Get The App

લાલકૃષ્ણ અડવાણીની રાજકીય કારકિર્દીનો અંત?

ગાંધીનગર બેઠક પરથી અડવાણીના સ્થાને અમિત શાહને ટિકિટ મળતા લોકોમાં આશ્ચર્ય

Updated: Mar 23rd, 2019

GS TEAM

Google News
Google News
લાલકૃષ્ણ અડવાણીની રાજકીય કારકિર્દીનો અંત? 1 - image



ભાજપને શૂન્યમાંથી શિખરે પહોંચાડનારા અડવાણી પક્ષમાંથી તો ઘણાં સમય પહેલાં જ સાઇડ લાઇન થઇ ગયાં હતાં અને એક સમયે વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર ગણાતા અડવાણી આજે પાર્ટીની નજરમાં સાંસદ બનવાને લાયક પણ રહ્યાં નથી

છેવટે લાંબા મંથન અને વિલંબ બાદ ભાજપે લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. પાર્ટીએ જે ૧૮૪ ઉમેદવારોને પહેલી યાદીમાં સમાવ્યાં છે એમાં સૌના આશ્ચર્ય વચ્ચે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવાર તરીકે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર થયું છે. અત્યાર સુધી ગાંધીનગર બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા આવ્યાં છે.

હવે આ બેઠક પર અમિત શાહનું નામ જાહેર થતા એવા કયાસ કાઢવામાં આવી રહ્યાં છે કે અડવાણી ચૂંટણીની રેસમાંથી બહાર થઇ ગયાં છે. એ સાથે જ એવી ચર્ચા પણ થઇ રહી છે કે અડવાણીની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો છે. 

ગાંધીનગર બેઠક પરથી છ વખત વિજેતા રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણી ૯૧ વર્ષના થઇ ગયા છે. ભાજપમાં એવા સંકેત મળી રહ્યા હતાં કે ૭૫ વર્ષની વય વટાવી ગયેલા નેતાઓને આ વખતની લોકસભાની ચૂંટણીની ટિકિટ ન આપવા માટે પાર્ટી મક્કમ છે. કહેવા માટે તો ભાજપે આ ફોર્મ્યૂલા મુજબ ગાંધીનગર બેઠક પરથી અડવાણીના સ્થાને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ઉતાર્યા છે.

ભાજપના ગુજરાત એકમનો આગ્રહ હતો કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડે. એ સાથે જ ગુજરાત ભાજપના નેતાઓનો આગ્રહ હતો કે અમિત શાહ પણ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડે. ભાજપ માટે આ વખતે ગુજરાતનો ગઢ સાચવવાનો ભારે અગત્યનો છે એટલા માટે છેવટે અમિત શાહે ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. 

જોકે ભાજપની ઉમેદવારોની પહેલી યાદી જોતાં સૌના મનમાં સવાલ થઇ રહ્યો છે કે અડવાણીની રાજકીય કારકિર્દીનો છેવટે અંત આવ્યો છે કે કેમ. ભાજપના વરિષ્ઠતમ નેતાઓમાં સામેલ અડવાણીને અટલ બિહારી વાજપેયી સાથે ભાજપને શૂન્યમાંથી શિખર સુધી પહોંચાડનારા નેતા ગણવામાં આવે છે.

પરંતુ તેમની આ વરિષ્ઠતા માત્ર ઉંમર અને પાર્ટી સાથેના જોડાણના વર્ષો સુધી જ સીમિત રહી ગઇ છે. દેશના નાયબ વડાપ્રધાન રહી ચૂકેલાં અને વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર ગણાતા રહેલાં અડવાણી આજે પાર્ટીની નજરમાં સાંસદ બનવાને લાયક પણ રહ્યાં નથી. 

આમ તો ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદથી જ અડવાણીની હાંસિયા પર ધકેલાવાની શરૂઆત થઇ ગઇ હતી. હવે એવું લાગી રહ્યું છે કે ભાજપે તેમના રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી દીધું છે. એક રીતે જોતાં તો જેમ જેમ નરેન્દ્ર મોદીનું કદ વધતું ગયું તેમ તેમ અડવાણીનું કદ ઘટતું ગયું છે.

૧૯૮૪માં બે બેઠકો પર સમેટાઇ ગયેલી ભારતીય જનતા પાર્ટીને જીવતદાન આપવાનું કામ અડવાણીએ વાજપેયી સાથે મળીને કર્યું હતું. અડવાણીએ જ વાજપેયી સાથે મળીને ભાજપને ભારતીય રાજનીતિના કેન્દ્રમાં પહોંચાડી અને એ પછી ૧૯૯૮માં પહેલી વખત સત્તાનો સ્વાદ ચખાડયો. 

આજે ભાજપ જે મજબૂતાઇથી ઊભો છે એની પાછળ અડવાણીનો સિંહફાળો છે. અડવાણીએ જ ૧૯૯૨માં અયોધ્યા રથયાત્રા કાઢીને રાજનીતિમાં ભાજપની ધાર તેજ કરી હતી. એ જોતાં એક સમયે ભારતની રાજનીતિની દિશા નક્કી કરનારા નેતાઓમાં અડવાણીનો સમાવેશ કરી શકાય.

પરંતુ અડવાણીના નેતૃત્ત્વ હેઠળ ભાજપને ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં મળેલી સતત હારના કારણે તેઓ પક્ષમાં પાછા ધકેલાતા ગયાં. સંસદીય રાજનીતિમાં અડવાણી છેક ૧૯૯૧માં ગાંધીનગરની બેઠક પરથી પહેલી વખત ચૂંટણી જીત્યાં હતાં. એ પછી ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ એમ કુલ છ વખત તેમને સંસદ સુધી પહોંચાડવામાં ગાંધીનગરની બેઠક ભાગ્યશાળી નીવડી હતી. જોકે બાબરી કેસના કારણે ૧૯૯૬માં તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં નહોતાં. 

આજની પેઢીને કદાચ એ ખ્યાલ પણ નહીં હોય કે એક જમાનામાં અડવાણીની ભારતીય રાજકારણમાં કેટલી બોલબાલા હતી. અડવાણીએ જ્યારે રથયાત્રાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર હિન્દુત્ત્વ જ નહીં, ભાજપનો પ્રચાર પણ કરી રહ્યાં હતાં. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ધર્મના નામે આવી રાજકીય રેલી પહેલાં કદી નીકળી નહોતી. પરિણામ એ આવ્યું કે થોડાં જ વર્ષોમાં ભાજપની સંસદમાં બેઠકોનો આંકડો બેથી ૧૮૨એ પહોંચી ગયો.

એ સાથે જ ભાજપ પોતાના ગઢ ઉત્તર ભારતમાંથી બીજા પ્રદેશોમાં પણ ફેલાવા લાગ્યો. ભાજપની લોકપ્રિયતા તો વધવા લાગી પરંતુ જ્યારે વડાપ્રધાનપદનો વારો આવ્યો ત્યારે અડવાણીની જગ્યાએ અટલ બિહારી વાજપેયીના નામ પર મહોર વાગી. ખાસ તો એટલા માટે કે એ સમયે અડવાણી વિપક્ષ અને ભાજપની સહયોગી પાર્ટીઓમાં ભારે વિવાદાસ્પદ નેતા ગણાતા હતાં અને ગઠબંધન સરકારની મજબૂરીઓના કારણે તેઓ વડાપ્રધાન બનવાથી વંચિત રહી ગયાં. 

ભાજપને ભારતીય રાજકારણમાં શિખરે પહોંચાડવામાં અડવાણીના યોગદાનનો ઇન્કાર થઇ શકે એમ નથી. ખુદ વડાપ્રધાન મોદી પણ તેમના આ યોગદાનને નકારી શકે એમ નથી. હકીકતમાં એક સમયે મોદી પોતે અડવાણીની અત્યંત નિકટ હતાં.

પરંતુ ગત લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં ત્યારથી બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવવાની શરૂઆત થઇ. મોદીના વડાપ્રધાન બન્યા બાદ આ કડવાશ ચરમસીમાએ પહોંચી અને અડવાણીને પક્ષની સક્રિય કામગીરીમાંથી ફરજિયાત નિવૃત્તિ આપીને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવામાં આવ્યાં. 

કહેવાય છે કે અડવાણી ભાજપના એ ત્રણ મોટા નેતાઓમાંના એક હતાં જેઓ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવાની તરફેણમાં નહોતાં. પરંતુ આરએસએસનું મોદીને પાકું સમર્થન હતું. ગોવામાં એપ્રિલ ૨૦૧૪ની ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પણ મોદીને અડવાણીનો અપેક્ષિત સાથ નહોતો મળ્યો.

૨૦૧૨ સુધી મોદી અડવાણીના નિકટના સહયોગી ગણાતા હતાં. પરંતુ ૨૦૧૪માં મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવાની કામગીરી અડવાણીને પસંદ ન આવી. પરંતુ પાર્ટીના કાર્યકરોના દબાણ અને સંઘના સમર્થનના કારણે અડવાણીનો વિરોધ નબળો પડી ગયો અને તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યાં. 

સ્વાભાવિક છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આ બધું ભૂલ્યાં નહીં હોય. અડવાણી પ્રત્યે વડાપ્રધાન મોદીની નારાજગીનું એક સંભવિત કારણ એ પણ હોઇ શકે છે કે જ્યારે શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા અને અરુણ શૌરી જેવા અડવાણી સમર્થક નેતાઓએ મોદી વિરુદ્ધ મોરચો ખોલ્યો ત્યારે તેમને અંકુશમાં લેવાના અડવાણી તરફથી કોઇ પ્રયાસ ન થયા. એક સમયે વડાપ્રધાન બનવાનું સપનું સેવી રહેલાં અડવાણી માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ એ દરવાજા પણ કાયમ માટે બંધ ખઇ ગયાં. 

વડાપ્રધાન બનવાનું સપનું રોળાઇ ગયા બાદ અંતિમ તક દેશના રાષ્ટ્રપતિ બનવાની હતી. પરંતુ અડવાણીનું એ સપનું પણ સાકાર ન થયું. જે રીતે કોંગ્રેસે પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ બનાવીને તેમનું ઋણ અદા કર્યું હતું એવું ભાજપ પણ કરી શક્યો હોત. જોકે ૨૦૧૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે ભાજપે રામનાથ કોવિંદ પર કળશ ઢોળીને અડવાણીની રહીસહી આશા ઉપર પણ પાણી ફેરવી દીધું.

ખાસ તો રાષ્ટ્રપતિપદની ચૂંટણીના થોડા સમય પહેલાં જ બાબરી મસ્જિદ વિધ્વંશ મામલે આરોપોની સુનાવણી કરતી વખતે અદાલતે ચુકાદો આપ્યો કે અડવાણીએ ક્રિમિનલ કેસનો સામનો કરવો જ પડશે ત્યારે જ અડવાણી સમર્થકો સમજી ગયાં હતાં કે તેમનું રાષ્ટ્રપતિ બનવું અશક્ય છે. 

જોકે અડવાણીએ પોતે કદી રાષ્ટ્રપતિ બનવાની મનોકામના જાહેર કરી નહોતી. એમ તો તેમણે કદી વડાપ્રધાન બનવાની ઇચ્છા પણ જાહેર નહોતી કરી પરંતુ વયોવૃદ્ધ ઉંમરે પહોંચ્યા છતાં રાજકારણમાં તેમની સક્રિયતાએ તેમની મહેચ્છાઓને પ્રદર્શિત કરી જ કાઢી હતી. 

૨૦૦૪ની લોકસભાની ચૂંટણી વખતે વાજપેયી જ્યારે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપી ચૂક્યાં હતાં ત્યારે અડવાણી સમક્ષ વડાપ્રધાન બનવાની મોટી તક હતી. પરંતુ એ વખતે ભાજપની આગેવાની હેઠળના એનડીએને હાર મળતા તેમનું વડાપ્રધાન બનવાનું સપનું રોળાઇ ગયું હતું. એ પછી ૨૦૦૯માં પણ ભાજપની હાર થતાં એ સપનું સાકાર ન થઇ શક્યું. ૨૦૧૪માં જ્યારે ફરી ભાજપતરફી જુવાળ હતો ત્યારે વડાપ્રધાનપદ ફરી વખત હાથતાળી આપીને નરેન્દ્ર મોદીના શિરે જતું રહ્યું. 

ઘણાં લોકો એવી દલીલ પણ કરી રહ્યાં છે કે આયુષ્યના નવ દાયકા વટાવી ચૂકેલાં અડવાણીએ ઘણાં સમય પહેલાં જ રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી દેવાની જરૂર હતી.

જો એમ કર્યું હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. એવી લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યાં છે કે અડવાણીએ પોતે સક્રિયા રાજકારણમાંથી સન્માનજનક વિદાય લઇ લીધી હોત તો સારું થયું હોત. પરંતુ કહેવાય છે કે ઢળતી ઉંમરે પણ અપૂર્ણ રહેલી આકાંક્ષાઓએ તેમને સન્યાસ ન લેવા દીધો. નવી પેઢીને તક આપવાના તર્ક સાથે આજે અડવાણીને લોકસભાની ચૂંટણીની ટિકિટ પણ આપવામાં નથી આવી ત્યારે અડવાણી પોતાના સુવર્ણ યુગને યાદ કરીને ગમગીન થવાથી વિશેષ કશું કરી શકે એમ પણ નથી.

Tags :