Get The App

ભાજપ કેન્દ્રમાં મજબૂત પરંતુ રાજ્યો હાથમાંથી સરી રહ્યાં છે

ઝારખંડમાં 65 બેઠકો મેળવવાનો દાવો કરનારા ભાજપનો કરુણ રકાસ

Updated: Dec 24th, 2019

GS TEAM

Google News
Google News
ભાજપ કેન્દ્રમાં મજબૂત પરંતુ રાજ્યો હાથમાંથી સરી રહ્યાં છે 1 - image


સહયોગી પક્ષોને અવગણવાની ભાજપની નીતિ તેને ભારે પડી રહી છે અને ઝારખંડમાં પણ જે પક્ષો ભાજપને વિજય અપાવી શકે એમ હતાં એમનાથી છેડો ફાડવાનું ભાજપને ભારે પડી ગયું છે

તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવ્યા છતાં રાજ્યમાં સત્તા ગુમાવનારા ભાજપના હાથમાંથી એક ઓર રાજ્ય સરી ગયું છે. ઝારખંડની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ અહીંયા પણ ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. તો ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનના પક્ષમાં જનાદેશ આવ્યો છે.

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તામાં આવ્યો ત્યારથી જ ભાજપ ઉપર સહયોગી પાર્ટીઓને અવગણવાના આરોપ લાગતા રહ્યાં છે. ઝારખંડમાં પણ ભાજપને એ જ પરિબળ નડી ગયું. રાજ્યમાં ગત વિધાનસભાની ચૂંટણી ભાજપે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ) સાથે મળીને લડી હતી જેમાં ભાજપને ૩૭ અને એજેએસયુને પાંચ બેઠકો મળી હતી.

આ વખતે ભાજપે પોતાના સહયોગીઓને અવગણ્યાં અને એકલે હાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું. હકીકતમાં વર્ષ ૨૦૦૦માં ઝારખંડ રાજ્યની રચના થઇ ત્યારથી એજેએસયુ ભાજપની સહયોગી પાર્ટી હતી પરંતુ આ વખતે તેને કોરાણે મૂકવાનું ભાજપને ભારે પડી ગયું. 

ઝારખંડમાં એજેએસયુને ભાજપ સાથે બેઠકોની ફાળવણીના મુદ્દે વાંધો પડયો. ગત વિધાનસભાની ચૂંટણીમાં એજેએસયુએ આઠ બેઠકો પર ચૂંટણી લડીને પાંચ બેઠકો મેળવી હતી પરંતુ આ વખતે તેણે ૧૭ બેઠકોની માગણી કરી જે ભાજપે ન સ્વીકારી. લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષોએ સાથે ઝંપલાવીને રાજ્યની ૧૪માંથી ૧૨ બેઠકો અંકે કરી હતી અને ૫૬ ટકા વોટ હાંસલ કર્યાં હતાં. જો લોકસભાની ચૂંટણીના પ્રદર્શનને વિધાનસભાની બેઠકોના હિસાબે જોવામાં આવે તો ભાજપ અને એજેએસયુને મળીને ૬૩ બેઠકો પર જીત મળી શકી હોત.

જોકે મહારાષ્ટ્રમાં શિવસેનાથી દાઝેલા ભાજપે ઝારખંડમાં સહયોગી વિના ઝંપલાવવાનું નક્કી કર્યું અને એ જ મુદ્દો તેને ભારે પડી ગયો. કેન્દ્રની એનડીએ સરકારમાં ભાજપની સહયોગી એવી રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીએ પણ ભાજપને સાથે મળી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ એ પણ ભાજપે ફગાવી દીધો. એ જ રીતે નીતીશ કુમારની જેડીયૂ પણ ભાજપથી અલગ ચૂંટણી લડી. સહયોગી પક્ષો અલગ ચૂંટણી લડયા એનો સીધો ફટકો ભાજપને મતો વહેંચાઇ જવાના કારણે પડયો. 

ઝારખંડની ચૂંટણી અગાઉ ભાજપે દાવો કર્યો હતો કે તેને ૮૧માંથી ૬૫ બેઠકો મળશે અને તે એકલે હાથે રાજ્યમાં સરકાર બનાવશે. ભાજપને અપેક્ષા હતી કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ કરીને સફળતા મેળવશે. આ રણનીતિ અંતર્ગત ભાજપે ઝારખંડમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની અનેક ચૂંટણીસભાઓનું આયોજન કર્યું. એટલું જ નહીં, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યાં. પરંતુ ભાજપના આ દાવ ઉલટો પડયો અને તેણે સત્તા ગુમાવવાનો વારો આવ્યો.

ઝારખંડમાં એક તરફ જ્યાં ભાજપે સહયોગીઓને અવગણવાનું વલણ અપનાવ્યું ત્યાં બીજી તરફ વિપક્ષોએ એકજૂથ થઇને ચૂંટણીમાં ઝંપલાવ્યું અને ભાજપના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો. કોંગ્રેસે ઝારખંડ મુક્તિ મોરચા અને આરજેડી સાથે બેઠકોમાં ભાગીદારી કરીને ચૂંટણી લડી અને ભાજપના એકલે હાથે સરકાર બનાવવાના ઇરાદા પર પાણી ફેરવી દીધું. યાદ રહે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રણેય પક્ષો અલગ અલગ ચૂંટણી લડયાં હતાં પરંતુ આ વખતે કોંગ્રેસે મહારાષ્ટ્ર અને હરિયાણામાંથી દાખલો લઇને ઝારખંડ મુક્તિ મોરચા અને આરજેડી સાથે જોડાણ કરવાનું શાણપણ દાખવ્યું.

આ વખતની ઝારખંડની ચૂંટણીમાં ભાજપે મુખ્યમંત્રીપદ માટે આદિવાસી ચહેરો ન ઉતાર્યો એ પણ એને ભારે પડયું. ઝારખંડમાં ૨૬.૩ ટકા વસતી આદિવાસીઓની છે અને રાજ્યની ૨૮ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. ઝારખંડ મુક્તિ મોરચાએ આદિવાસી નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવ્યા જ્યારે ભાજપે બિનઆદિવાસી સમુદાયમાંથી આવતા રઘુબર દાસને જ ફરી વખત મુખ્યમંત્રીપદ માટે આગળ ધર્યાં.

ઝારખંડના આદિવાસીઓમાં રઘુબરદાસની નીતિઓને લઇને ઘણો રોષ હતો. આદિવાસીઓનું માનવું હતું કે રઘુબર દાસે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસીવિરોધી નીતિઓ બનાવી. એવી પણ ચર્ચા હતી કે આદિવાસી સમુદાયના નેતા અર્જુન મુંડેને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવાની માંગ પણ ઊઠી હતી પરંતુ ભાજપના નેતૃત્ત્વએ ફરી વખત રઘુબરદાસ પર જ દાવ લગાવ્યો જે ઉલટો પડયો. 

ઝારખંડની ચૂંટણીમાં ભાજપ પાર્ટીના અસંતુષ્ટોને ન સાચવી શક્યો અને એ પણ તેને ભારે પડયું. ભાજપના મોટા નેતા રાધાકૃષ્ણ કિશોરે પાર્ટી છોડીને એજેએસયુ સાથે હાથ મિલાવી લીધાં. એ જ રીતે ભાજપના કદાવર નેતા સરયૂ રાયે ટિકિટ ન મળતા પાર્ટી છોડી દીધી અને મુખ્યમંત્રી રઘુબરદાસ વિરુદ્ધ ઝંપલાવ્યું.

આ એ જ સરયુ રાય છે જેમણે લાલુપ્રસાદ યાદવના ચારાકૌભાંડનો પર્દાફાશ કરીને તેમને જેલના સળિયા પાછળ પહોંચાડયાં હતાં. તેમજ મધુ કોડાની સરકારમાં ચાર હજાર કરોડના માઇનિંગ ગોટાળાનો ભાંડો પણ ફોડયો હતો. સ્વાભાવિક છે કે આવા શક્તિશાળી નેતાને સાચવી ન શકાયાનો વસવસો ભાજપને જરૂર થઇ રહ્યો હશે.

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપે ડબલ એન્જિનવાળી થિયરી પર જોર આપવાનું શરૂ કર્યું હતું. ડબલ એન્જિન મતલબ કેન્દ્ર અને રાજ્યોમાં એક જ પાર્ટીની સરકાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના અન્ય નેતાઓએ અવારનવાર આ ફોર્મ્યૂલાનો ઉલ્લેખ કર્યો એને વિકાસ માટે જરૂરી ગણાવી. બીજી બાજુ બિનભાજપ સરકાર ધરાવતા રાજ્યો ભાજપ પર વિકાસમાં અડચણો ઊભી કરવાના આરોપ લગાવતા રહ્યાં. શરૂઆતમાં તો પ્રજાએ આ ડબલ એન્જિનવાળી ફોર્મ્યૂલાને પસંદ કરી અને પરિણામ એ આવ્યું કે ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા મળ્યા બાદ ભાજપ અને તેના સમર્થિત પક્ષોએ ૨૦૧૮ સુધીમાં ૨૧ રાજ્યોમાં સત્તા હાંસલ કરી. 

પરંતુ હવે આ ફોર્મ્યૂલા નિષ્ફળ જઇ રહી હોય એમ જણાય છે. ૨૦૧૪ની વાત કરીએ તો એ સમયે માત્ર સાત રાજ્યોમાં ભાજપની સરકાર હતી એમાંયે બે રાજ્યોમાં ભાજપ ગઠબંધન સરકારમાં હતો. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભાજપની સરકાર હતી જ્યારે પંજાબ અને મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન સરકાર હતી. બીજી બાજુ ૧૩ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એકલે હાથે અથવા તો જોડાણ કરીને સરકાર બનાવી. 

વર્ષ ૨૦૧૬માં ભાજપે આસામમાં ઇતિહાસ સર્જ્યો અને કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનને ખતમ કર્યું. એ પછી ૨૦૧૭માં સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ ત્યારે ભાજપે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં સરકાર બનાવી જ્યારે પંજાબમાં સત્તા ગુમાવી. પૂર્વોત્તરના રાજ્યોમાં પણ ભાજપે સહયોગીઓની મદદ વડે સરકાર રચી. વર્ષ ૨૦૧૮ની શરૂઆત ભાજપ માટે સારી રહી અને તેણે ત્રિપુરામાં સરકાર બનાવી.

જોકે એ પછી ભાજપ માટે વળતા પાણી શરૂ થયા. મે ૨૦૧૮માં કર્ણાટકમાં સૌથી વધારે બેઠકો મેળવવા છતાં તે સત્તાથી વંચિત રહ્યો અને કોંગ્રેસ-જેડીયૂએ ગઠબંધન સરકાર બનાવી. જોકે આ વર્ષે એ ગઠબંધન તૂટતા કર્ણાટકમાં ભાજપ સત્તા મેળવવામાં સફળ રહ્યો ખરો. જોકે ૨૦૧૮ના અંતમાં ભાજપને મોટો ફટકો પડયો અને એ વખતે હિન્દી બેલ્ટના ત્રણ મહત્ત્વના રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના હાથમાંથી સત્તા સરી ગઇ અને કોંગ્રેસના ખાતામાં જતી રહી. તેલંગાણામાં પણ કે. ચંદ્રશેખર રાવ આગળ ભાજપનો ગજ ન વાગ્યો.

આ વર્ષે આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ એમ સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઇ. જેમાં આંધ્રપ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસ અને ઓડિશામાં બીજેડીની સરકાર રચાઇ છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને હરિયાણામાં ભાજપની અથવા તો તેના ગઠબંધનની સરકાર રચાઇ છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડયો છે જ્યાં તેની સૌથી વધારે બેઠકો હોવા છતાં શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. અને હવે ઝારખંડ પણ ભાજપના હાથમાંથી નીકળી ગયું છે.

લોકસભામાં તો વિપક્ષો મજબૂત વિકલ્પ ઊભો ન કરી શકતા ભાજપને સત્તામાં પાછા ફરવામાં સફળતા મળી પરંતુ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો કાયમ રહ્યો છે જેના કારણે ભાજપને પીછેહઠ કરવાની થઇ છે. એક સમયે સફળતાના સર્વોચ્ચ શિખરે ભાજપના હાથમાં જે રાજ્યો હતાં એ જોતાં તે દેશની ૬૮ ટકા જનતા પર રાજ કરી રહી હતી પરંતુ આજે તેનો પ્રભાવ ૪૩ ટકા જનતા સુધી સીમિત થઇ ગયો છે. સૌને સાથે લઇને ન ચાલવાની ભાજપની જિદ કદાચ તેને જ ભારે પડી રહી છે.

Tags :