ગરજ સરી ને વૈદ્ય વેરીઃ માયાવતીએ અખિલેશ યાદવને પડતા મૂક્યાં
ભવિષ્યની તમામ નાનીમોટી ચૂંટણીઓ એકલે હાથે લડવાની માયાવતીની જાહેરાત
રાજકારણમાં તકવાદી જોડાણો અને વિચ્છેદો સામાન્ય બાબત છે અને એમાંયે માયાવતીનો તો રાજકીય ઇતિહાસ જ તકસાધુ નેતા તરીકેનો રહ્યો છે એટલે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી નાખીને અખિલેશ યાદવની વગોવણી કરવાની તેમની નીતિથી કોઇને આશ્ચર્ય થયું નથી
લોકસભાની ચૂંટણી બાદ બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચેનો ખટરાગ સતત વધી રહ્યો છે. ખાસ કરીને માયાવતીનો મિજાજ દિવસે ને દિવસે વધારે આકરો બની રહ્યો છે. થોડા દિવસો અગાઉ ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં એકલે હાથે ઝંપલાવવાની જાહેરાત કર્યા બાદ માયાવતીએ હવે સમાજવાદી પાર્ટી સાથેના જોડાણને મોટી ભૂલ ગણાવતા ભવિષ્યમાં તમામ ચૂંટણી એકલે હાથે લડવાનો નિર્ણય લીધો છે.
એટલું જ નહીં, માયાવતીએ સમાજવાદી પાર્ટી અને મુલાયમસિંહ યાદવ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં છે. ગત લોકસભાની ચૂંટણીમાં એકેય બેઠક ન મેળવી શકનાર બહુજન સમાજ પાર્ટીને આ લોકસભાની ચૂંટણીમાં દસ બેઠકો મળી છે તેમ છતાં માયાવતીનો દાવો છે કે સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કર્યાનો તેમને કોઇ ફાયદો થયો નથી.
માયાવતીનું કહેવું છે કે તેમના દસ સાંસદો સમાજવાદી પાર્ટીના જોરે જીત્યા હોવાનો દાવો જ સાવ ખોટો છે કારણ કે જો એમ હોત તો યાદવ પરિવારના ઉમેદવારો જ ચૂંટણી હાર્યા ન હોત. તેમનો આક્ષેપ છે કે સમાજવાદી પાર્ટીની નબળાઇનું ફળ તેમના પક્ષે ભોગવવાનું આવ્યું છે.
એ સાથે જ તેમણે અખિલેશ યાદવને અપરિપક્વ ગણાવતા કહ્યું કે ચૂંટણી બાદ અખિલેશે તેમને ફોન સુધ્ધાં કર્યો નથી. આમ તો લોકસભાની ચૂંટણી માટે અખિલેશ યાદવ અને માયાવતીએ જોડાણ કર્યું ત્યારે ભલભલા રાજકીય પંડિતો પણ અચંબો પામી ગયા હતાં કારણ કે વર્ષોથી એકબીજા સામે તલવાર ઉગામી રહેલા શત્રુઓ સાથે આવ્યાં હતાં.
માયાવતી અને અખિલેશને સાથે લાવવા માટે કારણભૂત બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સમાન શત્રુ હોવાના નાતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવ્યા ત્યારે એવું લાગતું હતું કે બંને પક્ષોનું સોશિયલ એન્જિનિયરિંગ ભાજપને મોટો ફટકો પહોંચાડશે. પરંતુ થયું સાવ ઉલટું. પ્રચંડ મોદી લહેરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જ અસ્તિત્ત્વ ટકાવવાના ફાંફાં પડી ગયાં.
ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના સપાટા સામે બહુજન સમાજ પાર્ટીને એક પણ બેઠક ન મળી અને ત્યારપછી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના વિજયરથ આગળ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો કરૂણ રકાસ થયો એ પછી રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત થઇ હતી.
હકીકતમાં એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવા માટે હાથ મિલાવ્યાં ત્યારે એવા કયાસ લગાવવામાં આવતા હતાં કે આ ગઠબંધન ઉત્તરપ્રદેશમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડશે. પરંતુ નુકસાન પહોંચાડવાની વાત તો દૂર સપા-બસપા ભેગા મળીને ભાજપને ટક્કર પણ ન આપી શક્યાં.
ખરેખર તો માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા ત્યારે રાજકીય પંડિતોને લાગ્યું હતું કે ઉત્તરપ્રદેશના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થઇ છે કારણ કે માયાવતીએ વર્ષોજૂની દુશ્મનાવટ ભૂલીને ૨૫ વર્ષ બાદ ફરી એક વખત ગઠબંધન કર્યું હતું. પચ્ચીસ વર્ષ પહેલાં સપા-બસપાએ સાથે મળીને ભાજપને મ્હાત આપી હતી.
૧૯૯૩માં જ્યારે સપા-બસપા વચ્ચે જોડાણ થયું ત્યારે ઉત્તરપ્રદેશમાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ રાષ્ટ્રપતિશાસન લાગુ હતું. મંદિર-મસ્જિદ વિવાદના કારણે ધૂ્રવીકરણ ચરમસીમાએ હતું જેને ધ્યાનમાં રાખીને ધૂર વિરોધી એવી સપા-બસપાએ એક સાથે આવવાનો નિર્ણય લીધો. સપા-બસપાના આ જોડાણના કારણે જ બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ પણ ભાજપ સત્તામાં પાછો આવી શક્યો નહોતો.
જોકે આ જોડાણ લાંબો સમય ન ટક્યું અને એકાદ વર્ષમાં જ બંને પક્ષો વચ્ચે ખટરાગ થવા લાગ્યો. એ પછી ૧૯૯૫ના ઉનાળામાં બહુચર્ચિત ગેસ્ટહાઉસ કાંડ બન્યો અને બસપાએ ટેકો પાછો લઇ લીધા બાદ મુલાયમસિંહની સરકાર લઘુમતિમાં આવી ગઇ. માયાવતીના મનમાં જે ગેસ્ટહાઉસ કાંડને લઇને આજે પણ કડવાશ વ્યાપેલી છે એ બનાવ ૧૯૯૫ની બીજી જૂને બન્યો જ્યારે તેમણે લખનૌના મીરાબાઇ માર્ગ સ્થિત સ્ટેટ ગેસ્ટહાઉસમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.
સમાજવાદી પાર્ટીને કોઇક રીતે ખબર પડી ગઇ કે આ બહુજન સમાજ પાર્ટી અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ થઇ ગઇ છે અને આ બેઠકમાં તેઓ સમાજવાદી પાર્ટીનો સાથ છોડવા અંગેની ચર્ચા કરવાના છે. કહેવાય છે કે ખબર મળતા જ સમાજવાદી પાર્ટીના કાર્યકરો ગેસ્ટહાઉસ જઇ પહોંચ્યાં અને થોડી જ વારમાં બસપાના લોકો સાથે મારપીટ શરૂ થઇ ગઇ.
એ વખતે માયાવતી નાસીને એક રૂમમાં છુપાઇ ગયાં. લોકોના ટોળાએ એ રૂમને ખોલવાના પ્રયાસ કર્યાં દરમિયાન બસપાના નેતાઓએ પોલીસ અધિકારીઓને ફોન કરીને મદદ પણ માંગી પરંતુ કશું વળ્યું નહીં. છેવટે ટોળાએ રૂમમાં પ્રવેશીને માયાવતી સાથે ધક્કામુક્કી કરી અને કેસમાં લખાવવામાં આવ્યું કે લોકો તેમને જાનથી મારી નાખવા માંગતા હતાં.
છ મહિના પહેલાં સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરતી વખતે માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડને ભૂલાવી દીધો હોવાની વાત કરી હતી પરંતુ હવે હાર્યા બાદ ફરી વખત એ જ ગેસ્ટહાઉસ કાંડ તેમના મનમાં તાજો થયો છે અને મુલાયમસિંહ યાદવ ફરી વખત તેમને શત્રુ જણાવા લાગ્યાં છે. માયાવતીએ તો મુલાયમસિંહ ઉપર તાજ કોરિડોરના મામલે ફસાવવાનો આરોપ પણ મૂક્યો છે. માયાવતીએ કહ્યું કે તેમને તાજ કોરિડોરમાં ફસાવ્યા છતાં તેઓ મોટું મન રાખીને મુલાયમસિંહ માટે વોટ માંગવા ગયા હતાં પરંતુ અખિલેશ યાદવે એની પણ કદર ન કરી.
માયાવતી ભલે હવે અખિલેશ યાદવને વખોડે પણ એ હકીકત છે કે ચૂંટણી પહેલા થયેલા જોડાણ દરમિયાન અખિલેશ યાદવે જ માયાવતીને ગઠબંધનના નેતા તરીકે સ્વીકારી લીધાં હતાં.
અખિલેશ યાદવની સરખામણીમાં માયાવતી ઘણાં સિનિયર નેતા છે એટલે તેઓ અખિલેશની આગેવાની સ્વીકારે એ શક્ય નહોતું. છેવટે નેતાગીરીના મામલે અખિલેશ યાદવે નમતું જોખીને પણ માયાવતી સાથે જૂનિયર પાર્ટનર તરીકે જોડાવા અંગે પણ રાજીપો દર્શાવ્યો હતો. એ પછી બેઠકોની વહેંચણીના મામલે પણ માયાવતીએ તેવર દેખાડયાં હતાં. વખતોવખત તેઓ એવું કહેતાં રહ્યાં કે લોકસભા ચૂંટણીમાં તેમના પક્ષને સન્માનજનક બેઠકો નહીં મળે તો તેઓ એકલા હાથે જ ચૂંટણી લડવાનું પસંદ કરશે. તેમનું આ દબાણ પણ કામ લાગ્યું અને હવે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી કરતા વધારે બેઠકો પર ઉમેદવારી મેળવવામાં કામિયાબ રહ્યાં.
ખરેખર તો સપા-બસપા જોડાણ થયા બાદ એવું લાગી રહ્યું હતું કે અખિલેશ યાદવે માયાવતી સામે જાણે આત્મસમર્પણ કરી દીધું છે. ખરેખર તો અખિલેશ યાદવ કરતા માયાવતીને ગઠબંધનની જરૂર વધારે હતી એટલા માટે દબાણમાં પણ તેમણે હોવું જોઇતું હતું પરંતુ બન્યું એથી ઉલટુ. બહજુન સમાજ પાર્ટીને વધારે બેઠકો તો મળી ઉપરાંત સમાજવાદી પાર્ટીની સરખામણીમાં આસાન બેઠકો પણ મળી. હકીકતમાં ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે અખિલેશ યાદવે માયાવતી સામે જે હદે નમતું જોખ્યું પરંતુ ભાજપનું કદ સીમિત કરવા જતાં પોતે જ કદ પ્રમાણે વેતરાઇ ગયા.
ખરેખર તો માયાવતી વિશે તો એવું કહેવાતું હતું કે તેઓ ધારે ત્યાં તેમની વોટબેંક ટ્રાન્સફર કરી શકે છે પરંતુ આ ચૂંટણીમાં એવું ન થઇ શક્યું. બીજી બાજુ માયાવતીનો આક્ષેપ છે કે સમાજવાદી પાર્ટી તેની વોટબેંક બહુજન સમાજ પાર્ટીને ટ્રાન્સફર ન કરી શકી. માયાવતીની ફરિયાદ છે કે તેમને યાદવોના વોટ ટ્રાન્સફર ન થયાં પરંતુ ચૂંટણીના પરિણામ જોઇએ તો ખ્યાલ આવે છે કે બહુજન સમાજ પાર્ટીની શૂન્યથી વધીને દસે પહોંચી ગઇ છે. બીજી બાજુ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની બેઠકો પાંચની પાંચ રહી છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી પાંચ બેઠકો સમાજવાદી પાર્ટીને મળી હતી. એ પછી ગોરખપુર અને ફુલપુર બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવીને પોતાની બેઠકોની સંખ્યા સાતે પહોંચાડી હતી. આનો અર્થ તો એવો કરી શકાય કે સમાજવાદી પાર્ટીના વોટ બહુજન સમાજ પાર્ટીને ટ્રાન્સફર થયા પરંતુ બહુજન સમાજ પાર્ટીના વોટ સમાજવાદી પાર્ટીને ટ્રાન્સફર ન થયા. પરંતુ માયાવતીનો દાવો સાવ ઉલટ છે કે અખિલેશ યાદવ વોટ ટ્રાન્સફર ન કરાવી શક્યા એટલા માટે તેઓ ગઠબંધનથી અલગ થાય છે.
હવે માયાવતીને ગઠબંધનનો કોઇ ફાયદો દેખાતો નથી એટલા માટે તેઓ તેમની જૂની ફોર્મ્યૂલા તરફ પાછા ફરશે. મતલબ કે માયાવતી ફરી વખત યાદવ અને પછાત જાતિના વોટને ભૂલીને દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ મતોને જોડવાના પ્રયાસ કરશે. માયાવતીએ તેમની જીતનો શ્રેય મુસ્લિમ મતદારોને આપીને એની શરૂઆત પણ કરી દીધી છે. એટલું જ નહીં, સમાજવાદી પાર્ટીની મુસ્લિમ વોટબેંકને તોડવા તેમણે અખિલેશ યાદવ ઉપર એવો આરોપ પણ મૂક્યો છે કે અખિલેશે તેમને મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ન આપવાનું કહ્યું હતું.
હવે લોકસભાની ચૂંટણી બાદ માયાવતીનો તકસાધુ ચહેરો સામે આવ્યો છે. ખરેખર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી પહેલાની એ ભવિષ્યવાણી સાચી પડી છે જેમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો બાદ આ જોડાણ તૂટી જશે. રાજકારણમાં તો તકવાદી જોડાણો અને વિચ્છેદો સામાન્ય બાબત છે ત્યારે માયાવતીના નિર્ણયથી કોઇને આશ્ચર્ય થયું નથી.