હવે શ્રીલંકાને આતંકવાદના વરવાં રૂપનો અનુભવ થયો
ઇસ્ટરના તહેવારે શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ દુનિયા શોકગ્રસ્ત
શ્રીલંકામાં થયેલા હુમલા પાછળ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે જોડાયેલા કોઇ આતંકવાદી સંગઠન હોવાની શક્યતા છે જે દર્શાવે છે કે આતંકવાદી સંગઠનો દક્ષિણ એશિયામાં પોતાની જાળ ફેલાવી રહ્યાં છે
શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટે ફરી વખત દુનિયા સમક્ષ આતંકવાદનું વરવું રૂપ પ્રગટ કર્યું છે. ઇસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ ફાઇવ સ્ટાર હોટલ સહિત આઠ સ્થળોએ થયેલા બોમ્બ વિસ્ફોટોમાં ૨૦૦થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે અને બીજા સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા છે. હુમલા માટે જવાબદાર લોકોને ઝડપવા ઠેકઠેકાણે છાપા મારવામાં આવી રહ્યાં છે અને પ્રારંભિક તપાસમાં સાત જણાની ધરપકડ કરવામાં આવી છે.
એક દાયકા પહેલા એલટીટીઇના સફાયા બાદ શ્રીલંકામાં પરિસ્થિતિ ઘણી સુધરી રહી હતી. જોકે જાણકારોના મતે ઉપર ઉપરથી જણાતી શાંતિ હેઠળ ઘણાં વિવાદો સળગી રહ્યાં હતાં અને ઇસ્ટર પર થયેલા સીરિયલ બ્લાસ્ટ એનું પરિણામ પણ હોઇ શકે છે.
હજુ સુધી કોઇ સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી પરંતુ સુરક્ષા અધિકારીઓના મતે જે સુનિયોજિત અને સમન્વિત પ્રકારે આ વિસ્ફોટ કરવામાં આવ્યાં છે એ જોતાં આ કોઇ ઉગ્રવાદી સંગઠનનું કામ હોઇ શકે છે. શ્રીલંકાના અશાંત ઇતિહાસ અને રાજકીય તણાવને જોતા કેટલાંક સંભવિત સમૂહો તરફ શંકાની સોય તકાઇ છે.
જાણકારોના મતે આ વિસ્ફોટો પાછળ ઇસ્લામી કટ્ટરવાદીઓ અથવા તો કટ્ટરપંથી બૌદ્ધ સંગઠનનો હાથ હોઇ શકે છે. કેટલાંકના મતે દસ વર્ષ પહેલાં નાબૂદ થયેલું તામિલ ઉગ્રવાદી સંગઠન એલટીટીઇ ફરી વખત માથું ઉચકી રહ્યું હોય એ પણ શક્ય છે. તો કેટલાંકનું માનવું છે કે શ્રીલંકામાં છેલ્લા થોડા સમયથી જે રાજકીય અસ્થિરતાનો માહોલ છે એને વધારે અસ્થિર કરવા માટે અને વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેની સરકારને ઉથલાવવા માટે કોઇ હથિયારબંધ વિપક્ષી સમૂહે પણ આ કૃત્યને અંજામ આપ્યો હોય એ શક્ય છે.
આતંકવાદી ગતિવિધિઓનો બારીકાઇપૂર્વક અભ્યાસ કરનારા જાણકારોનું માનવું છે કે જે યોજનાબદ્ધ રીતે સીરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યાં છે એ જોતાં આ કટ્ટરપંથી બોદ્ધ સંગઠનોનું કામ ન હોઇ શકે કારણે કે તેમની પાસે આ પ્રકારે સુનિયોજિત હુમલા કરવા માટેની ઉચ્ચ સ્તરની વ્યૂહરચના કે ત્રેવડ નથી.
એ જ રીતે તામિલ સંગઠનો પાસે પણ આવી ક્ષમતા નથી. જે રીતે વિસ્ફોટો કરવા માટે ઇસ્ટરનો તહેવાર પસંદ કરવામાં આવ્યો અને ચર્ચોને નિશાન બનાવવામાં આવ્યાં એ જોતાં આ હુમલા પાછળ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે જોડાયેલું કોઇ આતંકવાદી સંગઠન હોઇ શકે છે.
ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો દક્ષિણ એશિયામાં સતત સક્રિય બની રહ્યાં છે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આ સંગઠનોનું જોર વધી રહ્યું છે. ધીમે ધીમે આ આતંકવાદી સંગઠનો દક્ષિણ એશિયાના બીજા દેશોમાં પણ જાળ ફેલાવી રહ્યાં છે. શ્રીલંકામાં થયેલો હુમલો આનું તાજું ઉદાહરણ છે.
શ્રીલંકામાં બહુમતિ બૌદ્ધ ધર્મી લોકોની છે જે કુલ વસતીના ૭૦ ટકા જેટલી છે. તો ૧૨.૫ ટકા હિન્દુઓ અને લગભગ ૧૦ ટકા મુસ્લિમો છે. ખ્રિસ્તીઓની વસતી માંડ સાત ટકા જેટલી છે. લઘુમતિ સમુદાય હોવાના કારણે શ્રીલંકામાં ખ્રિસ્તીઓ ઉપર અવારનવાર હુમલા થયા કરે છે.
કેટલાંક ખ્રિસ્તી સંગઠનો ફરિયાદ કરે છે કે છેલ્લા થોડા સમયથી તેમને કટ્ટરપંથી બૌદ્ધ સંગઠનો દ્વારા ધમકાવવામાં આવે છે. તો બૌદ્ધોનો કટ્ટરપંથી મુસ્લિમો સાથે સંઘર્ષ થતો રહે છે. તેમનો દાવો છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓ ધર્મપરિવર્તન કરાવે છે. ૨૦૦૯માં તામિલ બળવાખોરોના સફાયા બાદ છેલ્લા દસ વર્ષમાં શ્રીલંકામાં કોઇ મોટો હુમલો થયો નથી. જોકે આ વર્ષો દરમિયાન કટ્ટરપંથી બૌદ્ધ સંગઠનો અને મુસ્લિમ સંગઠનો વચ્ચે ટકરાવના અનેક બનાવો બન્યાં છે.
એક પછી એક સીરિયલ બ્લાસ્ટ થતા પહેલાં તો શંકાની સોય એલટીટીઇ તરફ તકાઇ પરંતુ હુમલામાં સુસાઇડ બોમ્બરોના નામ સામે આવતા સ્પષ્ટ બન્યું કે સીરિયલ બ્લાસ્ટ પાછળ ઇસ્લામિક આતંકવાદી સંગઠનનો જ હાથ છે. વળી એલટીટીઇ ખ્રિસ્તી સમુદાય પર હુમલા શા માટે કરે એ પણ સવાલ છે. હકીકતમાં દસ દિવસ પહેલાં જ વિદેશી ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી હતી કે નેશનલ તૌહિદ જમાત નામનું સંગઠન શ્રીલંકામાં હુમલા કરવાનું છે.
હજુ સુધી નેશનલ તૌહિદ જમાતે આ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ આ હુમલા પાછળ તેનો જ હાથ હોવાનું મનાઇ રહ્યું છે. શ્રીલંકાની સરકારે વિદેશી એજન્સીઓની ચેતવણીને ગંભીરતાથી લીધી નહીં એનું પરિણામ એ આવ્યું કે કોલંબો અને આસપાસના વિસ્તારોમાં એક પછી એક આઠ વિસ્ફોટો થઇ ગયાં.
નેશનલ તૌહિદ જમાત શ્રીલંકામાં ઉભરી રહેલું એક આતંકવાદી સંગઠન છે. ગયા વર્ષે આ સંગઠન બુદ્ધ ભગવાનની કેટલીક મૂર્તિઓને તોડીને પ્રકાશમાં આવ્યું હતું. આ સંગઠનને તૌહિદ-એ-જમાત નામે પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં આ સંગઠનના સેક્રેટરી અબ્દુલ રૈઝિકે બોદ્ધ ધર્મ વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો આપીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ નિવેદનોના કારણે જ હિંસા ભડકાવવાના આરોપસર ૨૦૧૬માં અબ્દુલ રૈઝિકની ધરપકડ પણ કરવામાં આવી હતી.
૨૦૧૪માં જ પીસ લવિંગ મુસ્લિમ્સ ઇન શ્રીલંકા નામના એક સંગઠને નેશનલ તૌહિદ જમાત ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી હતી. આ માટે તેમણે યૂ.એન. અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સહિત અનેક રાજદ્વારીઓને પત્ર પણ લખ્યાં હતાં. તેમનો દાવો હતો કે નેશનલ તૌહિદ જમાત દેશમાં અસહિષ્ણુતા ફેલાવવાની સાથે સાથે ઇસ્લામિક આંદોલનોનો માહોલ પણ ઊભો કરી રહ્યું છે.
દસેક દિવસ પહેલાં જ અમેરિકાના મીડિયામાં રિપોર્ટ હતો કે કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે એવો દાવો કર્યો હતો કે તેણે ત્રણ દિવસની અંદર દુનિયાભરના ૮૦ જેટલા જુદાં જુદાં સ્થળોએ ૯૨ આતંકવાદી હુમલા કર્યાં હતાં જેમાં ૩૯૨ જેટલા નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતાં. ઇસ્લામિક સ્ટેટે રશિયાની રાજધાની મોસ્કો પાસે કોલમ્ના ખાતે થયેલા વિસ્ફોટની જવાબદારી પણ લીધી હતી.
ઇસ્લામિક સ્ટેટના પ્રવક્તા અબુ હસન અલ-મુઝાહિરે એક વીડિયો જારી કરીને દાવો કર્યો હતો કે સીરિયામાંથી તેમના સફાયાના અમેરિકાના દાવાને ખોટો ઠરાવવા અને ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા તેણે દુનિયાભરમાં હુમલા કરાવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે મસ્જિદ પર હુમલો થયો હતો અને આ હુમલો ઓસ્ટ્રેલિયાના નાગરિકે કર્યો હતો. આ હુમલામાં ૫૦ જણાના મૃત્યુ નીપજ્યં હતાં. શ્રીલંકામાં થયેલા હુમલાને લોકો ન્યૂઝીલેન્ડના હુમલા સાથે પણ જોડી રહ્યાં છે.
એવા કયાસ કાઢવામાં આવી રહ્યાં છે કે ન્યૂઝીલેન્ડમાં મસ્જિદ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે શ્રીલંકાના ચર્ચોમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યાં. ન્યૂઝીલેન્ડમાં મુસ્લિમોની વસતી સાવ ઓછી છે અને ત્યાંના નિર્દોષ મુસ્લિમોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો. બરાબર એ જ રીતે શ્રીલંકામાં પણ ખ્રિસ્તીઓની વસતી ઓછી છે અને તેમને નિશાન બનાવીને ચર્ચોમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યાં.
હજુ થોડા દિવસ પહેલાં જ ખુલાસો થયો છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ યુરોપના કોઇ મોટા શહેરમાં મોટો હુમલો કરાવી શકે છે. આમ પણ છેલ્લા ઘણાં સમયથી યુરોપના દેશોમાં આતંકવાદી હુમલા થવાનું પ્રમાણ વધ્યું છે. આવા હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટનો હાથ હોવાનું પણ બહાર આવ્યું છે.
ગયા મહિને અમેરિકાએ જાહેરાત કરી હતી કે તેણે સીરિયામાંથી ઇસ્લામિક સ્ટેટનો સફાયો કરી દીધો છે. જોકે પહેલા ઇરાક અને હવે સીરિયામાંથી ઇસ્લામિક સ્ટેટ ખતમ થયા બાદ પણ દુનિયાના જુદાં જુદાં દેશોમાં તે છૂટાછવાયા હુમલા કરાવી રહ્યું છે. એ જોતાં તો એવું લાગી રહ્યું છે કે ઇસ્લામિક સ્ટેટ હવે ઇરાક કે સીરિયા પૂરતું સીમિત ન રહેતાં આખી દુનિયામાં ફેલાવો કરી રહ્યું છે.
શ્રીલંકામાં સુરક્ષાની પરિસ્થિતિ સુધરતા ત્યાંનો પર્યટન ઉદ્યોગ પણ ઘણો ફૂલ્યોફાલ્યો છે. છેલ્લા થોડા વર્ષોથી વિદેશી સહેલાણીઓના સૌથી મનગમતા દેશોમાં શ્રીલંકાનો સમાવેશ થાય છે. જોકે ટુરિઝમ સેકટરમાં આવેલા ઉછાળા છતાં અસમાન વિકાસ અને ચીનના વધી રહેલા પ્રભાવના કારણે રાજકીય વિવાદો વધી રહ્યાં છે.
એમાં ઇસ્ટરના દિવસે થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે પર દબાણ વધશે એ ચોક્કસ છે. આમ પણ તેમનો વિરોધ અન્ય રાજકીય પક્ષો કરી રહ્યાં છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વિક્રમાસિંઘેને તેમના પદેથી હટાવી દીધાં હતાં. ત્યારબાદ દિવસો સુધી ચાલેલી ખેંચતાણ બાદ ડિસેમ્બરમાં તેમણે વડાપ્રધાનપદ ફરી વખત મેળવ્યું હતું.
શ્રીલંકા સાથે ભારત અને ચીનના હિતો જોડાયેલા છે જેના પરિણામે બંને દેશો શ્રીલંકાના તમામ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખે છે. બંને દેશો શ્રીલંકાના જુદાં જુદાં રાજકીય પક્ષોનું સમર્થન કરે છે પરંતુ શ્રીલંકામાં ઉગ્રવાદી હિંસા બંનેમાંથી કોઇના હિતમાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોને વખોડી કાઢ્યાં છે અને આ કપરી ક્ષણે શ્રીલંકાની પડખે હોવાની ધરપત આપી છે.