કોરોનાના બહાને ટ્રમ્પના ફરી H-1B વિઝા સાથે ચેડાં કરવાના પ્રયાસ
- ટ્રમ્પ પ્રશાસનની H-1B વિઝા સહિતના બીજા રોજગાર વિઝા સ્થગિત કરવા વિશે વિચારણા
- અમેરિકા ફર્સ્ટની નીતિ સાથે સત્તામાં આવેલા ટ્રમ્પે H-1B વિઝામાં ફેરફારો કરવા માટે ઘણાં પ્રયાસ કર્યાં પરંતુ સફળ ન નીવડયાં અને હવે રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવતા કોરોના મહામારીનું કારણ આગળ ધરીને H-1B વિઝા સ્થગિત કરવાની હિલચાલ આદરી છે
કોરોના મહામારીના કારણે અમેરિકામાં બેરોજગારીનો દર ઘણો વધી ગયો છે અને એટલા માટે અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા સહિતના બીજા રોજગાર વિઝા સ્થગિત કરવા વિશે વિચાર કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં કહ્યું હતું કે કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા માટે બીજા દેશોમાંથી આવતા લોકોની સંખ્યા મર્યાદિત કરવાની જરૂર છે.
એ સાથે જ તેમણે અમેરિકનોને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત પણ કરી હતી. જો અમેરિકા H-1B તેમજ અન્ય રોજગાર વિઝા સ્થગિત કરી દે તો ભારતથી અમેરિકા જવા માંગતા લોકો અને ભારતની આઇટી કંપનીઓ પર અસર થવી નક્કી છે.
રોજગાર માટે કે વસવાટ માટે અમેરિકા જવા માંગતા ભારતીય વ્યવસાયીઓમાં H-1B વિઝા ભારે લોકપ્રિય છે. આ વિઝા અમેરિકામાં છ વર્ષ માટે કામ કરવા માટે આપવામાં આવે છે. અમેરિકામાં કાર્યરત કંપનીઓ આ વિઝા એવા સ્કીલ્ડ કર્મચારીઓને રાખવા માટે આપવામાં આવે છે જેમની અમેરિકામાં તંગી હોય.
આ વિઝા માટે કેટલીક શરતોનું પાલન થવું જરૂરી છે જેમકે આ વિઝા મેળવવા માંગતા વ્યક્તિ પાસે સ્નાતક હોવા ઉપરાંત કોઇ એક ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા હાંસલ હોવી જોઇએ. આ વિઝાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બીજા દેશોના લોકોનો અમેરિકામાં વસવાટ માટેનો રસ્તો આસાન કરી દે છે.
H-1B વિઝાને લઇને અમેરિકામાં છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલ્યો આવે છે. અમેરિકાના લોકો આ વિઝાનો ભારે વિરોધ પણ કરતા હોય છે. ઘણાં લોકોનું માનવું છે કે કંપનીઓ આ વિઝાનો ખોટી રીતે ઉપયોગ કરે છે. અમેરિકાના લોકોની ફરિયાદ છે કે આ વિઝા એવા સ્કીલ્ડ લોકોને આપવા જોઇએ જે અમેરિકામાં મોજૂદ ન હોય.
પરંતુ કંપનીઓ આ વિઝાનો ઉપયોગ કરવામાં આ નિયમ પાળતી નથી. સ્થાનિક લોકોનો આરોપ છે કે H-1B વિઝાનો ઉપયોગ કરીને કંપનીઓ અમેરિકનોની જગ્યાએ વિદેશીઓને ઓછા પગારે નોકરીમાં રાખી લે છે. છેલ્લા થોડા વર્ષોથી અમેરિકામાં આ વિઝાને લઇને અદાલતી કેસો પણ ચાલ્યા છે.
૨૦૧૫માં ખ્યાતનામ કંપની ડિઝનીએ આ વિઝાને લઇને એક લાંબી કાયદાકીય લડાઇ લડવી પડી હતી. ડિઝનીના કેટલાક કર્મચારીઓનો આરોપ હતો કે કંપનીએ ઓછો પગાર આપવો પડે એટલા માટે તેમની જગ્યાએ H-1B વિઝાધારકોને નોકરીએ રાખ્યા હતાં. કર્મચારીઓએ એવો આરોપ પણ મૂક્યો હતો કે ડિઝનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂકતા પહેલા પોતાનું કામ H-1B વિઝાધારકોને શીખવવા માટે પણ કહ્યું હતું. H-1B વિઝાને લઇને ભારતીય આઇટી કંપનીઓ ઉપર પણ આરોપો મુકાતા રહ્યાં છે. અગાઉ ૨૦૧૩માં ભારતીય આઇટી કંપની ઇન્ફોસિસે આવા જ એક મામલામાં લગભગ ૨૫ કરોડ રૂપિયાનો દંડ ભરવો પડયો હતો.
અમેરિકાના ઘણાં લોકોના વિરોધ સાથે છેલ્લા થોડા સમયથી H-1B વિઝા રાજકીય મુદ્દો પણ બન્યો છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષો H-1B વિઝાને લઇને જુદા જુદા વાયદા પણ કરતી હોય છે. ૨૦૧૬માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝામાં આકરા નિયમોને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં H-1B વિઝા પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી હતી.
અગાઉની સરકારો પણ એવા પ્રયાસો કરતી રહી છે કે અમેરિકન કંપનીઓ આ વિઝાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે. એટલા માટે વખતો વખત આ વિઝાની ફીમાં પણ ભારેખમ વધારો કરવામાં આવે છે. ઓબામા પ્રશાસને ૨૦૧૦ અને ૨૦૧૬માં H-1B વિઝા ફીમાં ભારે વધારો કર્યો હતો. એ પછી ૨૦૧૭માં વિઝા ફી બે હજાર ડોલરથી વધારીને ૬ હજાર ડોલર કરી દેવામાં આવી હતી. એ સમયે ભારત સરકારે તેનો ભારે વિરોધ પણ કર્યો હતો.
અમેરિકા હાઇલી સ્કીલ્ડ પ્રોફેશનલ્સને પોતાને ત્યાં કામ કરવા માટે આમંત્રવા માટે વાર્ષિક ૮૫ હજાર H-1B વિઝા જારી કરે છે. આ વિઝા મેળવવા માટે દુનિયાભરના પ્રોફેશનલ્સ અરજી કરતા હોય છે પરંતુ આ વિઝા પ્રાપ્ત કરવામાં ભારતનો દબદબો છે. કુલ H-1B વિઝાના ૬૦ ટકા જેટલા વિઝા ભારતીયો મેળવી જાય છે.
જે માટે તેમની કુશળતા ઉપરાંત અન્ય લોકો કરતા ઓછા પગારે કામ કરવાની તૈયારી પણ માનવામાં આવે છે. H-1B વિઝાના નિયમો આકરા કરવામાં આવે છે તો તેની સીધી અસર ભારતની આઇટી કંપનીઓ ઉપર પડે છે. ખાસ વાત એ કે ઇન્ફોસિસ, વિપ્રો અને ટીસીએસ જેવી આઇટી કંપનીઓની લગભગ અર્ધી કરતા વધારે આવક અમેરિકામાંથી આવે છે. આ કંપનીઓ બહુ મોટી સંખ્યામાં H-1B વિઝાધારકોને નોકરીએ રાખે છે.
H-1B પ્રાપ્ત કરવા માટેની મુખ્ય શરતોમાં છે વાર્ષિક પગાર જે હાલ ૬૦ હજાર ડોલર હોવો જરૂરી છે. એ ઉપરાંત આ વિઝા માટે અરજી કરનાર પાસે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. H-1B વિઝાનો વાર્ષિક ક્વોટા હાલ ૬૫ હજારનો છે જેની ફાળવણી લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ માટે વધારાના ૨૦ હજાર એડવાન્સ H-1B વિઝાની વ્યવસ્થા પણ છે. H-1B વિઝાની હાલની જોગવાઇઓની વાત કરીએ તો બીજા દેશોમાંથી અમેરિકામાં H-1B વિઝા પર આવેલા લોકોને ત્રણ વર્ષ સુધી રહેવાની પરવાનગી મળે છે અને આ સમયગાળો બીજા ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે.
જો કોઇ વ્યક્તિ આ રીતે છ વર્ષ અમેરિકામાં ગાળે તો તે અમેરિકામાં સ્થાયી નાગરિકત્ત્વ એટલે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. જ્યાં સુધી ગ્રીન કાર્ડની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એ વ્યક્તિના વિઝા લંબાયા કરે છે. ગ્રીન કાર્ડ માટેની અરજી પેન્ડીંગ હોય એવા લોકોમાં સૌથી વધારે પ્રોફેશનલ્સ ભારત અને ચીનના છે. કેટલાય લોકો તો એવા છે જેમની ગ્રીન કાર્ડની અરજી છેલ્લા દસ કે બાર વર્ષથી પેન્ડીંગ છે.
અમેરિકામાં કાયમી વસવાટ કરવા માંગતા લોકો માટે H-1B વિઝા એકદમ અનુકૂળ છે. ખાસ કરીને ભારતના સોફ્ટવેર નિષ્ણાંતો H-1B વિઝા પ્રાપ્ત કર્યા પછી પાંચ વર્ષ બાદ ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે જે પ્રાપ્ત થયા બાદ કાયમી નાગરિક બનવા તરફ મીટ માંડે છે. ખરેખર તો હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સના કારણે જ અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રી ટકી રહી છે અને અમેરિકા આ વાત જાણે છે એટલા માટે જ પાછલી સરકારો આ વિઝા નીતિનું સમર્થન કરતી આવી છે.
જોકે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ આનાથી સાવ વિપરિત છે. વર્ષ ૨૦૧૬માં ચૂંટણી પ્રચાર દરમિયાન જ ટ્રમ્પે બાય અમેરિકન હાયર અમેરિકનનું સૂત્ર વહેતું કર્યું હતું જે અંતર્ગત ટ્રમ્પે વચન આપ્યું હતું કે અમેરિકામાં સ્થાનિક નોકરીઓમાં અમેરિકન લોકોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ બન્યા પછી એક પછી એક ચૂંટણી વાયદાઓ પૂરા કરવા મચી પડેલા ટ્રમ્પ H-1B વિઝામાં ફેરફાર કરવા પણ ઘણાં પ્રયાસ કર્યાં હતાં પરંતુ તેમના પ્રયાસો સફળ નીવડયાં નહોતાં.
ટ્રમ્પ પ્રશાસને ગ્રીન કાર્ડની અરજી પેન્ડીંગ હોય એ સમય દરમિયાન અમેરિકા છોડવાની શરત ઉપરાંત નવી વિઝા નીતિમાં બીજી કેટલીક આકરી શરતો લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમેરિકી કોંગ્રેસની મંજૂરી મળી નહોતી. હવે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે ફરી H-1B વિઝા સાથે છેડછાડ કરવાની હિલચાલ આદરી છે.
ટ્રમ્પને ભલે લાગતું હોય કે H-1B વિઝા અમેરિકનોની નોકરી છીનવી રહ્યાં છે પરંતુ જાણકારોના મતે ટ્મ્પની આ ધારણા ખોટી છે. તાજેતરના એક સર્વેક્ષણ અનુસાર H-1B વિઝાધારકો મોટે ભાગે કમ્પ્યુટર અને આઇટી સાથે સંકળાયેલી નોકરી કરતાં હોય છે. પરંતુ આવી નોકરીઓનો બેરોજગારી દર જાન્યુઆરીમાં માત્ર ૩ ટકા હતો જે હવે ઘટીને ૨.૫ ટકા થઇ ગયો છે.
બીજી બાજુ અમેરિકામાં બીજા ક્ષેત્રોની નોકરીઓનો બેરોજગારીનો દર જાન્યુઆરીમાં ૪.૧ ટકા હતો જે કોરોનાકાળમાં વધીને ૧૩.૫ ટકા થઇ ગયો છે. મતલબ કે કોરોનાના કારણે લ્લ૧-મ્ નહીં પરંતુ બીજા ક્ષેત્રોમાં બેરોજગારી વધી છે. એવામાં H-1B વિઝા સ્થગિત કર્યા બાદ પણ રોજગારના મામલે અમેરિકનોને ખાસ ફાયદો નહીં થાય.