ચીન-ભારત વચ્ચે હવે લદ્દાખમાં દોકલામ જેવું સ્ટેન્ડઓફ સર્જાવાના એંધાણ
- લદ્દાખ બોર્ડર પર ચીને વધારેલી સૈનિકોની સંખ્યાના જવાબમાં ભારતીય સેનાએ પણ ટેન્ટ ઊભા કરી દીધાં
- છેલ્લા થોડા વર્ષોથી ભારત પણ ચીનની રણનીતિ પર ચાલીને સરહદ પાસે માળખાકીય વિકાસ કરી રહ્યું છે અને સડકોથી લઇને એરસ્ટ્રીપનું નિર્માણ કર્યું છે જેના કારણે ભારત હવે ઇચ્છે ત્યારે સરળતાથી બોર્ડર પર સૈનિકોથી લઇને શસ્ત્રસરંજામ પહોંચાડી શકે છે અને ચીનની ઊંઘ એ વાતે જ ઊડી ગઇ છે
ત્રણ વર્ષ પહેલા દોકલામમાં સર્જાયેલા વિવાદ બાદ ફરી વખત ભારત અને ચીનની સેનાઓ આમનેસામને છે અને તણાવ ચરમસીમાએ છે. આમ તો દોકલામ બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણના નાનામોટા અનેક બનાવો બન્યાં છે પરંતુ આ વખતે લદ્દાખની સરહદે વાત સૈનિકોની સંખ્યા વધારવાની હદે પહોંચી ગઇ છે. એક તરફ ચીની સેનાએ ટેન્ટ લગાવ્યાં છે તો જવાબમાં ભારતે પણ પોતાની સૈન્યશક્તિ વધારી દીધી છે.
આ મહિનાની શરૂઆતમાં પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં બંને દેશોના કેટલાંક સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતાં. એ પછી પ્રોટોકોલ અંતર્ગત વિવાદ ઉકેલાઇ ગયો હતો પરંતુ એ પછી ૯ મેના દિવસે ભારત અને ચીનની સેના વચ્ચે સિક્કિમના નાકૂલા સેક્ટરમાં અથડામણ સર્જાઇ હતી. પાંચ હજાર ફૂટની ઊંચાઇએ આવેલા નાકૂલા સેક્ટર ખાતે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી મારામારીમાં સાત ચીની સૈનિકો અને તાર ભારતીય સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતાં. જોકે સિક્કિમ ખાતે પણ સ્થાનિક સ્તરે વાતચીત કરીને મામલો ઉકેલવામાં આવ્યો હતો.
વર્તમાન વિવાદ પૂર્વ લદ્દાખના ગલવાન નાલા અને પેન્ગોંગ સરોવર પાસે આવેલા ફિંગર ૪ વિસ્તાર પાસે છે. ગલવાન ખીણમાં ભારતના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ભારતની સરહદની અંદર સડક બનાવવાની તૈયારી શરૂ કરી એ ચીનને ખટક્યું ચીની સૈનિકોએ એમાં અવરોધ ઊભો કર્યો. એ પછી વિવાદ વધી જતાં ચીને એક હજાર કરતા વધારે સૈનિકો તૈનાત કરી દીધાં તો જવાબમાં ભારત પણ પોતાનું સૈન્યબળ વધારવા લાગ્યું છે. પેન્ગોંગ સરોવર પાસે ફિંગર ૪ વિસ્તારમાં નવા બંકર ઊભા કર્યાં અને નવા ટેન્ટ લગાવ્યાં તો ભારતીય સેનાએ પણ પોતાના ટેન્ટ જમાવી દીધાં છે.
હકીકતમાં લદ્દાખમાં સૈન્યબળ વધારવા પાછળ ચીનનો ડર છુપાયેલો છે. બોર્ડર રોડ એન્ડ ઓર્ગેનાઇઝેશને ચીન સાથે જોડાયેલી સરહદ પાસેના વિસ્તારમાં ૨૭૨ સડકો બનાવવાની યોજના બનાવી છે જેમાંની આશરે ૩૩૨૩ કિલોમીટર લાંબી ૬૧ સડકો વ્યૂહાત્મક રીતે ભારે મહત્ત્વની મનાય છે.
આમાંની આશરે ૨૩૦૪ કિલોમીટર સડકોનું કામ પૂરું થઇ ચૂક્યું છે અને બાકી રહેલું કામ પૂરજોશમાં ચાલુ છે. શ્યોક અને ગલવાન નદી ઉપર પણ નિર્માણકાર્ય ચાલું છે. ચીન એ વાતે વાંધો ઉઠાવી રહ્યું છે કે ડબૂ્રક-શ્ટોક-દૌલતબેદ ઓલ્ડી રોડ નામના સ્થળે ભારત લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની તેની તરફ સક બનાવી રહ્યું છે. ચીનના આ દાવાને ભારતે ફગાવી દેતાં કહ્યું છે કે તે પોતાની સરહદમાં રહીને જ સડકનું નિર્માણ કરી રહ્યું છે.
દોલતબેગ ઓલ્ડી દેપસાંગના ઉચ્ચપ્રદેશ પાસે છે જે અક્સાઇ ચીનનો એ વિસ્તાર છે જેના પર ચીને ૧૯૬૨થી કબજો જમાવી રાખ્યો છે. ભારતે દોલતબેગ ઓલ્ડી સુધીની ૨૩૫ કિલોમીટર લાંબી સડક તૈયાર કરી દીધી છે. આ રોડ ભારતને કારાકોરમ હાઇવે સુધી પણ સરળતાથી પહોંચાડી શકે છે.
અહીંયા તૈયાર કરેલા એરબેઝ પર વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાનો લેન્ડિંગ પણ કરી ચૂક્યાં છે. દોલતબેગ ઓલ્ડી ખાતે તૈયાર કરેલું એડવાન્સ્ડ્ લેન્ડિંગ ગ્રાઉન્ડ દુનિયાની સૌથી ઊંચાઇએ આવેલી એરસ્ટ્રીપ છે. એના કારણે ભારત હવે ઇચ્છે ત્યારે સરળતાથી બોર્ડર પર સૈનિકોથી લઇને શસ્ત્રસરંજામ પહોંચાડી શકે છે અને ચીનની ઊંઘ એ વાતે જ ઊડી ગઇ છે.
દરિયાની સપાટીથી ૪૩૫૦ મીટર ઊંચાઇએ આવેલું પેન્ગોંગ સરોવર ૬૦૪ ચોરસ કિલોમીટર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલું છે. ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા આ સરોવરમાં થઇને પસાર થાય છે. નિયંત્રણ રેખાને લઇને બંને દેશો વચ્ચે દાવા-પ્રતિદાવા થતા રહે છે જેના કારણે બંને દેશોની સેનાઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું હોય છે.
ગયા વર્ષે પણ આ વિસ્તારમાં બને દેશો વચ્ચે ઘર્ણ થયું હતું. આ અગાઉ પણ ઓગસ્ટ ૨૦૧૭માં બંને દેશોના સૈનિકો વચ્ચે પેન્ગોંગ સરોવર ખાતે અથડામણ સર્જાઇ હતી. એ વખતે ધક્કામુક્કી કરતા અને બૂમો પાડતા બંને દેશોના સૈનિકોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ વખતે પણ બ્રિગેડિયર કક્ષાની વાતચીત બાદ વિવાદ ઉકેલાયો હતો.
આ વખતે ભારત નમતું જોખવાના મિજાજમાં નથી અને ચીન સાથે લાંબા સ્ટેન્ડઓફ માટે તૈયાર છે. હકીકતમાં ચીન વર્ષોથી સરહદ પર ભારે માળખાકીય વિકાસ કર્ચો છે અને ભારત પણ હવે એ માર્ગે છે. છેલ્લા ચાર વર્ષોમાં ભારતે લાઇન ઓફ એક્ચ્યુલઅલ કંટ્રોલ પર સડકો અને લેન્ડિંગ સ્ટ્રીપ બનાવવાનું કામ કર્યું છે જેના કારણે સૈનિકોને એલએસી પર પહોંચાડવા આસાન બની ગયા છે.
હવે ચીનની કોઇ પણ અણછાજતી હરકતનો તુરંત જવાબ મળે છે. ચીન પેટ્રોલિંગ વધારે છે તો ભારત પણ તરત પોતાનું પેટ્રોલિંગ વધારી દે છે. એના કારણે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણના બનાવો વધી રહ્યાં છે. અગાઉ દોકલામ વખતે પણ ચીને ભારે આક્રમકતા દર્શાવી હતી પરંતુ ભારતે નમતું જોખ્યું નથી. દોકલામ વિવાદ ઉકેલાયા બાદ બંને દેશો વચ્ચે ગંભીર અથડામણ ન થવા દેવા અંગે સમાધાન થયું હતું પરંતુ ચીન ફરી વખત એવા જ આક્રમક તેવર દર્શાવવા લાગ્યું છે.
આમ તો છેલ્લા થોડા સમયથી ચીન ભારત સાથેના સંબંધો સુધારવાની સૂફિયાણી વાતો કરે છે. એનું કારણ સ્પષ્ટ છે કે વર્તમાન સમયમાં ભારત વૈશ્વિક ફલક ઉપર પોતાનું કદ વધારી રહ્યું છે.
આજે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાની સાથે સાથે લશ્કરી દૃષ્ટિએ દુનિયાનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે તો બીજી બાજુ સામ્રાજ્યવાદી માનસિકતા, નિરંકુશ માર્ક્સવાદી સામ્યવાદ અને મૂડીવાદી અર્થવ્યવસ્થાના ખતરનાક સંયોજન દ્વારા ચીન વિશ્વની મહાસત્તાઓમાં સામેલ છે.
ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે.
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ ચીને પાકિસ્તાનના દરેક પગલાંમાં સાથ આપ્યો છે. એટલું જ નહીં, લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના ભારત સરકારના નિર્ણયનો પણ ચીને વિરોધ કર્યો છે. યૂ.એન. સહિતના દરેક વૈશ્વિક મંચ પર તે પાકિસ્તાનનો સાથ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બંને દેશોના પ્રતિનિધિઓ છેલ્લા છ દાયકામાં જુદાં જુદાં સ્તરે કુલ ૪૫ વખત મંત્રણાના ટેબલ પર આવી ચૂક્યાં છે તેમ છતાં સરહદી વિવાદ ઉકેલાયો નથી.
ખરી રીતે જોતા તો પંડિત જવાહરલાલ નહેરુના જમાનાના હિન્દી-ચીની ભાઇ ભાઇથી લઇને ૧૯૬૨ના યુદ્ધ અને ગયા વર્ષના દોકલામ વિવાદ સુધી ભારત અને ચીનના સંબંધો ભાગ્યે જ સત્યના પાયા ઉપર રહ્યાં છે. બંને પાડોશી દેશો વચ્ચે ક્યારેક સંબંધોમાં બહુ ઉત્સાહ જોવા મળે છે તો ક્યારેક એવા દાવા થાય છે કે બંને વચ્ચે સંબંધો સુધરવાની આશા ઠગારી છે. બીજું એ કે વૈશ્વિક ફલક ઉપર ભારતના વધી રહેલા કદનું ચીન સખત વિરોધી છે. યૂ.એન.માં ભારતના કાયમી સભ્યપદનું ચીન કાયમ વિરોધ કરતું આવ્યું છે.
તો ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશ આડે પણ ચીન કાયમ રોડાં નાખે છે. એટલું જ નહીં, આતંકવાદ જેવા સંવેદનશીલ મુદ્દે પણ ચીન ભારતને સાથ આપતું નથી. ચીનની મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પરિયોજનામાં ભારત ભાગીદાર નથી બન્યું એ ચીનને ભારે કઠે છે.
સરહદે અતિક્રમણ કરવાની સાથે સાથે ચીન ભારત સાથે મિત્રતાભર્યા વ્યૂહાત્મક વાર્તાલાપ પણ જારી રાખે છે. એક તરફ તે ભારતને પુરાણા મિત્ર અને વ્યાવસાયિક ભાગીદાર તરીકે સંબોધે છે અને બીજી તરફ અજાણતા જ ભારત સાથેની સરહદે છાશવારે છમકતાં કર્યા કરે છે. આ જ ચીનની ખરી રણનીતિ છે. ભારત સાથેના સંબંધોમાં સ્થિરતા જાળવીને ભારતના બજાર સુધી પહોંચ બનાવવી અને સૈન્ય તાકાતના જોરે એશિયામાં પોતે બોસ છે એવું જતાવવા માંગે છે.
હકીકત એ છે કે ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે. સાથે સાથે ભારતના નાગરિકો અને દુનિયાને એવું દર્શાવવા માટે પણ છે કે ચીન પોતાની મનમરજીથી સરહદ પર હિલચાલ કરવા સમર્થ છે. આ લડાઇ જમીન ઉપરાંત દિમાગની પણ છે અને એશિયાની બે મહાન સત્તાઓ પોતાનો પ્રભાવ જાળવવા આમનેસામને છે.