Get The App

છેવટે અમેરિકાનો અફઘાનિસ્તાનમાંથી નીકળવાનો માર્ગ મોકળો થયો

- અમેરિકા અને તાલિબાન વચ્ચે 29 ફેબુ્રઆરીએ શાંતિ સમજૂતિ પર હસ્તાક્ષર થશે

Updated: Feb 23rd, 2020

GS TEAM

Google News
Google News
છેવટે અમેરિકાનો અફઘાનિસ્તાનમાંથી નીકળવાનો માર્ગ મોકળો થયો 1 - image


શાંતિ સમજૂતિ બાદ અમેરિકા તો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી જશે પરંતુ એ પછી પણ જો તાલિબાને અફઘાનિસ્તાનની સરકાર પ્રત્યે નકારાત્મક વલણ ચાલું રાખ્યું તો લોહિયાળ સંઘર્ષનો અંત આવવાની આશા ઠગારી નીવડશે

અફઘાનિસ્તાનમાં છેલ્લા ૧૯ વર્ષથી લડી રહેલા અમેરિકાનું લડાઇ સમાપ્ત કરીને પોતાના સૈનિકો પાછા બોલાવવાનું અભિયાન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી મંત્રણાનો સુખદ અંત આવ્યો છે અને બંને પક્ષોએ ૨૯ ફેબુ્રઆરીએ શાંતિ સમજૂતિ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. શાંતિ સમજૂતિના એક સપ્તાહ પહેલા બંને પક્ષોએ યુદ્ધવિરામ અંગે પણ સંમતિ દર્શાવી છે જે અંતર્ગત ગયા શુક્રવારથી યુદ્ધવિરામની શરૂઆત પણ થઇ ચૂકી છે. 

હકીકતમાં અમેરિકા ઘણાં સમયથી અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતિ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે કે જેથી અમેરિકી સૈનિકોને વહેલી તકે વતન પાછા લાવી શકાય. વર્ષો સુધી અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે વાર્તાલાપ ઉપર જોર આપ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઝાલમાય ખલિલઝાદની અફઘાન દૂત તરીકે નિમણૂક કરી હતી. નિમણૂકના તુરંત બાદ તેમણે અફઘાન બળવાખોરો સાથે વાતચીત શરૂ કરી દીધી. આ બળવાખોરો અફઘાનિસ્તાનની સરકારને અમેરિકાના હાથની કઠપૂતળી ગણાવતા રહ્યાં છે અને એટલા માટે જ અત્યાર સુધી તેઓ સરકાર સાથે કોઇ મંત્રણા કરતા નહોતાં.

અફઘાનિસ્તાનના યુદ્ધથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંટાળી ચૂક્યાં છે અને ઉનાળા સુધીમાં ત્યાંના અડધોઅડધ અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા ધારે છે એ સંજોગોમાં ખલિલઝાદનું શાંતિ મિશન તાકીદનું થઇ પડયું હતું. પરંતુ એક બાજુ અમેરિકા સાથે શાંતિવાર્તા કરી રહેલું તાલિબાને બીજી બાજુ અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટો પણ ચાલુ રાખ્યાં જેના કારણે મંત્રણાનો ઉકેલ આવવામાં વિલંબ થતો રહ્યો. અમેરિકાનું મિશન છે કે અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસાનો અંત આવે અને વાતચીત દ્વારા યુદ્ધવિરામનો માર્ગ તૈયાર થઇ શકે. હકીકતમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવા ધારે છે. એ સાથે જ અફઘાનિસ્તાનને બેઠું કરવાના પ્રયાસો કરી રહેલા અમેરિકા સામે પણ તાલિબાન આક્રમક પ્રચાર કરતું રહ્યું છે. 

ઇતિહાસ જોઇએ તો અફઘાનિસ્તાન દાયકાઓથી મહાસત્તાઓની સ્વાર્થી રાજરમતોનો અતિશય ખરાબ રીતે ભોગ બનેલું રાષ્ટ્ર છે. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સેનાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો એ સાથે જ અફઘાનિસ્તાનની માઠી દશાની શરૂઆત થઇ હતી. એ સમયે સોવિયેત સંઘને ખાળવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનની ધરતી ઉપર આતંકી સંગઠનો ઊભા કરવામાં મદદ કરી હતી. સોવિયેત સંઘના વિઘટન બાદ રશિયન સેના અફઘાનિસ્તાનમાંથી હટી કે તરત જ તાલિબાને કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. 

વર્ષોથી માઠી દશામાં રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશા હતી કે રશિયન સેના દૂર થયા બાદ તેમના દેશમાં શાંતિ સ્થપાશે અને તાલિબાન તેમને સુદૃઢ શાસન સ્થાપશે. પરંતુ તાલિબાને તો કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવાના નામે પ્રજા ઉપર કેર વર્તાવવાનો શરૂ કર્યો. તાલિબાને અફઘાનિસ્તાન ઉપર ૧૯૯૬થી ૨૦૦૧ સુધી શરિયા કાનૂનના આધારે શાસન કર્યું હતું. આ સમય દરમિયાન જ અમેરિકા ઉપર ૯/૧૧ હુમલો થયો હતો અને હુમલાનો માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેન પણ અફઘાનિસ્તાનમાં જ રહેતો હતો. ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવાના નિર્ધાર સાથે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં ઉતરી આવી. એ વાતને આજે વર્ષો થયા છતાં હજુ આજે પણ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના હાથ પાછા ખેંચી શક્યું નથી. 

અમેરિકાના રક્ષા ખાતાના આંકડા અનુસાર વર્ષ ૨૦૦૧થી લઇને માર્ચ ૨૦૧૯ સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકાને ૭૬૦ અબજ ડોલર જેટલો લશ્કરી ખર્ચ થયો છે. છેલ્લા ૧૯ વર્ષમાં અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાના ૨૩૦૦ સૈનિકો ગુમાવી ચૂક્યું છે. આશરે ૨૦,૫૦૦ સૈનિકો વિકલાંગ બનીને અફઘાનિસ્તાનથી વતન પરત ફર્યા છે. અમેરિકાના રક્ષા મંત્રાલયના દાવા અનુસાર હાલ અફઘાનિસ્તાનમાં ૧૪ હજાર અમેરિકન સૈનિકો તૈનાત છે. જેમાંના પાંચ હજાર સૈનિકોને અમેરિકા સત્વરે પાછા બોલાવવા ધારે છે. જોકે ટ્રમ્પના જણાવ્યા અનુસાર તાલિબાન સાથે સમજૂતિ થયા બાદ પણ ૮૬૦૦ સૈનિકો અફઘાનિસ્તાનમાં મોજૂદ રહેશે. 

સમજૂતિ અંતર્ગત તાલિબાને અલ કાયદા સાથે સંબંધો ખતમ કરવાના છે. એ સાથે યુદ્ધવિરામ જાહેર કરીને અફઘાનિસ્તાનની સરકાર સાથે પણ મંત્રણા કરવાની શરત છે. જોકે અમેરિકાની મજબૂરી જાણી ગયેલું તાલિબાન એક તરફ તેની સાથે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ અફઘાનિસ્તાન પર કબજો જમાવવા નિર્ણાયક જોર પણ લગાવી રહ્યું છે. અમેરિકા અલ કાયદા અને તાલિબાનના ટોચના નેતાઓનો સફાયો કરવામાં તો સફળ નીવડયું છે પરંતુ તાલિબાનનું વ્યાપક નેટવર્ક ખતમ નથી કરી શક્યું.  

અમેરિકા અને તાલિબાન વચ્ચેની સમજૂતિ બાદ તાલિબાને અફઘાનિસ્તાનની સરકાર સાથે મંત્રણા કરવાની છે. દુનિયાને અપેક્ષા છે કે અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષનો અંત આવે. આ હિંસાએ અફઘાનિસ્તાનને ખંડેર બનાવી દીધું છે. અમેરિકા તો સમજૂતિ કરીને બહાર નીકળી જશે પરંતુ અફઘાનિસ્તાનની સરકાર માટે તાલિબાન સાથે કામ લેવું કઠિન બની રહેશે. તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં ચૂંટણીના પરિણામ આવ્યા છે અને અશરફ ગનીનો વિજય થયો છે. પરંતુ વિરોધી અબ્દુલ્લાહ અબ્દુલ્લાહે ચૂંટણીના પરિણામો સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને પોતાની સરકાર બનાવવાની ધમકી આપી છે.

તાલિબાન પણ ચૂંટણીના પરિણામ સ્વીકારશે કે નહીં એ સવાલ છે. તાલિબાન સરકારમાં ભાગીદારી કરશે તો એનું માળખું કેવું રચાશે? હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ સમજૂતિ અફઘાનિસ્તાનના રાજકારણ પર કેવો પ્રભાવ પાડશે. હાલ તો આ સમજૂતિ દ્વારા અમેરિકાને પોતાના સૈનિકો પાછા બોલાવવાનો મોકો મળી જશે. આમ પણ અમેરિકામાંથી પોતાના સૈનિકો પાછા બોલાવવા ટ્રમ્પની મજબૂરી પણ છે. ગત ચૂંટણીમાં તેમણે જોરશોરથી અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનો મુદ્દો ઉછાળ્યો હતો અને હવે આ વર્ષે અમેરિકામાં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે ત્યારે ટ્રમ્પ માટે મુસીબત ઊભી થાય એમ હતી કે શા માટે તેઓ અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનો વાયદો પૂરો ન કરી શક્યા? એટલા માટે ચૂંટણી પહેલા ટ્રમ્પ પર અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લેવાનું ભારે દબાણ હતું અને હવે ચૂંટણીપ્રચારમાં તેઓ આ વચન પણ પૂરું કર્યાનો પ્રચાર કરી શકશે. 

તાલિબાન સાથેની શાંતિવાર્તા પાકિસ્તાન માટે ફાયદાકારક સાબિત થાય એમ છે. એટલા માટે જ પાકિસ્તાની સરકાર અને તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ આ મંત્રણામાં વચેટિયાનું કામ કરી રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પાછી ખેંચાતા જ પાકિસ્તાન તાલિબાનની મદદ વડે કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપી શકે છે. તાલિબાનને અમેરિકા સાથે વાતચીતના ટેબલ પર લાવવામાં પણ પાકિસ્તાને જ મનાવ્યું કારણ કે તે ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વહેલામાં વહેલી તકે વાપસી થાય. અફઘાનિસ્તાનમાં ફરી વખત તાલિબાનના મૂળિયા મજબૂત થાય તો તે અફઘાનિસ્તાનની સરકારને ઉખાડી ફેંકવા માટે તાલિબાનને શસ્ત્રસરંજામ પૂરો પાડી શકે છે. કારણ કે અફઘાનિસ્તાનની વર્તમાન સરકારના પાકિસ્તાન સાથેના સંબંધો સારા નથી.

એથી ઉલટું અફઘાનિસ્તાનની સરકાર સાથે ભારતના સંબંધો ઘણાં સારા છે. ભારત પહેલેથી અફઘાનિસ્તાનમાં અબજો ડોલરના મેગા પ્રોજેક્ટ પૂરા કરી ચૂક્યું છે અને કેટલાંક પ્રોજેક્ટ્સ હાલ ચાલુ છે. ભારતે અફઘાનિસ્તાનને અત્યાર સુધી લગભગ ત્રણ અબજ ડોલરની સહાય કરી ચૂક્યું છે જેના દ્વારા ત્યાં સંસદભવન, સડકો અને બંધનું નિર્માણ થયું છે. ઉપરાંત અફઘાનિસ્તાનમાં અનેક માનવતાવાદી અને વિકાસશીલ પરિયોજનાઓ પર ભારત કામ કરી રહ્યું છે. એ કારણે અફઘાનિસ્તાનમાં ભારતની લોકપ્રિયતા ઘણી વધી છે. 

અફઘાનિસ્તાનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, સિંચાઇ, પીવાના પાણી, ઊર્જા જેવી પાયાની જરૂરિયાતોના અનેક પ્રોજેક્ટ્સ પર ભારત કામ કરી રહ્યું છે. ઉપરાંત અફઘાન શરણાર્થીઓના પુનર્વાસ માટે નાનગરહર પ્રાંતમાં સસ્તા ખર્ચે ઘરોનું નિર્માણ કરવાની યોજના પણ પ્રસ્તાવિત છે. 

અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપના દેશો સાથેના વેપાર સંબંધો વધારે મજબૂત બનાવવા માટે ભારતે ઇરાનના ચાબહાર પોર્ટના વિકાસમાં પણ ભારે રોકાણ કર્યું છે જે ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને ટક્કર આપવા માટે છે. જો અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવશે તો ભારતની આ પરિયોજનાઓ મુશ્કેલીમાં મૂકાઇ શકે છે. 

Tags :