નરેન્દ્ર મોદીના ઐતિહાસિક વિજય સાથે નવીન ભારતનો સૂર્યોદય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુવાળમાં અનેક કદાવર નેતાઓ અને પ્રાદેશિક પક્ષો તણાઇ ગયા
કથળી રહેલી અર્થવ્યવસ્થા, રેકોર્ડ બેરોજગારી, ખેડૂતોની અવદશા અને નોટબંધીની નાના વેપારીઓ પર થયેલી અવળી અસર જેવા મુદ્દાઓ સાથે ચૂંટણી લડેલા વિપક્ષોને પ્રજાએ જોરદાર તમાચો માર્યો છે અને રાષ્ટ્રવાદ સામે તમામ મુદ્દાઓ ગૌણ હોવાનું ભાન કરાવ્યું છે
લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જયજયકાર થયો છે. દેશમાં મોદી લહેર એટલી પ્રચંડ છે કે અનેક ભાગોમાં ભાજપે ક્લીન સ્વીપ કરી છે. મોદીના પ્રહારથી સૌથી મોટો ઘા કોંગ્રેસને થયો છે અને નવસર્જન પામવા મથી રહેલી પાર્ટી ફરી વખત મૃતપાય અવસ્થામાં પહોંચી ગઇ છે. જોકે કોંગ્રેસ કરતાયે વધારે નુકસાન પ્રાદેશિક કદાવર નેતાઓને થયું છે. ભાજપે મોદીના કરિશ્મા સાથે તૃણમુલ કોંગ્રેસ, બીજેડી, એનસીપી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવા શક્તિશાળી પ્રાદેશિક પક્ષોના કિલ્લાને ધ્વસ્ત કરી દીધાં છે.
પશ્ચિમ બંગાળના મમતા બેનરજીના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડી દીધું છે. બેઠકો જ નહીં, મતોની ટકાવારીના મામલે પણ ભાજપે તૃણમુલ કોંગ્રેસને જોરદાર ટક્કર આપી છે. આમ પણ આ લોકસભાની ચૂંટણીમાં મમતા બેનરજી વિરુદ્ધ નરેન્દ્ર મોદી અને અમિત શાહની લડાઇએ ખાસ્સું કવરેજ મેળવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન ભારે હિંસા પણ થઇ અને રાજ્યમાં અનેક વખત ભાજપના કદાવર નેતાઓને ચૂંટણી પ્રચાર કરતા અટકાવવામાં આવ્યાં. તેમ છતાં ભાજપે તૃણમુલ કોંગ્રેસની દાદાગીરી સામે જોરદાર લડત આપીને રાજ્યમાં પોતાના પગ મજબૂત કર્યા છે.
હવે આગામી સમયમાં ભાજપની નેમ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારનો સફાયો કરવાની રહેશે. એ જ રીતે ઓડિશામાં એકહથ્થુ શાસન કરી રહેલા નવીન પટનાયકની પાર્ટી બીજૂ જનતા દળના પણ મોદીની આંધીમાં ઊડી ગઇ. ઓડિશાની વિધાનસભાની ચૂંટણીમાં ભલે બીજેડીને વિજય મળ્યો હોય પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપે મોદીની આગેવાની હેઠળ જોરદાર લડત આપી અને રાજ્યમાં બીજા સ્થાને રહેવામાં સફળતા મેળવી છે.
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છેલ્લી ઘડી સુધી જોડાણ કરવા અંગે મથામણ ચાલતી રહી અને છેવટે બંને પક્ષોએ એકલે હાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ છેવટે તો સાતે સાત બેઠકો પર ભાજપે વિજયનું પુનરાવર્તન કર્યું છે. એક સમયે નરેન્દ્ર મોદીને પડકાર આપનાર અરવિંદ કેજરીવાલ માટે આગામી સમયમાં અસ્તિત્ત્વ જાળવવાનું પણ મુશ્કેલ બની રહેવાનું છે.
ઉત્તરપ્રદેશમાં નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે એક સમયના કટ્ટર વિરોધી રહેલાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવા પક્ષોએ હાથ મિલાવ્યાં. માયાવતી અને અખિલેશ યાદવે ભેગા થઇને એક સભાઓ યોજી પરંતુ મોદીજૂવાળ સામે બધું નિષ્ફળ નીવડયું. માયાવતી તો એક સમયે વડાપ્રધાન બનવાના સપના જોઇ રહ્યાં હતાં પરંતુ વડાપ્રધાનપદ તો ઠીક, તેમને હવે રાજકીય અસ્તિત્ત્વ બચાવવાની નોબત આવી ગઇ છે.
એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ એક સમયે વડાપ્રધાનપદના ખ્વાબ જોઇ રહેલા શરદ પવારને મોઢું છુપાવવાનો વખત આવ્યો છે. વિપક્ષી નેતાઓમાં શરદ પવાર જ એવા નેતા હતાં જે પોતાની વિચક્ષણ રાજનીતિથી મોદીને ટક્કર આપી શકે એમ હતાં પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યૂતિ સામે કોંગ્રેસ-એનસીપી જોડાણના સૂપડાં સાફ થઇ ગયાં. જે શરદ પવાર વડાપ્રધાનપદની રેસમાં હોવાનું જણાતું હતું તેઓ પોતાનો ગઢ પણ સાચવી ન શક્યાં.
એ જ હાલ બિહારમાં લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના થયા. ચૂંટણી પહેલાં આરજેડીએ કોંગ્રેસ અને ભાજપમાંથી છૂટા પડેલા ઉપેન્દ્ર કુશવાહા સાથે મળીને મહાગઠબંધન તો બનાવ્યું પરંતુ આ મહાગઠબંધને મહા પરાજયનો સામનો કરવાનો થયો છે. એક તો આરજેડીમાં આંતરિક વિખવાદ હતો.
લાલુપ્રસાદ યાદવના જયેષ્ઠ પુત્ર તેજપ્રતાપ યાદવ નાના પુત્ર તેજસ્વી યાદવથી નારાજ હતાં. એવામાં આરજેડી માટે પરિવારના કલહથી ઉપર ઊઠીને ભાજપ અને નીતીશ કુમારના જેડીયૂનો મુકાબલો કરવાનું ભારે પડયું. તો કોંગ્રેસ પણ કોઇ પ્રભાવ ન દર્શાવી શકી. એનડીએથી છૂટા પડયા બાદ ઉપેન્દ્ર કુશવાહાને તો હવામાં બાચકાં ભરવા જેવું જ થયું છે.
જોકે ભાજપને સૌથી મોટી સફળતા તો હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મળી છે. આ એ ત્રણ રાજ્યો છે જ્યાં હજુ પાંચ મહિના પહેલાં જ ભાજપે ગાદી ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ પાંચ જ મહિનાના ટૂંકા ગાળામાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જોરદાર કમબેક કર્યું છે.
ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ પાર્ટીને ભારે પડયો છે. તો બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા કોંગ્રેસના મુદ્દાઓ સામે ભાજપનો રાષ્ટ્રવાદનો મુદ્દો પ્રજાને અને ખાસ કરીને યુવાન મતદારોને પ્રભાવિત કરી ગયો છે.
આ ચૂંટણીમાં જાતિવાદ અને પ્રાદેશિકવાદ પર રાષ્ટ્વાદ ચડિયાતો સાબિત થયો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના જાતિગત સમીકરણોના આધારે રચાયેલા ગઠબંઘનને ભાજપે મ્હાત આપી છે. તો બિહારમાં આરજેડી-કોંગ્રેસ મહાગઠબંધન ઉપર ભાજપ-જેડીયૂનું જોડાણ ભારે પડયું છે. હકીકતમાં ચૂંટણીના પરિણામોએ પ્રાદેશિક અને નાના પક્ષો સમક્ષ મોટો સવાલ ખડો કર્યો છે.
ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારમાં પ્રાદેશિક પક્ષોએ જાતિઓના સમૂહમાંથી બહાર નીકળીને વ્યાપક વિચારધારાના આધારે નવી રણનીતિ ઘડવી પડશે. આ ચૂંટણીમાં મોદી બ્રાન્ડ પ્રાદેશિક જાતિગત રાજકારણ પર ભારે પડી. મોદીના આકરા નિર્ણયો લેનારા નેતા તરીકેની છબિ અને કરિશ્માએ ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રાદેશિક પક્ષોના જાતિ આધારિત રાજકારણને તોડી નાખ્યું છે. હવે એ સ્પષ્ટ બન્યું છે કે ગણી ગાંઠી જાતિઓનો સમૂહ રચીને ચૂંટણી જીતવી મુશ્કેલ બની છે.
જાણકારોના મતે જાતિગત સમીકરણો પર ધૂ્રવીકરણ અને રાષ્ટ્રવાદના મુદ્દા ભારે પડયાં. મતલબ કે પ્રાદેશિક પક્ષોએ હવે જાતિથી ઉપર ઊઠીને નવા મુદ્દા શોધવા પડશે. તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકોની અપેક્ષાઓ સંતોષવી પડશે. વિચારધારાની લડાઇમાં લોકોની આકાંક્ષાઓને સમજવી પડશે. બદલાઇ રહેલા રાજકારણનો મર્મ સમજવો પડશે. બિહારમાં ક્યારેક યાદવ-મુસ્લિમ સમીકરણ ચાલતું હતું.
તો ઉત્તરપ્રદેશમાં પણ એવા જ સમીકરણોના આધારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જીતતા હતાં. પરંતુ હવે પછાત વર્ગમાં પણ અતિ પછાત વર્ગ જેવા નવા સમૂહો ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા લાગ્યાં છે. પરિણામોથી સ્પષ્ટ છે કે રાષ્ટ્રવાદ સામે જાતિગત સમીકરણો નહીં ચાલે. એટલા માટે બિહાર અને ઉત્તરપ્રદેશમાં પ્રાદેશિક પક્ષોએ સોશિયલ એન્જિનિયરિંગની નવી ફોર્મ્યૂલા વિકસાવવી પડશે.
જોકે કેટલાંક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ પોતાની તાકાત જરૂર બતાવી છે. કારણ કે આવા રાજ્યોમાં તેમની વિશ્વસનિયતા જળવાઇ રહી. તામિલનાડુમાં ભાજપવિરોધી છાવણીમાં હોવા છતાં ડીએમકે પોતાની તાકાત બતાવવામાં સફળ રહી. કારણ કે એઆઇએડીએમકેમાં જયલલિતાના નિધન બાદ જે શૂન્યાવકાશ સર્જાયો તેના કારણે સંગઠન વિખેરાઇ ગયું જેનો સીધો લાભ ડીએમકેને મળ્યો. તો આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીના વાઇએસઆર કોંગ્રેસને અભૂતપૂર્વ સફળતા મળી છે.
એ જ રીતે તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના ટીઆરએસને પણ કોઇ પડકાર મળ્યો નથી. ઓડિશામાં મોદી લહેર વચ્ચે પણ બીજુ જનતા દળે પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. આ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોને મળેલી સફળતા દર્શાવે છે કે જો રાજ્યોમાં મજબૂત અને આશાવાદી નેતૃત્ત્વ હોય તો પ્રાદેશિક પક્ષો પણ પ્રાસંગિક રહી શકે છે.બેશક નરેન્દ્ર મોદીના ઐતિહાસિક વિજયે ભારતીય રાજકારણની દિશા હંમેશ માટે બદલી દીધી છે. આ સંઘર્ષ રાષ્ટ્રવાદ વિરુદ્ધ જાતિવાદ અને પ્રાદેશિકવાદનો હતો જેમાં ભાવિ ભારતના શિલ્પી તરીકે પ્રજાએ નરેન્દ્ર મોદીના નામ પર મહોર લગાવી છે.
નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે રાજકારણની કળામાં તેમને કોઇ પહોંચે એમ નથી. ભાષણબાજી હોય, સોશિયલ મીડિયાનો ઉપયોગ હોય કે પછી રાજકીય ચર્ચા માટે મુદ્દાઓ નક્કી કરવાના હોય, દેશના વર્તમાન રાજકારણમાં તેમની તોલે આવી શકે એવા કોઇ નેતા નથી. વિરોધ પક્ષોને હતું કે તેઓ ભારતની કથળી રહેલી અર્થવ્યવસ્થા, બેરોજગારી, ખેડૂતોની અવદશા અને નોટબંધી અને જીએસટીની નાના વેપારીઓ પર થયેલી અવળી અસરને મુદ્દા બનાવશે પરંતુ દેશની જનતાએ તેમને બરાબરનો સબક શીખવાડયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીના સાતેય તબક્કાઓ દરમિયાન જુદાં જુદાં મુદ્દાઓ ઉઠાવીને મતદારોના મનમાં એ ઠસાવવામાં સફળતા મેળવી કે રોજિંદી સમસ્યાઓ કરતા બાહ્ય ખતરા વધારે છે અને માત્ર તેમની સરકાર જ દેશને સુરક્ષા આપી શકે એમ છે. ગત લોકસભાની ચૂંટણી વિકાસના મુદ્દા સાથે લડનાર વડાપ્રધાન મોદીએ આ વખતે રાષ્ટ્રીય સુરક્ષાને રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડીને તમામ મુદ્દાઓ નિષ્પ્રભાવી કરી દીધાં.
હવે ચૂંટણી જીત્યાનીભારે ઉજવણી થયા બાદ આ તમામ મુદ્દાઓ આગામી સરકાર સમક્ષ ફરી વખત ઊભા રહેવાના છે. લાખો બેરોજગારોને રોજગાર આપવાનો પડકાર, અર્થવ્યવસ્થાના મોરચે લડાઇ, ખેડૂતોને બદહાલીમાંથી ઉગારવાનો પડકાર અને સામાન્ય પ્રજાજનોને મોંઘવારીમાંથી રાહત આપવાના પડકાર ઊભા છે.
ભૂતકાળ સાક્ષી છે કે આર્થિક અને સામાજિક વિકાસ માત્ર શાંતિ અને સહિષ્ણુતાના માહોલમાં જ શક્ય છે. એવામાં નવી સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર સમાજને વધારે લોકતાંત્રિક બનાવવાનો, લઘુમતિઓને સુરક્ષાની ભાવના પ્રદાન કરવાનો અને મીડિયાની આઝાદી સુનિશ્ચિત કરવાનો રહેશે.