Get The App

આર્થિક અસમાનતામાં ભયજનક વધારો થઇ રહ્યો છે

ઑક્સફેમના રિપોર્ટ અનુસાર દેશના માત્ર 63 અબજોપતિ પાસે કુલ બજેટ કરતા પણ વધારે સંપત્તિ

Updated: Jan 22nd, 2020

GS TEAM

Google News
Google News
આર્થિક અસમાનતામાં ભયજનક વધારો થઇ રહ્યો છે 1 - image


દુનિયાભરમાં અમીરો અને ગરીબો વચ્ચે વધી રહેલા અંતરને ઓછા કરવાના ઉપાય જો વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શોધવામાં આવે તો તે સાર્થક ગણાશે બાકી તો આ મંચ વિશ્વના સુપર રીચ લોકોની પિકનિકથી વિશેષ નથી

ઇન્ટરનેશનલ રાઇટ્સ ગુ્રપ ઑક્સફેમના રિપોર્ટથી ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતાનો તાજો પુરાવોે મળ્યો છે. ઑક્સફેમના ટાઇમ ટુ કેર નામના રિપોર્ટે ભારતની અર્થવ્યવસ્થા વિશે સવાલ ઊભા કર્યાં છે. 

ઑક્સફેમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના માત્ર ૬૩ અબજોપતિ પાસે દેશના કુલ બજેટ કરતા પણ વધારે સંપત્તિ છે. દેશના એક ટકા શ્રીમંત લોકો પાસે ઓછી આવક ધરાવતી ૭૦ ટકા વસતી કરતા ચાર ગણી વધારે સંપત્તિ છે. એ જ રીતે આખી દુનિયાની વાત કરવામાં આવે તો ૨૧૫૩ અબજોપતિઓ પાસે દુનિયાની ઓછી આવકવાળી ૬૦ ટકા વસતી એટલે કે ૪૬૦ કરોડ લોકો કરતા વધારે સંપત્તિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં આર્થિક અસમાનતા ભારે ઝડપથી વધી રહી છે અને છેલ્લા એક દાયકામાં અબજોપતિઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. 

ઑક્સફેમના જણાવ્યા અનુસાર ભારતમાં આર્થિક વિકાસનો લાભ ગણ્યાગાંઠયાં લોકોને મળી રહ્યો છે જે ચિંતાની બાબત છે કારણ કે અબજોપતિઓની સંખ્યામાં થઇ રહેલો વધારો સંપન્ન અર્થવ્યવસ્થાનો સંકેત નથી. આ એક નિષ્ફળ આર્થિક વ્યવસ્થાનું લક્ષણ છે. આ પ્રકારનું વધી રહેલું વિભાજન લોકશાહીને પણ નબળી કરે છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. 

ઑક્સફેમના વાર્ષિક સર્વેની આખી દુનિયામાં ઉત્સુકતા રહેતી હોય છે. આ સર્વે એટલો મહત્ત્વનો ગણાય છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પણ તેના વિશે ચર્ચા થાય છે. આર્થિક અસમાનતામાં થઇ રહેલી વૃદ્ધિ અને લૈગિંક અસમાનતા જેવા મુદ્દાઓ તો વિશ્વ આર્થિક મંચના એજન્ડામાં કાયમ રહેતા જ હોય છે.

દુનિયાભરમાં અમીરો અને ગરીબો વચ્ચે વધી રહેલા અંતરને ઓછા કરવાના ઉપાય જો આ મંચ ઉપર શોધવામાં આવે તો તે સાર્થક ગણાશે. બાકી તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમને વિશ્વના સુપર અમીરોની પિકનિકથી વિશેષ કશું કહી શકાય એમ નથી. 

વધી રહેલી આર્થિક અસમાનતાનો પ્રજામાં ભારે આક્રોશ છે. મૂક પ્રજા આ મામલે સરકાર સામે કશું બોલી શકતી ન હોવાથી અરાજકતા અને હિંસક માહોલ દ્વારા આ રોષ વ્યક્ત કરે છે. શ્રીમંતો પાસે જમા થઇ રહેલી આ સંપત્તિનો દેશના અર્થતંત્રમાં કોઇ ફાયદો પણ નથી કારણ કે આવી સંપત્તિ અર્થતંત્રની બહાર જતી રહે છે. આ સંપત્તિનો ઉપયોગ ન તો ઉત્પાદનમાં થાય છે ક ન તો તેનાથી દેશના વિકાસ દરને ગતિ મળતી. દુનિયાભરમાં સંપત્તિનો અવિરત પ્રવાહ વહે છે પરંતુ તેનો ફાયદો એ લોકોને જ મળે છે જે પહેલેથી જ સમૃદ્ધ છે. 

જુદાં જુદાં દેશોની સરકારો પણ ગરીબોના પક્ષમાં નીતિઓ ઘડવાના સ્થાને ગરીબોને ભરમાવવામાં જ રચીપચી રહે છે. દેશમાં મનરેગા જેવી ગરીબો માટેની નીતિઓ બની તો ખરી પરંતુ આવી નીતિઓ ગરીબોની દેશની ઉત્પાદન વ્યવસ્થામાં જોડવાના બદલે તેમનો જીવન નિર્વાહ કરવા પૂરતો જ રહ્યો. વધી રહેલી આર્થિક અસમાનતાની પણ એક મર્યાદા છે. અમીરો અને ગરીબો વચ્ચેની આ ખાઇ જો આ જ રીતે વધારે ને વધારે પહોળી થતી રહી તો એક સમય એવો આવશે કે ચારે તરફ અરાજકતા ફેલાઇ જશે. 

દેશમાં રોજના ૧૨૦ રૂપિયા કમાતા લોકોનો મૃત્યુદર વૈશ્વિક સરેરાશ કરતા ત્રણ ગણો વધારે છે. મતલબ કે ગરીબો વધારે ઝડપથી મરી રહ્યાં છે. જે સરકારી હોસ્પિટલોમાં ગરીબો સારવાર માટે જાય છે તેમના માટે સરકાર જીડીપીના માત્ર ૧.૧૫ ટકા ફાળવે છે. દુનિયાના જૂજ દેશોમાં સ્વાસ્થ્ય બજેટ આટલું ઓછું હશે. પરંતુ સરકારને આની કોઇ ફિકર હોય એવું લાગતું નથી. દેશમાં અબજોપતિ વધે તો સરકાર પોતાની પીઠ થપથપાવે છે પરંતુ અબજોપતિ વધવાનો સીધો અર્થ જ એ થાય કે દેશમાં અસમાનતા વધી રહી છે. 

ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યૂ.એન.ડી.પી દ્વારા જાહેર થયેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ સૂચકાંકમાં ભારત ગયા વર્ષની સરખામણીમાં એક સ્થાન ઉપર આવીને ૧૭૬ દેશોમાં ૧૨૯મા સ્થાને પહોંચ્યું છે. યૂએનડીપીના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષ ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ દરમિયાન ૨૭.૧ કરોડો લોકોને ગરીબી રેખાની ઉપર લાવી શકાયા છે. આ મામલામાં ભારતની સ્થિતિ હજુ પણ ઠીક નથી અને તે શ્રીલંકા, ઇરાન અને ચીન જેવા દેશોથી ઘણું પાછળ છે. પાકિસ્તાન આ યાદીમાં ત્રણ સ્થાન ઉપર આવવામાં સફળ રહ્યું છે જ્યારે બાંગ્લાદેશ એક વર્ષમાં બે ક્રમ ઉપર આવ્યું છે.

માનવ વિકાસ સૂચકાંકની ખાસ બાબત એ છે કે તેમાં પહેલી વખત ગરીબ અને શ્રીમંત વચ્ચે વધી રહેલી અસમાનતા અને એના દ્વારા પેદા થયેલી અભાવની સ્થિતિને પણ સામેલ કરવામાં આવી છે. માનવ વિકાસના ઇતિહાસમાં આ રિપોર્ટને દુનિયામાં એક નવા અધ્યાયના સ્વરૂપમાં ગણવામાં આવ્યો જેમાં એવો સંકેત છે કે માત્ર ખોરાક અને પાયાની જરૂરિયાતો પૂરી કરવી એ જ માનવ વિકાસનો અંતિમ પડાવ નથી કારણ કે એ માનવીને પોતાની ક્ષમતા અનુસાર વિકાસની તકો પૂરી નથી પાડતો.

યૂ.એન.ના રિપોર્ટમાં માનવ વિકાસને માત્ર માથાદીઠ આવકથી ઉપર ઉઠીને શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ તરફ લઇ જવાની હિમાયત કરવામાં આવી છે. રિપોર્ટમાં એક નવા સંકટ તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે ભારત જેવા દેશોમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચે અસમાનતા વધી રહી છે.

આ રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે અસમાનતાની એક લહેર જોવા મળી રહી છે જે જન્મથી જ બાળકને અવસરોની અસમાનતાથી ઘેરી લે છે અને તેના વયસ્ક થયા બાદ કે વૃદ્ધાવસ્થા સુધી જ નહીં, પરંતુ આવનારી પેઢી સુધીના જીવનને અસર કરતી રહે છે. 

ભારતમાં આર્થિક વિકાસનો લાભ ગણ્યાગાંઠયાં લોકોને મળી રહ્યો છે જે ચિંતાની બાબત છે કારણ કે અબજોપતિઓની સંખ્યામાં થઇ રહેલો વધારો સંપન્ન અર્થવ્યવસ્થાનો સંકેત નથી. આ એક નિષ્ફળ આર્થિક વ્યવસ્થાનું લક્ષણ છે. આ પ્રકારનું વધી રહેવું વિભાજન લોકતંત્રને પણ નબળી કરે છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.

વધી રહેલી આર્થિક અસમાનતાનો પ્રજામાં ભારે આક્રોશ છે. મૂક પ્રજા આ મામલે સરકાર સામે કશું બોલી શકતી ન હોવાથી અરાજકતા અને હિંસક માહોલ દ્વારા આ રોષ વ્યક્ત કરે છે. શ્રીમંતો પાસે જમા થઇ રહેલી આ સંપત્તિનો દેશના અર્થતંત્રમાં કોઇ ફાયદો પણ નથી કારણ કે આવી સંપત્તિ અર્થતંત્રની બહાર જતી રહે છે. 

દુનિયાભરમાં સંપત્તિનો અવિરત પ્રવાહ વહે છે પરંતુ તેનો ફાયદો એ લોકોને જ મળે છે જે પહેલેથી જ સમૃદ્ધ છે. જુદાં જુદાં દેશોની સરકારો પણ ગરીબોના પક્ષમાં નીતિઓ ઘડવાના સ્થાને ગરીબોને ભરમાવવામાં જ રચીપચી રહે છે. દેશમાં મનરેગા જેવી ગરીબો માટેની નીતિઓ બની તો ખરી પરંતુ આવી નીતિઓ ગરીબોની દેશની ઉત્પાદન વ્યવસ્થામાં જોડવાના બદલે તેમનો જીવન નિર્વાહ કરવા પૂરતો જ રહ્યો. વધી રહેલી આર્થિક અસમાનતાની પણ એક મર્યાદા છે. અમીરો અને ગરીબો વચ્ચેની આ ખાઇ જો આ જ રીતે વધારે ને વધારે પહોળી થતી રહી તો એક સમય એવો આવશે કે ચારે તરફ અરાજકતા ફેલાઇ જશે. 

લોકોના કલ્યાણ માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે પરંતુ અમલદારશાહી અને ભ્રષ્ટાચારના કારણે આવી યોજનાઓનો લાભ જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી. ઉપરથી વધતી જતી મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કીંમતોમાં ઉછાળાના કારણે ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો વધુ ને વધુ નિઃસહાય બની રહ્યાં છે.

દેશના ખેડૂતો દેવા અને અનિશ્ચિત મોસમનો બેવડો માર ઝીલી રહ્યાં છે. આ તમામ કઠણાઇઓમાં અશાંતિ, ભય અને હિંસાને જોડી દઇએ અને ધર્મ કે જાતિના ખાવા-પીવાના કે પહેરવા-ઓઢવાના અંકુશો પણ ઉમેરી દઇએ તો પરિસ્થિતિ ખરેખર હતાશાજનક છે. 

દુનિયાના ઘણાં ખરાં દેશોની સરખામણીમાં ભારતમાં ઇન્ટરનેટની કિંમત સાવ ઓછી છે. સસ્તા સ્માર્ટફોન અને ફ્રી મળતા ડેટા પેકેજના કારણે ઘણાં ખરાં લોકો અને ખાસ તો દેશનું યુવાધન વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે આંખ મીંચામણાં કરીને સ્માર્ટ ફોનમાં માથું ખૂંપાવીને ફોરવર્ડેડ મેસેજિસને આગળ ફોરવર્ડ કરવામાં વ્યસ્ત છે.

બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર, સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ કોરાણે મૂકીને લોકો સ્માર્ટ ફોનના ગુલામ થઇ ગયાં છે. સરકાર માટે પણ આ સ્થિતિ લાભકારક છે કારણ કે આવી સમસ્યાઓ પ્રત્યે અવાજ ઉઠાવવાના બદલે લોકો ટચસ્ક્રીન પર આંગળા ફેરવવામાં જ લાગેલા રહે છે. એક જોતાં તો વિકરાળ સમસ્યાઓ ઉકેલવામાં સમર્થ ન હોવાના કારણે સામાન્ય માનવીએ જાણે ખુશ રહેવા માટે મોબાઇલ ફોનમાં આશરો શોધી લીધો છે.

Tags :