Get The App

સમગ્ર દેશમાં NRC લાગુ કરવાની કવાયત વ્યવહારિક છે ખરી?

ગૃહમંત્રી અમિત શાહે આખા દેશમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશીપ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી

Updated: Nov 25th, 2019

GS TEAM

Google News
Google News
સમગ્ર દેશમાં NRC લાગુ કરવાની કવાયત વ્યવહારિક છે ખરી? 1 - image


દેશના એક નાનકડા રાજ્યમાં જ એનઆરસી વ્યવસ્થા લાગુ કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો અને બેમર્યાદ માનવસંસાધનનો ઉપયોગ થયો તો એ જ પ્રક્રિયા સમગ્ર દેશમાં લાગુ કેટલી પડકારજનક બની રહેશે એ મોટો સવાલ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા અઠવાડિયે સંસદમાં જાહેરાત કરી હતી કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશીપ (NRC) સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મતલબ કે અમુક દસ્તાવેજોના આધારે જ નાગરિકતા સાબિત કરી શકનારા લોકો જ ભારતના નાગરિક ગણવામાં આવશે. ઓગસ્ટમાં આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી. હવે સમગ્ર દેશમાં આ વ્યવસ્થા લાગુ કરવાને લઇને એનઆરસી ફરી વખત ચર્ચાનો વિષય બન્યો છે. 

આસામમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ આસામમાં લગભગ છેલ્લા છ વર્ષથી જનઆંદોલન ચાલી રહ્યું હતું અને એના પગલે આસામમાં એનઆરસી લાગુ કરવામાં આવ્યો હતો. આસામનો મામલો સુપ્રીમ કોર્ટમાં હતો અને કોર્ટે અંતિમ યાદી જાહેર કરવા માટે ઓગસ્ટના અંત સુધીની સમયમર્યાદા આપી હતી. એનઆરસીનો ઉદ્દેશ દેશના વાસ્તવિક નાગરિકો અને ગેરકાયદેસર શરણાર્થીઓની ઓળખ કરવાનો છે.

આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢવા માટે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું હતું. દુનિયાના સૌૈથી મોટા અભિયાનોમાંના એક ગણાયેલી આ કવાયતમાં ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટની જોગવાઇ છે. અર્થાત્ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની પહેલા ઓળખ કરવામાં આવશે અને પછી તેમને દેશનિકાલ કરવામાં આવશે. કહેવાય છે કે આસામમાં લગભગ ૫૦ લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. જેના કારણે છેલ્લા કેટલાયે દશકોથી રાજ્યમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ સર્જાઇ છે. 

દેશના ભાગલા પડયા બાદ તત્કાલિન પૂર્વ પાકિસ્તાનથી આવતા ગેરકાયદેસર શરણાર્થીઓની ઓળખ માટે આસામમાં ૧૯૫૧માં પહેલી વખત એનઆરસીને અપડેટ કરવામાં આવ્યો હતો. આસામના તત્કાલિન મુખ્યમંત્રી ગોપીનાથ બારોદોલોઇ ભાગલા બાદ પૂર્વ પાકિસ્તાનથી ભાગીને આવેલા બંગાળી હિન્દુ શરણાર્થીઓને આસામમાં વસાવવા વિરુદ્ધ હતાં. એ વખતે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા  બારદોલોઇનો અસંતોષ દૂર કરવા માટે પહેલી વખત ઓળખવિધિ કરવામાં આવી હતી. 

જોકે એ પછી પણ બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી સતત ચાલુ રહી. ખાસ કરીને ૧૯૭૧ બાદ તો એટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓ પહોંચ્યાં કે રાજ્યમાં વસતીનું સ્વરૂપ જ બદલાવા લાગ્યું. આસામમાં ઘૂસણખોરોને પાછા કાઢવાનું આ અભિયાન લગભગ છેલ્લા ૩૭ વર્ષોથી ચાલી રહ્યું છે.

પાછલા વર્ષોમાં અનેક વખત સ્થાનિક લોકો અને ઘૂસણખોરોમાં હિંસક અથડામણો પણ સર્જાઇ છે. ૧૯૮૦ના દશકથી જ આસામમાં ઘૂસણખોરોને પાછા હાંકી કાઢવાના આંદોલન ચાલી રહ્યાં છે. ઘૂસણખોરોના હાંકી કાઢવા માટેનું સૌથી પહેલું આંદોલન ૧૯૭૯માં આસામ સ્ટુડન્ટ યૂનિયન અને આસામ ગણ પરિષદે શરૂ કર્યું હતું. લગભગ છ વર્ષ સુધી ચાલેલા આ આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું જેમાં હજારો લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. 

હિંસાને રોકવા માટે ૧૯૮૫માં કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમજૂતિ થઇ. એ વખતે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્ટુડન્ડ યૂનિયન અને આસામ ગણ પરિષદના નેતા વચ્ચે મુલાકાત યોજાઇ જેમાં નક્કી કરવામાં આવ્યું કે ૧૯૫૧થી ૧૯૭૧ વચ્ચે આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવશે અને ૧૯૭૧ બાદ આવેલા લોકોને પાછા મોકલવામાં આવશે.

જોકે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મતભેદો સર્જાતા આ સમજૂતિ નિષ્ફળ ગઇ. એ પછી આસામમાં સામાજિક અને રાજકીય તણાવ વધતો જ રહ્યો. ૨૦૦૫માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એનઆરસી લિસ્ટ અપડેટ કરવા માટે સમજૂતિ કરી. પરંતુ એમાં ધીમા કામકાજના કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોં. 

સમગ્ર મામલે રાજકીય ઘટનાક્રમ જોઇએ તો કોંગ્રેસે એમાં નિષ્કિયતા દાખવી અને ભાજપે મોકાનો ફાયદો ઉઠાવીને રાજકીય સોગઠી મારી અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે આને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. ભાજપે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન બાંગ્લાદેશીઓને તેમના દેશ પાછા મોકલવાની વાત કરી. એ પછી ૨૦૧૫માં કોર્ટે એનઆરસી લિસ્ટ અપડેટ કરવાનો આદેશ આપ્યો. ૨૦૧૬માં આસામમાં ભાજપની પહેલી સરકાર બની અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પાછા મોકલવાની પ્રક્રિયા ફરી વખત તેજ બની.

એનઆરસી લિસ્ટને લઇને સૌથી મોટો ભય એમાં નામ ન હોય એવા મુસ્લિમોને છે. આ યાદીમાં નામ ન હોય એવા લોકોનેે હવે એ ડર સતાવી રહ્યો છે કે સરકાર તેમને ભારતીય નાગરિક માનવાનો ઇન્કાર કરીને દેશનિકાલ કરી દેશે. આસામની કુલ ૩.૨ કરોડની વસતીમાં લગભગ ત્રીજો ભાગ મુસ્લિમ સમુદાયનો છે. એનઆરસી લિસ્ટમાં જે ૧૯ લાખ લોકોના નામ નથી એમાં મુસ્લિમો ઉપરાંત હિન્દુ શરણાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે. એવા પણ લોકો છે જે ભારતીય નાગરિક હોવા છતાં પૂરતા પુરાવાના અભાવે પોતાનું નામ નોંધાવી શક્યા નથી. 

એનઆરસીની યાદીમાં નામ ન હોય એવા આસામના જ હજારો પરિવારો વિખેરાઇ જાય એવી શક્યતા ઊભી થઇ છે. એનઆરસીની પ્રથમ યાદી વખતે અનેક મામલાઓમાં જોવા મળ્યું હતું કે યાદીમાં પરિવારના કોઇક સભ્યનું નામ જ ન હોય. અમુક કિસ્સામાં પત્ની અને સંતાનોના નામ હતાં પરંતુ પરિવારના મોભી અને રોજગાર લાવતા વ્યક્તિનું નામ જ નહોતું. કેટલાક કિસ્સામાં પતિ અને સંતાનોના નામ હતાં તો પરંતુ પત્નીનું નામ નહોતું. એનઆરસીની યાદીમાં સામેલ ન હોય એવી મહિલાઓ માટે તો મોટી મુસીબત સર્જાઇ હતી.

એનઆરસીની શરતો અનુસાર વંશાવળીની સાબિતી માટે વિવાહિત મહિલાએ પોતાના માતાપિતા સાથેના સંબંધનો પુરાવો આપવાનો હતો. પરંતુ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો મહિલાઓ માટે એ સમસ્યા હતી કે તેઓ કદી સ્કૂલે જ ગઇ નથી કે નથી તેમના લગ્નું રજિસ્ટ્રેશન થયું. પરિણામે તેમની પાસે તેમની ઓળખના નક્કર પુરાવા જ નથી. સરકારે યાદીમાં નામ ન હોય એવા લોકોને હજુ પણ પોતાની ઓળખ સાબિત કરવા માટે બીજા પુરાવા આપવા ફરમાન કર્યું હતું. પરંતુ લોકો શક્ય એવા તમામ પુરાવા રજૂ કરી ચૂક્યાં હતાં તો નવા પુરાવા ક્યાંથી લાવવા એ મોટો સવાલ હતો.

આસામમાં ઓગસ્ટમાં જાહેર થયેલી યાદીમાં ૧૯ લાખ લોકો બાકાત રહી ગયા છે પરંતુ રાજ્યમાં જે પ્રક્રિયા લાગુ કરવામાં આવી એને લઇને જ સત્તાધારી ભાજપમાં અસંતોષ છે. આસામની ભાજપ સરકારમાં મંત્રી હિમંત બિસ્વ સરમાએ તો એનઆરસી યાદી જ રદ્ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો આ સિસ્ટમ પૂરા દેશમાં લાગુ કરવી હોય તો તમામ રાજ્યોમાં એક જ કટ ઓફ યાદી હોવી જોઇએ. એનો અર્થ એ કે આસામમાં કટ ઓફ વર્ષ ૧૯૭૧ છે તો બધાં રાજ્યોમાં એ જ વર્ષ પ્રમાણે યાદી તૈયાર થવી જોઇએ. 

આસામમાં લાંબી પ્રક્રિયા બાદ એનઆરસી યાદી બહાર આવી છે પરંતુ એનાથી તમામ પક્ષો અસંતુષ્ટ છે. જે ૧૯ લાખ લોકો એમાંથી બહાર રહી ગયાં એમાં દેશના એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પરિવારજનો પણ સામેલ છે. વળી જે ગેરકાયદેસર ઘૂસણખોરોને કાઢવા માટે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ લોકોની ઓળખ જ થઇ શકી નથી.

અનેક કાયદેસરના લોકો પણ યાદીની બહાર રહી ગયા હોવાની ફરિયાદ તમામ રાજકીય પક્ષોની છે. હવે જો એક નાનકડા રાજ્યમાં જ એનઆરસીની યાદી તૈયાર કરવામાં આટલી બધી કઠણાઇઓનો સામનો કરવાનો થયો હોય તો સવાસો કરોડ કરતાયે વધારે વસતી ધરાવતા આખા દેશમાં આ પ્રક્રિયા લાગુ કરવી કેટલી પડકારજનક બની રહેશે એ મોટો સવાલ છે.

હવે આસામમાં પણ આ જ લાંબી પ્રક્રિયા ફરી વખત લાગુ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટના સંરક્ષણ હેઠળ તૈયાર થઇ રહેલી યાદી જ બાતલ જશે. મતલબ કે છેલ્લા ચાર વર્ષોમાં કરોડો રૂપિયાના ખર્તે તૈયાર થઇ રહેલી એનઆરસી અને એના તૈયાર કરવામાં થયેલા સંસ્થાગત અને માનવ કલાકો વેડફાઇ જશે. નામ ન હોવાના કારણે જે લાખો લોકોએ ભયંકર હાલાકી અને પરેશાનીનો અનુભવ કર્યો એ પણ ભૂલાવી દેવામાં આવશે.

કાળક્રમે જે અનુભવ યાદીમાંથી બહાર રહી ગયેલા આસામના લોકોએ કર્યો એ જ ત્રાસ કદાચ આખા દેશના બીજા લાખો કરોડો લોકોએ વેઠવાનો થશે. અને કદાચ કરોડો લોકો એવા નીકળ્યાં કે જે પોતાની નાગરિકતા સાબિત ન કરી શક્યા તો તેમની સાથે શું કરવામાં આવશે એ પણ મોટો સવાલ છે. આસામની તો આ એક ઐતિહાસિક સમસ્યા હતી જેનો ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટે એનઆરસીનો માર્ગ સૂચવ્યો હતો પરંતુ અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર ઘૂસણખોરીનો મુદ્દો નથી.

જો કોઇ રાજ્ય આ પ્રક્રિયામાં સામેલ થવા માટે ઇન્કાર કરી દે તો એના પર દબાણ સર્જવામાં આવશે કે કેમ એ સ્પષ્ટ નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તો પહેલેથી જ કહી દીધું છે કે તેઓ પોતાના રાજ્યમાં એનઆરસી લાગુ કરવા દેશે નહીં. એકંદરે જોતાં સમગ્ર કવાયત દેશને એક નાહકની પરેશાનીમાં નાખવા સમાન છે. આ પ્રક્રિયા પાછળ બેમર્યાદ માનવ સંસાધન અને પુષ્કળ ખર્ચ થવાનો સંભવ છે. એવામાં સરકારે સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવા મામલે પુનર્વિચાર કરવાની જરૂર છે.

Tags :