Get The App

લોકસભા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનું રોડરોલર ફરી વળવાના અણસાર

- મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સાથે 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં મતદારો નિરુત્સાહ જણાયા

Updated: Oct 22nd, 2019

GS TEAM

Google News
Google News

- લોકસભાની ચૂંટણીમાં મળેલા ઝળહળતા વિજય બાદ ફરી વખત સત્તામાં આવેલી મોદી સરકારે એક પછી એક એવા નિર્ણય લીધાં જે આ બંને રાજ્યોની ચૂંટણીમાં પણ છવાયેલાં રહ્યાં જેના કારણે પ્રદેશોના સ્થાનિક મુદ્દાઓ અને સમસ્યાઓ નૈપથ્યમાં ધકેલાઇ ગયા

લોકસભા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનું રોડરોલર ફરી વળવાના અણસાર 1 - image

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઇ છે અને હવે તમામની નજર ૨૪ ઓક્ટોબરે આવનારા પરિણામ ઉપર છે. આ બંને રાજ્યો ઉપરાંત ગુજરાતની ૬ વિધાનસભા બેઠકો સહિત ૧૮ રાજ્યોની કુલ ૫૧ બેઠકો ઉપર પેટાચૂંટણી પણ યોજાઇ હતી. મોદી સરકારની કેન્દ્રમાં સત્તાવાપસી બાદ પહેલી વખત ચૂંટણીઓ યોજાઇ રહી છે. બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની કસોટી થઇ રહી છે તો વિપક્ષની ક્ષમતા પણ દાવ ઉપર લાગી છે.

થોડા મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતાના સહારે ભારે બહુમતિથી વિજય મેળવ્યો હતો. વડાપ્રધાન મોદીના વ્યક્તિત્ત્વ સામે વિપક્ષ સાવ લાચાર જણાયો હતો. તો પોતાના બીજા કાર્યકાળમાં મોદી સરકારે લીધેલા કેટલાંક ઐતિહાસિક નિર્ણયો બાદ તો વિપક્ષની હાલત વધારે દયનીય જણાઇ રહી છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કરવાના નિર્ણય બાદ વિપક્ષ સાવ નબળો પડી ગયો છે. એવામાં વિપક્ષના ભાજપને ટક્કર આપી શકવા સામે જ સવાલ હતાં. 

હરિયાણા અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આ બંને રાજ્યોમાં હાલ કેન્દ્રમાં સત્તાધારી ભાજપની સરકારો જ છે. પાંચ વર્ષ બાદ ભાજપની આ સરકારો લોકો સમક્ષ જનાદેશ મેળવવા માટે હાજર થઇ. હવે એ તો બે દિવસ બાદ ખબર પડી જશે કે લોકોએ ગત કાર્યકાળથી ખુશ થઇને તેમને ફરી વખત સત્તા સોંપશે કે ગાદી ઉપરથી ઉતારી મૂકશે. હકીકતમાં લોકશાહીની એ જ તો ખૂબી છે કે સત્તા સોંપવાનો અધિકાર માત્ર જનતા પાસે જ હોય છે જેના કારણે રાજકીય પક્ષો અનેકવિધ રીતે જનતાનું સમર્થન મેળવવા પ્રયાસો કરતા હોય છે.

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરની સરકારો છેલ્લા પાંચ વર્ષોમાં લોકોની અપેક્ષા ઉપર ક્યારેક પાસ તો ક્યારેક ફેલ થતી રહી છે. જે જોતાં બંને રાજ્યોમાં જોરદાર મુકાબલો જામવો જોઇતો હતો પરંતુ પરિસ્થિતિ સાવ ઉલટ રહી. ખરેખર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અજેય છબિ સામે વિપક્ષ સાવ નબળો જણાયો. વડાપ્રધાન મોદીની આભા જ એવી સર્જાઇ ગઇ છે કે બંને ભાજપશાસિત રાજ્યોની સરકારોની નિષ્ફળતાઓ અને નબળી કામગીરી પણ એમાં ઢંકાઇ ગઇ. 

મહારાષ્ટ્રની વાત કરીએ તો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના તેમજ કોંગ્રેસ અને એનસીપી જોડાણ કર્યા વગર અલગ અલગ ચૂંટણી લડયા હતાં. જેમાં ભાજપને ૧૨૨ બેઠકો મળી હતી તો શિવસેનાએ ૬૩ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને ૪૨ અને એનસીપીને ૪૧ સીટો હાથ લાગી હતી. આ વખતની ટક્કર પક્ષો વચ્ચે નહીં પરંતુ બે ગઠબંધન વચ્ચે થઇ. એક તરફ ભાજપ-શિવસેના તો બીજી તરફ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન ઝુકાવ્યું.

વિરોધી મોરચામાં સમાજવાદી પાર્ટી, સ્વાભિમાન પાર્ટી અને લેફ્ટ પણ હતા. પરંતુ જ્યાં કોંગ્રેસ જેવી મોટી પાર્ટી જ અસ્તિત્ત્વ બચાવવા માટે ઝઝૂમી રહી હોય ત્યાં બીજા નાના પક્ષોની તો વાત શી કરવી? રાજ્યની અનેક બેઠકો પર બંને મોરચા વચ્ચે જોરદાર મુકાબલો યોજાવાની શક્યતા હતી પરંતુ ટ્રેન્ડ જોતાં તો ભાજપ-શિવસેના યુતિને એકતરફી જીત મળવાના અણસાર વર્તાઇ રહ્યાં છે.

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્ત્વ હેઠળ ભાજપે મહારાષ્ટ્રમાં મજબૂત સ્થિતિ બનાવી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અત્યંત મજબૂત નેતા તરીકે ઉપસ્યા છે. 

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેમણે પક્ષમાં રહેલા પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરી દીધાં તો વિરોધી દળોના મોટા નેતાઓને પણ જમીનદોસ્ત કર્યા છે. તો ભાજપની સરકારને ટેકો આપનાર શિવસેના છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિપક્ષ કરતાયે વધારે વિરોધ કર્યા બાદ પણ આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ જે માહોલ ઊભો થયો એ જોતાં નરમ વલણ ધારણ કર્યું.  બીજી બાજુ કોંગ્રેસ-એનસીપીની છાવણીમાં ખાસ ઉત્સાહનો માહોલ ન જણાયો. ખાસ કરીને બંને પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપ અથવા તો શિવસેનામાં જોડાઇ ગયા બાદ તેમની હાલત ઓર કફોડી બની ગઇ.

જે રીતે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ પોતાની પાર્ટી છોડીને ભાજપ અને શિવસેનામાં સામેલ થયા એ જોતાં સત્તાધારી મોરચાનો આત્મવિશ્વાસ આસમાનને આંબી ગયો. આમ પણ મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ અને એનસીપી બંને પક્ષોનો જનાધાર ખાસો ઘટયો છે. ઉપરાંત બંને પક્ષોમાં આંતરિક જૂથબાજી, સત્તાને લઇને ખેંચતાણ તેમજ કેન્દ્રીય નેતૃત્ત્વ પર સર્જાયેલી અસમંજસની સ્થિતિને લઇને લોકો વચ્ચે પણ તેમની છબિ અને વિશ્વસનીયતા ઓછી થઇ ગઇ છે. એક તરફ શરદ પવાર પોતાની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસરત રહ્યાં તો બીજી તરફ કોંગ્રેસ જૂથબાજીમાં જ રચીપચી રહી. ખરું જોતાં તો આ વખતની મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી માટે રાજ્યમાં પોતાનું અસ્તિત્ત્વ બચાવવાની લડાઇ છે. 

ખાસ તો શરદ પવાર માટે આ ચૂંટણી અત્યંત મહત્ત્વની છે કારણ કે ચૂંટણીના પરિણામો પર માત્ર વિપક્ષ જ નહીં, તેમની પોતાની પાર્ટી અને એથીયે વિશેષ તેમનું પોતાનું રાજકીય કદ જાળવી રાખવાનો આધાર છે. વિપક્ષી ગઠબંધન સત્તામાં પુનરાગમન કરવા માટે ભારે જોર લગાવ્યું પરંતુ વર્તમાન રાજકીય સમીકરણો અને પરિસ્થિતિને જોતાં પલડું સત્તાધારી ભાજપ અને શિવસેના પક્ષમાં નમતું જણાય છે. પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસ અને એનસીપી હજી સુધી લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજયના આઘાતમાંથી બહાર નથી આવ્યાં અને મજબૂત નેતાઓના પાર્ટી છોડવાના કારણે બંને પાર્ટીઓમાં આત્મવિશ્વાસનો અભાવ છે.

હરિયાણાની વાત કરીએ તો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ અનેક ચડાવઉતાર છતાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. રાજ્યમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૦માંથી ૪૭ બેઠકો મળી હતી તો કોંગ્રેસને ૧૫ બેઠકો પ્રાપ્ત થઇ હતી. ચૌટાલા પરિવારની આગેવાની હેઠળના ઇન્ડિયન નેશનલ લોકદળના ફાળે ૧૯ બેઠકો ગઇ હતી. જોકે ચૌટાલા પરિવારમાં પડેલા ભાગલાના કારણે પાર્ટીની સ્થિતિ અત્યંત નબળી પડી ગઇ એ સંજોગોમાં કોંગ્રેસ માટે ભાજપને ટક્કર આપવા માટે મોકળું મેદાન હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સતત આંતરિક ખેંચતાણ, જૂથબાજી અને કલહની સમસ્યાનો સામનો કરી રહેલી કોંગ્રેસ આ તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. 

હરિયાણામાં જાતિગત સમીકરણો સાધવા અને આંતરિક કલહ દૂર કરવા માટે કોંગ્રેસની કમાન ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલજા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના હાથમાં સોંપવામાં આવી પરંતુ એના કારણે તો જૂથવાદ શમવાના સ્થાને ઓર વકર્યો. ખરેખર તો આ જૂથવાદમાં કોંગ્રેસમાં જ રાહુલ ગાંધી જૂથ અને સોનિયા ગાંધી જૂથ વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવી ગયો. હરિયાણામાં અશોક તંવર તો મહારાષ્ટ્રમાં સંજય નિરુપમે પાર્ટીમાં રાહુલ ગાંધીનું કદ વેતરવાના પ્રયાસો થઇ રહ્યાં હોવાના આક્ષેપો કરીને પહેલેથી નબળી જણાતી કોંગ્રેસના મૂળિયા ઓર નબળા કર્યાં.

હકીકતમાં બંને રાજ્યોમાં બેરોજગારી, ખેડૂતોની સમસ્યા અને પાણીની સમસ્યા જેવા અનેક મુદ્દા હોવા છતાં વિપક્ષ સત્તાધારી ભાજપ સમક્ષ કોઇ પડકાર ઊભો ન કરી શક્યો. બીજી બાજુ ભાજપે બંને રાજ્યોની ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદીનો ચહેરો જ આગળ ધર્યો અને આર્ટિકલ ૩૭૦ને જ ચૂંટણીપ્રચારનો મુખ્ય મુદ્દો બનાવ્યો. ખરેખર તો બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એજન્ડા જ વડાપ્રધાન મોદીએ નક્કી કર્યો અને વિપક્ષો એનો તોડ કાઢવા માટે ફાંફાં જ મારતા રહ્યાં.

ખરેખર તો બંને રાજ્યોની ભાજપ સરકારોની નિષ્ફળતાઓ પ્રજા સામે લાવવામાં અને ખાસ તો રાજ્યો સાથે જોડાયેલા મુદ્દાઓને ચગાવવામાં વિપક્ષોની નબળાઇ સામે આવી. 

છેલ્લી ઘણી વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે કે જે-તે રાજ્યોના સ્થાનિક મુદ્દાઓ નૈપથ્યમાં ધકેલાઇ જાય છે અને રાષ્ટ્રવાદનો મુદ્દો જ છવાયેલો રહે છે. હકીકતમાં ભાજપમાં વડાપ્રધાન મોદીના ઉદય બાદ દેશના રાજકારણના સમીકરણો જ સાવ બદલાઇ ગયા છે અને રાજ્યોના પ્રાદેશિક મુદ્દાઓ નગણ્ય બની ગયાં છે. એ હકીકત છે કે પ્રાદેશિક પક્ષોની કૌટુંબિક રાજનીતિનો ભાજપ ધીરે ધીરે સફાયો કરી રહી છે જે સારી બાબત પણ છે પરંતુ જે રીતે પ્રદેશોના પ્રશ્નો અને સમસ્યાઓની અવગણના થઇ રહી છે તે દેશના સંઘીય માળખા માટે સારી બાબત નથી.

Tags :