Get The App

વસતી વિસ્ફોટને કાબુમાં લેવા સમાજે જ આગળ આવવું પડશે

- દેશમાં વસતી વધારાની સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે

- જે ઝડપે ભારતની વસતી વધી રહી છે એ ચિંતાજનક એટલા માટે છે કે વધી રહેલી વસતીની જરૂરિયાતો પૂરી કરવા માટે દેશમાં સંસાધનો મર્યાદિત છે જેના કારણે બેરોજગારી, ગરીબી, ભૂખમરો અને બીમારી પણ વધી રહ્યાં છે

Updated: Jan 25th, 2020

GS TEAM

Google News
Google News
વસતી વિસ્ફોટને કાબુમાં લેવા સમાજે જ આગળ આવવું પડશે 1 - image


ભારતની ઝડપથી વધી રહેલી વસતી ભયજનક બની રહી છે કારણ કે વર્તમાન સંસાધનો કરતા ક્યાંય વધારે માનવ સંસાધન છે. વધી રહેલી વસતીના કારણે બેરોજગારી, ગરીબી અને ભૂખમરો પણ વધી રહ્યો છે. આ વર્ષની શરૂઆતે જ સમાચાર હતાં કે પહેલી જાન્યુઆરીએ જ દેશમાં ૬૯ હજાર બાળકોએ જન્મ લીધો. આ આંકડો એટલા માટે ભયજનક લાગી રહ્યો છે કારણ કે હાલ દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા ચીનમાં પહેલી જાન્યુઆરીના દિવસે માત્ર ૪૬ હજાર બાળકોએ જન્મ લીધો. ચીન પાસે ભારત કરતા ત્રણ ગણી વધારે જમીન છે અને તેની અર્થવ્યવસ્થા ભારત કરતા પાંચ ગણી મોટી છે. 

દેશમાં જ્યારે જ્યારે વસતી નિયંત્રણ માટે કાયદો બનાવવાની માંગ ઉઠી ત્યારે ત્યારે તેને ધર્મ અને જાતિ સાથે જોડી દેવામાં આવી અને વસતી નિયંત્રણ જેવા અતિમહત્ત્વના મુદ્દાને વિવાદાસ્પદ બનાવી દેવામાં આવ્યો. થોડા વખત પહેલાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ સંઘના એજન્ડાનું પુનરાવર્તન કરતા દેશમાં વસતી નિયંત્રણ કરવાની રજૂઆત કરી. ખરેખર તો વસતી નિયંત્રણ માત્ર સરકારનો જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકે વિચારવું પડે એવો પ્રશ્ન છે પરંતુ જ્યારે વસતી નિયંત્રણ અંગે કાયદો ઘડવાની વાત આવે છે કે તેના પર રાજકારણ શરૂ થઇ જાય છે. 

થોડા વખત પહેલાં જ દુનિયાભરમા વધી રહેલી માનવવસતીને લઇને સંયુક્ત રાષ્ટ્રએ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો. જેના અનુસાર ભારત દુનિયાની સૌથી વધારે વસતી ધરાવતા દેશનું બિરુદ મેળવવા તરફ અગ્રેસર છે. રિપોર્ટ અનુસાર ૨૦૨૭ સુધીમાં એટલે કે આવતા આઠ વર્ષમાં જ ભારત ચીનને પછાડીને દુનિયાની સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની શકે છે. આપણા માટે ચિંતાની બાબત એ છે કે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ વચ્ચે ભારતની વસતી ચીનની સરખામણીમાં બમણી ગતિએ વધી છે. છેલ્લા દાયકામાં ભારતની વસતી ૧.૨ ટકાના વાર્ષિક દરે વધી છે. તો ચીનની વસતી ૦.૫ ટકાના દરે વધીને ૧૪૨ કરોડ થઇ છે. 

આમ તો વસતીનું ગણિત દુનિયાની ભૂગોળને બદલતું રહ્યું છે પરંતુ હાલના સમયમાં વસતીવધારાના કારણે અનેક પડકારો વધ્યાં છે. ખાસ કરીને બદલાઇ રહેલા પર્યાવરણના આ દોરમાં કુદરતી સંસાધનો સતત ઘટી રહ્યાં છે. ભારતની જ વાત કરીએ તો આવતા ૩૦ વર્ષમાં આપણા દેશની વસતી લગભગ બમણી થઇ જવાનું અનુમાન છે. હાલ ભારતની વસતી એક અબજ અને ૩૬ કરોડની આસપાસ છે જે સદીના ઉતરાર્ધમાં વધીને બે અબજ સિત્તેર કરોડે પહોંચી જવાની શક્યતા છે.

આઝાદી બાદ ૧૯૫૧માં દેશમાં પહેલી વખત વસતી ગણતરી કરવામાં આવી ત્યારે દેશની વસતી ૩૬ કરોડ હતી. એ પછી તો દેશની વસતીમાં કૂદકે ને ભૂસકે વધારો થતો રહ્યો છે. ૧૯૬૧ની વસતી ગણતરીમાં દેશની વસતી લગભગ ૪૪ કરોડ થઇ તો ૧૯૭૧માં વધીને પંચાવન કરોડને પાર જતી રહી. ૧૯૮૧માં દેશની વસતી ૬૮ કરોડ થઇ તો ૧૯૯૧માં ૮૫ કરોડે પહોંચી ગઇ. એકવીસમી સદીની પહેલી વસતી ગણતરીમાં એટલે કે ૨૦૦૧માં દેશની વસતી ૧૦૦ કરોડને પાર કરી ગઇ. ૨૦૧૧માં વસતી ગણતરીમાં દેશની વસતી ૧૨૧ કરોડ હોવાનું બહાર આવ્યું. હાલ દેશની વસતી લગભગ ૧૩૬ કરોડ હોવાનું અનુમાન છે. ભારતમાં હાલ પ્રજનન દર પ્રતિ મહિલા ૨.૨ છે મતલબ કે દરેક મહિલા સરેરાશ બે બાળકોને જન્મ આપે છે. પ્રજનન દર ઘટવા છતાં તબીબી સારવારની વધી રહેલી ગુણવત્તાના પરિણામે લોકોનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે જેના કારણે પણ વસતી વધી રહી છે.

વધી રહેલી વસતીના કારણે દેશમાં ભૂખમરો, જળસંકટ, રહેવાની સમસ્યા અને બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ વધી રહી છે. દુનિયાના દેશોની સરખામણીમાં ભારતમાં ભૂખમરાનું પ્રમાણ વધી રહ્યું છે. ભૂખમરાને લગતા અનેક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અનુસાર ભારતનો સમાવેશ એવા દેશોમાં કરવામાં આવ્યો છે જ્યાં ભૂખમરાની સમસ્યા ગંભીર સ્થિતિમાં પહોંચી ચૂકી છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ભુખમરાથી પીડાતી કુલ વસતીના ૨૩ ટકા લોકો ભારતમાં છે. દુનિયાના આશરે ૮૧.૫ કરોડ લોકો ભૂખમરાથી પીડિત છે અને એમાંના ૧૯ કરોડ લોકો ભારતમાં વસે છે. ભારતની કુલ વસતીમાંથી આશરે ૧૪ ટકા વસતી ભૂખમરો ભોગવી રહી છે. ભારતની પરિસ્થિતિ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો કરતા પણ ખરાબ છે. પાડોશી દેશોમાં એક માત્ર પાકિસ્તાન ભૂખમરાના મામલે ભારત કરતા પાછળ છે.

વધી રહેલા વસતીના કારણે જળસંકટ પણ વધારે ગંભીર બન્યું છે. નીતિ પંચના એક રિપોર્ટ અનુસાર દેશ મોટા જળસંકટનો સામનો કરી રહ્યો છે અને જો તાત્કાલિક પગલાં ઉઠાવવામાં ન આવ્યાં તો ૨૦૩૦ સુધી દેશમાં સૌને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું શક્ય નહીં બને. આમાં દિલ્હી, બેંગાલુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં વસતા લોકો મોટી સંખ્યામાં સામેલ હશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના ૪૦ ટકા લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરતા હશે. એમાંયે ક્લાયમેટ ચેન્જના કારણે ગરમી સતત વધી રહી છે તો ચોમાસા અનિયમિત બની રહ્યાં છે જે પરિસ્થિતિ જળસંકટને વકરાવે છે.

એવી દલીલ કાયમ થતી રહી છે કે દેશની ઘણીખરી સમસ્યાના મૂળમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી વસતી જવાબદાર છે. અઢળક વસતીના કારણે વહીવટતંત્ર પણ કારગર રીતે કામ કરી શકતું નથી. હવે જ્યારે આપણે વસતીના મામલે ચીનને પણ પછાડવા જઇ રહ્યાં છીએ ત્યારે ચીન તરફ જ દૃષ્ટિ કરવાની જરૂર છે. છેલ્લા થોડા વર્ષોથી ચીને પોતાને ત્યાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ સાથે કામ પાર પાડવા માટે અથાક પ્રયત્નો કર્યાં છે અને એમાં સફળતા પણ મેળવી છે. ચીનના સરમુખત્યાર શાસનતંત્રની પોતાની સમસ્યાઓ હોઇ શકે છે પરંતુ એ તો હકીકત છે કે ભારતની સરખામણીમાં ચીને ગરીબી અને બેરોજગારીના મોરચે વધારે સારું કામ કર્યું છે. 

પાછલા કેટલાંક દાયકાઓ દરમિયાન ચીને એવું આર્થિક તંત્ર ખડું કર્યું છે જેમાં તેણે વધી રહેલી વસતીને જ સફળતાનો પાયો બનાવી દીધો છે. એટલું જ નહીં, ચીન બહું પહેલા સમજી ચૂક્યું હતું કે વધી રહેલી વસતી પર લગામ ન કસવામાં આવી તો તે અનેક અવરોધો ઊભા કરશે. એટલા માટે ચીને વસતીવધારાને કાબુમાં લેવા જમીન આસમાન એક કરી નાખ્યાં. ચીનની જેમ જ ભારતે પણ વસતીવધારા સામે કામ પાર પાડવા મક્કમ મનોબળ સાથે આગળ વધવું પડશે. એ સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે વસતીવધારાને કાબુમાં લેવાના પ્રયાસો આધુનિક અને દેશ-સમાજને આગળ લઇ જનારા હોય, પાછળ ધકેલનારા નહીં.

વસતી વધારાનો સીધો સંબંધ શિક્ષણ સાથે પણ છે. 

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે શિક્ષિત કુટુંબોમાં સંતાનોની સંખ્યા સીમિત હોય છે પરંતુ અશિક્ષિત કુટુંબોમાં સંતાનોની સંખ્યા વધારે હોય છે. આની પાછળ વધારે લોકો હશે તો વધારે કમાણી થશે એવી સંકુચિત અને અભણ વિચારધારા કામ કરતી હોય છે. સીધો અર્થ એ છે કે દેશમાં વસતી વધારો નિયંત્રણમાં લેવો હશે તો શિક્ષણનું પ્રમાણ અને પ્રસાર પણ વધારવો પડશે. જેટલા લોકો વધારે શિક્ષિત બનશે એટલા લોકો નાનો પરિવાર રાખવા માટે જાગૃત બનશે. 

વસતી વધારાને લઇને કાગારોળ તો બહુ મચે છે પરંતુ વસતી વધારા પર નિયંત્રણ માટેના નક્કર ઉપાયો પ્રયોજવામાં આવતા નથી. વધી રહેલી વસતીને લઇને ચિંતા તો વ્યક્ત કરવામાં આવે છે પરંતુ કદી આ ગંભીર મુદ્દાના સાર્થક સમાધાન શોધવાના પ્રયાસો થયા નથી. 

વસતી નિયંત્રણને લઇને દેશમાં એક નીતિનું નિર્માણ થવું જોઇએ અને મર્યાદિત બચેલા સંસાધનો માટે પણ વસતી વધારા પર લગામ કસવી જોઇએ. કઠણાઇ એ છે કે વસતી વધારાના લાંબા ગાળાના ઉપાયો પ્રયોજવાના બદલે કેટલાંક લોકો વસતી વધારાને પણ ધાર્મિક રંગ આપવાના પ્રયાસો કરે છે. જે મુદ્દે મજબૂત નીતિની જરૂર છે એ મુદ્દે પણ રાજકારણ થતું રહે છે. દેશના તમામ લોકોએ સમજવાની જરૂર છે કે વસતી વિસ્ફોટ દેશની એક ગંભીર સમસ્યા છે. એ સાથે જ એ પણ સમજવાની જરૂર છે કે આ સમસ્યા ધાર્મિક નહીં પરંતુ સામાજિક છે અને રાજકારણથી ઉપર જઇને તેનો ઉકેલ શોધવાની જરૂર છે.

Tags :