UPની પેટાચૂંટણીમાં માયાવતી હાથ ઘસતા રહી ગયાં!
- ઉત્તરપ્રદેશની વિધાનસભાની 11 બેઠકોની પેટાચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીનું ખાતું પણ ન ખૂલ્યું
- પેટાચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ દોષનો ટોપલો બીજાના માથે ઢોળવાની પરંપરા જાળવી રાખતા માયાવતીએ પોતાની હારને ભાજપ અને સમાજવાદી પાર્ટીનું સહિયારું ષડયંત્ર ગણાવ્યું છે અને તેમનું મનોબળ તોડવા માટે ભાજપે સમાજવાદી પાર્ટીને કેટલીક બેઠકો જીતવામાં મદદ કરી હોવાનો આક્ષેપ કર્યો છે
ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીનો કરૂણ રકાસ થયો છે. પેટાચૂંટણીમાં ભાજપે પોતાનું પ્રભુત્ત્વ જાળવી રાખતા ૭ બેઠકો પર વિજય હાંસલ કર્યો તો લોકસભાની ચૂંટણી બાદ અસ્તિત્ત્વ બચાવવા મથી રહેલી સમાજવાદી પાર્ટીને ૩ બેઠકો સાથે જીવતદાન મળ્યું છે.
હકીકતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા હુમલા કરીને ગઠબંધન તોડી નાખ્યું હતું. એ વખતે તો અખિલેશ યાદવે ચૂપકીદી સાધી હતી પરંતુ પેટાચૂંટણીમાં પોતાની તાકાત બતાવીને અખિલેશે માયાવતીને જોરદાર જવાબ આપ્યો છે. માયાવતીની આરોપો અંગે પ્રતિક્રિયા ન આપીને અખિલેશ યાદવે દર્શાવી દીધું છે કે વર્ષ ૨૦૨૨માં યોજાનારી ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો સમાજવાદી પાર્ટી જ કરશે. એટલું જ નહીં, જો ગઠબંધનની જરૂરિયાત ઊભી થઇ તો પણ તે સમાજવાદી પાર્ટીની શરતો પર જ થશે.
વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સપાટા સામે બહુજન સમાજ પાર્ટીને એક પણ બેઠક ન મળી અને ત્યારપછી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના વિજયરથ આગળ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો કરૂણ રકાસ થયો એ પછી રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત થઇ હતી.
હકીકતમાં એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવા માટે હાથ મિલાવ્યાં ત્યારે એવા કયાસ લગાવવામાં આવતા હતાં કે આ ગઠબંધન ઉત્તરપ્રદેશમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડશે. પરંતુ નુકસાન પહોંચાડવાની વાત તો દૂર સપા-બસપા ભેગા મળીને ભાજપને ટક્કર પણ ન આપી શક્યાં.
ખરેખર તો માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા ત્યારે રાજકીય પંડિતોને લાગ્યું હતું કે ઉત્તરપ્રદેશના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થઇ છે કારણ કે માયાવતીએ વર્ષોજૂની દુશ્મનાવટ ભૂલીને ૨૫ વર્ષ બાદ ફરી એક વખત ગઠબંધન કર્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા થયેલા જોડાણ દરમિયાન અખિલેશ યાદવે જ માયાવતીને ગઠબંધનના નેતા તરીકે સ્વીકારી લીધાં હતાં. નેતાગીરીના મામલે અખિલેશ યાદવે નમતું જોખીને પણ માયાવતી સાથે જૂનિયર પાર્ટનર તરીકે જોડાવા અંગે પણ રાજીપો દર્શાવ્યો હતો. એ પછી બેઠકોની વહેંચણીના મામલે પણ માયાવતીએ તેવર દેખાડયાં હતાં અને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી કરતા વધારે બેઠકો પર ઉમેદવારી મેળવવામાં કામિયાબ રહ્યાં હતાં.
ખરેખર તો સપા-બસપા જોડાણ થયા બાદ એવું લાગી રહ્યું હતું કે અખિલેશ યાદવે માયાવતી સામે જાણે આત્મસમર્પણ કરી દીધું છે. ખરેખર તો અખિલેશ યાદવ કરતા માયાવતીને ગઠબંધનની જરૂર વધારે હતી એટલા માટે દબાણમાં પણ તેમણે હોવું જોઇતું હતું પરંતુ બન્યું એથી ઉલટુ. બહજુન સમાજ પાર્ટીને વધારે બેઠકો તો મળી ઉપરાંત સમાજવાદી પાર્ટીની સરખામણીમાં આસાન બેઠકો પણ મળી.
હકીકતમાં ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે અખિલેશ યાદવે માયાવતી સામે જે હદે નમતું જોખ્યું પરંતુ ભાજપનું કદ સીમિત કરવા જતાં પોતે જ કદ પ્રમાણે વેતરાઇ ગયા. બીજી બાજુ સમાજવાદી પાર્ટી સાથેના જોડાણના કારણે માયાવતીની ડૂબી રહેલી રાજકીય કારકિર્દીને તણખલું મળ્યું હતું અને વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ન મેળવી શકનાર બહુજન સમાજ પાર્ટીને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દસ બેઠકો મળી હતી.
જોકે લોકસભાની ચૂંટણી બાદ માયાવતીનો તકસાધુ ચહેરો ફરી વખત સામે આવ્યો હતો અને તેમણે સમાજવાદી પાર્ટી ઉપર વોટ ટ્રાન્સફર ન કરી શકવાનો આરોપ મૂકીને છેડો ફાડી નાખ્યો હતો. એટલું જ નહીં, ચૂંટણીમાં મળેલી સફળતાના નશામાં રાજ્યની વિધાનસભાની પેટાચૂંટણી પણ એકલે હાથે લડવાની જાહેરાત કરી નાખી હતી. પરંતુ પેટાચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું છે કે માયાવતીનો સૂર્ય અસ્તાચળે છે. ઉલટું, આ પેટાચૂંટણી બાદ અખિલેશ યાદવ વધારૈ મજબૂત બનીને બહાર આવ્યાં છે.
ઉત્તરપ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના દેખાવની વાત કરીએ તો પાર્ટીએ રામપુરની બેઠક જાળવી રાખી છે તો ભાજપ પાસેથી બારાબંકીના જેદપુરની બેઠક આંચકી લીધી છે. એટલું જ નહીં, બહુજન સમાજ પાર્ટીનો કિલ્લો ગણાતી જલાલપુર બેઠક ઉપર પણ સમાજવાદી પાર્ટીએ કબજો મેળવ્યો છે. એ સાથે જ સમાજવાદી પાર્ટી ચાર બેઠકો પર બીજા સ્થાને રહી છે. બહુજન સમાજ પાર્ટીનું આ પેટાચૂંટણીમાં ખાતું પણ નથી ખૂલ્યું અને તેણે માત્ર અલીગઢની ઇગલાસ અને જલાલપુર બેઠક પર બીજા સ્થાને રહીને સંતોષ માનવો પડયો છે.
એમાંયે ઇગલાસ બેઠક પર સમાજવાદી પાર્ટી ચૂંટણી લડી નહોતી. તેણે આ બેઠક સહયોગી રાષ્ટ્રીય લોકદળ માટે ફાળવી હતી પરંતુ રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર સમયસર ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા.
એ સિવાય ત્રણ બેઠકો પર બહુજન સમાજ પાર્ટી છેક ત્રીજા સ્થાને રહી છે. તો બાકીની બેઠકો પર ચોથા અને પાંચમા સ્થાને સરકી ગઇ છે. આટલું ઓછું હોય એમ ચાર બેઠકો પરથી તો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. બહુજન સમાજ પાર્ટીના મતોની ટકાવારી પણ ઘટીને ૧૭ ટકાએ આવી ગઇ છે, બીજી બાજુ સમાજવાદી પાર્ટીના મતોની ટકાવારી વધીને ૨૫ ટકાએ પહોંચી છે.
અખિલેશ યાદવ માટે પેટાચૂંટણીના પરિણામો સંજીવનીસમાન છે. હકીકતમાં લોકસભાની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીમાં ભંગાણ પડયું હતું અને તેના અનેક વિધાન પરિષદ અને રાજ્યસભાના સભ્યો પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતાં. પરિણામે પેટાચૂંટણીમાં અખિલેશ યાદવે ખાસ રસ દાખવ્યો નહોતો. માત્ર રામપુર બેઠક પર આઝમખાનના પત્ની ચૂંટણી લડી રહ્યાં હોવાના કારણે અખિલેશે એ બેઠક માટે જ ચૂંટણીપ્રચાર કર્યો હતો. ભાજપે આ બેઠક પર સમાજવાદી પાર્ટીને હરાવવા માટે ભારે પ્રયાસો કર્યાં હતાં પરંતુ સમાજવાદી પાર્ટી રામગઢનો કિલ્લો સાચવવામાં સફળ રહી હતી.
પરાજય બાદ દોષનો ટોપલો બીજાના માથે ઢોળવાની પરંપરા જાળવી રાખતા માયાવતીએ પોતાની હારને ભાજપ અને સમાજવાદી પાર્ટીનું સહિયારું ષડયંત્ર ગણાવ્યું છે. માયાવતીએ આરોપ મૂક્યો છે કે તેમની પાર્ટીનું મનોબળ તોડવા માટે ભાજપે સમાજવાદી પાર્ટીને કેટલીક બેઠકો જીતવામાં સહાય કરી છે. એ સાથે જ તેમણે દાવો કર્યો છે કે તેમની પાર્ટીને એક પણ બેઠક ન જીતવા દેવાના આ ષડયંત્રને ફેલ કરવા માટે તેઓ પૂરું જોર લગાવી દેશે.
આમ તો માયાવતીની બહુજન સમાજ પાર્ટી પેટાચૂંટણી લડતી નથી તેમ છતાં આ વખતે તેણે પોતાની એ પરંપરા તોડીને રણમેદાનમાં ઝંપલાવ્યું હતું પરંતુ માયાવતીની આ નવી રણનીતિ કામ લાગી નથી. સમાજવાદી પાર્ટી તો ઠીક, ઉત્તરપ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીની સ્થિતિ કોંગ્રેસ કરતા પણ નબળી પડી ગઇ છે. કોંગ્રેસે આ પેટાચૂંટણીમાં એક પણ બેઠક મેળવી નથી છતાં તે અંદરખાને રાજી જણાઇ રહી છે.
કારણ કે આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના મતોની ટકાવારીમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં બમણો વધારો થયો છે. રાજકીય પંડિતોના મતે પ્રિયંકા ગાંધીના સતત પ્રયાસોના કારણે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું સ્થાન ધીમે ધીમે પરંતુ મક્કમપણે મજબૂત બની રહ્યું છે.
બહુજન સમાજ પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ માયાવતીના ગઠબંધન તોડવાના નિર્ણય સામે પણ સવાલ ખડાં થઇ રહ્યાં છે.
માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે ગઠબંધનથી તેમની પાર્ટીને કોઇ લાભ થયો નથી પરંતુ પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપને નકારનારા મતદારોએ માયાવતીની સરખામણીમાં અખિલેશ યાદવને વધારે પસંદ કર્યા છે. એવું પણ લાગી રહ્યું છે કે માયાવતીની દલિત વોટબેંક પણ ભાજપની તરફેણમાં જતી રહી છે અને રહ્યાસહ્યાં દલિત મત પણ સમાજવાદી પાર્ટી તરફ વળી રહ્યાં છે.
એકંદરે જોતાં ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપને ખાસ નુકસાન થયું નથી તો સમાજવાદી પાર્ટી માટે પરિણામો આશાના કિરણસમાન છે. કોંગ્રેસ માટે પણ ભલે એક પણ બેઠક ન આવી હોવા છતાં મતોની ટકાવારીમાં થયેલો વધારો સંતોષજનક છે. પરંતુ ચૂંટણીના પરિણામો માયાવતીની બહુજન સમાજ પાર્ટી માટે ખતરાની ઘંટડીસમાન છે.