Get The App

સુંદર પિચાઈ: 20 લાખ ડૉલર પગાર, 26.7 કરોડ ડૉલરનાં શેર

મદુરાઈથી જગતની સૌથી મોટી ટેકનોલોજિ કંપની આલ્ફાબેટના મહારથી બનવા સુધીની સુંદરની સફર

Updated: Dec 22nd, 2019

GS TEAM

Google News
Google News
સુંદર પિચાઈ: 20 લાખ ડૉલર પગાર, 26.7 કરોડ ડૉલરનાં શેર 1 - image


સુંદરની યાદશક્તિ એવી છે કે કોઈનો નંબર એક વખત ડાયલ કર્યા પછી આજીવન યાદ રહી જાય છે, ગૂગલના સર્વેસર્વાને જ ગૂગલની ફોન-બૂકની જરૂર પડતી નથી!

ગૂગલના બે સ્થાપકો લેરી પેજ અને સર્જિ બ્રિને ડિસેમ્બરની શરૃઆતમાં સરપ્રાઈઝિંગ નિર્ણય લીધો. સામાન્ય રીતે બિઝનેસમેનો આજીવન કંપનીના વડા તરીકેના પદ પર ચોંટી રહેતા હોય છે. પરંતુ લેરી-સર્જીએ નિવૃત્તિની જાહેરાત કરી. આલ્ફાબેટની દૈનિક કામગીરી તેમણે ગૂગલના સીઈઓ સુંદરના હવાલે કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો. ગૂગલ એ મૂળ કંપની છે, જેની પેરેન્ટ કંપની તરીકે ૨૦૧૫માં આલ્ફાબેટની સ્થાપના કરવામાં આવી હતી.

ગૂગલ ઉપરાંત ગૂગલની આપણે જે અઢળક સેવાઓ વાપરીએ છીએ (જી-મેઈલ, યુટયુબ, એન્ડ્રોઈડ... વગેરે સવા બસ્સોથી વધારે) એ બધાનો સમાવેશ આલ્ફાબેટમાં થઈ જાય છે. નાનુ મેદાન બનાવ્યા પછી તેને સમાવી લેતું મોટું મેદાન તૈયાર થાય એવી એ વાત થઈ. સ્વાભાવિક રીતે આલ્ફાબેટની જવાબદારી અને તંત્ર બહુ મોટું છે. આલ્ફાબેટ જગતની સૌથી વેલ્યુએબલ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આર્થિક વેલ્યુની ગણતરી કરીએ તો કંપનનીની નેટવર્થ અત્યારે અંદાજે ૯૦૦ અબજ ડૉલર છે.

એ ૯૦૦ અબજ ડૉલરનો વહિવટ લેરી-સર્જીએ સુંદરને સોંપી દીધો છે. સુંદર પિચાઈ હવે આલ્ફાબેટના પણ સીઈઓ બનશે. દરમિયાન આજે જાહેર કરવામાં આવ્યું છે કે આ તોતિંગ જવાબદારી માટે સુંદરને જાન્યુઆરી ૨૦૨૦થી વર્ષે ૨૦ લાખ ડૉલર (અંદાજે ૧૫ કરોડ રૂપિયા) પગાર તરીકે મળશે. એ રકમ ખાસ મોટી નથી.

પરંતુ તેને કંપનીના શેરમાં હિસ્સો મળવાનો છે. અત્યારે નક્કી થયા પ્રમાણે આગામી ૩ વર્ષ (૨૦૨૨) સુધીમાં તેને કુલ ૨૬.૭ કરોડ ડૉલર (આજની ગણતરી પ્રમાણે ૧૯૦૦ કરોડ રૃપિયા)ના શેર મળવાના છે. એ સિવાય આલ્ફાબેટ જેવી તોતીંગ કંપનીના સીઈઓ તરીકે મળવાના હોય એ નાના-મોટા લાભ તો ખરા જ.  ૨૧ વર્ષ પહેલા ૧૯૯૮માં લેરી અને સર્જીએ ગૂગલની સ્થાપના કરી હતી.

અત્યારનો યુગ સંપૂર્ણપણે ગૂગલ આધારીત છે. એ વખતે ગૂગલ-આલ્ફાબેટ જેવી કંપનીના વડા હોવુ એ મહાસત્તા હોવાથી જરા પણ કમ નથી. લેરી અને સર્જીની ઉંમર ૪૬-૪૬ વર્ષ જ છે. તેમણે ધાર્યુ હોત તો હજુ બે દોઢ-દાયકા સુધી સહજ રીતે કંપની સંભાળી શક્યા હોત. પરંતુ એટલે તેમણે સ્પષ્ટતા કરતાં એ પણ કહ્યું હતુ કે ગૂગલ કે આલ્ફાબેટ અન્ય કંપનીઓ જેવી પરંપરાગત કંપની નથી, અમે સતત પરિવર્તનમાં માનીએ છીએ. માટે આ વધુ એક પરિવર્તન કર્યું છે. સુંદરની આગેવાનીમાં ગૂગલની આગેકૂચ ચાલુ જ રહી છે. માટે આલ્ફાબેટને એ આગળ ધપાવશે એ વાત નક્કી છે. બીજી તરફ લેરી-સર્જી જગત સમક્ષ કોઈ નવું સરપ્રાઈઝ લાવે એવી પણ શક્યતા છે.

અત્યારે જ ગૂગલના સીઈઓ તરીકે સુંદરની કુલ સંપતિ ૬૦ કરોડ ડૉલર છે. તેનો વાર્ષિક પગાર ૧૯ લાખ ડૉલર છે. જોકે ગૂગલના સ્થાપક લેરી પેજની સંપત્તિ ૫૯ અબજ ડૉલર અને સર્જીની સંપતિ ૫૭ અબજ ડૉલર જેટલી છે. જ્યારે ગૂગલના સીઈઓ હતા ત્યારે જ સુંદરના નામે મોટી સંખ્યામાં શેરમૂડી કંપનીએ ટ્રાન્સફર કરી દીધી હતી. ફેબુ્રઆરી ૨૦૧૬માં જ સુંદરને આલ્ફાબેટના શેર આપવામાં આવ્યા હતા. ત્યારે એ શેરનું મૂલ્ય રૃપિયા ૧૩૦૦ કરોડ (૧૯ કરોડ, ૯૦ લાખ ડૉલર) થતું હતું. એ વખતે સુંદર સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓ પણ બની ગયા હતા. 

ભારતમાંથી વર્ષે અનેક લોકો સારા ભવિષ્યની આશામાં અમેરિકા જાય છે. અને તેમાંથી ઘણા લોકો સારું ભવિષ્ય મેળવે છે. તો વળી કેટલાક સુંદરની જેમ સફળતાના તમામ શિખર સર કરી નાખે છે. સુંદરની એ કથા પણ સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. દક્ષિણ ભારતના મદુરાઈમાં જન્મેલા સુંદર પિછાઈએ આઈઆઈટી ખડગપુરમાં અભ્યાસ કર્યો છે. અહીં ભણતી વખતે સુંદરને અમુક વિષયમાં સી ગ્રેડ મળતો હતો. એટલે કે તેઓ તેજસ્વી વિદ્યાર્થી ન હતા.

અલબત્ત, સાવ ઠોઠ પણ ન હતા. ઠોઠ હોય તો આઈઆઈટી સુધી પહોંચી જ ન શક્યા હોય. પરંતુ પુસ્તકિયા જ્ઞાાનને બદલે પ્રેક્ટિકલ નોલેજ પર તેમણે વધુ ભાર આપ્યો. એટલે ભણી લીધા પછી તેમને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્કોલરશીપ મળી ગઈ. સ્ટેનફોર્ડમાંથી તેમણે માસ્ટર ઑફ સાયન્સની ડીગ્રી મેળવી. મટિરિયલ સાયન્સ અને એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો. એ સ્ટેનફોર્ડ એટલે એ જ જગ્યા જ્યાં ગૂગલના સ્થાપકો સર્જી-લેરીએ અભ્યાસ કર્યો હતો અને ત્યાંની લેબોરેટરીમાં જ સર્ચ એન્જિન તૈયાર કર્યું હતું. આમેય આ યુનિવર્સિટી ૮૩ નોબેલ વિજેતાઓ આપી ચૂકી છે!

ટેકનોલોજિ ક્ષેત્રમાં અનિવાર્ય ગણાય એવા ગણિતમાં તેની માસ્ટરી હતી અને છે. એની આંકડાકિય યાદશક્તી ગજબની છે. સુંદરના યુવાનીકાળમાં ગોળ ડાયલવાળા ફોન હતા. એટલે એક પછી એક નંબરનો આંકડો ફેરવવો પડતો હતો. પરંતુ સુંદરને કોઈનો નંબર એક વખત ડાયલ કર્યા પછી યાદ રહી જતો હતો. આજે પણ રહી જાય છે. આપણે સૌ ભલે ગૂગલ ફોનબૂક વાપરતા હોઈએ અને સેવ થયેલા નંબરનો ગૂગલમાં જ બેક-અપ લેતા હોઈએ, પરંતુ સુંદર કોઈના નંબર ન સેવ કરે તો પણ ચાલે એમ છે. 

૪૭ વર્ષના સુંદર ૨૦૦૪થી ગૂગલ સાથે સંકળાયેલા છે. ૨૦૧૭માં ભારત પ્રવાસે આવેલા સુંદરે ખડગપુર આઈઆઈટીની મુલાકાત વખતે પોતાના અભ્યાસના દિવસો યાદ કરતાં કહ્યુ હતુ કે માત્ર ગ્રેડ કે માર્ક  વધુ મળવાથી સફળતા મળી જતી નથી. માર્ક્સ માટે સંતાનો પર દબાણ ઉભું કરતા સૌ માતા-પિતાએ એ વાત યાદ રાખવી જોઈએ. 

પોતાની સફળતા વિશે વાત કરતાં તેણે એક વખત કહ્યું હતું કે હું નવરો પડું ત્યારે વાંચતો રહું છું. હવે સમય કાઢવો પડે તો કાઢીને પણ વાંચુ છુ. જે લોકોને વાંચવામાં રસ નથી પડતો એ બધાએ યાદ રાખવું જોઈએ કે એપલના સ્ટીવ જોબ્સ, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ.. કે પછી અન્ય ધૂરંધર ટેકનોક્રેટ હોય, એ બધાએ વાંચવાનો શોખ જાળવી રાખ્યો છે અને મૂળભૂત રીતે તેમનું વાંચન સારું હોવાથી એ આગળ વધતાં રહ્યા છે. સુંદરનું બાળપણ સામાન્ય રહ્યું છે. અલબત્ત, અમેરિકન પ્રજાને એ બાળપણ ગરીબી જેવું લાગે પરંતુ ભારતમાં મધ્યમવર્ગમાં ઉછરતા લોકોને આપણે ગરીબ નથી ગણતા. એ ગરીબ નહીં પણ સામાન્ય પરિવારમાંથી આગળ આવેલો યુવાન કહી શકાય.

પણ રસપ્રદ વાત એ છે કે જ્યારે આઈઆઈટીમાં સુંદર અભ્યાસ કરતા હતા એ વખતે ભારતમાં આજે છે એવી કમ્પ્યુટરોની બોલબાલા ન હતી. આજે સુંદર કમ્પ્યુટર જગતમાં ખેરખાં છે. પરંતુ આઈઆઈટીના ૧૯૯૪-૯૫ના સમયગાળામાં અભ્યાસ દરમિયાન માંડ પાંચ વખત સુંદરને કમ્પ્યુટર વાપરવા મળ્યું હતું. એ જમાનો હતો જ્યારે ભારતની અનેક યુનિવર્સિટીઓમાં કમપ્યુટરની પુરતી સગવડ ન હતી. એટલે વાપરવું હોય એમણે લાઈનમાં ઉભવું પડતું હતું. એ કંટાળાજનક પ્રક્રિયાને કારણે ઘણા લોકો કમ્પ્યુટર જ વાપરતા ન હતા. 

ગૂગલ વગર આજે જગતમાં કોને ચાલે છે? એ ગૂગલના અને હવે તો ગૂગલની પણ પેરેન્ટ કંપનીના સીઈઓ તરીકે સુંદરની સત્તા અર્યાદિત છે. એ પછી પણ તેની સખત મહેનત કરવાની ટેવમાં ઓછપ આવી નથી. તો વળી સ્વભાવામાં તેજી ચડી નથી એટલે કે નમ્રતા ગુમાવી નથી. ગૂગલની લાંબી કારકિર્દી દરમિયાન આજે આપણે સૌ વાપરીએ છીએ એ ક્રોમ બ્રાઉઝર, ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ, ઢગલાબંધ ડેટા સ્ટોર કરવાની અને મોબાઈલમાં જ હજારો ફોટા, અઢળક વિડીયો રાખી શકાય એવી સગવડ આપતી ગૂગલ ડ્રાઈવ.. વગરે સુવિધાઓ વિકસાવી છે. 

સુંદરની હવે નજર કમ્પ્યુટિંગ અને ઈન્ટરનેટના ભવિષ્ય પર છે. ભવિષ્ય બેશક આપણે કલ્પના ન કરી શકીએ એવું હશે. પરંતુ એ ભવિષ્ય એક ઈન્ડિયનના હાથમાં છે!

Tags :