કોરોના સામેની લડાઇમાં પણ પક્ષાપક્ષીનું રાજકારણ
- લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટના મામલે કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો વચ્ચે મતભેદ
- કોરોના સામેની લડાઇ પક્ષાપક્ષીના રાજકારણથી ઉપર જઇને સંયુક્ત રીતે પરસ્પરના સહયોગથી લડવાની છે અને લોકોને પણ એવું ન લાગવું જોઇએ કે કોઇ પાર્ટીની સરકાર નહીં પરંતુ સમગ્ર ભારત એક થઇને કોરોના સામે જંગ લડી રહ્યું છે
કોરોના મહામારીના કારણે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લૉકડાઉનમાં સોમવારે કેટલીક છુટછાટ આપવામાં આવી પરંતુ એમાં અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સહમતિ સધાઇ નથી. કેરળમાં કોરોનાના પ્રકોપ પર મહદ્ંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે ત્યારે રાજ્યની ડાબેરી પી. વિજયન સરકારે કેન્દ્ર સરકારની ઉપરવટ જઇને વધારે પડતી છૂટછાટ આપી દીધી જેના ઉપર કેન્દ્ર સરકારે વાંધો ઉઠાવ્યાં બાદ કેરળે છૂટછાટ પાછી લેવાની ફરજ પડી. ખાસ કરીને કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર વચ્ચે આવા કપરા સમયમાં પણ રાજકીય સંઘર્ષ ઊભો થયો છે.
કેન્દ્ર સરકારે રાજ્યોની સ્થિતિ પર નજર રાખવા માટે છ ટીમો બનાવી છે જે રાજ્યોને જરૂરી દિશાનિર્દેશ પણ આપશે. કેન્દ્રનું કહેવું છે કે રાજ્યોને લૉકડાઉન કડકપણે લાગુ કરવાની છૂટ છે પરંતુ કેન્દ્ર સરકારે જે છુટછાટ જાહેર કરી છે એનાથી વધારે છૂટ આપવાની પરવાનગી નથી. એટલા માટે જે રાજ્યોમાંથી લૉકડાઉનની શરતોના ઉલ્લંઘનની ફરિયાદ આવશે ત્યાં કેન્દ્રીય ટીમો જશે અને પરિસ્થિતિની ચકાસણી કરશે. રાજ્ય સરકાર અને તંત્રને નિર્દેશ આપશે અને કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે. આ ટીમોમાં જુદાં જુદાં મંત્રાલયોના અધિકારીઓ નીમવામાં આવ્યાં છે અને તેમને રાજ્ય સરકારને નિર્દેશ આપવાના અધિકાર આપવામાં આવ્યાં છે.
ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજાના પૂરક તરીકે કાર્ય કરે એ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ કેન્દ્ર અને રાજ્યોના અધિકારક્ષેત્રના વિષયોની પસંદગી કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી કરી હતી જેથી કરીને દરેક પરિસ્થિતિમાં લોકોએ ચૂંટેલા જનપ્રતિનિધિ પરસ્પર સહયોગ કરીને લોકોની અપેક્ષાઓ પૂરી કરી શકે. જોકે કોઇ રાષ્ટ્રીય આપદાના સમયે રાજ્ય સરકારો પર કેન્દ્ર સરકારના અધિકાર પ્રભાવી રહેશે. વર્ષ ૨૦૦૫માં બનાવવામાં આવેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તમામ રાજ્યોના લોકોને અચાનક આવી પડેલી આપત્તિથી છુટકારો મેળવવાના ઉદ્દેશને લક્ષ્ય બનાવ્યું.
કોરોના વાઇરસને રાષ્ટ્રવ્યાપી મહામારી ઘોષિત કરીને મોદી સરકારે આ કાયદા અંતર્ગત આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. આ જાહેરાત દરેક રાજ્યમાં કોરોનાથી છુટકારો મેળવવાના હેતુથી કરવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકારોને કોરોના વાઇરસમાંથી મુક્તિ મેળવવા માટે અગાઉથી પગલાં લેવાનો અધિકાર હતો. એ અધિકારને અનુલક્ષીને જ કેટલાંક રાજ્યોએ કેન્દ્ર સરકાર જાહેરાત કરે એ પહેલા જ કોરોનાને નાથવા માટે આવશ્યક પગલાં લઇ લીધાં હતાં. મોદી સરકારે ગત ૨૫ માર્ચે લૉકડાઉનની જાહેરાત કરી એ પહેલા જ પંજાબથી લઇને રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની સરકારે પોતપોતાના પ્રદેશોમાં લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દીધી હતી.
લૉકડાઉન લંબાવવાની વાત આવી ત્યારે પણ જુદાં જુદાં રાજ્યોની સરકારોએ પોતાના તરફથી લૉકડાઉન લંબાવવાની જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી. આ ક્રમમાં સૌથી પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ૩૦ એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દીધું. તો એમના પગલે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતપોતાના રાજ્યોમાં લૉકડાઉન લંબાવી દીધું. હકીકતમાં દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના પ્રદેશોની જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લૉકડાઉનનું પાલન કરાવવા પ્રયાસરત છે અને લોકો કોરોના વાઇરસના પ્રકોપમાંથી બચી શકેે એ માટે કામગીરી કરી રહ્યાં છે.
લૉકડાઉન લંબાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજી હતી. જેમાં કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન લંબાવવાની તરફેણ તો કરી પરંતુ એ સાથે કેટલીક પાયાની બાબતોમાં છૂટછાટ આપવાની માંગ પણ કરી. કેટલાંક મુખ્યમંત્રીઓની માંગ હતી કે ગ્રામ્ય ક્ષેત્રથી લઇને નાના દુકાનદારોને વેપાર કરવાની છૂટ આપવી. વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં એ પણ જોવા મળ્યું કે મોટા ભાગના મુખ્યમંત્રીઓની ઇચ્છા એવી હતી કે લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે. સંકટના સમયે રાજ્યોનો આવો અભિગમ દેશની મજબૂત લોકશાહીને પ્રતિબિંબીત કરે છે. ભારતના રાજકીય પક્ષો ભલે જુદી જુદી વિચારધારા ધરાવતા હોય પરંતુ જ્યારે દેશહિતની વાત આવે ત્યારે તમામ પક્ષો એક સૂરમાં વાત કરે છે.
જોકે કેન્દ્ર સરકારે જે ટીમોની રચના કરી છે એ વિવાદનું કારણ બની રહી છે. કેન્દ્ર સરકારે જે છ ટીમોની રચના કરી છે એમાંની બે-બે ટીમો પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં મોકલવાની છે અને એક-એક ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલવામાં આવશે. જે ચાર રાજ્યોની પસંદગી કરવામાં આવી છે એમાં માત્ર મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને બાકીના ત્રણ રાજ્યોમાં બિનભાજપી સરકાર છે એવામાં આ રાજ્યોની સરકારનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તેમની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તો આને સંઘવાદના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
જોકે આવા કપરા સમયમાં રાજકીય પક્ષો દ્વારા રાજકારણ કરવાનું નુકસાન તો જનતાએ જ ભોગવવાનું થશે. કોરોના સામેની લડાઇમાં સામાજિક અને વ્યક્તિગત અંતર જાળવવું અનિવાર્ય છે અને એમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવે એ આવશ્યક છે નહીંતર કોરોના સામેના આ જંગમાં હાર મળશે. લૉકડાઉનના નિયમોનું પાલન કરીને પોતાની જરૂરિયાતો પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
આમ તો તમામ રાજ્ય સરકારોએ અને અનેક સમાજસેવી સંસ્થાઓએ બેરોજગારીનો ભોગ બનેલા લોકોને રહેઠાણ અને ભોજનની જવાબદારી ઉઠાવી લીધી છે. જોકે આમ કેટલા દિવસ સુધી લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ પણ મોટો પડકાર છે. જોેકે આ વખતે સૌથી મોટો પડકાર લોકોના જીવ બચાવવાનો છે. કોઇ પણ કલ્યાણકારી રાષ્ટ્ર પોતાના નાગરિકોને મરતા ન છોડી શકે. કોરોના વાઇરસ એવી મહામારી તરીકે ઉપસ્યો છે જે રોકવામાં નાનીઅમથી બેદરકારી પણ ભયાનક વિનાશનું કારણ બની શકે છે.
કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. જોકે સારવાર બાદ ઘણાં લોકો સાજા થઇને પોતાના ધરે પરત પણ ફરી રહ્યાં છે પરંતુ કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોના સંક્રમણના મામલે ભારત હાલ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે હોવાનું નિષ્ણાંતોનું માનવું છે અને નાનકડી બેદરકારી પણ કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધારી દેશે. અને જો સામુદાયિક સંક્રમણ શરૂ થઇ ગયું તો પછી એને કાબુમાં લેવું આસાન નહીં હોય. ૨૧ દિવસના લૉકડાઉનનો ઉદ્દેશ એ હતો કે કોરોનાના સંક્રમણના દુષ્ચક્રને તોડવું અને કોરોનાનું સંક્મણ જ્યાં પહોંચ્યું છે ત્યાં જ અટકાવી દેવું.
એક વખત કોરોનાના ચેપની ચેઇન તૂટી જાય એ પછી તબક્કાવાર લૉકડાઉન દૂર કરવાની સરકારની નેમ હતી પરંતુ અનેક સ્થળોએ જોવા મળ્યું કે લૉકડાઉનનું લોકોએ યોગ્ય રીતે પાલન ન કર્યું. અનેક જગ્યાઓએ લોકો ભીડ કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જોવા મળ્યાં. અનેક લોકોને પ્રતિબંધ છતાં ધાર્મિક આયોજનોમાં ભાગ લીધાં. લૉકડાઉનનો અમલ કરાવવા માટે પ્રયત્નશીલ પોલીસ ઉપર હુમલા કરવામાં આવ્યાં. કોરોનાના અનેક સંક્રમિત દર્દીઓ હોસ્પિટલ છોડીને નાસી ગયાના બનાવો પણ બન્યાં. આવી અનેક બેદરકારીના કારણે કોરોનાનું સંક્રમણ વધતું ગયું. એટલા માટે જ સરકારે લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવો પડયો.
રાજકીય પાર્ટીઓને પોતાના હિતો જોવા જરૂરી હોઇ શકે પરંતુ આવી આપદાના સમયે પક્ષાપક્ષી રાજકારણથી ઉપરવટ જઇને જનતાના હિતોનું ધ્યાન રાખવું સર્વોપરિ છે. લૉકડાઉન પૂરું થાય ત્યાં સુધી અને દેશમાંથી કોરોનાની મહામારીને હાંકી કાઢવામાં આવે ત્યાં સુધી તો રાજકીય પક્ષોએ પરસ્પરના મતભેદો ભૂલી જવા રહ્યાં અને રાજકીય પ્રતિસ્પર્ધામાં પણ ન ઉતરવું જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના મતભેદોના કારણે કોરોના સામેની લડતમાં જરા પણ બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાને મ્હાત આપવામાં મુસીબત વધી જશે. હકીકતમાં કોરોના સામેની લડાઇ પક્ષાપક્ષીના રાજકારણથી ઉપર જઇને સંયુક્ત રીતે પરસ્પરના સહયોગથી લડવાની છે અને લોકોને પણ એવું ન લાગવું જોઇએ કે કોઇ પાર્ટીની સરકાર કોરોના સામે લડી રહી છે, બલ્કે એવું લાગવું જોઇએ કે સમગ્ર ભારત એક થઇને કોરોના સામે જંગ લડી રહ્યું છે.