાર્યકાળ લંબાવવામાં નહીં આવે અને રિઝર્વ બેંકના વર્તમાન મેનેજમેન્ટમાં તેઓ એકલા પડી ગયાં છે. એટલા માટે જ તેમણે પોતાની ટર્મ પૂરી થયાના છ મહિના અગાઉ રાજીનામુ આપવાનું પસંદ કર્યું. જોકે વિરલ આચાર્યના રાજીનામા સાથે જ ફરી વખત રિઝર્વ બેંકની શાખ અને સ્વાયત્તતા સામે સવાલ ખડા થયા છે.
પહેલા ઉર્જિત પટેલ અને હવે વિરલ આચાર્ય જેવા માંધાંતા અર્થશાસ્ત્રીઓના કાર્યકાળ પૂરો થયા પહેલાંના રાજીનામાના કારણે એવી આશંકા પણ વ્યક્ત થઇ રહી છે કે ઉચ્ચ કક્ષાના અર્થશાસ્ત્રીઓ રિઝર્વ બેંકના ઊંચા પદો પર આવવાનું ટાળવા ન લાગે. યાદ રહે કે અરવિંદ પનગઢિયા અને અરવિંદ સુબ્રમણ્યન જેવા પ્રખર અર્થશાસ્ત્રીઓ પણ પોતાનો કાર્યકાળ પૂરો થયા પહેલાં રાજીનામા આપી ચૂક્યાં છે.