Get The App

બ્રિટનના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનો દબદબો

- બ્રિટનની બોરિસ જ્હોનસન સરકારમાં ગૃહમંત્રી અને નાણામંત્રી જેવા મહત્ત્વના હોદ્દાઓ પર ભારતીય મૂળના નેતાઓ

Updated: Feb 22nd, 2020

GS TEAM

Google News
Google News

- કાળનું ચક્ર કેવું ફરે છે એ સમજવું હોય તો બ્રિટનનો દાખલો લેવો જોઇએ, એક સમયે ભારતને અંગ્રેજોએ ગુલામીની બેડીમાં જકડયું હતું અને આજે એ જ બ્રિટનના રાજકારણમાં ભારતીયોની બોલબાલા છે 

બ્રિટનના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનો દબદબો 1 - image

કાળનું ચક્ર કેવું ફરે છે એ સમજવું હોય તો બ્રિટનનો દાખલો લેવો જોઇએ. જે બ્રિટન વિશે એક જમાનામાં એવું કહેવાતું હતું કે બ્રિટીશ સામ્રાજ્યનો સૂરજ કદી આથમતો નથી એ જ બ્રિટન આજે યુરોપનો એક નાનકડો ટાપુ માત્ર બનીને રહી ગયું છે. ભારત ઉપર પણ અંગ્રેજોએ બસ્સો વર્ષ રાજ કર્યું હતું અને ભારતીયોએ સ્વાતંત્ર્ય સંગ્રામ લડીને દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી હતી. આજે એ જ બ્રિટનના રાજકારણમાં ભારતીયોનો દબદબો છે. બ્રિટનમાં વડાપ્રધાન અને વિદેશમંત્રી બાદ ત્યાંના ત્રીજા અને ચોથા સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ભારતીય મૂળના રાજકારણીઓનો સમાવેશ થાય છે. 

ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોનો ઇતિહાસ ઘણો જૂનો છે. બંને દેશોના પરસ્પરના સંબંધોને મજબૂત કરવામાં બ્રિટનમાં વસતા લાખો ભારતીયોની ભૂમિકા મહત્ત્વની છે. આજે બ્રિટનના રાજકારણથી લઇને વેપાર, ઉદ્યોગ, મેડિકલ કે સ્પોર્ટ્સ તમામ ક્ષેત્રોમાં બ્રિટનમાં જઇને વસેલા ભારતીયોનો દબદબો છે. બ્રિટનની અર્થવ્યવસ્થામાં ભારતની કંપનીઓની મોટો ફાળો છે. ભારતની ૯૦૦થી વધારે કંપનીઓ બ્રિટનના એક લાખથી વધારે લોકોને રોજગાર પૂરો પાડે છે. 

બ્રિટનની બોરિસ જ્હોનસન સરકારમાં ભારતીય મૂળના ૪૭ વર્ષના પ્રીતિ પટેલ ગૃહમંત્રી જેવા અત્યંત મહત્ત્વના સ્થાને છે. તાજેતરમાં જ ભારતીય મૂળના ૩૯ વર્ષના સાંસદ ઋષિ સૂનકને બ્રિટનના નાણામંત્રી બનાવવામાં આવ્યાં છે જે ભારતના ગર્વમાં વધારો કરતી બાબત છે. તેમને પાકિસ્તાની મૂળના સાજિદ જાવેદના સ્થાને નાણામંત્રી બનાવવામાં આવ્યાં છે. વડાપ્રધાન બોરિસ જ્હોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના અને આગ્રામાં જન્મેલા ૫૨ વર્ષીય આલોક શર્માને પણ પ્રમોશન મળ્યું છે. ઋષિ સૂનક દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઇ છે. તેઓ પહેલા બ્રિટનના નાણા ખાતામાં રાજ્યમંત્રી હતાં અને તેમને બ્રિટનના ખજાનાના મુખ્ય સચિવનો દરજ્જો પ્રાપ્ત હતો. ઋષિ સૂનકને બ્રિટનના રાજકારણના ઊગતા તારા તરીકે ગણવામાં આવે છે.

બ્રિટનની સરકારમાં ગૃહમંત્રી ભારતીય મૂળના હોય, નાણામંત્રી ભારતીય મૂળના હોય અને અન્ય મહત્ત્વના વિભાગોમાં પણ ભારતીય મૂળના લોકો હોય ત્યારે સ્વીકારવું રહ્યું કે ભારતીયોએ વિદેશોમાં જઇને ભારે પ્રગતિ કરી છે. એમાંયે યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ બ્રિટનની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે નાણામંત્રીનું પદ અત્યંત મહત્ત્વનું બની ગયું છે ત્યારે એ પદ પર ભારતીય મૂળના વ્યક્તિની નિમણૂક થવી ગર્વની બાબત છે. 

બ્રેક્ઝિટ બાદ બ્રિટને દુનિયાના દેશો સાથે પોતાના વેપારનું માળખું નવેસરથી તૈયાર કરવાનું છે. એવામાં બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનની બ્રેક્ઝિટ રણનીતિને અંજામ આપવા માટે ઋષિ સૂનક વિશ્વસ્તરીય રાજનેતા બનીને ઉભર્યા છે. તેમનો મૂળ વ્યવસાય ઇન્વેસ્ટમેન્ટ બેકિંગનો છે અને તેમને મોટા પાયે વેપાર કરવાનો અનુભવ છે. અપેક્ષા છે કે તેઓ બ્રેક્ઝિટ બાદ બ્રિટનની અર્થવ્યવસ્થાને સંભાળવામાં મોટો ફાળો આપશે. જોકે બ્રિટનની સરકારમાં ભારતીય મૂળના મંત્રીઓ માટે પડકારો ઓછા નથીય પ્રીતિ પટેલને ગૃહમંત્રી તરીકે બ્રિટનની સુરક્ષા, ઇમિગ્રેશન અને વિઝા નીતિઓ પર ધ્યાન રાખવાનું છે. તો આલોક વર્માને આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવની કામગીરી સોંપવામાં આવી છે.

ગૃહમંત્રી તરીકે પ્રીતિ પટેલે બ્રિટનમાંથી ગુનાખોરી દૂર કરવાનું બીડું ઝડપ્યું છે અને દેશના દરેક સંકટ સામે લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ નવી વિઝા નીતિ પર નિષ્પક્ષતાથી કામ કરવું ભારે પડકારજનક બની રહેવાનું છે. તો આલોક વર્મા સમક્ષ પણ વૈશ્વિક પડકારો ઊભા છે. તેમના માટે ક્લાયમેટ ચેન્જ, બીમારી અને કુદરતી આફતો સામે લડવાના પડકાર છે. બ્રેક્ઝિટ બાદ ભારત અને બ્રિટનના સંબંધોમાં ઘણી નિકટતા આવી છે અને આગળ જતાં આ સંબંધો ઓર ગાઢ બનવાની અપેક્ષા છે. 

બ્રિટનમાં કામ કરતી ભારતીય કંપનીઓ તેમજ ભારતીય બજારમાં આવવા ઇચ્છુક બ્રિટીશ કંપનીઓ માટે આજે સુવર્ણ અવસર છે. બ્રેક્ઝિટ બાદ ભારત બ્રિટનનું મહત્ત્વપૂર્ણ વ્યવાસાયિક ભાગીદાર બનવાનું છે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરારની વ્યાપક સંભાવનાઓ છે. ગયા વર્ષે બ્રિટનની સંસદીય સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટન ભારત સાથેના સારા સંબંધોની દોડમાં પાછળ પડી ગયું છે. એટલું જ નહીં, દુનિયામાં ભારતની વધી રહેલી તાકાત અને પ્રભાવને અનુસાર પોતાની રણનીતિ બદલવામાં નિષ્ફળ રહ્યું છે. 

આ રિપોર્ટમાં ભારતીય પર્યટકો, વિદ્યાર્થીઓ તેમજ ધંધાદારી લોકો માટે વધારે સારી વિઝા અને ઇમિગ્રેશન નીતિ બનાવીને સંબંધો સુધારવાની ભલામણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વૈશ્વિક તાકાત બનીને ઉભરી રહેલા ભારત સાથે સારા સંબંધોની વૈશ્વિક દોટમાં બ્રિટન પાછળ રહી ગયું છે. તાજેતરમાં જ ભારત બ્રિટનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. તો બોરિસ જ્હોનસનની સરકારમાં ભારતીય મૂળના મંત્રીઓનો દબદબો છે ત્યારે બંને દેશો વચ્ચેના વ્યાવસાયિક અને સાંસ્કૃતિક સંબંધો નવી ઉંચાઇએ આંબવાની અપેક્ષા છે.

બ્રિટનની ઇમિગ્રેશન એડવાઇઝર કમિટીએ ટીયર-૨ શ્રેણીમાં વ્યાવસાયિકોનું વેતન ૩૦ હજાર પાઉન્ડથી ઘટાડીને ૨૫,૬૦૦ કરવાની ભરામણ કરી છે. સમિતિએ કૌશલ્ય સ્તર, અંગ્રેજી ભાષાની જાણકારી અને નોકરી માટે વધારાના પોઇન્ટ આપવાની ભલામણ પણ કરી છે. યુરોપિયન યુનિયનથી અલગ બ્રિટનમાં ગયા વર્ષે આ કેટેગરીમાં ૫૬,૨૪૧ ભારતીય સ્કિલ્ડ પ્રોફેશનલ્સને વિઝા આપવામાં આવ્યા હતાં. હવે બ્રેક્ઝિટ બાદ આ સંખ્યા વધવાની સંભાવના છે. બોરિસ જ્હોનસન અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યાં છે કે તેઓ કૌશલ્ય અને ટેકનિકને પ્રોત્સાહન આપશે જેથી કરીને બ્રિટનને લાંબા ગાળાના લાભ મળે. 

આજે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની આર્થિક સ્થિતિ પણ સદ્ધર છે. યુનાઇટેડ કિંગડમના સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર બ્રિટનમાં ચીની મૂળના લોકો બાદ ભારતીય મૂળના લોકો સ્થાનિક યુવાનોની સરખામણીમાં વધારે આવક ધરાવે છે. ચીની કર્મચારી દર કલાકે સરેરાશ ૧૩૫૦ રૂપિયા કમાય છે જ્યારે ભારતીય મૂળના કર્મચારીઓ દર કલાકે ૧૧૫૨ રૂપિયા કમાય છે. જેની સરખામણીમાં સ્થાનિક બ્રિટીશ યુવકોને દર કલાકે માત્ર ૧૦૩૦ રૂપિયા જ મળે છે. 

જોકે બ્રિટનમાં ભારતીયોનો દબદબો કંઇ રાતોરાત ઊભો નથી થયો. બીજા વિશ્વયુદ્ધ બાદ સંકટથી ઘેરાયેલા ઇંગ્લેન્ડના પુનર્નિર્માણની શરૂઆત થઇ ત્યારે ભારતના અનેક લોકોએ ઉજળા ભવિષ્યની શોધમાં યુરોપિયન દેશો તરફ કૂચ કરી. બાદમાં તેમની આગામી પેઢીઓએ પોતાના અથાક પરિશ્રમ, બોદ્ધિક ક્ષમતા અને કૌટુંબિક મૂલ્યોના આધારે સ્થાનિક લોકો સાથે સામંજસ્ય સ્થાપીને વિદેશમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કર્યું. ભિન્ન સંસ્કૃતિ, વિચારસરણી અને જીવનશૈલી હોવા છતાં ભારતીયો વિદેશોમાં એટલા માટે સફળ થયા છે કે તેઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિને વળગી રહ્યાં છે. 

આનો દાખલો ઋષિ સૂનાકની જીવનશૈલી અને વ્યવહારમાં જોવા મળે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ પોતાને ભલે બ્રિટીશ માનતા હોય પરંતુ તેમનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો ભારતીય છે. પોતાની ભારતીય તરીકેની ઓળખ પર ગર્વ કરતા ઋષિને હંમેશા ભારતીય પરંપરાનું માર્ગદર્શન મળી રહે એ સ્વાભાવિક છે. તો આલોક શર્માએ હાથમાં ભાગવત ગીતા રાખીને મંત્રીમંડળના શપથગ્રહણ કર્યા હતાં. પ્રીતિ પટેલની પૃષ્ઠભૂમિ પણ ઋષિ સૂનક જેવી છે. ઇંગ્લેન્ડમાં જન્મેલા પ્રીતિ પટેલના માતાપિતા ગુજરાતી મૂળના હતાં અને સાઠના દાયકામાં યુગાન્ડાથી ઇંગ્લેન્ડ જઇને વસ્યા હતાં. 

બ્રિટન ઉપરાંત અમેરિકાના રાજકારણમાં પણ ભારતીય મૂળના નેતાઓની બોલબાલા છે. અમેરિકામાં ફીમેલ ઓબામા તરીકે જાણીતા કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નક્કી મનાય છે. કમલા હેરિસ ૨૦૧૬માં કેલિફોર્નિયામાંથી સેનેટની ચૂંટણી જીત્યાં હતાં અને અમેરિકાના બીજા તેમજ છેલ્લા ૨૦ વર્ષોમાં સેનેટમાં પહોંચનારા પહેલા અશ્વેત મહિલા બન્યાં હતાં. કમલા હેરિસ ઉપરાંત અમેરિકાના રાજકારણના ફલક ઉપર અન્ય એક ભારતીય મૂળની મહિલા તુલસી ગેબાર્ડનું નામ પણ ઉપસ્યું છે. તુલસી ગેબાર્ડ અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ચાર વખત સાંસદ રહી ચૂક્યાં છે. તો ભારતીય મૂળના નિક્કી હેલી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સહયોગી રહી ચૂક્યાં છે. 

આજે અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશોમાં જઇને વસેલા ભારતીયો રાજકારણમાં ઊંચા હોદ્દાએ પહોંચતા હોય એ ભારત માટે ગર્વ લેવા જેવી બાબત છે.

Tags :