દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન
નાગરિકતા કાયદામાં થયેલા સંશોધનના વિરોધમાં છેલ્લા એક મહિના કરતાયે વધારે સમયથી ચાલી રહેલું આંદોલન
આ પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો ભાગ લઇ રહ્યાં હોવાના કારણે તેની સોશિયલ મીડિયામાં તેમજ દેશવિદેશમાં ભારે ચર્ચા થઇ રહી છે અને ખાસ બાબત એ કે આ આંદોલનનો કોઇ નેતા નથી
દિલ્હીનો શાહિન બાગ નામનો અજાણ્યો વિસ્તાર આજકાલ ભારે ચર્ચામાં છે. છેલ્લા એક મહિના કરતાયે વધારે સમયથી શાહીન બાગમાં મહિલાઓએ નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં મોરચો ખોલ્યો છે. નાગરિકતા કાયદામાં થયેલા સંશોધન અને એનઆરસીના વિરોધમાં દેશભરમાં આંદોલનો ચાલી રહ્યાં છે પરંતુ શાહીન બાગ ખાતેના આંદોલનની ખાસિયત એ છે કે આ આંદોલનનો મોરચો મહિલાઓએ સંભાળ્યો છે.
નોઇડા, દિલ્હી અને ફરીદાબાદને પરસ્પર જોડતા મુખ્ય માર્ગ પર મહિલાઓનું આ આંદોલન ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯થી ચાલી રહ્યું છે. મતલબ કે જે દિવસે દિલ્હી પોલિસે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને લાઠીચાર્જ કર્યો હતો ત્યારથી આ આંદોલન ચાલી રહ્યું છે. દિલ્હી અને નોઇડાને જોડતી મુખ્ય સડક એક મહિના કરતાયે વધારે સમયથી બંધ છે. પોલીસે પ્રદર્શનકર્તાઓને આંદોલન સમેટી લેવા અનેક અપીલ કરી છતાં આંદોલનકર્તાઓ ડગ્યાં નથી. પોલીસ કે પ્રશાસન આંદોલનને રોકવા કંઇ કરી શકે એમ નથી કારણ કે આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.
બીજી બાબત એ કે આ આંદોલનના કોઇ નેતા નથી મતલબ કે આંદોલન સંપૂર્ણપણે લોકો દ્વારા ચાલી રહ્યું છે. માર્ગ બંધ છે, દુકાનો બંધ છે અને મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને યુવાનો વરસાદ, ઠંડી કે તડકાની પરવા કર્યા વિના સડક પર બેઠાં છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે હાઇવે બ્લોક હોવાના કારણે દિલ્હી, એનસીઆરના નાગરિકો, દર્દીઓ અને શાળાએ જતાં બાળકોને હાડમારીઓ વેઠવાની થઇ છે. આ મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે.
૧૫ ડિસેમ્બરની રાતે કેટલાંક પુરુષો અને ૧૫ મહિલાઓ સાથે આ આંદોલનની શરૂઆત થઇ હતી. આ લોકો દક્ષિણપૂર્વ દિલ્હીના રહેવાસીઓ હતાં અને નાગરિકતા કાયદો અને એનઆરસી તેમજ એનપીઆર વિરુદ્ધ પ્રદર્શન યોજી રહ્યાં હતાં. આજે તો આ પ્રદર્શન એટલું મોટું બની ચૂક્યું છે જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી. હાડ ગાળી દેતી ઠંડી અને ભારે વરસાદ પણ આ પ્રદર્શનકર્તાઓનો જુસ્સો ન ડગાવી શક્યાં. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો સામેલ હોવાના કારણે સોશિયલ મીડિયામાં તેમજ દેશવિદેશમાં ભારે ચર્ચામાં છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેના કારણે આ પ્રદર્શનને લઇને રાજકારણ પણ થઇ રહ્યું છે અને રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યાં છે. દિલ્હી ભાજપનું કહેવું છે કે આ પ્રદર્શન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત છે અને એ લોકો અરાજક્તા ફેલાવવાનો ઉદ્દેશ રાખે છે.
જોકે પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે અનેક નેતાઓ મુલાકાત લઇ ગયાં તેમ છતાં આ વિરોધ પ્રદર્શનને હાઇજેક કરવા દેવામાં આવ્યું નથી. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ, કિરણ વાલિયા અને આસિફ મોહમ્મદ ખાન ઉપરાંત આમ આદમી પાર્ટીના અમાનુલ્લા ખાન જેવા નેતાઓ આ પ્રદર્શનમાં ભાગ લઇ ચૂક્યાં છે. તો સ્વરા ભાસ્કર અને મોહમ્મદ ઝીશાન અયૂબ જેવા ફિલ્મ કલાકારો પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનના કારણે મુખ્ય માર્ગો બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે વાહનવ્યવહારમાં મુશ્કેલી ઊભી થઇ છે. ખાસ કરીને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં અવરોધ નડી રહ્યો છે. શાળાએ જતાઆવતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવાનો થયો છે.
જોકે પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે તેઓ એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધતા નથી. જોકે તેમનું કહેવું છે કે તેઓ બધા માટે માર્ગ ખોલી દેશે તો પછી તેમના આંદોલનની કોઇ અસર નહીં થાય. તેમનો દાવો છે કે તેમણે નહીં પરંતુ પોલીસે અમુક માર્ગ બંધ કર્યાં છે. કેટલીક સમાજસેવી સંસ્થાઓ પ્રદર્શનકર્તાઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરે છે.
શાહીનબાગનો વેપાર પણ પ્રદર્શનના કારણે ઠપ્પ થઇ ગયો છે. આ વિસ્તારમાં ખાસ કરીને કપડાંની દુકાનો છે. આ દુકાનદારોની ફરિયાદ છે કે નબળી અર્થવ્યવસ્થાનો માર તેઓ સહી રહ્યાં છે અને એમાં આ પ્રદર્શનના કારણે તેમનો વેપાર બંધ પડયો છે. એક અંદાજ અનુસાર અત્યાર સુધીમાં એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. પોલીસ પ્રદર્શનકર્તાઓને આંદોલન સમેટી લેવા અથવા તો પ્રદર્શનનું સ્થળ બદલવા વીનવી રહી છે પરંતુ પ્રદર્શનકર્તાઓ એ માટે તૈયાર નથી.
પ્રદર્શન કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે નાગરિકતા કાયદાના કારણે મુસ્લિમો સાથે ભેદભાવ થશે અને એ બંધારણની પ્રસ્તાવના વિરુદ્ધ છે. આ મહિલાઓ જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચાર અને નાગરિકતા કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહી છે.
આ વિરોધ પ્રદર્શનમાં અનેક મહિલાઓ એવી છે જેમણે આવા કોઇ આંદોલનમાં કદી ભાગ લીધો નથી. આમાં કોલેજ જતી વિદ્યાર્થીનીઓથી લઇને ગૃહિણીઓ સામેલ થઇ છે. શાહીન બાગની આ મહિલાઓની ચર્ચા વિદેશમાં પણ થઇ રહી છે કારણ કે પહેલી વખત મહિલાઓએ આટલું મોટું આંદોલન ઉપાડયું છે. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પોતાના બાળકો સાથે આવે છે અને અનેક મહિલાઓ તો ઘરના કામકાજ આટોપીને પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચી જાય છે.
પ્રદર્શનકર્તા મહિલાઓનું કહેવું છે કે તેઓ બંધારણને બચાવવા સડકો પર ઉતરી છે અને જ્યાં સુધી આ કાયદો પાછો ન લેવામાં આવે ત્યાં સુધી તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. મહિલાઓ આ આંદોલન શાંતિપૂર્ણ ઢબે ચલાવી રહી છે અને તેમના ઘરના પુરુષો મહિલાઓનું સમર્થન કરી રહ્યાં છે. દેશના બીજા ભાગોમાંથી પણ શાહીન બાગ પ્રદર્શનને સમર્થન મળી રહ્યું છે. પંજાબથી સેંકડોની સંખ્યામાં લોકો શાહીન બાગ પહોંચ્યાં હતાં.
શાહીન બાગની આ મુસ્લિમ મહિલાઓને અન્ય ધર્મના લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે. થોડા દિવસ અગાઉ અહીંયા સર્વધર્મ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ધર્મગુરુઓ પણ મંચ પર આવીને બંધારણની પ્રસ્તાવના વાંચીને એકતા, સમાનતા અને શાંતિનો સંદેશ આપીને ગયા છે.
શાહીન બાગની તર્જ પર કોલકાતાના પાર્ક સર્કસ ખાતે પણ મહિલાઓએ આંદોલન કરવાની શરૂઆત કરી છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મંસૂર અલી પાર્ક ખાતે પણ મહિલાઓએ આંદોલન શરૂ કર્યું છે. બિહારના ગયા ખાતે પણ મહિલાઓએ નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન યોજ્યું હતું. ઝારખંડના જમશેદપુરમાં પણ મહિલાઓએ મોરચો કાઢીને સરકારને કાયદો પાછો લેવાની માંગ કરી હતી.
ગયા અઠવાડિયે દિલ્હી હાઇકોર્ટે શાહીન બાગ પ્રદર્શનના મામલે દિલ્હી પોલીસને જનતાના હિતમાં વહેલામાં વહેલી તકે સમસ્યા ઉકેલવાની અને કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ચુકાદો એ યાચિકાના સંદર્ભમાં આપવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રદર્શનના કારણે શાળાના બાળકોને આશરે બે કલાક વહેલા નીકળવું પડે છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકર્તાઓને હટાવવા ઘણાં મુશ્કેલ બની ગયાં છે કારણ કે તેઓ બળપ્રયોગ કરી શકે તેમ નથી. બળપ્રયોગ કરવાથી વાતાવરણ ડહોળાશે અને પ્રજાસત્તાક દિન તેમજ દિલ્હીની ચૂંટણીના કાર્યક્રમને અસર થાય એમ છે.
પોલીસને બીજી સમસ્યા એ છે કે આ આંદોલનનો કોઇ નેતા નથી જેના કારણે તેઓ કોઇ અધિકૃત વ્યક્તિ સાથે વાતચીત કે ચર્ચા કરીને પ્રદર્શન આટોપી લેવા કે બીજે સ્થળે ખસેડવા કહી શકે. શાહીન બાગ આંદોલનને લઇને આરોપ પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે. શાહીન બાગ ખાતે પ્રદર્શન કરતી મહિલાઓને પાંચસો રૂપિયા આપવામાં આવે છે. જોકે પ્રદર્શનકર્તાઓએ આ વાતને દુષ્પ્રચાર ગણાવી છે. રવિવારે કાશ્મીરી પંડિતોનું એક જૂથ પણ આ સ્થળે પહોંચ્યું હતું.
હાલ તો નાગરિકતા કાયદા અને એનપીઆર મુદ્દે સરકાર નમે એવા કોઇ અણસાર જણાતા નથી. એવામાં શાહીન બાગની મહિલાઓના આ આંદોલનનો પણ કેવો અંજામ આવશે એ નક્કી નથી. જોકે દેશમાં પહેલી વખત મહિલાઓએ આટલા મોટા પાયે આંદોલન ઉપાડયું છે એ બાબત નોંધપાત્ર જરૂર છે.