Get The App

360 વર્ષે બ્રિટિશ રોયલ સોસાયટીમાં ભારતીય મહિલા વિજ્ઞાનીનો પ્રવેશ!

રસીકરણના માંધાતા ડૉ.ગગનદીપ કાંગને બ્રિટિશ રોયલ સોસાયટીએ ફેલોશિપ આપી છે: કુલ પાંચ ભારતીયને ફેલોશિપ

Updated: Apr 21st, 2019

GS TEAM

Google News
Google News
360 વર્ષે બ્રિટિશ રોયલ સોસાયટીમાં ભારતીય મહિલા વિજ્ઞાનીનો પ્રવેશ! 1 - image


રોયલ સોસાયટી દુનિયાની સૌથી જૂની વિજ્ઞાાન સંસ્થા છે, એક સમયે તો ભારતીય સંશોધકોને તેના પગથિયે પણ ઉભા રહેવાની છૂટ ન હતી. ન્યુટન અને ડાર્વિનની હરોળમાં ભારતીય મહિલાનું નામ લખાયું!

ભારતીય મહિલા વિજ્ઞાાની ડૉ.ગગનદીપ કાંગને 'રોયલ સોસાયટી ઑફ લંડન' દ્વારા ફેલોશિપ આપાઈ છે. કોઈ સંસ્થા કોઈ વિજ્ઞાાનીને ફેલોશિપ આપે તો વ્યક્તિગત સિદ્ધિ છે, પરંતુ બહુ મોટી વાત નથી. પરંતુ જો રોયલ સોસાયટી કોઈ ભારતીયને અને એ પણ મહિલાને ફેલોશિપ આપે તો એ બેશક બહુ જ મોટી વાત છે. રોયલ સોસાયટીના ઈતિહાસમાં ગગનદીપ પહેલા ભારતીય મહિલા બન્યા છે, જેમને ફેલો તરીકે પ્રવેશ મળ્યો હોય.

બ્રિટિશ શહેર લંડનમાં આવેલી રોયલ સોસાયટી વિજ્ઞાાન જગતનું રજવાડું ગણાય છે. એક સમય એવો હતો જ્યારે રોયલ સોસાયટી હોંકારો ન ભણે ત્યાં સુધી વિજ્ઞાાનીઓ કે તેનુ સંશોધન બન્નેમાંથી કોઈને માન્યતા મળતી ન હતી. ૧૬૬૦માં સ્થપાયેલી આ સંસ્થા અત્યારે પણ હયાત હોય એવી સૌથી જુની વિજ્ઞાાન સંસ્થા છે. ૧૬૬૦ની ૨૮મી નવેમ્બરે સર ક્રિસ્ટોફર વ્રેને લંડનની ગ્રિશામ કોલેજમાં રાજા ચાર્લ્સ બીજાની હાજરીમાં સંસ્થા શરૂ કરી હતી. 

અંધશ્રદ્ધાની બોલબાલા ધરાવતા યુગમાં વિજ્ઞાાનનો પ્રકાશ ફેલાય એ માટે સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. માટે ત્યારે આખુ નામ પણ 'ધ રોયલ સોસાયટી ઑફ લંડન ફોર ઈમ્પ્રુવિંગ નેચરલ નોલેજ' એવુ હતું. એ વખતે વિજ્ઞાાનની પ્રવૃત્તિનું કેન્દ્ર યુરોપ હતું. યુરોપમાં પણ લંડન જેવા મોટા શહેરોમાં વિજ્ઞાાનની બોલબાલા હતી. માટે ત્યાં જ આ સોસાયટી સ્થપાઈ.

પછી તો વિકસતી અને વિસ્તરતી ગઈ. પરંતુ આજે ચાલુ હોય એવી એ સૌથી જૂની વિજ્ઞાાન સંસ્થા છે. માટે જગતના ધૂરંધર ગણાતા મોટા ભાગના વિજ્ઞાાનીઓ ત્યાં કામ કરી ચૂક્યા છે, ફેલો રહી ચૂક્યા છે, કે પછી પ્રમુખ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. દરમિયાન રોયલ સોસાયટીના ટૂંકા નામે ઓળખાતી સંસ્થાનું હવે આખુ નામ 'ધ પ્રેસિડેન્ડ, કાઉન્સિલ એન્ડ ફેલોઝ ઓફ ધ રોયલ સોસાયટી ઓફ લંડન ફોર ઈમ્પ્રુવિંગ નેચરલ નોલેજ' એવુ છે!

અત્યારના સમયમાં વિજ્ઞાાનનો વ્યાપ ખાસ્સો વધ્યો છે. ૨૧મી સદીમાં જગત ટેકનોલોજી આધારીત થવા લાગ્યુ છે. માટે પ્રયોગશાળામાં બેસીને કોઈ લાંબી દાઢી, સફેદ વાળ, ગોળ ચશ્માં પહેરેલા વિજ્ઞાાની વર્ષો સુધી સંશોધન કર્યા કરે એવો સમય રહ્યો નથી. ડિજિટલ યુગની જરૂર પ્રમાણેની નવી નવી શોધખોળ થતી રહે છે. તો પણ શુદ્ધ વિજ્ઞાાન (પ્યોર સાયન્સ)ના ક્ષેત્રમાં હજુ પણ ઊંડાણપૂર્વકના સંશોધનનું મહત્ત્વ છે. માટે એ સંશોધનને પ્રેરણા આપતી રોયલ સોસાયટી આજે પણ શિરમોર ગણાય છે. 

ભારત તરફથી રોયલ સોસાયટીના ફેલો બનવાનો મહત્ત્વપૂર્ણ સંગ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનના કિસ્સામાં આવ્યો હતો. ૩૩ વર્ષના સાવ ટૂંકા આયખામાં વિજ્ઞાાન જગતને અઢળક આપી જનારા રામાનુજન એ વખતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતા હતા. તેમના પ્રોફેસર ખ્યાતનામ ગમિતશાસ્ત્રી ગોડફ્રે હેરોલ્ડ હાર્ડી હતા. પ્રોફેસર હાર્ડી પહેલેથી જ રોયલ સોસાયટીમાં સભ્ય-સક્રિય હતા. રામાનુજનની અસાધારણ ક્ષમતા જોઈને તેમણે નામ આપ્યું કે આ યુવાનને ફેલોશિપ આપવી જોઈએ.

કાળા કોટ, ટાઈ-શૂઝમાં સજ્જ, માથે ટોપી અને હાથમાં લાકડી ધરાવતા રોયલ સોસાયટીના ઘણા સભ્યોએ રામાનુજનને ફેલોશિપ આપવા સામે વિરોધ નોંધાવ્યો. એ પછી પ્રોફેસર હાર્ડીએ એ ખંડમાં ઉગ્ર દલીલો કરી અને છેવટે એવુ પણ કહ્યું કે આપણા કોઈની એવી ક્ષમતા નથી કે આપણે રામાનુજનની વિદ્વતા સામે આંખ ઊંચી કરીને જોઈ શકીએ.. છેવટે રોયલ સોસાયટીએ રામાનુજનને સભ્યપદ આપ્યું.

ફેલોશિપ વિજેતા પહેલા ભારતીય જોકે અરદેશર ખરસેદજી વાડીયા હતા. તેમને રોયલ સોસાયટીએ છેક ૧૮૪૧માં ફેલો બનાવ્યા હતા. વાડિયા પરિવારના એ સભ્ય જહાજ બાંધકામના બાહોશ એન્જિનિયર હતા. દુુનિયાના ઘણા દેશો ત્યારે ભારત (એમાં પણ સુરતમાં) બંધાયેલા વાડિયા પરિવારના જહાજો વાપરતા હતા. નૌકાતાકતની વ્યુહરચના માટે જ તેમને ફેલોશિપ આપવામાં આવી હતી. 

ભારત માટે રોયલ સોસાયટીમાં આ છેલ્લા થોડા વર્ષોમાં મળેલી બીજી નોંધપાત્ર સિદ્ધી છે. મૂળ ભારતીય નોબેલ પારિતોષિક વિજેતા વેંકટરામાક્રિષ્ન અત્યારે તેના પ્રેસિડેન્ટ છે. ૨૦૧૫માં વેંકટરામાક્રિષ્નન એ સોસાયટીના ૬૧મા પ્રમુખ બન્યા હતા.

એ અગાઉ રહી ચૂકેલા ૬૦ પ્રમુખમાં વિજ્ઞાાન જગતના ભીષ્મ સર આઈઝેક ન્યુટન, હમ્ફ્રી ડેવી અને અર્નેસ્ટ રૂથરફોર્ડનો પણ સમાવેશ થાય છે. એ બધા વિજ્ઞાાનીઓ સાથે ભારતીય સંશોધકોના નામ આવે એ ગૌરવનો વિષય છે જ. ભારતવાસીઓને રોયલ સોસાયટીના પગથિયા ચડવા મળે એવા પ્રસંગો બહુ ઓછા આવતા હતા. એ સોસાયટીના પ્રમુખ હવે ભારતમાંથી છે. એ સમયની બલિહારી છે. 

રોયલ સોસાયટી જેમને ફેલોશિપ આપે તેઓ પોતાના નામ સાથે 'એફઆરએસ (ફેલો ઓફ રોયલ સોસાયટી)' એવુ લખી શકે છે. વૈશ્વિક વિજ્ઞાાન જગતમાં એ પદવીનું ઘણુ મહત્ત્વ છે. હાલ સોસાયટીના ફેલોની સંખ્યા ૮ હજારથી વધુ છે અને દર વર્ષે ૫૨ નવાં સભ્યોને ફેલોશિપ મળે છે. આઠ હજારમાંથી પોણા ત્રણસો તો એવા છે, જેઓ નોબેલ પ્રાઈજ જીતી ચૂક્યા છે. આ સોસાયટીના ફેલોશિપ ધરાવતા સભ્યની બ્રિટનમાં રાણીની આજ્ઞાા સિવાય ધરપકડ પણ થઈ શકતી નથી!

રોયલ સોસાયટીએ ૧૯મી એપ્રિલે નવા ફેલોના નામ જાહેર કર્યા જેમાં કુલ ૨૮ વ્યક્તિ છે. એમાં ડૉ.કાંગ ઉપરાંત ભારતીય મૂળના ફિલ્ડ મેડલ વિજેતા ગણિતવિજ્ઞાાની મંજુલ ભાર્ગવ, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જિનેટિક્સ અને ફિઝિયોલોજીના પ્રોફેસર અનંત પારેખ, બીજા ફિલ્ડ મેડલ વિજેતા ગણિતશાસ્ત્રી અક્ષય વેંકટેશ અને સિપ્લાના ચેરમેન તથા ફાર્માસ્યુટિકલ નિષ્ણાત ડૉ.યુસુફ હમિદનો સમાવેશ થાય છે. એટલે કે મોટી સંખ્યામાં ભારતમાંથી સંશોધન ક્ષેત્રે કામ કરનારા લોકોને રોયલ સોસાયટીએ સન્માન આપ્યું છે. 

રોયલ સોસાયટી એક સમયે વિજ્ઞાાનીઓ વચ્ચે પણ ભેદભાવ માટે બદનામ થઈ હતી. રોયલ સોસાયટીને પહેલી મહિલા ફેલોશિપ પસંદ કરવામાં પણ ત્રણ સદી લાગી હતી. છેક ૧૯૪૫માં બે મહિલા વિજ્ઞાાનીઓ કેથલીન લોન્સડેલ અને માર્જોરી સ્ટીફન્સનને રોયલ સોસાયટીએ ફેલોશિપ આપી હતી.

જે ભારતીય મહિલાને આ વખતે પ્રથમ સ્થાન મળ્યું એ ગગનદીપ કાંગ 'વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ'ના પ્રોફેસર હતા. તેમનું સંશોધન રસીકરણ ક્ષેત્રે છે, માટે મધર ઓફ વેક્સિનેશન પણ કહેવાય છે. હવે તેઓ હરિયાણાના ફરિદાબાદ ખાતે આવેલી 'ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટ'ના ડિરેક્ટર છે. 

ભારતમાં બાળકોને ડાયરેયી થવાનું પ્રમાણ ખુબ ઊંચુ છે. એ માટે રોટાવાઈરસ જવાબદાર છે. આ વાઈરસનો ખેલ ખતમ કરે એવી રસી પ્રોફેસર કાંગે શોધી કાઢી છે. એ પછી ભારતમાં લગભગ વર્ષે ૧ લાખ બાળકોનો જીવ બચાવી શકાય છે. આ રસી છેક ૧૯૮૫માં તેમણે તૈયાર કરી હતી. રસી ઉપયોગી સાબિત થઈ અને ભારત સરકારે મંજૂર કરી છે. દસેક કરોડ ડૉલરના ખર્ચે એ રસી આખા ભારતમાં ફેલાવી દેવાઈ છે, જે રોગચાળો ફેલાતો અટકાવે છે. 

દરમિયાન ૩૬૯ વર્ષ દરમિયાન વિજ્ઞાાન વિશેના અજ્ઞાાનને દૂર કરવાનું ઘણુ કામ આ સોસાયટી કરી શકી છે. સર આઈઝેક ન્યુટનના ગણિતના સિદ્ધાંતો, બેન્જામિન ફ્રેન્કલિનના પતંગના પ્રયોગોની નોંધપોથી, બુધના ભ્રમણનો અભ્યાસ કરવા અઢારમી સદીમાં ન્યુઝિલેન્ડના પ્રવાસે ગયેલા જેમ્સ કૂકની ડાયરી.. જેવા વિજ્ઞાાન જગતના અનેક મહત્ત્વના ગ્રંથો રોયલ સોસાયટીએ પ્રકાશિત કર્યા છે. હવે તો વિજ્ઞાાન વિકાસ માટે સતત કાર્યરત છે, પરંતુ જ્યારે જગતને અંધકારયુગમાંથી બહાર આવવાની જરૂર હતી ત્યારે આ સોસાયટીએ જ્ઞાાન-જ્યોત પ્રગટાવી હતી.

સોસાયટની કેટલાક જગવિખ્યાત ફેલો...

ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપનારા સર આઈઝેક ન્યુટન (૧૬૭૨)

યુરેનસ ગ્રહના શોધક વિલિયમ હર્ષલ (૧૭૮૨)

ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિન (૧૮૩૯)

ઈલેક્ટ્રોમેગ્નેટિઝમના સંશોધક માઈકલ ફેરાડે (૧૮૨૪)

પરમાણુ વિજ્ઞાાનના પિતામહ અર્નેસ્ટ રૂથરફોર્ડ (૧૯૦૩)

ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજન (૧૯૧૮)

સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનારા આલ્બર્ટ આઈન્સ્ટાઈન (૧૯૨૧)

ભારતના નોબેલ પારિતોષિક વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખર (૧૯૪૪)

ગણિત અને કમ્પ્યુટરના સિદ્ધાંતો આપનારા એલન ટયુરિંગ (૧૯૫૧)

વર્તમાન યુગના જગવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીવન હોકિંગ (૧૯૭૪)

Tags :