Get The App

કોની રચાશે સરકાર અને કોણ બનશે કિંગમેકર?

ત્રિશંકુ સંસદની સ્થિતિમાં વિપક્ષી દળો રાષ્ટ્રપતિને સરકાર રચવા માટે પહેલી તક આપવા વિનંતી કરશે

Updated: May 23rd, 2019

GS TEAM

Google News
Google News
કોની રચાશે સરકાર અને કોણ બનશે કિંગમેકર? 1 - image



એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતિ મળવાની આગાહી કરવામાં આવી છે પરંતુ જો એક્ઝિટ પોલ ખોટા પડયાં તો એ સંજોગોમાં સત્તાની ચાવી પ્રાદેશિક પક્ષોના હાથમાં રહેવાની છે

આજે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. ચૂંટણી બાદના એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને બહુમતિ મળવાની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વિપક્ષી દળો એક્ઝિટ પોલને અવગણીને સરકાર રચવાની કવાયતમાં લાગી ગયાં છે. એવામાં જો એક્ઝિટ પોલના અનુમાન કરતા વાસ્તવિક પરિણામો અલગ રહ્યાં તો સત્તાની ચાવી કેટલાંક પ્રાદેશિક પક્ષોના હાથમાં રહેવાની શક્યતા છે.

એક તરફ ભાજપનો દાવો છે કે નરેન્દ્ર મોદી ફરી વખત સંપૂર્ણ બહુમતિ સાથે દેશના વડાપ્રધાન બનશે અને એક્ઝિટ પોલ પણ ભાજપના આ દાવા પર મહોર લગાવી ચૂક્યાં છે. બીજી બાજુ કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી દળોએ પણ હજુ આશા ગુમાવી નથી. હકીકતમાં વિપક્ષી પાર્ટીઓનું માનવું છે કે પરિણામોમાં કોઇ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ નહીં મળે અને ત્રિશંકુ લોકસભાની પરિસ્થિતિ ઉદ્ભવશે. એ સંજોગોમાં વિપક્ષી દળોએ સરકાર રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિને પત્ર સોંપવાનો નિર્ણય લીધો છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપાનારા આ પત્રમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તેમજ એનસીપી અને ડીએમકેના નેતાઓના હસ્તાક્ષર સામેલ છે. પ્રાદેશિક પક્ષોના આ અભિયાનમાં હાલ કોંગ્રેસ સામેલ નથી. રાષ્ટ્રપતિને લખાયેલા પત્રમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે પરિણામ જાહેર થયા બાદ વિપક્ષી દળોને પોતાના સાંસદોની યાદી સોંપવાનો સમય આપવામાં આવે કે જેથી કરીને તેઓ બહુમતિના આંકડા સુધી પહોંચી શકે. 

હકીકતમાં કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી મોરચો એવી રણનીતિ બનાવવામાં લાગી ગયો છે કે ભલે ભાજપની આગેવાની હેઠળના એનડીએને વધારે બેઠકો મળી હોય પરંતુ જો તેઓ બહુમતિથી દૂર હોય એ સંજોગોમાં રાષ્ટ્રપતિ તેમને સરકાર રચવા ન આમંત્રી શકે. એવું પણ જાણવા મળે છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ કેન્દ્રમાં પણ કર્ણાટક મોડેલ અપનાવી શકે છે.

ગયા વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૦૪ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો હતો. પરંતુ ૭૮ બેઠકો સાથે બીજા સ્થાને રહેલી કોંગ્રેસે છેક ત્રીજા સ્થાને રહેલા જેડીએસના એચ.ડી. કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકે ટેકો આપીને ભાજપને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી હતી. 

જો પરિણામોમાં કોઇ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ ન મળી એ સંજોગોમાં એનડીએ અને યૂપીએથી અંતર જાળવી રાખનાર પ્રાદેશિક પક્ષો મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. જાણકારોના મતે આવા પક્ષોમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને વાઇએસઆર કોંગ્રેસ જેવા પક્ષોનો સમાવેશ થાય છે.

આમ તો એક્ઝિટ પોલ પર ભરોસો કરવામાં આવે તો નરેન્દ્ર મોદીની વાપસી નક્કી છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી જોેવામાં આવ્યું છે કે અનુમાનો અને વાસ્તવિક પરિણામોમાં ભારે તફાવત હોય છે. બંને મોરચાને બહુમતિ ન મળે એ સંજોગોમાં આવા તટસ્થ રહેલા પક્ષોનું મહત્ત્વ આપોઆપ વધી જવાનું છે કારણ કે સરકાર રચવા માટે આવા પક્ષોનો સાથ મેળવવા માટે ખેંચતાણ થશે. 

સામાન્ય રીતે એવું કહેવાય છે કે દિલ્હીની ગાદીનો માર્ગ ઉત્તરપ્રદેશમાં થઇને પસાર થાય છે. મતલબ કે કેન્દ્રમાં સરકાર રચવા માટે ઉત્તરપ્રદેશમાં ઘણી ખરી બેઠકો મેળવવી આવશ્યક છે. પરંતુ આ વખતનો માહોલ જોતાં ઉત્તરપ્રદેશમાં કોઇ પણ એક પાર્ટી તરફનું વલણ જોવા મળ્યું નથી. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં સપાટો બોલાવ્યો હતો પરંતુ આ વખતે ભાજપને ટક્કર આપવા માટે જાનીદુશ્મન ગણાતી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવ્યાં હતાં. એ સંજોગોમાં ઉત્તરપ્રદેશનું ચિત્ર અલગ હોઇ શકે છે. 

પરિણામોમાં ઉત્તરપ્રદેશ ચાવીરૂપ ભૂમિકા ન ભજવી શકવાની સ્થિતિમાં ઓડિશા. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો મહત્ત્વનું સ્થાન લઇ શકે છે. ગત લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી હતી જ્યારે બહુજન સમાજ પાર્ટીનું તો ખાતું પણ નહોતું ખૂલ્યું. તો ઓડિશામાં બીજેડીને ૧૯ અને તેલંગાણામાં ટીઆરએસને ૧૦ તો આંધ્રપ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસને ૯ બેઠકો મળી હતી.

ટીઆરએસના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ ઉર્ફે કેસીઆરએ તો ચૂંટણી પૂરી થયા પહેલાં જ પોતાના ચક્રો ગતિમાન કરી દીધાં છે અને વિપક્ષી દળોના નેતાઓને મળી રહ્યાં છે. હમણા સુધી ત્રીજો મોરચો રચવાની કવાયત કરી રહેલા કેસીઆરએ પરિસ્થિતિ જોઇને પેંતરો બદલ્યો છે અને ભાજપવિરોધી મોરચાના સભ્ય બનવાનું વિચાર્યું છે. જોકે કેસીઆરને એનડીએમાં જોડાવામાં પણ કોઇ વૈચારિક મતભેદ નથી. એ સંજોગોમાં જો કેન્દ્રમાં એનડીએની સરકાર રચાય તો તેઓ એ મોરચામાં પણ જઇ શકે છે.

સરકાર રચવાની સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓની હિલચાલ વચ્ચે બીજેડી પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અકળ મૌન જાળવી રાખ્યું છે. નથી તેઓ સત્તાધારી ભાજપને સાથ આપતાં કે નથી ભાજપવિરોધી મોરચામાં સામેલ થતાં. ઓડિશામાં તેમની મુખ્ય લડાઇ ભાજપ સામે હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેઓ ક્યારેય ભાજપવિરોધી મોરચાના કાર્યક્રમોમાં હાજરી આપતા નથી. તેમને પણ કિંગમેકરની ભૂમિકામાં જોવામાં આવે છે. જોકે તાજેતરમાં બીજેડીએ એવો અણસાર આપ્યો છે કે તે કેન્દ્રમાં સત્તા રચનાર મોરચાનો સાથ આપી શકે છે. 

તો વાઇએસઆર કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડીએ પણ હજુ સુધી પોતાના પત્તાં ખોલ્યાં નથી. આંધ્રપ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસ આ વખતે ચંદ્રબાબુ નાયડૂની ટીડીપીને જોરદાર ટક્કર આપશે એવું અનુમાન છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને જગનમોહન રેડ્ડીને પોતાના પક્ષમાં ખેંચવા મથી રહ્યાં છે.  ટૂંકમાં કેસીઆર, નવીન પટનાયક અને જગનમોહન રેડ્ડી એવા ત્રણ નેતાઓ છે જે આગામી સમયમાં ભાજપ અથવા તો ભાજપવિરોધી મોરચો બંનેમાંથી જેની સરકાર રચાય એમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

આ લોકસભાની ચૂંટણીમાં મમતા બેનરજી પણ ભારે સક્રિય રહ્યાં છે. હકીકતમાં તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ નેતાઓને એકલે હાથે ટક્કર આપી છે. છેલ્લા થોડા મહિનાઓમાં અનેક વખત એવું બન્યું છે કે મમતા બેનરજીની ભાજપ વિરુદ્ધની લડતમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ તેમના પડખે ઊભા રહેવું પડયું હોય. એવામાં જો એનડીએ કે યૂપીએને બહુમતિ ન મળે એ સંજોગોમાં મમતા બેનરજી ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની ૩૪ બેઠકો જીતીને ચોથી સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે આ વખતે એક્ઝિટ પોલમાં મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસને ૨૪ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે જેને મમતાએ મજાક ગણાવી છે. જોકે ભાજપનો પ્રચંડ વિરોધ હોવાના કારણે તૃણમુલ કોંગ્રેસ જરૂર પડયે કોંગ્રેસને સમર્થન આપી શકે છે.

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ વખતની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અજિત સિંહના રાષ્ટ્રીય લોકદળ સાથે જોડાણ કરીને ઉત્તરપ્રદેશમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ઉત્તરપ્રદેશમાં આ ગઠબંધનને ૮૦માંથી ૪૫ જેટલી બેઠકો મળવાનું અનુમાન છે.

અખિલેશ યાદવ તો કોંગ્રેસ સાથે જવાની વાત કરી ચૂક્યાં છે તો અજિત સિંહને પણ કોંગ્રેસ સાથે જવામાં વાંધો નથી. પરંતુ માયાવતી કોંગ્રેસ સાથે જવામાં ખચકાટ અનુભવે છે. હકીકતમાં આ વખતની ચૂંટણીમાં તેમણે ભાજપ જેટલો જ વિરોધ કોંગ્રેસનો પણ કર્યો છે. આમ તો માયાવતી વડાપ્રધાનપદના સપના જોઇ રહ્યાં છે પરંતુ ભાજપને સત્તામાંથી દૂર રાખવા તેઓ નાછૂટકે પણ વિપક્ષી મોરચામાં જોડાઇ શકે છે. 

ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડૂ તો લોકસભાની ચૂંટણી અગાઉથી વિપક્ષી દળોને એક કરવાની કવાયતમાં લાગેલા છે. ચૂંટણી દરમિયાન પણ તેમણે વિપક્ષી દળોના નેતાઓ સાથે અનેક વખત બેઠકો યોજી છે. મતદાન પૂરું થયા બાદ તેમની સક્રિયતામાં ઓર વધારો થયો છે અને તેઓ વિપક્ષને એકજૂથ કરવા માટે સતત વિપક્ષી દળોના નેતાઓ સાથે મેરાથોન બેઠકો યોજી રહ્યાં છે. હાલના સંજોગો જોતાં જો કેન્દ્રમાં ભાજપવિરોધી મોરચાની સરકાર રચાઇ તો તેમાં ચંદ્રબાબુ નાયડૂનું યોગદાન સૌથી વધારે હશે. 

તામિલનાડુમાં ડીએમકે અધ્યક્ષ એમ.કે. સ્ટાલિન જાહેરમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની વકીલાત કરતા રહ્યાં છે જોકે તામિલનાડુના ભાજપના નેતાઓનો દાવો છે કે તક મળ્યે સ્ટાલિન ગુલાંટ મારવા તૈયાર છે. 

જોકે સ્ટાલિને ભાજપના આ દાવાનું ખંડન કર્યું છે પરંતુ પરિણામ આવ્યા બાદ તેમનું વલણ સ્પષ્ટ થવાની શક્યતા છે. હાલ તો આ તમામ નેતાઓ પરિણામોની રાહ જોઇ રહ્યાં છે. દરમિયાન મેરાથોન બેઠકોમાં સંભવિત પરિણામો અને એ પછી રચાનારા સમીકરણો અંગે ચર્ચા ચાલી રહી છે. 

ત્રિશંકુ સંસદ રચાવાના સંજોગોમાં રાષ્ટ્રપતિની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેવાની છે. ખાસ કરીને તેઓ સરકાર રચવા માટે પહેલાં કોને આમંત્રણ આપે છે એ ઘણું મહત્ત્વનું છે. કારણ કે એવી પૂરેપૂરી શક્યતા છે કે સરકાર રચવા માટે ગમે તે મોરચાને આમંત્રણ અપાયા બાદ ઉમેદવારોની ખેંચતાણ શરૂ થઇ જાય.

Tags :